કોણે કહ્યું કે માત્ર નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારો જ પોતાનાં બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવે છે?

24 August, 2024 11:36 AM IST  |  Mumbai | Kajal Rampariya

એવા પરિવારોને જેઓ દરેક રીતે સંપન્ન છે અને છતાં તેમણે પોતાનાં સંતાનોને ભણાવવા માટે માતૃભાષાની સ્કૂલ પસંદ કરી છે.

માતૃભાષાપ્રેમી વાલી

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે ‘મિડ-ડે’ શોધી લાવ્યું છે એવા પરિવારોને જેઓ દરેક રીતે સંપન્ન છે અને છતાં તેમણે પોતાનાં સંતાનોને ભણાવવા માટે માતૃભાષાની સ્કૂલ પસંદ કરી છે. એમાં એવા પરિવારો પણ છે જેમણે માતૃભાષામાં શિક્ષણનું મહત્ત્વ સમજીને અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોની સ્કૂલ બદલીને તેમને ગુજરાતી માધ્યમની સ્કૂલમાં શિફ્ટ કર્યાં છે

૨૪ ઑગસ્ટ એટલે કવિ નર્મદની જન્મજયંતી અને આ દિવસ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઊજવાય છે. મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.... કવિ નર્મદના આ શબ્દો ગુજરાતીઓના કાને પડે તો ગુજરાતી હોવાનો ગર્વ થવો સ્વાભાવિક છે. જોકે હકીકત એ પણ છે કે આજકાલનાં મોટા ભાગનાં માતા-પિતા તેમનાં બાળકોને બદલાયેલી દુનિયાના સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહે એ માટે માતૃભાષાને બદલે અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માગે છે. ગુજરાતી માધ્યમની શાળાઓની હાલત અને ત્યાં અપાતા શિક્ષણની ગુણવત્તા બહુ સારી નથી એવી એક છાપ ઊભી થઈ છે એને પગલે મોટા ભાગના લોકોની માન્યતા છે કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારો જ મોટા ભાગે સંતાનોને ગુજરાતી માધ્યમમાં ભણાવે. જોકે આ હકીકત નથી. આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે મુંબઈના એવા કેટલાક ગુજરાતી પરિવારોને મળીએ જેઓ દરેક રીતે સંપન્ન છે તેમ છતાં સંતાનોના સર્વાંગી વિકાસના ધ્યેય સાથે તેમણે પોતાનાં દીકરા-દીકરીને ગુજરાતી માધ્યમમાં ભણાવવામાં હિત જોયું છે.

અમે દુનિયાની નહીં, બાળકોના ભવિષ્યની ‌ચિંતા કરી છે અને આજે અમારા નિર્ણયથી ખુશ છીએ

કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં રહેતા વ્યવસાયે અકાઉન્ટન્ટ યજ્ઞેશ રાઠોડે તેમના બન્ને બાળકોને અંગ્રેજી માધ્યમમાંથી ગુજરાતી માધ્યમમાં શિફ્ટ કર્યાં હતાં. અફકોર્સ, એ પહેલાં તેમણે પોતાના નિર્ણયને ચારેય બાજુથી ટીપી-ટીપીને ચકાસ્યો હતો. સમાજનો જ નહીં પણ પોતાના પરિવારનો વિરોધ પણ વહોર્યો હતો. યજ્ઞેશભાઈ કહે છે, ‘જ્યારે મારા મોટા દીકરા વિહાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો નિર્ણય લેવાયો ત્યારે જ મારું મન માની નહોતું રહ્યું. હું અને મારી પત્ની પણ ગુજરાતી મીડિયમમાં ભણ્યાં છીએ છતાં અમારા બન્નેના વિચારો વિરોધી દિશામાં કામ કરી રહ્યા હતા. મારે મારા બાળકને માતૃભાષામાં જ ​​​​​શિક્ષણ આપવું હતું અને મારી પત્ની અને માતા-પિતા વિહાનને ​ઇંગ્લિશમાં ભણાવવા ઇચ્છતાં હતાં. આજના સ્પર્ધાત્મક સમયને જોતાં તમામ વાલી તેમનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા આંધળી દોટ મૂકે છે. પરિણામે અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકો માતૃભાષાથી મળતી સમજણ અને વિચારોથી વંચિત રહી જાય છે. દેખાદેખીના ચક્કરમાં અને અંગ્રેજી ભાષાની પાછળ માતા-પિતા તેમનાં બાળકોને માતૃભાષાની લાગણીથી દૂર કરી નાખે છે. આ વાતને ખરેખર સમજવાની જરૂર છે. મેં મારી પત્ની અને માતા-પિતાને આ વાત સમજાવવાની કોશિશ કરી. જોકે મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતાએ આ મામલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે મારા પરિવારને સમજાવ્યો. સમય લાગ્યો, પણ સદ્ભાગ્યે મને સફળતા મળી. વિહાને નર્સરી, જુનિયર KG અને સિનિયર KGનું અડધું વર્ષ અંગ્રેજી માધ્યમમાં કર્યું અને ત્યારબાદ મેં તેનું ઍડ્મિશન કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલમાં કરાવી દીધું. એવી જ રીતે મારો નાનો દીકરો મિહિર પણ નર્સરીમાં આવ્યો એટલે તરત જ તેને ગુજરાતી માધ્યમની આ સ્કૂલમાં ટ્રાન્સફર કરી દીધો હતો. આજે વિહાન છઠ્ઠા ધોરણમાં અને મિહિર ચોથા ધોરણમાં છે. બન્ને બાળકો ભણવામાં હો​શિયાર છે અને સ્કૂલમાં આયોજિત થતી મોટા ભાગની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.’

