અમે પણ છીએ એકદમ તમારા જેવા

02 April, 2024 07:18 AM IST  |  Mumbai | Jigisha Jain

૧૦૦માંથી ૧ બાળકને અસર કરતી ડેવલપમેન્ટલ ડિસેબિલિટી એટલે ઑટિઝમ. આ કોઈ રોગ નથી, અક્ષમતા છે એટલે એ જન્મજાત હોય છે અને જીવનભર રહેતી પરિસ્થિતિ છે.

ઑટિઝમનો સામનો કરતાં બાળકો

ઑટિઝમ ધરાવતાં બાળકો સામાન્ય બાળકો કરતાં કેટલાં જુદાં છે એ વિશે હંમેશાં વાત થતી રહેતી હોય છે, પરંતુ આજે મળીએ કેટલાક એવા યુવાનોને જેમના વિશે જાણીને એવું લાગશે કે આ તો આપણા જેવા જ છે. ક્રિકેટ પાછળ ગાંડા, યુટ્યુબ વિડિયો બનાવવાના શોખીન કે ટ્રેકિંગ કરતા યુવાનોને મળીને એક વાત તો સમજી શકાય કે શોખ અને ક્ષમતાને કોઈ લેવાદેવા નથી

૧૦૦માંથી ૧ બાળકને અસર કરતી ડેવલપમેન્ટલ ડિસેબિલિટી એટલે ઑટિઝમ. આ કોઈ રોગ નથી, અક્ષમતા છે એટલે એ જન્મજાત હોય છે અને જીવનભર રહેતી પરિસ્થિતિ છે. એને ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડર પણ કહે છે, જેનો અર્થ એ થયો કે દરેક ઑટિસ્ટિક વ્યક્તિ બીજી ઑટિસ્ટિક વ્યક્તિ કરતાં સાવ જુદી હોય છે. આ બાળકોને જુદી રીતે કેળવવાં પડે છે. મોટા ભાગે તેમની સ્કૂલો જુદી હોય છે અને તેમનું જીવન પણ. ઑટિઝમ બાબતે અઢળક લોકોના પ્રયાસોથી આજે ઘણી જાગૃતિ ફેલાયેલી છે. એક સમય હતો કે આ બાળકોનું નિદાન જ ખૂબ મોડું થતું. આજે મોટા ભાગે માતા-પિતા કે બાળનિષ્ણાત પાસે જન્મના પહેલા વર્ષ દરમિયાન જ નિદાન થઈ જતું હોય છે અને ત્યાં રહી જાય તો પ્લે સ્કૂલમાં જતા બાળકને જો ઑટિઝમ હોય તો ટીચર્સ એટલા ટ્રેઇન થયેલા છે કે તે માતા-પિતાનું આ બાબતે ધ્યાન દોરતા હોય છે. આ વર્ષે ઑટિઝમ અવેરનેસ માટેની થીમ ‘મૂવિંગ ફ્રૉમ સર્વાઇવિંગ ટુ થ્રાઇવિંગ’ છે. એટલે કે આજના દિવસે હયાતીની લડાઈ તો ઘણી લડી, હવે જીવંતતા અને પ્રગતિ તરફ આગળ વધવાનું છે. મોટા ભાગે આપણે ઑટિસ્ટિક બાળકો આપણાથી કેટલાં જુદાં છે એ સમજવાની કોશિશ કરતા હોઈએ છીએ, પરંતુ આજે મળીએ કેટલાક ઑટિસ્ટિક યુવાનોને જેમની જીવંતતા જોઈને સમજી શકાશે કે તેઓ કેટલા સામાન્ય છે; એકદમ આપણા જેવા. 

વાતોડિયો એવો છે કે મિત્રો બનાવતાં વાર ન લાગેઃ સ્મિત છેડા, ગોરેગામ, ૧૮ વર્ષ 


હાલમાં પોતાના એસએસસી બોર્ડની તૈયારી કરતો સ્મિત અત્યંત ભોળો છતાં આત્મનિર્ભર છોકરો છે. ખુદ ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ડિશિસ ખાવાનો શોખીન સ્મિત રસોડામાં મમ્મીનો બેસ્ટ હેલ્પર છે. શાક સુધારવાનું હોય કે નાનું-સૂનું કશું બનાવવાનું હોય તો એ ફટ દઈને કરી આપે. ગમેતેટલો મૂડ ખરાબ હોય ભાઈનો, કહો કે ચાલ, બીચ પર ફરવા જઈએ કે શૉપિંગ કરવા જઈએ એટલે રાજીના રેડ. 

