ખુદ કી ખોજ કવિતા મેં

21 March, 2023 05:06 PM IST  |  Mumbai | Bhavini Lodaya

સ્ત્રી અને કવિતા એકમેકના મિત્રો છે. આજે વિશ્વ કવિતા દિનની ઉજવણીરૂપે આપ સૌને આવી જ કવયિત્રીઓનો પરિચય કરાવીશું

પ્રતીકાત્મક તસવીર

લાગણી, ભાવના, સંવેદનાની અનુભૂતિના રંગોથી ભરેલા શબ્દોની છબિ એટલે કવિતા. એમાં પણ સ્ત્રીઓ માટે તો અભિવ્યક્તિનું આ સહજ માધ્યમ છે જેના દ્વારા તે પોતાની ભીતર સમાયેલી લાગણીને વાચા આપતી હોય છે અને મન હળવું કરતી હોય છે. સ્ત્રી અને કવિતા એકમેકના મિત્રો છે. આજે વિશ્વ કવિતા દિનની ઉજવણીરૂપે આપ સૌને આવી જ કવયિત્રીઓનો પરિચય કરાવીશું

કવિતા જે લખે છે તે પોતાની ભાવનાઓમાં જીવતું હોય છે અને તે લોકો સાથે બહુ જલદીથી જોડાઈ જાય છે. કવિતા એટલે ભાવનાઓ સાથે જોડાયેલું સંગીત. ભલે પાત્રતા બદલતી જાય, પણ એ રીતે જીવે છે એમ કહેનાર મુલુંડની ૨૯ વર્ષની પ્રિયંકા પંડ્યા જણાવે છે કે ‘હું છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી લખું છું. ધીરે-ધીરે મને સમજાતું ગયું કે લખાણ કઈ રીતે થાય. પછી જે દેખાય એના પર લખતી જેમ કે પેન, પેન્સિલ, આઝાદી, ટ્રાફિક, પપ્પા આપણી ચિંતા કેમ નથી કરતા? એવું ઘણું લખ્યું. મોટી થઈ એ પછી હું માઇક્રોસૉફ્ટ કંપનીમાં ટેક્નિકલ એન્જિનિયર હતી.

પ્રિયંકા પંડ્યા

કૉર્પોરેટ લાઇનમાં કામ કરતી વખતે મારો લખવાનો શોખ સ્ટૉપ કરી દીધો હતો. સાડાચાર વર્ષ સુધી મેં કંઈ જ લખ્યું નહોતું, પણ કોરોનાકાળમાં ફરી લખવાનું શરૂ કર્યું અને પછી નક્કી કર્યું કે મને સંતોષ મળે એવું જ કામ કરવું છે. ‘અય જિંદગી ઇતના ભી ઇમ્તિહાન મત લે, જહાં ખ્વાબ તો પૂરે હોંગે લેકિન ખ્વાહિશેં મર જાએગી...’  એટલે એ જૉબ મેં છોડી દીધી. હાલમાં હું ડિજિટલ માર્કેટિંગમાં વેબસાઇટ બનાવવી, કન્ટેન્ટ રાઇટિંગ કરવી, સોશ્યલ મીડિયા મૅનેજમેન્ટ જેવાં કામ કરું છું. કવિતાઓ કરવી એ પૈસા કમાવા માટેનો શોખ નથી, પણ સાથે-સાથે લોકોને જે સર્વિસ આપું છું એ પણ ફ્રીમાં જ આપું છું. મારી જૉબની પા ભાગની સૅલેરી જેટલું હું કમાઉં છું, પણ આ કામ કરવાથી દિલથી મને ખુશી અને સંતોષ મળે છે.’

દરેક સંબંધ આશિકી છે અને એમાં તમને દર્દ મળે અને હંમેશાં રૂઠેલી જ હોય એટલે મેં વ્લૉગનું નામ ‘રૂઠા આશિક’ રાખ્યું છે એમ કહીને પ્રિયંકા કબૂલે છે કે ‘ઇન ફૅક્ટ, મેં ખૂબ સેડ શાયરીઓ લખી છે એટલે આમ તો મારું નામ તો અન-ફોલ્ડિંગ ઇમોશન તરીકે રાખેલું, વ્લૉગ બનાવતી વખતે જ્યારે મેં મારા ફ્રેન્ડ સાથે ચર્ચા કરી ત્યારે તેણે કહ્યું કે ‘હું સેડ શાયરી લખતો નથી, પણ હર એક સંબંધ હર એક ભાવનાના આશિક છે. તમે જે લખો છો એ દરેક આશિકી રૂઠી જ હોય છે એટલે હવેથી રૂઠા આશિક હું છું. સ્ત્રી તત્ત્વને સમજવા-સમજાવવા માટે મેં લખવાનું સ્ટાર્ટ કર્યું છે જે બુકનું નામ આપ્યું છે ‘ફેમિનિઝમ ટુ વુમન હુડ.’

