10 April, 2023 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિજ્ઞા દરજી તેની બહેન તૃિપ્ત અને ભાઈ સાથે.
આપણી સૌથી પહેલી મૈત્રી આપણા સહોદર ભાઈ કે બહેન સાથે થાય છે. નાની-નાની વાતે ભલે અંદરોઅંદર લડાઈ ચાલતી હોય, પણ જ્યારે બેમાંથી કોઈ પર મુસીબત આવે ત્યારે કપરામાં કપરી પરિસ્થિતિ સામે સાથે મળીને લડવાની હિંમત અને હૂંફ આપે એ છે ભાઈભાંડુઓનો ખરો પ્રેમ. આજે મળીએ એવાં ભાંડરડાંઓને જેઓ એકમેક માટે ખરેખર જાન ન્યોછાવર કરી દેતાં પણ અચકાય એમ નથી
એક સમય હતો જ્યારે જૉઇન્ટ ફૅમિલીમાં રહેતા પરિવારોમાં કાકા-બાપાનાં ભાઈભાંડુઓ સાથે જ મોટાં થતાં, પણ આજના ન્યુક્લિયર ફૅમિલીના જમાનામાં નવી પેઢી એ સુખથી વંચિત જ રહી ગઈ છે. જોકે એને કારણે સહોદર ભાઈ-બહેન જ આપણા માટે સૌથી ગાઢ મિત્ર બની જાય છે. એવું કહેવાય છે કે મોટા થયા પછી અને ખાસ તો લગ્ન કરીને પોતપોતાની અલગ દુનિયા વસાવી લીધા પછી ભાંડરડાંઓ વચ્ચેનું બૉન્ડિંગ ઘટી જાય છે, પણ જો નાતો દિલનો હોય તો આ જ ભાઈભાંડુઓ એકમેકની હિંમત બની શકે છે. આજે વર્લ્ડ સિબલિંગ ડેની ઉજવણીના ભાગરૂપે કેટલાંક એવાં ભાઈ-બહેનોની વાત કરીશું જેઓ ભાંડરડાંઓ વચ્ચેના પ્રેમની મિસાલ બની શકે એવાં છે.
ભાઈએ નવજીવન આપ્યું
બોરીવલીમાં રહેતાં ૫૩ વર્ષનાં ચારુબહેન પટેલ ડાયાબિટીઝના દરદી હતાં અને એને કારણે કિડનીની તકલીફ હતી. હાથ-પગ પર સોજા અને યુરિન થવામાં મુશ્કેલી અપરંપાર. બન્ને કિડનીઓ પચાસ ટકા પણ માંડ કામ કરતી હતી. એક તબક્કે તો વીકમાં ચાર વાર ડાયાલિસિસ કરાવ્યા પછી જીવવાની આશા છૂટી ગયેલી. ચારુબહેન કહે છે, ‘મને આશા નહોતી કે હવે હું જીવી શકીશ. ડૉક્ટરે કહેલું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ એક જ વિકલ્પ છે. મારી આ બીમારીની મારા કાકાની દીકરીને ખબર પડી. તેમણે મારા મોટા પપ્પાના દીકરા અશોકભાઈને વાત કરી. તેમણે મને હિંમત આપી. તેમણે જ સામેથી કહ્યું કે જો આપણા બ્લડ રિપોર્ટ મૅચ થઈ જતા હોય તો હું મારી કિડની તને આપવા તૈયાર છું. મનમાં પહેલાં તો મને બહુ ખચકાટ હતો, પણ તેમણે મને પ્રેમ અને હકથી હુકમ કર્યો કે બ્લડ ટેસ્ટ અને બાકીના રિપોર્ટ કરાવી લે. તેમણે એક વાર પણ વિચાર્યું નહોતું કે કિડની આપ્યા બાદ તેમને કંઈ થશે તો શું? મારા વડોદરા રહેતાં ભરતભાઈ અને ગાયત્રીભાભીએ મને બરોડા તેડાવી લીધી અને ત્યાં જ છ મહિના પહેલાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી થઈ. આજે હવે ડાયાલિસિસની જરૂર નથી પડતી, વધારાના ઑક્સિજનની પણ જરૂર નથી. મારી જિંદગી લગભગ પહેલાં જેવી થઈ ગઈ. અશોકભાઈની પણ હવે તો સરસ રિકવરી થઈ ગઈ. દીકરા અમિત અને વહુ ઝલકે લગ્નનો ખર્ચો ટાળીને આ ઑપરેશન પાર પડાવ્યું.’
