જીવનમાં સંસ્કારનો ઉદય ક્યારેય થાય?

30 March, 2024 01:07 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

સદ્બુદ્ધિનો વપરાશ શરૂ થાય એ ક્યારેય કોઈ કહી શક્યું નથી. બસ, તમારે પ્રયત્નો ચાલુ રાખવાના.

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ

૧૮ વર્ષની વયથી ૩૦ વર્ષની વયનાં યુવાન-યુવતીઓ માટેના એક વર્કશૉપનું આયોજન મારી નિશ્રામાં જાહેર થયું, જેનું નામ આપવામાં આવ્યું ‘એઇટીન પ્લસ’. આ વર્કશૉપનો સમય હતો સવારના ૯થી બપોરના ૩ સુધીનો. જગ્યાની મર્યાદા હોવાના કારણે સંખ્યા વધુમાં વધુ ૩૦૦ની જ યુવાન-યુવતીઓને લેવાની એવું પણ નક્કી થયું હતું.

એક ભાઈને આ વર્કશૉપના આયોજનની જાણ થઈ. પોતાના અને પોતાના ભાઈના પરિવારના કુલ છ છોકરાઓ આ જ વયના હતા. તે બાળકો જીવનમાં ક્યારેય કોઈ મુનિવરના પ્રવચનમાં તો ઠીક, પણ પરિચયમાં સુદ્ધાં નહોતાં આવ્યાં. એવું નહોતું કે તેઓ નાસ્તિક હતાં, એ પણ એટલું જ સાચું કે તેઓ આસ્તિક તો નહોતાં જ. પોતાના અને પોતાના ભાઈઓના છએ છ છોકરાઓ ‘વર્કશૉપ’માં આવે એવી તે ભાઈની તીવ્ર ઇચ્છા હતી અને એટલે તેમણે છએ છ છોકરાઓને બોલાવીને કહ્યું, ‘તમે બધાં આ વર્કશૉપમાં જઈ આવો એમ હું ઇચ્છું છું.’ 
‘મહારાજસાહેબ પાસે? અમને મહારાજસાહેબમાં કોઈ જ રસ નથી.’ લગભગ બધા જ છોકરાઓનો આ જ સૂર હતો.
‘તમે જે માગો એ આપવાની મારી તૈયારી છે...’ પેલા ભાઈએ છોકરાઓ સાથે તેમની ભાષામાં વાત શરૂ કરતાં કહ્યું, ‘તમારી જે ડિમાન્ડ હશે એ હું પૂરી કરીશ.’
‘પ્રૉમિસ?’

એકે પૂછ્યું, પેલા ભાઈએ હા પાડી કે તરત જ એક છોકરાએ માગ મૂકી દીધી, ‘ઍપલનો નવો ફોન આવ્યો છે એ જોઈએ છે...’
બીજા બધા છોકરાઓએ પણ એક ઝાટકે એ જ ડિમાન્ડને પકડી લીધી અને કહી દીધું, અમને બધાને પણ એ જ ફોન અપાવવાનો.
પૈસેટકે સુખી એટલે તે ભાઈને વધારે તો એવો વિચાર કરવાનો નહોતો, એવું કહું તો પણ ચાલે અને એવું કહું તો પણ ચાલે કે તેમના મનમાં હશે કે વર્કશૉપ પૂરો કર્યા પછી તે બધાં બાળકોને સમજાવી લેશે એટલે તેમણે સ્નેહ સાથે વાત કબૂલી લીધી અને કહી દીધું,
‘બધાને મોબાઇલ મળશે અને એ પણ શિબિર પૂરી થયાના એક જ વીકમાં.’
એક પળનોય વિલંબ કર્યા વિના છએ છ છોકરાઓ વર્કશૉપમાં આવ્યા અને એ પછી છોકરાઓમાં આવેલા પરિવર્તનની વાત કરતાં તે ભાઈ મને મળવા આવ્યા. મળવા આવ્યા ત્યારે વાત કરતાં તેમની આંખોમાં હર્ષનાં આંસુ હતાં.

‘ગુરુદેવ, મોબાઇલની વાત તો છોડો, છોકરાઓએ ટીવી જોવાનું પણ ઓછું કરી નાખ્યું છે. જમવા બેસતાં પહેલાં ગાયને ખવડાવવા જાય છે, સંધ્યા સમયે જ ભોજન કરી લે છે અને વેકેશનમાં સવારે ૯-૧૦ વાગ્યે ઊઠનારા છોકરાઓ હવે ૬ વાગ્યે તો પથારી સંકેલીને પૂજા માટે નીકળી ગયા હોય છે.’
જીવનમાં સંસ્કારનો ઉદય ક્યારેય થાય, ક્યારે સદ્બુદ્ધિનો વપરાશ શરૂ થાય એ ક્યારેય કોઈ કહી શક્યું નથી. બસ, તમારે પ્રયત્નો ચાલુ રાખવાના.

columnists gujarati mid-day jain community