કમાતા થયા પછી પણ પૈસા વાપરવા મમ્મીને જવાબ આપવા પડે છે

01 December, 2023 02:54 PM IST  |  Mumbai | Heena Patel

આવી હાલત બૉલીવુડના ઍક્ટર કાર્તિક આર્યનની છે. તે કહે છે, મારી મમ્મી જ મારા પૈસાનો વહીવટ કરે છે. મારા અકાઉન્ટમાં કેટલા પૈસા છે એ પણ મને ખબર નથી. મારે કંઈ પણ ખરીદવું હોય તો પહેલાં મારે મારી મમ્મીની પરમિશન લેવી પડે.

કાર્તિક આર્યન

શૅર્સ ખરીદવા હોય કે ઑનલાઇન શૉપિંગ, મમ્મીની પરવાનગી વિના ન જ થાય : અવનિ જોશી
મારી મમ્મી મને ફિક્સ બજેટ નક્કી કરીને આપે એટલે મારે એટલા પૈસામાં જ જે કરવું હોય એ કરવાનું એમ જણાવતાં મુલુંડમાં રહેતી ૨૮ વર્ષની આઇટી પ્રોફેશનલ અવનિ જોશી કહે છે, ‘મારે કપડાં, ઍક્સેસરીઝ, મેકઅપ કોઈ પણ વસ્તુ જોઈતી હોય અથવા તો બહાર ફ્રેન્ડ્સ સાથે ફરવા જવું હોય તો એ પહેલાં મમ્મીને પૂછવું પડે. એવું નથી કે મારી મમ્મી મને ના પાડે, પણ તેને જાણ કરવી જરૂરી છે. મારે શૅર્સ ખરીદવા હોય તો પણ મમ્મીને કહેવું પડે. તેને મારી વાત ગળે ઊતરે તો જ મને શૅર્સ ખરીદવા દે. મારા અકાઉન્ટમાં પૈસા હોવા છતા હું મનફાવે ત્યારે ઑનલાઇન શૉપિંગ કરી શકતી નથી. મારા ભાઈ નીરજને પણ હિસાબ આપવો પડે. મારી મમ્મી મારા ઘરની ફાઇનૅન્સ મિનિસ્ટર છે. હું દરરોજ ઑફિસ જાઉં ત્યારે મારી મમ્મી મને હાથમાં ટ્રાવેલિંગ અને 
નાસ્તાના સો રૂપિયા આપે છે. જે દિવસે વધુ પૈસા જોઈતા હોય એ દિવસે મમ્મીને રીઝન આપવું પડે. દર મહિને અમારી પાસબુક પ્રિન્ટ કરવાનું કામ પણ મમ્મી જ કરે. એટલે તેની પાસે દરેક એન્ટ્રીનો હિસાબ હોય. આમ તો બાળપણથી જ મમ્મીને બધું પૂછીને કરવાની આદત છે એટલે નોકરીમાં લાગ્યા પછી પણ તેમને પૂછીને બધું કરવામાં કંઈ વાંધો લાગતો નથી.’

ડેઇલીનો ખર્ચો મમ્મી પાસેથી માગીને લઉં : યશ કારાણી
ડોમ્બિવલીમાં રહેતો અને રિયલ એસ્ટેટમાં કામ કરતો ૨૫ વર્ષનો યશ કરાણી કહે છે, ‘મારી સૅલેરીમાંથી થોડો અમાઉન્ટ હું મારી પાસે રાખું, બાકીના બીજા પૈસા હું મારી મમ્મીને આપી દઉં છું. એ પછી ડેઇલી બેઝિસ પર જે ખર્ચા થાય એ માટેના પૈસા હું તેમની પાસેથી માગીને લઉં. મને શૂઝ કલેક્શનનો બહુ ક્રેઝ છે. એટલે દર બે-ત્રણ મહિને હું મારી સેવિંગમાંથી શૂઝ લઉં ત્યારે મમ્મીનું લેક્ચર આપવાનું ચાલુ થઈ જાય કે શું જરૂર હતી શૂઝ લેવાની? ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે? હજી ગયા વર્ષે જ મારાં મમ્મી-પપ્પાએ ૨૫મી મૅરેજ ઍનિવર્સરી સેલિબ્રેટ કરી. એટલે મેં તેમને એક સારીવાળી કપલ વૉચ ગિફ્ટમાં આપી. એ સમયે પણ મમ્મી મને વઢવા લાગી હતી કે આટલી મોંઘી ગિફ્ટ લેવાની શું જરૂર હતી. મને લાગે છે કે પેરન્ટ્સનો થોડો કન્ટ્રોલ હોવો સારી વાત છે નહીંતર આપણે બેફામ ખર્ચા કરતા થઈ જઈશું.’

મારી મમ્મી જ મારી ફાઇનૅન્શિયલ મૅનેજર : વિધિ નંદુ
આટલાં વર્ષોમાં મેં મારી મમ્મીને કેટલા પૈસા આપ્યા એનો મને કોઈ આઇડિયા નથી એમ જણાવતાં દહિસરમાં રહેતાં આર્ટિસ્ટ અને ડ્રૉઇંગ ટીચર વિધિ નંદુ કહે છે, ‘મારામાં પહેલાંથી જ પેઇન્ટિંગની એક કળા છે. એટલે હું ૧૧મા ધોરણમાં હતી ત્યારથી જ નાનાં બાળકોને ડ્રૉઇંગ શીખવાડવાનું શરૂ કરી દીધું હતું. એ સમયે જે પણ ફી આવે એ હું મમ્મીને હાથમાં પકડાવી દેતી. આજે તો હું ૨૮ વર્ષની થઈ ગઈ છું, પણ છતાં જે પણ કંઈ મારી કમાણી હોય એ હું મમ્મીને જ આપી દઉં છું. મારા પૈસા મારી મમ્મી જ સેવ કરે છે. મને લાગે છે કે તેમનાથી સારો ફાઇનૅન્શિયલ મૅનેજર મને મળી શકે નહીં, કારણ કે તે જે કંઈ કરે છે એ મારા બેટર ફ્યુચર માટે જ કરે છે.’

