ચામાચીડિયું શેનાથી શાવર કરે છે ખબર છે તમને?

19 April, 2020 06:25 PM IST  |  Mumbai | Rashmin Shah

ચામાચીડિયું શેનાથી શાવર કરે છે ખબર છે તમને?

પ્રતિકાત્મક તસવીર

દરિયાના વર્જિન વૉટરથી અને જો એ ન મળે તો પોતાની સુસુથી નાહી લે છે. આંખો આંજી દે એવી લાઇફ-સાઇકલ ધરાવતાં આ ચામાચીડિયાંમાંથી કોરોના વાઇરસ મળ્યા પછી એ ધારણાને પુષ્ટિ મળી રહી છે કે આ મૅનમેડ વાઇરસ નથી પણ ચામાચીડિયાંમાંથી માનવ સમુદાયમાં ફેલાયો છે. આમ આખા માનવ સમુદાય પર કબજો કરી લેનારાં ચામાચીડિયાંને નજીકથી ઓળખવાં જેવાં છે

પહેલાં કૉબ્રા અને પછી ચામાચીડિયાંથી કોરોના વાઇરસ ફેલાયો એવી વાતો પુષ્કળ થયા પછી એવી થિયરી પણ વહેતી થઈ કે આ કોરોના વાઇરસ મૅનમેડ છે અને એ ચાઇનાની લૅબોરેટરીમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો. જૈવિક હથિયાર પર કામ કરી રહેલા ચાઇનાએ આ જૈવિક હથિયારની મદદથી વિશ્વની મહાન સત્તા બનવા માટેનું કાવતરું ઘડ્યું એવી ચર્ચા વચ્ચે ફરીથી ન્યુઝ આવે છે કે સાયન્ટિસ્ટોને ચામાચીડિયામાંથી કોરોના વાઇરસ મળ્યા છે. અફકોર્સ, આ દાવો ભારતીય વૈજ્ઞાનિકોનો છે અને ભારતીય ચામાચીડિયાંમાંથી કોરોના વાઇરસ મળ્યાનો દાવો થઈ રહ્યો છે પણ જૂજ સુધી એ વાત પહોંચી છે કે ચામાચીડિયાંમાં રહેલા કોરોના વાઇરસને લંડનના સાયન્ટિસ્ટ પણ શોધી ચૂક્યા છે અને અમેરિકન સાયન્ટિસ્ટ પણ એ શોધી ચૂક્યા છે. લંડનની ઝુઓલૉજિકલ સોસાયટીના પ્રોફેસર ઍન્ડ્રુ કનિંગહૅમના કહેવા મુજબ ચામાચીડિયું એકમાત્ર એવો જીવ છે જે પોતાના શરીરમાં અઢળક વાઇરસ રાખીને પણ સ્વસ્થ રીતે જીવી શકે છે. કોરોના વાઇરસથી થથરી ઊઠેલા લોકોના આ થથરાટમાં વધારો કરે એવી વાત ઝુઓલૉજિકલ સોસાયટી કરે છે. પ્રોફેસર ઍન્ડ્રુ કનિંગહામના કહેવા મુજબ કોરોના વાઇરસ એકથી વધારે પ્રકારના છે અને એ ચામાચીડિયાંમાં જોવામાં આવ્યાં છે.

ચામાચીડિયાં આ કોરોના વાઇરસ સાથે સહજ રીતે રહી શકે છે. કોરોના વાઇરસ ચામાચીડિયાંનું કશું બગાડી શકતો નથી. આટલું વાંચ્યા પછી જો તમારી આંખમાં અચરજ અંજાયું હોય તો જરા થોભો, અઢળક આશ્ચર્ય અને થોકબંધ વિસ્મય ધરાવે છે આ ચામાચીડિયાં.

