14 December, 2024 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચનની ફાઈલ તસવીર
રાજ કપૂરની જન્મશતાબ્દીએ મહાનાયક અમિતાભ બચ્ચને પણ તેમને યાદ કર્યા છે એટલું જ નહીં, તેમણે રાજ કપૂર અને તેમના ઉમદા કાર્યને બિરદાવતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર લખી હતી. તેમણે રાજ કપૂરની ‘આવારા’ ફિલ્મ જોયાની યાદ તાજી કરી હતી અને સાથે જ ફિલ્મરસિયાઓને રાજ કપૂરની ફિલ્મો જે અત્યારે તેમના ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવાના છે એ થિયેટરમાં જઈને જોવા કહ્યું છે.
અમિતાભ બચ્ચને લાંબી પોસ્ટ લખતાં કહ્યું છે કે ‘ગ્રેટેસ્ટ શોમૅનની જન્મ શતાબ્દીની ઉજવણી કરીએ. આ ગ્રૅન્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં રાજ કપૂરની ૧૦ માઇલસ્ટોન ફિલ્મો દેશનાં ૪૦ શહેરોનાં ૧૩૫ થિયેટરોમાં દેખાડવામાં આવશે. હું બહુ ખુશ છું કે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને આર. કે. ફિલ્મ્સ સાથે મળીને રાજ કપૂરના એ વારસાને જીવંત રાખ્યો છે અને લોકો ફરીથી એ ફિલ્મો જોવાનો મોકો આપ્યો છે. તમે આ તક ન ગુમાવતા. નજીકનાં થિયેટરોમાં આ ફિલ્મો ૧૩થી ૧૫ ડિસેમ્બર સુધી દર્શાવવામાં આવશે.’
રાજ કપૂરની જન્મશતાબ્દી નિમિત્તે આયોજિત કરાયેલા ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની ૧૦ સૌથી લોકપ્રિય ફિલ્મો PVR આઇનૉક્સ અને સિનેપોલિસનાં થિયેટરોમાં ૧૩થી ૧૫ ડિસેમ્બર દરમ્યાન જોવા મળશે. એની ટિકિટ માત્ર ૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે.