midday

ચકલીને ચણ ભૂલી ગયા?

23 March, 2025 04:34 PM IST  |  Mumbai | Hiten Anandpara

મહારાષ્ટ્રના સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે ચકલીઓ માટે ચલાવેલું વિશેષ અભિયાન હવે પચાસથી વધુ દેશોમાં વિસ્તર્યું છે. ભારતી ગડા આશાએશ પ્રગટ કરે છે...
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ. ૨૦૧૦માં નેચર ફોરેવર સોસાયટી ઑફ ઇન્ડિયા અને ઇકો SYS ઍક્શન ફાઉન્ડેશન (ફ્રાન્સ) દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે ચકલીઓ માટે ચલાવેલું વિશેષ અભિયાન હવે પચાસથી વધુ દેશોમાં વિસ્તર્યું છે. ભારતી ગડા આશાએશ પ્રગટ કરે છે...

એક ચકલીને ઘણીયે આશ છે

એક મુઠ્ઠી ચણ મળે એ ભાસ છે

એક માળો રૂ, સળી લઈ બાંધશું

કૈંક સૂકા પાનનો વિશ્વાસ છે

આ વિશ્વાસ ટકી રહેવો જોઈએ. અનેક સંસ્થાઓ ચકલીના સંરક્ષણ-સંવર્ધન માટે કાર્યરત છે. સ્પૅરોમૅન જગત કિનખાબવાલાના ‘સેવ ધ સ્પૅરો’ અભિયાન અંતર્ગત પચાસ હજારથી વધુ માળાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ચેન્નઈના કુડુગલ ટ્રસ્ટ દ્વારા શાળાનાં બાળકોને ચકલીના માળા બનાવવામાં સામેલ કરવામાં આવ્યા. ૨૦૨૦થી ૨૦૨૪ સુધીમાં આ ટ્રસ્ટે દસ હજારથી વધુ માળા બનાવ્યા અને ચકલીની સંખ્યામાં વધારો નોંધાયો છે. અતુલ દવે નાનકડા જીવ પ્રત્યેની સંવેદના નિરૂપે છે...

ધોમધખતા તાપમાં ચકલી ઘણુંયે ટળવળી’તી

જળ ભરેલું ઠીકરું જોયું જરા ને સળવળી’તી

હાશ! દરિયો હાથ લાગ્યો એમ માની ગળગળી’તી

ઘૂંટ બે પીધા પછી તો સહેજ એને કળ વળી’તી

રાજ્યસભાના સંસદસભ્ય બ્રિજલાલે ઘરમાં ચકલી માટે પચાસ માળા બનાવ્યા છે. પંખીઓને ખવડાવીને સંભાળ લેવામાં આવે છે. બ્રિજલાલ નાના હતા ત્યારે તેમની મમ્મી તેમને કહેતી કે કોઈ પણ મોસમ હોય, ચકલી ભૂખી ન રહેવી જોઈએ. આ શીખનો નક્કર અમલ રંગ લાવ્યો. ૨૦૧૧માં ચકા-ચકીની એક જોડી તેમના ઘરે આવી ત્યારથી માળાઓ બનાવવાની શરૂઆત થઈ. ભાવના ‘પ્રિયજન’નો શેર ચકલી પ્રત્યેની ભાવના વ્યક્ત કરે છે...

ધોમધખતા તાપમાં ટાઢક મળી છે

આજ ચકલી આંગણે પાછી ફરી છે

ઝાડી બખોલમાં માળો બનાવતી ઝાડ-ચકલી, પર્વતીય વિસ્તારોમાં રહીને પથ્થરની બખોલમાં માળો બનાવતી પથ્થર-ચકલી, યુરોપ અને એશિયાના ખુલ્લા પ્રદેશમાં જોવા મળતી સ્પૅનિશ ચકલી, ઊંચાઈએ રહેતી હિમ-ચકલી, આફ્રિકાના સૂકા પ્રદેશોમાં રહેતી વણકર ચકલી, સહરાના રણમાં અને અગ્નિ આફ્રિકામાં વસવાટ કરતી શલ્કી ચકલી વગેરે. શૈલેશ પંડ્યા ‘નિઃશેષ’ માનવસ્વભાવની વિષમતા સામે કુદરતની વિશાળતા મૂકે છે...