આ ચામાચીડિયાંની નવાઈ પમાડે એવી પહેલી વાત એ છે કે એ નથી પક્ષી કે નથી પ્રાણી.       હા, આ હકીકત છે અને એટલે જ વન્ય જીવનના નિષ્ણાતો ચામાચીડિયાંની ગણતરી અર્ધપક્ષીઓમાં કરે છે. વાગોળની જાતના ગણાતાં આ નાનાં પ્રાણીઓની બે જાત છે, માંસાહારી અને શાકાહારી. માંસાહારી ચામાચીડિયાં જીવાત અને કટકથી માંડીને ઉંદર, ગરોળી જેવા નાના જીવ ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે તો શાકાહારી ચામાચીડિયાં ફળ અને પાંદડાંઓ પર આધારિત છે. ચામચીડિયાંને આપણે ત્યાં અશુભ માનવામાં આવે છે અને આવી માન્યતા પાછળ પણ વાજબી તર્ક વાપરવામાં આવ્યો છે. ચામાચીડિયાં નિશાચર છે. આ એક વાત ઉપરાંત ચામાચીડિયાં અવાવરુ જગ્યામાં રહેવાનું વધારે પસંદ કરતાં હોવાથી એવી ધારણા માંડવામાં આવી છે કે એ અશુભત્વને પ્રોત્સાહન આપનારું તત્ત્વ છે. ચામાચીડિયાં ઝાડ અને ખંડેર જેવી જગ્યાથી માંડીને બખોલ, ગુફા જેવી જગ્યામાં રહે છે. સંસ્કૃતમાં ચામાચીડિયાંને ‘ચર્મચટિકા’ કહેવામાં આવ્યાં છે. જૂનાગઢના જાણીતા ઇતિહાસવિદ્ હરીશ શાસ્ત્રી કહે છે, ‘ચામાચીડિયાંની એ તમામ જગ્યાએ હાજરી છે જ્યાં અશુભ કાર્યો થયાં છે. આ ઉપરાંત ચામાચીડિયાંનો ઉપયોગ અઘોરીઓ પણ પુષ્કળ કરતા હોવાથી અને મેલી વિદ્યામાં પણ ચામાચીડિયાંનો ઉપયોગ કરાતો હોવાથી એ અશુભકારક માનવામાં આવે છે.’

ચામાચીડિયાં અશુભકારક હશે કે નહીં એની કોઈ પુષ્ટિ નથી, પણ ચામાચીડિયાં કૃષિઉત્પાદનમાં અઢળક લાભદાયી છે એ હકીકત છે અને એટલે જ ચામાચીડિયાંની વિષ્ટાનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે. ચામાચીડિયાંએ ખાઈને એંઠો મૂકેલો ખોરાક પણ ખાતર તરીકે વપરાય છે. ચામાચીડિયાંની આદત છે, એ કોઈ ખોરાક પૂર્ણ રીતે ખાતું નથી. કેરીને અડધી ખાઈ મૂકી દેશે તો લીંબુ પણ અડધું ખાઈને ફેંકી દેશે. આ રીતે તરછોડાયેલા ફળનો જો બીજ તરીકે ઉપયોગ થાય તો એમાંથી થતો પાક ઉમદા સ્તરનો હોય છે એ પણ પુરવાર થઈ ચૂક્યું છે. ગુજરાત વનવિભાગના ભૂતપૂર્વ ફૉરેસ્ટ ઑફિસર પ્રદ્યુમનસિંહ ઝાલા કહે છે, ‘ચામાચીડિયાંની ૧૧૦૦થી વધારે જાતો છે જેમાંથી દોઢસો જેટલી જાત ઇન્ડિયામાં જોવા મળે છે. ભારતમાં જોવા મળતાં ચામાચીડિયાંમાં દોઢ ફુટની પાંખ ધરાવતાં ચામાચીડિયાં જોવા મળ્યાં છે પણ અમેરિકા, આફ્રિકાનાં જંગલમાં ત્રણથી ચાર ફુટની પહોળાઈ ધરાવતાં ચામાચીડિયાં પણ જોવા મળે છે જે સામાન્ય સંજોગોમાં માણસ પર હુમલો નથી કરતાં; પણ જો જીવનું જોખમ જણાય તો એ માણસને મારી શકવાને પણ સક્ષમ હોય છે. કદાચ આ જ કારણે ત્યાં ચામાચીડિયાંને વેમ્પાયર એટલે કે લોહી ચૂસતા જીવ તરીકે પણ ઓળખવામાં આવે છે.’

ચામાચીડિયાની ખાસિયત છે. એ માત્ર અને માત્ર દરિયાના પાણીમાં નહાય છે. બીજી ખાસિયત એ કે એ પાણી વર્જિન એટલે કે માણસે એનો સ્પર્શ ન કર્યો હોય એવું હોવું જોઈએ, જેને લીધે દરિયાની નજીકના વિસ્તારમાં રહેતાં ચામાચીડિયાંઓ નિયમિત સ્નાન કરે છે પણ દૂરના વિસ્તારમાં રહેતાં ચામાચીડિયાં સંભવતઃ આજીવન નાહ્યા વિના રહે છે. જેને નિયમિત નાહવા નથી મળતું એ ચામાચીડિયાં પોતાના શરીરને સ્વચ્છ રાખવા માટે ઝાડ પર ઊંધી લટકતી અવસ્થામાં જાત પર સુસુ કરે છે અને એ પાણીથી સ્નાન કરી લે છે. આ હકીકત છે. પાણી કે પછી સુસુની આ ખારાશ ચામાચીડિયાને એના શરીર પર રહેલા વાઇરસ સામે રક્ષણ આપે છે એવું લૉજિક હવે સાયન્ટિસ્ટો આગળ ધરે છે.