કમાઉં છું, પણ હજી પૉકેટ-મની જ મળે છે : જયશ્રી જૈન
મને હજી મારી મમ્મી પૉકેટ-મની આપે છે, મારે એમાંથી જ ખર્ચ કરવાનો હોય છે એમ જણાવતાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યૉરન્સમાં અસિસ્ટન્ટ મૅનેજર તરીકે કામ કરતી અને ઘાટકોપરમાં રહેતી ૨૮ વર્ષની જયશ્રી જૈન કહે છે, ‘આપણે ભલે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ મા-બાપ માટે હંમેશાં નાના જ રહેવાના. મારો ડેઇલીનો ટ્રાવેલિંગ અને ફૂડનો ખર્ચો તેમ જ ક્લોથ, ઍક્સેસરીઝ, શૂઝ જે પણ કંઈ ખરીદવું હોય એ પૉકેટ-મનીમાંથી જ કરવાનું હોય છે એટલું જ નહીં, એનો હિસાબ પણ મમ્મીને આપવાનો હોય છે. ઘણી વાર મોંઘી વસ્તુ લઈ લીધી હોય તો વઢ પણ ખાવી પડે. એક વાર હું ૧૭૦૦ રૂપિયાનું જીન્સ લઈને આવી ગઈ. જેવી મ્મીને એની પ્રાઇસ ખબર પડી કે મને વઢવા લાગી કે કમાતી થઈ ગઈ એટલે ખર્ચો પણ વધુ કરતી થઈ ગઈ છે. ઘણી વાર મોબાઇલ, લૅપટૉપ કે ગોલ્ડ જ્વેલરી ખરીદવી હોય તો વધુ પૈસાની જરૂર પડે તો ત્યારે મમ્મી એક્સ્ટ્રા પૈસા  પણ આપે છે. જોકે શરત એટલી કે એ ખરીદવા જતી વખતે મમ્મીને પણ સાથે લઈ જવી પડે. તેને મારી બાર્ગેનિંગ સ્કિલ પર જરાય ભરોસો નથી. તેને ડર લાગે કે હું ક્યાંક વધારે પૈસા આપીને ન આવી જાઉં. એક વાત તો સારી જ છે કે મમ્મીનો થોડો કન્ટ્રોલ હશે તો આપણે પણ ફાલતુ ખર્ચો કરતાં બચી જઈશું.’

સૅલેરીનો મોટો ભાગ મમ્મી-પપ્પાના અકાઉન્ટમાં જાય : યશ બારોટ
મારા અકાઉન્ટમાં જે સૅલેરી આવે એમાંથી મોટા ભાગની રકમ મારાં મમ્મી-પપ્પાના અકાઉન્ટમાં જાય છે. એટલે પછી ઘરખર્ચો એ બધું તેઓ હૅન્ડલ કરે એમ જણાવતાં કાંદિવલીમાં રહેતો ૨૩ વર્ષનો અસોસિયેટ ક્રીએટિવ ડિરેક્ટર પ્રોડ્યુસર યશ બારોટ કહે છે, ‘મારી પાસે જે અમાઉન્ટ હોય એ હું ઇમર્જન્સી માટે રાખું. બાકીનો જે ડેઇલી ખર્ચ હોય એ હું તેમની પાસેથી મેં જે પૈસા આપેલા છે એમાંથી માગું. હું અને મારા મોટાભાઈ જુગલ માટે મારા પપ્પાએ ઘરમાં આ સિસ્ટમ રાખી છે. ડેઇલી ખર્ચ સિવાય જો કંઈ ખરીદવું હોય તો એ માટે અમારે ઍડ્વાન્સમાં જ મમ્મી-પપ્પાને ઇન્ફૉર્મ કરવું પડે. જેમ કે મેં હજી થોડા સમય પહેલાં જ મારો પહેલો આઇફોન ખરીદ્યો. એટલે આઇફોન ખરીદવાના પૈસા હું છેલ્લા એક વર્ષથી સેવ કરી રહ્યો હતો. આ વિશે મેં મારા પપ્પાને પણ જાણ કરી હતી કે હું આઇફોન ખરીદવા માટે સેવિંગ કરી રહ્યો છું. મારે ઘરે જે પૈસા આપવાના હોય એ તો હું આપતો જ પણ એ સિવાયનો જે અમાઉન્ટ મારી પાસે હોય એમાંથી હું સેવિંગ કરતો. ઘણી વાર કોઈ વસ્તુ ખરીદવા માટે પૈસા ઓછા પડે તો અમે અમારા પપ્પા પાસેથી લોન પણ લઈએ. જેમ કે આઇફોન ખરીદવા ગયો ત્યારે થોડા પૈસા ઓછા પડતાં મેં મારા પપ્પા પાસેથી લોન લીધી હતી. આ બધી વસ્તુ પાછળનો પેરન્ટ્સનો ઉદ્દેશ એટલો જ હોય કે આપણે પૈસાની વૅલ્યુ સમજીએ અને મની મૅનેજમેન્ટ શીખીએ.’

 

columnists kartik aaryan