મુંબઈમાં ગુજરાતી ભાષાની શાળાઓની સંખ્યા સતત ઘટી રહી છે એ બાબતમાં વસવસો વ્યક્ત કરતાંયજ્ઞેશભાઈ કહે છે, ‘અમારી પોતાની પણ મલાડમાં સ્કૂલ હતી પણ બાળકો ન મળવાને કારણે કમનસીબે એને આ જ વર્ષે બંધ કરવાની નોબત આવી. આજે હું ઘણા લોકોને જોઉં છું કે અંગ્રેજી માધ્યમમાં ભણતા લોકો નોકરી મેળવવામાં વધુ સક્ષમ નથી હોતા જેટલા વર્નાક્યુલર મીડિયમવાળા હોય છે. આવું થવા પાછળનું કારણ એ પણ છે કે માતૃભાષામાં શીખેલા વિદ્યાર્થીનો બૌદ્ધિક વિકાસ સારો હોય છે, જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ભાષા શીખવાનું પ્રેશર હોવાથી અન્ય મૂલ્યો શીખવામાં પાછળ રહી જાય છે. આ વાતને સમજ્યા બાદ જ મેં મારાં બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવાનો નિર્ણય લીધો હતો. રિસ્ક હતું, પણ લઈ લીધું કારણ કે મેં અંગ્રેજી માધ્યમનાં બાળકોને જોયાં છે. તેમનો આખો દિવસ સ્કૂલ-ટ્યુશનમાં જ જતો રહે છે. ચોપડાંમાં જ તેમનું બાળપણ વીતી જાય છે. મારાં બાળકો સાથે આવું થાય એવું હું નહોતો ઇચ્છતો. જ્યારે મેં વિહાન અને મિહિરને ગુજરાતી માધ્યમમાં બેસાડવાનો નિર્ણય લીધોએ સમયે મારાં પેરન્ટ્સ, બહેન અને પાડોશીએ બહુ વિરોધ કર્યો હતો પણ અમારે દુનિયાનું નહીં, બાળકોના ભવિષ્યનું જોવાનું હતું. આજે પણ ઘણા લોકો બોલે છે, પણ મારો પરિવાર અને બાળકો ખુશ છે એથી વિશેષ કંઈ નથી. આર્થિક રીતે સધ્ધર પરિવારનાં બાળકો પણ ગુજરાતી મીડિયમની સ્કૂલમાં રાજીખુશીથી ભણી શકે છે એ વાતને પ્રોત્સાહન આપવા પણ મેં આ પગલું ભર્યું છે.’

