17 January, 2025 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમીષા પટેલ
હૃતિક રોશન અને અમીષા પટેલની રોમૅન્ટિક ફિલ્મ ‘કહો ના... પ્યાર હૈ’ ૧૦ જાન્યુઆરીએ રીરિલીઝ થઈ છે. રાકેશ રોશન દ્વારા નિર્દેશિત ‘કહો ના... પ્યાર હૈ’ ૨૦૦૦ની ૧૪ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. હાલમાં જ અભિનેત્રી અમીષા પટેલે જણાવ્યું કે કેવી રીતે તેની પ્રથમ ફિલ્મ ‘કહો ના... પ્યાર હૈ’એ તેને અપાર લોકપ્રિયતા અપાવી હતી.
‘કહો ના...પ્યાર હૈ’ ફિલ્મને ૨૫ વર્ષ પૂરાં થયાં છે ત્યારે આ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી લેનારી અમીષા પટેલે જણાવ્યું હતું કે ફિલ્મની જબરદસ્ત સફળતા પછી તેનું જીવન બદલાઈ ગયું હતું. અમીષાએ જણાવ્યું કે આ સફળતા પછી તે જ્યારે બહાર જતી હતી ત્યારે દરેક જગ્યાએ લોકો તેને ઓળખી જતા હતા અને ચાહકોએ તો તેને લોહીમાં લખેલા પ્રેમપત્રો મોકલવાનું પણ શરૂ કર્યું હતું. અમીષા પટેલે ખુલાસો કર્યો હતો કે ‘હૃતિક અને મને બન્નેને ચાહકો તરફથી લગ્નના પ્રસ્તાવો મળ્યા હતા. તેઓ મંદિરોમાં અમારી તસવીરો સાથે લગ્ન કરતા. મને લોહીથી લખેલા પત્રો મળ્યા, જેમાં તેમનો પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો. એ ખૂબ જ ડરામણું હતું. લોકો મને ફૉલો કરતા હતા.’
આ ફિલ્મને મળેલી સફળતા પછી બદલાઈ ગયેલા જીવન વિશે અમીષાએ કહ્યું હતું કે આ ફિલ્મ વખતે રીલ અથવા સોશ્યલ મીડિયાનો કોઈ ખ્યાલ નહોતો, પણ આમ છતાં ચાહકોમાં આ ફિલ્મનો ક્રેઝ છવાઈ ગયો હતો.