ફરી આવીએ શાવરની વાત પર. ચામાચીડિયાંનું આયુષ્ય પાંચથી સાત વર્ષનું છે. આ આયુષ્ય નક્કી પણ એની પાંખોના આધારે થાય. જેમ પાંખ મોટી એમ ચામાચીડિયાંનું આયુષ્ય નાનું. ઉંદર જેવું મોઢું ધરાવતું આ ચામાચીડિયું સંયુક્તમાં રહેવામાં માને છે. ખાસિયત એવી પણ છે કે એ જો એકલું પડી જાય તો થોડાં અઠવાડિયાંમાં એનું મોત થઈ જાય છે. સયુંક્તમાં રહેતાં ચામાચીડિયાંના બસ્સોથી ત્રણસોના ઝૂંડ સહજ રીતે જોવા મળે છે. ગીરના જંગલમાં પણ આ ઝુંડ જોવા મળે છે તો કચ્છમાં પણ ચામાચીડિયાંનાં ઝૂમખાંઓ જોવા મળે છે. ચામાચીડિયાંની ઊડવાની સ્ટ્રેંગ્થની વાત કરીએ તો વધુમાં વધુ ત્રીસ કિલોમીટર સુધી ઊડી શકે છે અને જમીનથી બે કિલોમીટરની ઊંચાઈ સુધી ઊડી શકે છે. ચામાચીડિયાંના આ ઝુંડમાં એ હદે તાકાત હોય છે કે એ ધારે તો એક આખા માણસને જમીનથી લઈને અધ્ધર ઊડી શકે છે.

કોરોના વાઇરસને માનવસમુદાયમાં પહોંચાડી દેનારાં આ ચામાચીડિયાં લાંબે સુધી જોઈ નથી શકતાં પણ એની ટૂંકી દૃષ્ટિ જબરદસ્ત સ્ટ્રૉન્ગ છે. નજીકનું તમે જે જોઈ શકો છો એનાથી એકસોગણું વધારે બારીક એ જોઈ શકે છે. ઉદાહરણ સાથે કહેવાનું હોય તો કહી શકાય કે હવામાં રહેલા જીવાણુઓને એ નરી આંખે જોઈ શકે છે અને એટલે જે માંસભક્ષી ચામાચીડિયાં છે એને મહિનાઓ સુધી કીટક કે ઉંદર જેવો ખોરાક ન મળે તો પણ એ હવામાંથી જીવાણુ ખાઈને પોતાને ટકાવી રાખે છે. જૈવિક શાસ્ત્રીઓ ચામાચીડિયાંને પર્યાવરણ રક્ષક તરીકે પણ જુએ છે. ચામાચીડિયું એક રાતમાં બારસોથી વધારે જીવાત ખાઈ શકે છે જે પાકથી માંડીને પર્યાવરણ માટે લાભદાયી છે. પૉલ્યુશનના કારણે હવામાં વધતા બૅક્ટેરિયા પણ એ જમી જતું હોવાથી ચામાચીડિયાંની વસ્તી વધારવા માટે થોડાં વર્ષો પહેલાં અમેરિકી સેનેટમાં મુદ્દો પણ રજૂ થયો હતો. જોકે એ મુદ્દાની ચર્ચા ફરી ક્યારેક કરીશું, અત્યારે વાત કરીએ ચામાચીડિયાંના દૈહિક બાંધાની. ચામાચીડિયાંના પગની માંસપેશી અત્યંત નાજુક હોવાથી એ પોતાના પર ઊભું નથી રહી શકતું, જ્યારે એના પગનાં હાડકાં અને પગની આંગળીઓ મજબૂત હોવાને લીધે એ ઝાડ પર આરામથી સોળથી વીસ કલાક લટકી શકે છે. ચામાચીડિયું ભાગ્યે જ બીમાર પડે છે. બાયોલૉજિસ્ટ નોરા ફર્ગ્યુસનના કહેવા મુજબ જીવવિજ્ઞાન પૉપ્યુલર થયું એ પછી એક પણ કિસ્સો એવો સામે નથી આવ્યો કે જેમાં ચામાચીડિયાંને સાચવવા માટે એની સારવાર કરવામાં આવી હોય. તમામ પ્રકારના વાઇરસને પોતાનામાં સાચવી શકવાની ક્ષમતાના આધારે જ આજ સુધી ચામાચીડિયાં ટક્યાં છે અને એ પછી પણ ઘટતી જતી ચામાચીડિયાંની વસ્તી પાછળ માનવ સમુદાય જવાબદાર છે. કપાઈ રહેલાં જંગલોના કારણે ચામાચીડિયાંનું અસ્તિત્વ જોખમમાં આવ્યું છે તો અંધશ્રદ્ધાના કારણે પણ એનું નિકંદન નીકળી રહ્યું છે. બાકી ચામાચીડિયાંને કુદરતે નક્કી કરેલી સાઇકલ સિવાય ભાગ્યે જ કોઈ બીમારી મારે છે. આ એક ખાસિયત ઉપરાંત ચામાચીડિયાંના શરીરની મહત્ત્વની બીજી ખાસિયત પણ જાણવા જેવી છે, કારણ કે એ ખાસિયતને લીધે કોરોના વાઇરસ માનવ સમુદાયમાં ફેલાયો હોવાની શક્યતા જોવામાં આવે છે.