જીવનના આ કઠિન સંજોગોમાં ચારુબહેન પોતાને નવી જિંદગી મળી એ માટે તેમના ભાઈઓ અશોક, તેજસ, ભરત અને તેમના સમગ્ર પરિવાર માટે ઊંડો ઋણાનુબંધ અનુભવી રહ્યાં છે. તેઓ કહે છે, ‘બધા ભલે પોતપોતાની લાઇફમાં બિઝી હોય, પરંતુ ભાઈબહેનો વચ્ચે એક બૉન્ડિંગ હોય તો એકબીજાનાં સુખદુઃખમાં ખૂબ સહારો મળે છે.’
ચારુ પટેલ પતિ સાથે (જમણે) અને તેમને કિડની આપીને નવજીવન આપનારા અશોકભાઈ (ડાબે).
રામ-લક્ષ્મણની જોડી
કળિયુગમાં પણ રામ-લક્ષ્મણની જોડી જેવા ભાઈઓ, મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરવું, તેમનો આદર કરવો અને સાથે રહેવું આજે પણ શક્ય છે એ મહેશ ખત્રી અને વિરલ ખત્રીની જોડી જોઈને કહી શકાય. આ ભાઈઓ વચ્ચે ૧૪ વર્ષનું અંતર છે. ખારઘરમાં રહેતા ૩૮ વર્ષના વિરલ ખત્રી કહે છે, ‘મારા મોટાભાઈ મહેશ ખત્રી મારા માટે પિતા સમાન છે. મારા પિતાની ઉંમર થઈ હોવાથી મારા મોટાભાઈએ જ મારું ભરણપોષણ કર્યું છે. હું ભુજમાં રહેતો હતો અને મારા મોટાભાઈ મુંબઈમાં રહેતા હતા. નવ વર્ષનો હતો ત્યારથી હું મુંબઈ મોટાભાઈ પાસે રહ્યો છું. મારા ભણતરની રિસ્પૉન્સિબિલિટી મારા મોટાભાઈએ લીધી હતી. તેમનાં લગ્ન બાદ પણ હજી સુધી અમે બધા સાથે જૉઇન્ટ ફૅમિલીમાં રહીએ છીએ.’
આ પણ વાંચો : ખુદ કી ખોજ કવિતા મેં
વિરલભાઈ કહે છે આગળ કહે છે, ‘હું ભુજ રહેતો હતો ત્યારે પણ તેઓ મારું બહુ ધ્યાન રાખતા. મુંબઈ આવી ગયો એ પછી પણ જવાબદારીઓને કારણે ભાઈ જૉબ ઉપર જતા એટલે મળવાનું ખૂબ ઓછું થતું હતું, પરંતુ રાત્રે આવીને એક પપ્પાની જેમ રાખતા. તેમનાં લગ્ન હર્ષિતાભાભી સાથે થયાં એ પછી ભાભીએ પણ દિયર નહીં, દીકરાની જેમ મારી કાળજી અને જવાબદારી લઈ લીધી. મોટાભાઈએ મને કરીઅરમાં પણ થાળે પાડ્યો. ભાઈ પાસે રવિવારના દિવસે કામ કરવા જતો. પછી ધીરે-ધીરે ક્લાયન્ટ વધતાં બે દિવસ જવા લાગ્યો. એમ કરીને ધીરે-ધીરે પોતાનો પૂર્ણ બિઝનેસ ઊભો કર્યો. મોટાભાઈ પાસે અકાઉન્ટનું નૉલેજ હતું અને હું ટૅક્સનું શીખ્યો. આમ બંનેનું કૉમ્બિનેશન કરીને ટૅક્સ કન્સલ્ટન્સીનું કામ ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ.’
મહેશ ખત્રી અને વિરલ ખત્રી
મજાની વાત એ છે કે મારા આ ભાઈને હું પપ્પા કહેતો હતો, આજે તેમની બંને ડૉટર મને પપ્પા કહે છે એમ જણાવતાં વિરલભાઈ કહે છે, ‘ભાઈની બંને દીકરીઓનું એજ્યુકેશન મેં સંભાળ્યું. દીકરીઓનાં સીક્રેટ પણ મારી પાસે જ હોય. અમે અમારા ઘરમાં બધાના ડિસિઝન લેવાના રાઇટ્સ અને રિસ્પૉન્સિબિલિટીઝ આપસમાં વહેંચી લીધાં છે. એકબીજા પ્રત્યે કૃતજ્ઞતાભાવ હોવો ખૂબ જ જરૂરી છે. હું મારા મોટાભાઈને જોઈને બધું શીખ્યો. તેમણે જેમ સંબંધો નિભાવ્યા તેમ હું પણ એ રીતે જ નિભાવું છું. ધીરે-ધીરે અમે આ સંસ્કાર સાથે અપગ્રેડ થતા ગયા અને પ્રગતિ કરી અને નાના ઘરમાંથી ૩ બીએચકેના ફ્લૅટ સુધી પહોંચ્યા. અમે સઘળાં સુખસુવિધાઓ વસાવ્યાં.’
દુઃખમાં દોડી આવે એ જ...