લોકોની ભલામણો અને તેમના ટોણા સામે અમે આંખ આડા કાન કરી નાખીએ છીએ

મલાડની નવજીવન વિદ્યાલય સ્કૂલના ત્રીજા ધોરણમાં ભણી રહેલાં યશ અને જેન્સી પ્રજાપતિના પેરન્ટ્સે પણ તેમનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાંથી ગુજરાતીમાં શિફ્ટ કર્યાં છે અને એ વાતનો તેમને ભરપૂર આનંદ છે. આ બાળકોનાં મમ્મી મમ્મી રીટા પ્રજાપતિ કહે છે, ‘અમે ગુજરાતથી મુંબઈ શિફ્ટ થયાં ત્યારે બધા લોકોએ મારાં બાળકો યશ અને જેન્સીને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવાનો આગ્રહ કર્યો હતો. એ સમયે મને પણ યોગ્ય લાગતાં અમે બન્નેનું ઍડ‍્મિશન લઈ લીધું, પણ પછી પોતાની ભાષામાં શિક્ષણનો પાયો રચાય તો જીવનવિકાસની ઇમારત મજબૂત બને એ વાત સમજાઈ અને અમે અમારા નિર્ણને બદલ્યો. યશે જુનિયર અને સિનિયર KG અંગ્રેજીમાં કર્યું હતું અને પહેલા ધોરણથી તેને ગુજરાતી માધ્યમમાં શિફ્ટ કર્યો હતો.’
ગુજરાતી માધ્યમમાં બાળકોને ભણાવવાનો સૌથી પહેલો વિચારમાં મતભેદ હતો એમ જણાવીને રીટાબહેન કહે છે, ‘મારા હસબન્ડની જ ઇચ્છા હતી કે બાળકો ગુજરાતી માધ્યમમાં ભણે, પરંતુ એ સમયે મને એમ થતું કે જો તેમને ગુજરાતીમાં શિક્ષણ આપવામાં આવશે તો આગળ જતાં અંગ્રેજી નબળું રહેશે અને તેમને નોકરી મેળવવામાં મુશ્કેલી થશે. પણ ધીરે-ધીરે મારા પતિએ મને એ વાત સમજાવી કે માતૃભાષામાં મળતા શિક્ષણને બાળક જલદી સમજી શકે છે. બીજી મહત્ત્વની વાત એ પણ હતી કે મેં અંગ્રેજી માધ્યમનાં બાળકોને બર્ડનમાં રહેતાં જોયાં છે.મારાં બાળકોની પણ આવી હાલત થાય એ હું ઇચ્છતી નહોતી. મન મક્કમ થતાં મેં યશ અને જેન્સીનું ઍડ્મિશન નવજીવન વિદ્યાલયમાં કરાવ્યું. શરૂઆતમાં યશને થોડું નવું-નવું લાગતું હતું, પણ હવે તેને ફાવી ગયું છે.’
રીટાબહેનના પતિ ઇલેક્ટ્રૉ‌નિક્સના ક્ષેત્રમાં સારા પદે નોકરીમાં રહ્યા છે. રીટાબહેન કહે છે, ‘બાળકોને ગુજરાતીમાં ભણાવવાના નિર્ણયનો બહુ વિરોધ થયો હતો.ઘણા લોકોએ અમને આવું પગલું ન ભરવાની સલાહ આપી હતી.એમાંથી કેટલાકે તો કહ્યું કે પૈસા ન હોય તો અમે મદદ કરીશું પણ બાળકોને અંગ્રેજીમાં જ ભણાવ. અમે આર્થિક રીતે સધ્ધર છીએ, પૈસાની કમીનો સવાલ નહોતો.અમે આ મામલે ગહન વિચાર કર્યો.અત્યારે મસમોટી ફી ભરીને બાળકોને અંગ્રેજીમાં ભણાવવા કરતાં હાલમાં તેમને માતૃભાષામાં શિક્ષણ આપીને બચેલી રકમનો ઉપયોગ તેમની હાયર સ્ટડી માટે કરવામાં આવે એવું વિચાર્યું. આપણી ભાષામાં સ્કૂલમાં મળતું શિક્ષણ અને સંસ્કારો અંગ્રેજીમાં મળી શકે નહીં એ વાત અમને સમજાઈ ગઈ હોવાથી લોકોની ભલામણો અને તેમના ટોણા સામે અમે આંખ આડા કાન કરી નાખીએ છીએ. અત્યારે યશ ત્રીજા ધોરણમાં અને જેન્સી બીજા ધોરણમાં ભણી રહી છે.’

માતૃભાષા પ્રત્યેના લગાવને માત્ર વાતોમાં રાખવાને બદલે અમે એને અમલમાં મૂકવામાં માનીએ છીએ

માતૃભાષાના ચાહક હિતેશ મહેતા પોતે પણ શિક્ષણના ક્ષેત્ર સાથે જ સંકળાયેલા છે. માતૃભાષાના આ ઉપાસકે બાળકોને ગુજરાતીમાં શિક્ષણ આપી શકાય એ માટે પ્રેરક ગુરુકુલમ નામે માતૃભાષાના વર્ચ્યુઅલ ક્લાસિસ શરૂ કર્યા છે જેમાં 3D ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને માતૃભાષાનું સંપૂર્ણ શિક્ષણ આપવામાં આવે છે. અત્યારે યુટ્યુબ પર પ્રેરક ગુરુકુલમની ચૅનલ થકી સેંકડો લોકો ગુજરાતી ભાષાનું પ્રશિક્ષણ લઈ રહ્યા છે.