ચામાચીડિયું જો જમીન પર પડ્યું હોય તો એ તરફડવા માંડે છે. તરફડી રહેલા ચામાચીડિયાને ફરીથી ઊભા થવા માટે કોઈ સપોર્ટની જરૂર પડે છે. જો એને સપોર્ટ ન મળે તો એ જમીન પર તરફડીને મરી જાય છે. આ ચામાચીડિયું જ્યારે તરફડતું હોય છે ત્યારે એના શરીરમાં રહેલા તમામ વાઇરસ ઉપરના સ્તર પર આવી જાય છે. જો એવા સમયે એને કોઈ અન્ય જીવ સ્પર્શ કરે કે એનું મારણ કરે તો એ તમામ વાઇરસ એ જીવના શરીરમાં ટ્રાન્સફર થાય છે. આ થિયરીને અત્યારે તમામ દેશ ગંભીરતાથી જોઈ રહ્યા છે અને અનુમાન માંડી રહ્યા છે કે ચામાચીડિયાંનું ભક્ષણ કરનારા ચીનમાં આ રીતે કોરોના વાઇરસ દાખલ થયો હોઈ શકે છે. આ સિવાયની પણ એક થિયરીને અનુમાન બનાવીને એના પર પણ ગંભીરતાથી કામ ચાલી રહ્યું છે, પણ વાત કોઈ પણ હોય અને થિયરી કોઈ પણ પ્રકારની વાપરવામાં આવતી હોય; હકીકત એટલી નક્કી કે હંમેશાં કોરાણે મુકાયેલા ચામાચીડિયા કોરોના વાઇરસના કારણે લાઇમલાઇટમાં આવી ગયા.

બૉક્સ ૧ઃ

બૅટમૅન બહુ ઓછો પૉપ્યુલર થયો

      ચામાચીડિયાં અચાનક જ લાઇમલાઇટમાં આવી ગયાં છે. સુપરહીરોમાં સુપરમૅનથી માંડીને આર્યનમૅન, ઍન્ટમૅન, સુપરગર્લ અને સ્પાઇડરમૅન જેવા અનેક સુપરહીરો આવ્યા પણ એ બધા વચ્ચે એક સુપરહીરો એવો પણ હતો જે આ ચામાચીડિયા જેવા ગુણો ધરાવતો હતો. બૅટમૅન. ઍનિમેશન ફિલ્મ્સના શોખીનો વચ્ચે સૌથી ઓછો પૉપ્યુલર થયેલો જો કોઈ સુપરહીરો હોય તો એ આ બૅટમૅન છે અને એ જ કારણે બૅટમૅનની ફિલ્મો પણ ઓછી બની છે. બૅટમૅનની જેમ જ બૅટ એટલે કે ચામાચીડિયાં સાથે પણ એવું જ હતું. ચામાચીડિયાં હંમેશા કોરાણે મુકાયેલા રહ્યાં અને જાણે કે એનો બદલો લઈ રહ્યાં હોય એવી રીતે આ ચામાચીડિયાંમાંથી માનવ સમુદાયમાં પ્રસરેલા કોરોનાએ તબાહી મચાવી દીધી છે.

