08 January, 2023 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન સાથે પસાર કરેલાં ૮ વર્ષ ખૂબ ખરાબ હતાં : સોમી અલી
સોમી અલીએ સલમાન ખાન સાથે પસાર કરેલાં ૮ વર્ષને ખૂબ ખરાબ ગણાવ્યાં છે. સોમીએ અગાઉ પણ સલમાન સાથે રિલેશન દરમ્યાન થયેલા કડવા અનુભવને શૅર કર્યા હતા. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી છોડ્યા બાદ તે સમાજસેવક બની ગઈ છે. સલમાન અને તેની વચ્ચે શું થયું હતું? એ વિશે પૂછવામાં આવતાં સોમીએ કહ્યું કે ‘તેની સાથે વિતાવેલાં ૮ વર્ષ મારા માટે ખૂબ પીડાદાયક હતાં. તે હંમેશાં મને કદરૂપી, સ્ટુપિડ અને મૂર્ખ કહીને અપમાનિત કરતો હતો. એક દિવસ પણ એવો પસાર નહોતો થતો જ્યારે તે મને અયોગ્ય અને બેકાર હોવાનો એહસાસ નહોતો કરાવતો. તેણે જાહેરમાં મને તેની ગર્લફ્રેન્ડ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને જ્યારે તેણે સ્વીકાર કર્યો ત્યારે તે મને તેના ફ્રેન્ડ્સની સામે સતત અપમાનિત કરતો હતો. બદનસીબી એ છે કે હું એ વાતથી અજાણ હતી કે તે મારો દુરુપયોગ કરી રહ્યો છે. હું એ અફેરની અંદર ભવિષ્ય શોધતી હતી. એ વાત કદી ન ભૂલવી જોઈએ કે સલમાન હોય કે અન્ય કોઈ હોય, એવું જરૂરી નથી કે જો તે તમારી સાથે સારું વર્તન કરતો હોય તો અન્ય સાથે પણ સારું વર્તન કરતો હશે. તેની સાથે મારે શાબ્દિક, સેક્સ્યુઅલ અને ફિઝિકલ અબ્યુઝમાંથી પસાર થવું પડ્યું હતું.’