ચોપડી મારી પહેલી ફ્રેન્ડ 

અલ્પા વસા 

સ્કૂલમાં હતી ત્યારથી જ લેખન, વક્તૃત્વ સ્પર્ધા કે ડિબેટ હોય કે કોઈ પણ ચર્ચા હોય એમાં હું ભાગ લેતી અને મને લોકો વગર ભણેલી વકીલ કહેતાં એમ જણાવતાં પરેલનાં ૬૪ વર્ષનાં અલ્પા વીરેન્દ્ર વસા કહે છે, ‘બાળપણથી વાંચનને લીધે હું સારા નિબંધ લખતી થઈ. ધીરે-ધીરે શબ્દોને શણગારતાં અને મઠારતાં શીખી ગઈ. ત્યાર બાદ કૉલેજના ત્રીજા વર્ષમાં મારાં લગ્ન થયાં. એ પછી એ શોખ પારિવારિક જીવનમાં અટકી ગયો, પણ લગ્નપ્રસંગો થતા એમાં સંગીત સંધ્યાનું કમ્પેરિંગ હું કરતી અને ફરી પાછું ૨૦૧૧થી લખવાનું સ્ટાર્ટ કર્યું. ‘કાવ્ય અલ્પ’ અને ‘વાર્તા અલ્પ’ નામના મારા પુસ્તકને અવૉર્ડ પણ મળ્યા છે. કોરોનામાં હું પિંગળશાસ્ત્ર ભણી. હાલમાં હું ગઝલ લખું છું. મારા આત્માની કસરત એટલે મારું ધાર્મિક ભણતર, મનની કસરત એટલે 
ગુજરાતી લખું છું અને એ મને માનસિક સંતોષ આપે છે તથા શારીરિક કસરત એટલે મારું રેગ્યુલર જિમ વૉક ચાલું છું. લાગણીઓ વ્યક્ત કરવા માટે કવિતા એક સહજ માધ્યમ છે. ઘણી વખત આપણને કંઈ જ સૂઝતું ન હોય, પણ આનાથી આપણે કાંઈક નવું ક્રીએશન કરી શકીએ એવી સમજ નથી હોતી.’ 

‘થેરપી’ અને ‘રેમેડી’

લખવાનો તો નાનપણથી જ શોખ હતો. કૉલેજ સુધી નાનાં-નાનાં કાવ્યો લખતી, પણ પહેલાં હું ફક્ત પોતાને માટે જ લખતી હતી. જૉઇન્ટ ફૅમિલીને લીધે અને બાળકો નાનાં હોવાને લીધે સમય જ નહોતો મળતો, એમ કહેનાર ગોરેગામનાં ૪૨ વર્ષનાં અનીતા ભાનુશાલી કહે છે કે ‘છોકરાં મોટાં થયાં એટલે મને થોડો ટાઇમ મળવા લાગ્યો. મારી એક ફ્રેન્ડ છે. ઘણી વખત આપણને થોડા મોટિવેશનની જરૂર હોય છે અને એ મોટિવેશન મને મારી ફ્રેન્ડ પાસેથી મળ્યું. પછી તેણે મને સજેસ્ટ કર્યું કે ફેસબુક પર એક કવિતા અને ગઝલનું પેજ ચાલે છે. તમે બહુ સરસ લખો છો એ પેજ પર મોકલો તો તમારું લખાણ પબ્લિશ કરશે. એ પહેલાં મેં ક્યારેય સોશ્યલ મીડિયામાં કવિતા શૅર નહોતી કરી. પહેલાં મારી કવિતા એટલી સારી નહોતી બનતી, પણ પછી ધીરે-ધીરે મોટિવેશન મળ્યું. ત્યાર પછી મેં કવિતા, ગઝલ અને લેખ લખવાનું શરૂ કર્યું. કવિતા દ્વારા આપણે પોતાનું દુઃખ સહેલાઈથી લખાણમાં વ્યક્ત કરી શકીએ છીએ. પોતાની મેળે શબ્દમાં આવી જાય ને વાંચ્યા પછી ખબર પડે કે હું આનાથી પીડાતી હતી? લોકો કવિતા દ્વારા પોતાનાં દુઃખ સાથે કનેક્ટ થતા હોય છે. કોઈ પણ સમયે એને અનુરૂપ રચના બને, જેમ કે આપણે જ્યારે કોઈ સાથે વાત કરતા હોઈએ ત્યારે તેમને આપણી વાત કે ચર્ચા વિવાદ જેવી લાગે તો ત્યારે પણ તેને આપણે બે પંક્તિમાં લખી શકીએ, ‘તમે કરો એ ચર્ચા અને અમે કરીએ એ વાદ. નડે છે અહમ્, ફક્ત સગવડિયો ભાવાર્થ.’ ઘણા વાચકો મને ગુરુમૈયા કહે છે અને કહે કે તમારી કવિતાઓમાં અમને રસ્તો મળી જાય છે. 