હિતેશ મહેતાએ પોતાની પૌત્રીને તો માતૃભાષામાં જ શિક્ષણ આપવું એવું નક્કી કરી રાખ્યું હતું. આજે હિતેશભાઈ કાંદિવલીના સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ગાડી લઈને દરરોજ પૌત્રીને લેવા-મૂકવા જાય છે. હિતેશભાઈ કહે છે, ‘તમે રશિયા, જર્મની, ઇટલી અને ફિનલૅન્ડ જેવા દેશોને જ જોઈ લો. કોઈ ભારતીય વિદ્યાર્થી ભણવા માટે રશિયા જાય તો પ્રવેશ પહેલાં તેને છ મહિના માટે રશિયન ભાષા શીખવાનો આદેશ આપવામાં આવે છે. એ શીખી લીધા બાદ તેમને પ્રવેશ અપાય છે. જર્મનીમાં પણ સરકાર તેમની માતૃભાષા જર્મનને પ્રમોટ કરી રહી છે. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે અને એ શીખવી જોઈએ એમાં ના નથી, પણ એ શીખવા પાછળ આપણી ધરોહર અને માતૃભાષાને ભૂલવી યોગ્ય નથી. માન્યામાં નહીં આવે, પણ યુરોપના દેશ ઇટલીમાં અંગ્રેજી ભાષાના વપરાશ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે જેથી ઇટલીના લોકો ઇટાલિયન ભાષાના મહત્ત્વને સમજી શકે. દુનિયા આખીને જ્યારે માતૃભાષાનું મહત્ત્વ સમજાય છે તો આપણને શું થયું છે? આપણે કઈ દેખાદેખીમાં દોડી રહ્યા છીએ? મેં લોકોને આ સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ ન સમજ્યા એટલે કમ સે કમ અમે અમારા ઘરમાં બહારનો ટ્રેન્ડ હાવી ન થાય એનું ધ્યાન રાખ્યું છે. મારાં સંતાનો તો માતૃભાષામાં જ ભણ્યાં છે, પરંતુ મારાં સંતાનોનાં સંતાનો માતૃભાષાના શિક્ષણથી વંચિત રહી જાય એવો અન્યાય હું ન કરી શકું.’
માતૃભાષા તમારી અંદર ગૌરવ જગાડવાનું, તમારા આત્મબળને મજબૂતી આપવાનું કામ કરે છે. એક દાખલા સાથે હિતેશભાઈ કહે છે, ‘થોડા સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન બિઝનેસમૅન બિલ ગેટ્સ વચ્ચે વર્ચ્યુઅલી સંવાદ થઈ રહ્યો હતો ત્યારે મોદી હિન્દી ભાષામાં અને બિલ ગેટ્સ અંગ્રેજીમાં વાતચીત કરી રહ્યા હતા. ટેક્નૉલૉજી એટલી ઍડ્વાન્સ થઈ ગઈ છે કે વાતો કોઈ પણ ભાષામાં કરો, એને ટ્રાન્સલેટ કરી શકાય છે તો આમાં અંગ્રેજી શીખવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? આપણે વિચારવું જોઈએ. આ ઉદાહરણો પરથી આપણે બોધપાઠ લઈને આપણી માતૃભાષાને જીવંત રાખવાના​​​ સ​ક્રિય પ્રયાસો કરવા જોઈએ. ફક્ત બોલવાથી કંઈ નહીં વળે. તમે તમારી જાતને જ ઉદાહરણ બનાવો. દુનિયા જ્યાં દોડતી હોય ત્યાં પણ તમે તમારું અને તમારા પરિવારનું હિત શેમાં છે એ સમજો અને પછી નિર્ણય લો. દરેક વ્યક્તિ જો પોતાનાથી શરૂઆત કરશે અને પોતાના પરિવારથી માતૃભાષામાં શું કરી શકાય એ વિશે વિચારવાનું શરૂ કરશે તો પરિવર્તન સંભવ છે, છે અને છે જ. આજકાલના વાલીઓ તેમનાં બાળકોને બધી જ ફૅસિલિટી આપવા માગે છે અને આ જ હેતુથી તેમને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. જો ગુજરાતી માધ્યમની શાળાઓમાં પણ બાળકોને પ્લેગ્રાઉન્ડ, સારા ક્લાસરૂમ અને સ્માર્ટબોર્ડ જેવી સુવિધાઓ આપવામાં આવશે તો બાળકો અંગ્રેજી તરફ ક્યારેય નહીં વળે.’

columnists mumbai news mumbai gujaratis of mumbai gujarati mid-day