ચામાચીડિયું, કોરોના વાઇરસ અને માનવ સમુદાય

ચામાચીડિયાંમાં રહેલો કોરોના વાઇરસ ચામાચીડિયાંમાંથી સીધો જ માનવમાં પ્રવેશ્યો હોય એવી એક થિયરી વાપરવામાં અવો છે તો બીજી એક થિયરી એ પણ મૂકવામાં આવે છે કે ચામાચીડિયાંની વિષ્ટા દ્વારા કોરોના વાઇરસ જમીન પર આવ્યો અને એ પેંગોલિન એટલે કે કીડીખાઉએ એ વિષ્ટામાં રહેલા કિટકનું જમણ કરતાં એ કિટકની સાથે કોરોના વાઇરસ પણ કીડીખાઉમાં દાખલ થયો. ચાઇનાના ઔષધશાસ્ત્રમાં કીડીખાઉનું મહત્ત્વ અદકેરું છે જેને લીધે એનો પુષ્કળ શિકાર થાય છે. શિકાર થયેલા કીડીખાઉના માંસમાંથી આ કોરોના વાઇરસ માનવ શરીરમાં આવ્યો. આ જ વાતની સાથોસાથ એવું પણ માનવામાં આવે છે કે ચામાચીડિયાનું ભક્ષણ કરનારા અજગરમાં એ વાઇરસ આવ્યો. અજગર સેક્સ લાઇફ પ્રજ્વલિત કરવાનું કામ કરતો હોવાની માન્યતા વચ્ચે ચાઇનામાં અજગરનો સૂપ પીવાની પરંપરા છે એટલે એ પરંપરાની પાછળ એ વાઇરસ પણ લોકોમાં દાખલ થયો અને પછી એણે પોતાનું કામ શરૂ કર્યું.

એવું અનુમાન માંડવામાં આવે છે કે ચામાચીડિયાંમાંથી માનવ શરીર સુધી પહોંચેલા આ કોરોના વાઇરસે વચ્ચેની પોતાની જર્ની દરમ્યાન પોતાના જિનેટિકમાં ફેરફાર કર્યો હોઈ શકે છે અને એટલે જ એને અત્યારે નાથવાનું કામ અઘરું થઈ રહ્યું છે. અન્યથા જેના શરીરમાં એ ટકી રહ્યા એ ચામાચીડિયામાંથી જ વૅક્સિન બનાવવાનું કામ પણ કરી શકાયું હોત પણ એવું નથી થઈ શક્યું જેની પાછળ આ બદલાયેલો જિનેટિક ફેરફાર છે. જાનવરમાંથી અગાઉ આવેલા ઇબોલા, એચઆઇવી, સાર્સ, સ્વાઇન ફ્લુ અને બર્ડ ફ્લુ જેવા વાઇરસના જિનેટિક બંધારણમાં ફેરફાર જોવા મળ્યા હતા પણ એ જિનેટિક બંધારણ સામાન્ય સ્તર પર હતા એટલે એને નાથવાનું કામ સહજ રીતે થઈ શક્યું; પણ આ વખતે એટલી સહજતા રહી નથી.

બૅટમૅન બહુ ઓછો પૉપ્યુલર થયો

ચામાચીડિયાં અચાનક જ લાઇમલાઇટમાં આવી ગયાં છે. સુપરહીરોમાં સુપરમૅનથી માંડીને આર્યનમૅન, ઍન્ટમૅન, સુપરગર્લ અને સ્પાઇડરમૅન જેવા અનેક સુપરહીરો આવ્યા પણ એ બધા વચ્ચે એક સુપરહીરો એવો પણ હતો જે આ ચામાચીડિયા જેવા ગુણો ધરાવતો હતો. બૅટમૅન. ઍનિમેશન ફિલ્મ્સના શોખીનો વચ્ચે સૌથી ઓછો પૉપ્યુલર થયેલો જો કોઈ સુપરહીરો હોય તો એ આ બૅટમૅન છે અને એ જ કારણે બૅટમૅનની ફિલ્મો પણ ઓછી બની છે. બૅટમૅનની જેમ જ બૅટ એટલે કે ચામાચીડિયાં સાથે પણ એવું જ હતું. ચામાચીડિયાં હંમેશા કોરાણે મુકાયેલા રહ્યાં અને જાણે કે એનો બદલો લઈ રહ્યાં હોય એવી રીતે આ ચામાચીડિયાંમાંથી માનવ સમુદાયમાં પ્રસરેલા કોરોનાએ તબાહી મચાવી દીધી છે.

coronavirus covid19 columnists Rashmin Shah