આ પણ વાંચો:  પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરા થકી માતૃભાષાને જીવંત રાખવાનો પ્રયાસ

મારા માટે લખવું એ એક ‘થેરપી’ કે ‘રેમેડી’ છે એમ કહીને અનીતાબહેન ઉમેરે છે, ‘સ્ત્રી જ્યારે ૪૦ વર્ષની થાય છે ત્યારે હૉર્મોન એટલાં બધાં હાવી થઈ જતાં હોય એટલે એમાંથી બહાર આવવા માટે મારું લખાણ મને ખૂબ સપોર્ટ કરે છે. દોઢસોથી બસો જેટલી કવિતાઓ અને ચાલીસથી પચાસ ગઝલો લખી છે. ક્યારેક કામ કરતાં-કરતાં બે લાઇન સૂઝેને તોય હું મારી નોટબુકમાં ઉતારી લઉં. કવિતા લખી નાખું એટલે મારો ભાર હળવો થઈ જાય. મારા મનમાં જે આવે એ હું લખી નાખું. ચાર-પાંચ લાઇન લખી લઉં એટલે મારા મનને એક અલગ શાંતિ મળી જાય અને મને પછી પરિસ્થિતિથી લડવાનો જોશ મળી જાય. હું દરેક સ્ત્રીને કહીશ કે તમે પોતાની જાતને શબ્દો દ્વારા વાચા આપો. પોતાના લખાણને ક્યારેય બીજા સાથે કમ્પેર ન કરવું. લખાણને શબ્દોના શણગાર કરતાં તમારી લાગણીઓનો શણગાર એને વધારે વાચા આપી શકે. ‘કવિતાઓ એટલે ભાવનાઓનું હૃદયસ્પર્શી શબ્દસંચાલન.’ તો આ એક લાઇનમાં સમજીએ તો ઘણું બધું આવી ગયું.

ક્યારેક કામ કરતાં-કરતાં બે લાઇન સૂઝેને તોય હું મારી નોટબુકમાં ઉતારી લઉં. કવિતા લખી નાખું એટલે મારો ભાર હળવો થઈ જાય. પછી નવી પરિસ્થિતિઓ ફેસ કરવાનું નવું જોમ આવી જાય - અનીતા ભાનુશાલી

નારી તું ક્યાં હારી

લોહીના વલકળમાં મલકાણી, નારી તું ક્યાં હારી?
કાગળની હોડી હંકારી ભવસાગર તરવા માટે, 
શ્રદ્ધાને વિશ્વાસે પરખાણી, નારી તું ક્યાં હારી...
આકાશે ઊડવા ચાહ્યું’તું, પામી ધરતી, તો શું થયું? 
કાગળ કલમે કેવી વખણાણી, નારી તું ક્યાં હારી.

હઝલ

કરું છું વકાલત તમે સાંભળ્યું કંઈ...

નથી મુજ પટાવત, મેં કરી ચાપલૂસી તમારા કદમમાં, નથી એ સખાવત તમે સાંભળ્યું કંઈ? 

(હઝલ એટલે હાસ્ય. અલ્પાબહેને પતિને સંબોધીને હઝલ લખી છે.)

columnists