તમામ પ્રકારની અરાજક અસરથી મુક્તિ જોઈતી હોય તો મા કાલરાત્રિની આરાધના કરો

21 October, 2023 04:59 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

તમે મા કાલરાત્રિનું વાહન જોઈને હેબતાઈ જાઓ એવું બની શકે. મા કાલરાત્રિનું વાહન ગર્દભ છે. ગર્દભને ગાજર ખવડાવો એ મા કાલરાત્રિને અત્યંત પ્રિય છે. આ ક્રિયાને તેમણે પોતાની આરાધના સમાન ગણાવી છે.

તમે મા કાલરાત્રિનું વાહન જોઈને હેબતાઈ જાઓ એવું બની શકે. મા કાલરાત્રિનું વાહન ગર્દભ છે. ગર્દભને ગાજર ખવડાવો એ મા કાલરાત્રિને અત્યંત પ્રિય છે. આ ક્રિયાને તેમણે પોતાની આરાધના સમાન ગણાવી છે.

મા સ્કંદનો મંત્રઃ
મંત્રો તો ઘણા છે, પણ હવે સંસ્કૃતના જ્ઞાનનો અભાવ હોવાથી ઉચ્ચારણમાં તકલીફ પડે એવું લાગે અને સૌથી સરળ મંત્રનું પઠન કરવું હોય તો ઓમ કાલરાત્ર્યૈ નમઃ સૌથી સરળ અને સર્વોત્તમ મંત્ર છે.

અસુરી શક્તિ અને અરાજકતા ફેલાવે એવી નજરથી રક્ષણ આપવાનું કામ મા કાલરાત્રિ કરે છે, પણ અફસોસ કે આપણે એને માત્ર નવરાત્રિના સાતમા નોરતે જ યાદ કરીએ છીએ.

નવ દુર્ગા પૈકીનું સાતમું સ્વરૂપ મા કાલરાત્રિ છે. નવેનવ દુર્ગામાં સૌથી સ્વભાવે જો કોઈ રૌદ્ર હોય તો એ મા કાલરાત્રિ છે. મા કાલરાત્રિનું રૂપ પણ અત્યંત ભયાનક છે. એવું કહેવાય છે કે અધૂરી અઘોર વિદ્યા સાથે જો કોઈ મા કાલરાત્રિને આહવાન કરે અને મા કાલરાત્રિ પ્રસન્ન થાય તો તેને જોનારો ચોક્કસ છળી મરે. મા કાલરાત્રિની એક ખાસ વાત નોંધવા જેવી છે. ભલે એ સ્વભાવે રૌદ્ર હોય, ભલે એનું રૂપ ભયાનક હોય, પણ માની આરાધના કરનારાને તે સર્વોચ્ચ પરિણામ આપે છે.

મા કાલરાત્રિનો સહસ્ત્રા ચક્રમાં હોય છે, જે બ્રહ્માંડની સમગ્ર અકળ સિદ્ધિઓ સાથે વ્યક્તિની ઓળખ કરાવવાનું કામ કરે છે.

નામ શું કામ કાલરાત્રિની?
સ્વાભાવિક રીતે જ તેમનું આ નામ તેમના રૂપને કારણે આવ્યું છે. મા કાલરાત્રિનું રૂપ કાળમીંઢ આકાશ જેટલું ઘેરા શ્યામ રંગનું છે. તેમના હાથમાં ખપ્પર હોય છે જેમાંથી સતત રક્ત વહેતું હોય છે. શાસ્ત્રોમાં જ્યાં પણ મા કાલરાત્રિનો ઉલ્લેખ થયો છે ત્યાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મા કાલરાત્રિ ભયાનક રૂપ સાથે જ કોઈની પણ સમક્ષ આવે છે. 

મા પાર્વતીનું સૌથી ભયાનક રૂપ જો કોઈ હોય તો એ મા કાલરાત્રિ છે. શુંભા અને નિશુંભા રાક્ષસના વધ માટે મા પાર્વતીએ કાલરાત્રિનું રૂપ ધારણ કર્યું હતું. શુંભા અને નિશુંભાને બે, ચાર કે આઠ-દસ નહીં, પણ ૧૦૧ વરદાન હતાં જેના આશરે એ લોકો દર વખતે બચી જતાં હતાં. મળેલાં એ વરદાનમાં એક વરદાન એ હતું કે તેમના એકેક રક્તબુંદમાંથી તેમનો જન્મ થતો રહેશે. આ જ કારણ હતું મા કાલરાત્રિએ બન્ને દાનવોના વધ પછી એ રાક્ષસોના શરીરના લોહીનું એક પણ ટીપું જમીન પર પડે નહીં એ માટે સીધું જ પોતાના મુખમાં લીધું હતું.

મા કાલરાત્રિ શું આપે?
ભયાનક રૂપ અને રૌદ્ર સ્વભાવ ધરાવતાં મા કાલરાત્રિ આપવાની બાબતમાં અત્યંત સૌમ્ય છે. સાધક પર આવેલી દરેક અકળ-વકળ આપત્તિ લેવાની ક્ષમતા મા કાલરાત્રિમાં છે. આ જ કારણે જ્યારે અઘોર વિદ્યામાં પણ મા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે ત્યારે અઘોર વિદ્યાનો ઉપયોગ થયો હોય એને મુક્તિ અપાવવા માટે પણ મા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે. મા કાલરાત્રિને પણ મોક્ષમાર્ગીય ગણવામાં આવે છે, પણ આ જે મોક્ષમાર્ગ છે એ અવગતે ગયેલા જીવ માટે મા કાલરાત્રિ ખોલે છે.

અસુરી શક્તિ અને અરાજકતાથી બચાવનારી મા કાલરાત્રિ ભયનાશક પણ છે. જો વ્યક્તિ કોઈ પણ બાબતથી ડરતું હોય તો તેણે મા કાલરાત્રિના જાપ કરવા જોઈએ. બહુ જૂજ લોકોને ખબર હશે કે જંગલમાં અઘોર વિદ્યા શીખવા જતા સાધુ-મહંતો મા કાલરાત્રિની ભક્તિ થકી જંગલી જાનવરોને પણ પોતાનાથી દૂર રાખે છે. 

મા કાલરાત્રિ અગ્નિ, જળ, જંતુ, શત્રુ અને અંધકાર પર રાજ કરે છે એટલે તેમની ભક્તિ કરનારા પણ આ તમામ બાબતોના ભયથી પર થાય છે.

navratri 2023 navratri festivals columnists