12 July, 2022 01:09 PM IST | Mumbai | Aparna Shirish
જિજ્ઞા જોષી
ઘરમાં કાગળની થેલી બનાવવી હોય તો એને વધુ મજબૂત બનાવવા માટે કાગળનાં ત્રણ લેયર બનાવો અને એમાંથી થેલી બનાવો
તાજેતરમાં મહારાષ્ટ્રમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક બૅગ અને બીજી ચીજો પર બંધી મૂકવામાં આવી છે. લોકો કાપડની કે કાગળની બૅગ વાપરે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય, પર્યાવરણને નુકસાન ન થાય અને લોકોમાં જાગૃતિ ફેલાય એ હેતુથી દર વર્ષે ૧૨ જુલાઈ વિશ્વભરમાં ‘પેપર-બૅગ ડે’ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે.
આજે વિશ્વમાં અનેક લોકોએ પર્યાવરણ માટે પ્લાસ્ટિકની બૅગને તિલાંજલિ આપીને પેપર-બૅગને ખુલ્લા મને અપનાવી લીધી છે. કેટલાક લોકોએ તો એ ઘરે જ બનાવીને આસપાસના લોકોને પણ પ્રોત્સાહિત કરવાનું શરૂ કરી દીધું છે. એવી જ એક એટલે પવઈમાં રહેતી જિજ્ઞા જોષી. જિજ્ઞાને નાનપણથી જ ક્રાફ્ટનો ખૂબ શોખ એટલે ૨૦૧૫માં ‘હવે પ્લાસ્ટિક બૅગ નથી વાપરવી’ એ હેતુથી ઘરે જ પસ્તીમાંથી પેપર-બૅગ બનાવવાનું શરૂ કર્યું. આજે તેઓ પેપર-બૅગ્સ નામનો નાનકડો પેપર-બૅગ બનાવાનો બિઝનેસ કરે છે અને જુદા-જુદા પ્રકારની પેપર-બૅગ્સ બનાવે છે. આ વિશે તેઓ કહે છે, ‘પેપર-બૅગ્સ ઉત્તમ પર્યાય છે. હા, એની થોડી લિમિટેશન તો ખરી, પણ જો પેપર-બૅગને મજબૂત બનાવવામાં આવે તો એ ત્રણ-ચાર વપરાશ સુધી ટકી શકે. ન્યુઝપેપરની બૅગ બનાવવી આસાન છે. ન તો એમાં વધુ ખર્ચ થાય છે અને ન તો વધુ સમય લાગે છે. પસ્તીનો નિકાલ આ રીતે થાય એટલે તમે રીસાઇક્લિંગને પણ પ્રોત્સાહન આપી રહ્યા છો. એ ઘરે જ બનાવી શકાય અને બાળકોને એમાં સહભાગી કરો એટલે આખી પ્રોસેસ ફન સાથે લર્નિંગ જેવી બની જાય.’
જિજ્ઞા જોષી ન્યુઝપેપરમાંથી શૉપિંગ માટે વાપરી શકાય એવી બૅગ્સ ઉપરાંત કેક બૅગ્સ, ગ્રોસરી બૅગ્સ, સૅનિટરી નૅપ્કિન બૅગ અને ડસ્ટબિન લાઇનર બનાવે છે તેમ જ ગિફ્ટ-રૅપિંગ પણ કરે છે. તે કહે છે, ‘બાળકોની બર્થ-ડે પાર્ટી હોય ત્યારે લોકો રિટર્ન ગિફ્ટ માટે ફૅન્સી બૅગ્સનો ઉપયોગ કરતા હોય છે. એ સિવાય કોઈ પણ પ્રસંગે કે ગિફ્ટિંગ માટે થેલીની જરૂર પડે જ છે. અહીં મેં મારા સર્કલમાં લોકોને પેપર-બૅગનો ઑપ્શન આપવાનું શરૂ કર્યું. વધુમાં પેપર-બૅગ પર ડેકોરેશન કરીને એને બર્થ-ડેની થીમ પ્રમાણે કસ્ટમાઇઝ્ડ પણ બનાવી શકાય. કલરવાળા કાગળનો પણ વપરાશ કરી શકાય. મેં કાગળની થેલી બનાવવાનું શરૂ કર્યું, સોશ્યલ મીડિયા પર થોડું-થોડું કરી એનું માર્કેટિંગ કરવાનું શરૂ કર્યું અને આમ મને વધુ ઑર્ડર મળતા ગયા. ભીની ફૂડ-આઇટમ સિવાયની બધી જ ચીજો માટે પેપર-બૅગ ઉત્તમ પર્યાય છે. એ બનાવવા માટે ન્યુઝપેપર હું મારા ઘરમાંથી તથા પાડોશીઓ અને ફ્રેન્ડ્સ પાસેથી સોર્સ કરું છું. બધાને ઘરમાં આવતાં છાપાંઓનો નિકાલ કરવો હોય એટલે કોઈ ના ન પાડે. ઘણા ક્લાયન્ટ્સ તો ન્યુઝપેપર પોતે જ આપે છે અને હું તેમને બૅગ્સ બનાવી આપું છું. કેટલીક કંપનીઓ માટે પણ મેં બ્રૅન્ડના લોગોવાળી બૅગ્સ બનાવી છે. પેપર-બૅગ્સ બનાવવામાં થોડી મહેનત છે, પણ જો એક વાર બનાવવામાં ફાવટ આવી જાય તો એ મજેદાર કામ છે. ઘરમાં જ જાતે છાપામાંથી બનાવેલી થેલી વાપરવાની ફીલિંગ જ જુદી છે.’
દુનિયાની સૌપ્રથમ પેપર-બૅગ
૧૮૫૨માં અમેરિકન સંશોધક ફ્રાન્સિસ વુલે (Wolle)એ સૌપ્રથમ કાગળની થેલી બનાવવાનું મશીન બનાવ્યું હતું. ત્યાર બાદ ૧૮૭૧માં માર્ગરેટ નાઇટ નામની મહિલાએ સપાટ તળિયાવાળી કાગળની બૅગ બનાવવાનું મશીન બનાવ્યું અને તેઓ ‘મધર ઑફ ગ્રોસરી બૅગ’ તરીકે પ્રખ્યાત થયાં. આમ શરૂ થયો વિશ્વમાં કાગળની થેલીનો વપરાશ. જોકે આપણા દેશમાં આજેય હાથે બનાવેલી કાગળની થેલીઓ જ વધુ વપરાય છે.