દરરોજ સાથે રમતાં, જમતાં, ઝઘડતાં છતાં એકબીજા વગર ચાલતું નહીં. મોટાં થયાં એટલે બધાંનું પોતપોતાના સંસારમાં અલગ જીવન શરૂ થયું પણ જ્યારે મુસીબત આવે છે ત્યારે આ જ ભાઈ અને બહેન સાથ આપે છે એવું જણાવતાં મીરા રોડનાં ૩૯ વર્ષનાં જિજ્ઞા દરજી કહે છે, ‘અમે ત્રણ બહેન અને એક ભાઈ એમ ચાર ભાંડરડાં છીએ. મારાં લગ્ન થયાં અને ભાડાના ઘરમાં અમે રહેતાં હતાં. એક વખત પગમાં સાપ કરડ્યો હતો એટલે હું જીવીશ કે નહીં એની કોઈ ગૅરન્ટી નહોતી. હું આઇસીયુમાં હતી ત્યારે મારી બહેન તૃપ્તિએ મારા માટે ત્રણ દિવસ સુધી નિર્જળા વ્રતની માનતા રાખી હતી અને મને હોશ આવ્યા બાદ તેણે પાણી પીધું હતું. મારા ઘરના બધાએ મને ખૂબ સારો સપોર્ટ આપ્યો જેથી હું આજે જીવતી છું. હું હૉસ્પિટલમાં જ હતી ત્યારે મને દવા પીવડાવતી વખતે મારા હસબન્ડને અચાનક પૅરેલિસિસનો અટૅક આવ્યો હતો. એના લીધે તેમના મગજની નસ ફાટી ગઈ હતી. તેમનું ઑપરેશન કરાવડાવ્યું અને પાંચ દિવસ તે વેન્ટિલેટર પર હતા અને પાંચ દિવસ પછી તે ગુજરી ગયા. પરંતુ મારા હસબન્ડના ઑપરેશનના ખર્ચા માટે મારી બહેન તૃપ્તિએ ખૂબ જ મહેનત કરી હતી. તે પોતે પણ આર્થિક રીતે પાતળી સ્થિતિ ધરાવે છે, પરંતુ તેણે મારા માટે દિવસ-રાત એક કરીને પૈસા ભેગા કરવા ખૂબ મહેનત કરી હતી.’
બનેવીને બચાવવા માટે આર્થિક રીતે પોતે સધ્ધર ન હોવા છતાં આર્થિક મદદ કઈ રીતે ઊભી કરી એ માટે બહેન તૃપ્તિ કહે છે, ‘મને ખબર છે કે હું પોતે એટલી આર્થિક રીતે મજબૂત સ્થિતિ નથી ધરાવતી, પણ હું મારા બનેવીને બચાવવા માટે કંઈ પણ કરવા તૈયાર હતી. જ્યારે તેઓ હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા ત્યારે મેં મદદ માગવામાં કોઈ નાનમ ન અનુભવી. અમારા સમાજના લોકો , ફ્રેન્ડ સર્કલ અને અનેક સંસ્થાઓ પાસે જઈને મદદ માગી હતી. લોકોએ મને સો રૂપિયાથી લઈ પાંચ હજારની મદદ કરી. એ બધી રકમ ભેગી કરીને મેં પોણાબે લાખ જેટલા રૂપિયા ભેગા કર્યા હતા, જેનાથી સારવાર શક્ય બની. જોકે તેમનો જીવ બચી ન શક્યો એનું દુઃખ ખૂબ છે.’
બધું જ કર્યા પછી પણ જ્યારે પતિને બચાવી ન શકાયા ત્યારે થોડાક સમય માટે હતાશ થઈ ગયેલી જિજ્ઞા કહે છે, ‘પતિનો સાથ છૂટ્યા પછી મારું અને મારા દીકરાનું શું થશે એવી ચિંતા મનમાં કોરી ખાતી હતી, પણ મારો ભાઈ મારી સૌથી મોટી હિંમત બન્યો. મને કહે, તું શું કરવા ડરે છે, હું છુંને તને સંભાળવા માટે. આ તારું જ ઘર છે. હું આજે મારા ભાઈના ઘરે રહું છું. ભાઈ-બહેનોના સપોર્ટથી આજે આટલા મોટા દુઃખમાંથી બહાર નીકળી શકી છું. મેં જ્યારે જૉબ કરવાની વાત કરી ત્યારે મારા ભાઈએ મને ચોખ્ખી ના પાડી દીધી કે હું છુંને. અને તારે જૉબ કરવી હોય તો તારા દીકરાના દસમા ધોરણ પછી કરજે.’
જ્યારે પણ ભાઈબહેનોના પ્રેમની આવી કહાણીઓ જાણીએ ત્યારે જરૂર થાય કે બધાને આવાં ભાંડરડાં દેજો પ્રભુ!