પોતપોતાના ક્ષેત્રમાં વ્યસ્ત રહેતા યુવાનોને હવે જાણે જ્ઞાતિની જરૂરિયાત જ નથી

16 May, 2024 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેક્નૉલૉજીની હરણફાળે પણ સમાજજીવન પર અને એને કારણે સંસ્થાઓ પર ઘેરી અસર કરી છે

પ્રતીકાત્મક તસવીર

સંયુક્ત અવિભક્ત કુટુંબ-વ્યવસ્થા કેવી હોય એ સમજાવવું પડે એટલા આગળ આપણે નીકળી ગયા છીએ. ન્યુક્લિયર ફૅમિલી કે નાના કુટુંબમાં પણ હવે તો સિંગલ ચાઇલ્ડ (એક જ બાળક)ના ટ્રેન્ડને કારણે જીવન સ્વકેન્દ્રી બની ગયું છે. આવું જીવન જીવતા લોકોને મંડળોની, સંસ્થાઓની અને જ્ઞાતિની પણ અનિવાર્યતા રહી નથી. પોતાના ધંધા-વ્યવસાયમાં જ વ્યસ્ત રહેતો વર્ગ પોતાના એકદંડિયા મહેલમાં ખુશ છે. ઉચ્ચ શિક્ષણને કારણે આવકનો સ્તર પણ સામાન્યપણે ઊંચો ગયો છે. ધંધાનો વ્યાપ પણ ટેક્નૉલૉજીને કારણે વધ્યો છે. નોકરી-ધંધામાં પણ અવનવાં ક્ષેત્રો ઉમેરાયાં છે. સામાજિક દૃષ્ટિએ આવકાર્ય ગણાય એવી વાત જરૂર છે કે યુવકો રસોઈકળાને કારકિર્દી તરીકે અપનાવતા થયા છે તો સામે યુવતીઓ એકલપંડે ધંધા કરે છે અને કંપનીઓમાં નોકરી પણ કરે છે અને આ બધું હવે સહજસ્વીકાર્ય છે, પણ આડઅસર રીતે જ્ઞાતિની સંસ્થાઓને કાર્યકરોની ખોટ પડવા માંડી છે.

પોતપોતાના ક્ષેત્રમાં જ વ્યસ્ત રહેતા હોવાને કારણે જાણે જ્ઞાતિની જરૂરિયાત જ નથી રહી. જીવનસાથીની પસંદગી માટે પણ જ્ઞાતિની અનિવાર્યતા નથી રહી. માતાપિતાની આજ્ઞા લેવાની જરૂરિયાત નથી રહી. લગ્ન થાય એટલે જુદાં રહેવાનું હોય જ, એમાં આશ્ચર્ય પામવાનું ન હોય એટલી હદે કૌટુંબિક પ્રથામાં પરિવર્તન આવી ગયું છે. નોકરી-ધંધા કે વ્યવસાય કે ઉચ્ચ અભ્યાસ માટે ઘરથી દૂર, ગામ કે શહેરથી દૂર અને રાજ્ય કે દેશથી દૂર પણ જવું પડે છે એ બાબત સામાન્ય થઈ ગઈ છે, પણ આ ભૌગોલિક પરિબળની આડઅસર જ્ઞાતિપ્રથા અને લગ્નપ્રથા પર થઈ છે.

ટેક્નૉલૉજીની હરણફાળે પણ સમાજજીવન પર અને એને કારણે સંસ્થાઓ પર ઘેરી અસર કરી છે. નવયુવા વર્ગ ટેક્નૉસૅવી અને એક્સપર્ટ હોવાથી નાની ઉંમરે આર્થિક રીતે સધ્ધર રીતે થઈ જાય છે. કારકિર્દીને કેન્દ્રમાં રાખી જીવતો આ વર્ગ સમાજથી વિખૂટો પડતો જાય છે. હોશિયાર-ઇન્ટેલિજન્ટ છે પણ પોતાના ગ્રુપ્સ, ક્લબ્સ, જિમ્સ અને ડિજિટલ દુનિયામાં વ્યસ્ત નવી પેઢી એક પણ બંધન સ્વીકારવા તૈયાર નથી અને એને કારણે જ સંસ્થાકીય કાર્યક્રમોમાં યુવાવર્ગની ગેરહાજરી હોય છે જે હવે સામાન્ય રીતે સ્વીકાર્ય થઈ ગઈ છે. મારા પ્રમુખપદ હેઠળના કાર્યક્રમોમાં પણ મારાં સંતાનો હાજરી નથી આપતાં. આંતરજ્ઞાતીય લગ્નો, આંતરધર્મી લગ્નો, પૈતૃક વ્યવસાયથી દૂર જતી નવી પેઢી, આવકના વધતા સ્રોત, ટેક્નૉલૉજિકલ એક્સપર્ટીઝ વગેરેને કારણે સંસ્થાઓ તરફની અને સમાજ તરફની ઉદાસીનતા હૃદયને ડંખે છે.

અહેવાલ : યોગેશ શાહ

life and style columnists sex and relationships