લઈને સુગંધ આજ એ આવ્યા છે મ્યાનમાં

રાખ્યાં હતાં ફૂલોને સતત જેણે બાનમાં

દિલમાં ભરીને પાંજરું લોકો ઊભા છે જ્યાં

દઈ દીધું આખું આભ ત્યાં ચકલીએ દાનમાં

અનેક પ્રકારના વિચિત્ર કારનામાઓ માટે પંકાયેલા ચીનમાં ૧૯૫૦ના અંતે લાખો ચકલીઓની હત્યાનું અભિયાન શરૂ થયું હતું. સરકારનું માનવું હતું કે ચકલીઓ ખેતરમાં દાણા ચણી જાય છે એટલે ફાલ ઓછો ઊતરે છે. આ કતલને કારણે થયું ઊલટું. જીવાતની સંખ્યામાં એટલો વધારો થયો કે પાકને ભારે નુકસાન થવા લાગ્યું ને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. એ પછી રશિયાથી ચકલીઓ આયાત કરવી પડી. અંકિતા મારુ ‘જીનલ’ ચકલીની વેદના આલેખે છે...

બતાવશો જો ઓળખ, પ્રવેશ તો જ મળશે

પ્રથાઓ માનવીની, ન ફાવતી ચકીને

ન આવું હું ફરીથી, આ માણસોના ઘરમાં

કહીને એમ ચકલી, ઊડી ગઈ રડીને

ચકલીઓ ઓછા થવાના કારણમાં શહેરીકરણ, ઘટી રહેલી હરિયાળી ઉપરાંત એક મોટું કારણ બહાર આવ્યું છે મોબાઇલ ટાવરથી થતા રેડિયેશનનું. સામાન્યરીતે ૧૨થી ૧૫ દિવસમાં ઈંડામાંથી બહાર આવતું ચકલીનું બચ્ચું મોબાઇલ ટાવરની નજીક હોય તો બહાર આવવામાં એક મહિનાનો સમય લે છે. ડૉ. ઇમ્તિયાઝ મોદી ‘મુસવ્વિર’ની વાત કડવી લાગશે કારણ હકીકત વરવી છે...

છાપરાં તોડીને જ્યારે ધાબાં પાકાં થઈ ગયાં

જાણે ટ્‍વિટરને ત્યજીને એક્સ ભેગા લઈ ગયા

જેમની સાથે વિતાવ્યું’તું રમીને બાળપણ

હાં, એ ચકલી ને ચકો બસ વારતામાં રહી ગયા

કુદરતના સાંનિધ્ય માટે તરસતા આપણે, સગવડો મેળવવા કુદરતથી દૂર થતાં શીખી ગયા છીએ. પંખી અનેે આપણી દુનિયા જુદી છે. ડૉ. પ્રણય વાઘેલા આ અલગતા સમજાવે છે...

તમને લાગે થડિયાં-મૂળિયાં, ડાળો, પાંદ

એક ચકલીને માટે તો એ દુનિયા છે

લાસ્ટ લાઇન

વિહરતી રહેતી સદા ડાળે ચકલી

પછી થાકી વિશ્રામ લ્યે માળે ચકલી

            લઈ ચાંચે કૂવામાં અજવાસ ભરતી

            ભીના પાંખે વર્ષાને પંપાળે ચકલી

હવામાં એ રંગોળી પીંછાથી કરતી

ધરા ચૂમી આકાશ સંભાળે ચકલી

            કિરણ સંગ ગુંજન કરે બારી પડખે

            સદા બારણે આવવું ટાળે ચકલી

હતું બાળપણ મારું ફળિયું ને ચકલી

હજુ વાટે બેઠી છે ત્યાં તાળે ચકલી

            અહીં શબ્દ રંગોથી ભરપૂર છે સંજય

            ગઝલ કાજ જે લાગણી ચાળે ચકલી

- સંજયસિંહ જાડેજા

maharashtra maharshtra news news columnists gujarati mid-day hiten anandpara mumbai