પોતાનાં લગભગ કામ જાતે કરનારો સ્મિત ખાસ્સો આત્મનિર્ભર છે. ગયા વર્ષે વેકેશનમાં તેને એક તક મળી અંધેરીની એક કૅફેમાં કામ કરવાની. એ વિશે વાત કરતાં પિતા રમેશભાઈ કહે છે, ‘મોટા ભાગે ઑટિસ્ટિક બાળકોને સૌથી મોટી તકલીફ હોય છે કમ્યુનિકેશનની. લોકો સાથે વાત કરવાનું તેમને ફાવતું નથી, પોતાની લાગણીને વ્યક્ત કરતાં તેમને આવડતું નથી. પરંતુ સ્મિત એવો જરાય નથી. તે બોલવામાં ખૂબ સ્માર્ટ છે. બધા સાથે ખૂબ સરસ રીતે વાત કરતાં તેને આવડે છે. ઊલટું એટલો વાતોડિયો છે કે બધે ગપ્પાં મારવા બેસી જાય, જેને લીધે કૅફેની જૉબમાં તેણે સારું કામ કર્યું. તે પહેલો પગાર કમાઈને લાવ્યો ત્યારે અમે ખૂબ ઇમોશનલ થઈ ગયેલા પણ તેની એ પહેલી સૅલેરી પ્રતીક હતું કે તે તેના જીવનનો ભાર ખુદ ઉપાડવા સક્ષમ છે.’ 

આજકાલ દરેક યુવાનને યુટ્યુબ વિડિયો બનાવવાનો શોખ છે તો સ્મિત તેમનાથી પાછળ કઈ રીતે રહી જાય? તે જ્યાં ફરવા જાય ત્યાં મોબાઇલ પકડીને પોતાનો વિડિયો બનાવવા લાગે. ગાવાનો શોખ છે તો ગીતો ગાયા કરે, ડાન્સનો શોખ છે તો નાચ્યા કરે અને ખાસ કરીને ગણપતિ તેના ફેવરિટ એટલે ગણેશોત્સવમાં દર વર્ષે તેનો ડાન્સ સ્ટેજ પર તે કરે જ કરે. ભણવાનો તેને ભરપૂર શોખ છે. ટ્યુશનવાળા તેના ટીચર્સ પણ તેનાથી ખુશ છે. એ વિશે વાત કરતાં સ્મિત કહે છે, ‘મને મારી બુક્સ ખૂબ ગમે. હું ખૂબ ભણીશ.’ તો બુક્સ સિવાય તને બીજું શું ગમે એ પ્રશ્નનો જવાબ આપતાં સ્મિત કહે છે, ‘મારા મિત્રો. તેમની સાથે ખૂબ મજા પડે છે. મારા તો બહુ બધા દોસ્તાર છે. હું જ્યાં જાઉં ત્યાં નવા દોસ્તાર બનાવી લઉં.’ 

ક્રિકેટનો જબરો ફૅન છેઃ ઋષિ જાની, ૨૧ વર્ષ, બોરીવલી 


ક્રિકેટ મૅચ ચાલતી હોય ત્યારે ઇમોશનના દરિયા વહેતા હોય છે. પોતાના ફેવરિટ ક્રિકેટર માટે લોકો એકબીજા સાથે લડી લેતા હોય છે તો ઋષિ એમાં કેમ પાછળ રહી જાય? જ્યારે પણ ક્રિકેટ મૅચ હોય ત્યારે ઇન્ડિયાની જર્સી પહેરીને સિરિયસ થઈને ઋષિ ટીવી સામે ગોઠવાઈ જાય છે. તેના કઝિન્સ રિષભ પંત કે વિરાટ કોહલી માટે એક પણ વાક્ય બોલે તો ઋષિથી સહન ન થાય, ઘરમાં જ મહાભારત થઈ જાય. આ મોટો ક્રિકેટ ફૅન ખુદ ક્રિકેટ રમે પણ છે. ક્રિકેટ તેના માટે કોઈ પણ બીજા ભારતીયની જેમ તેનો ધર્મ છે. 

કોરોનામાં જ્યારે સ્કૂલો બંધ થઈ ગયેલી ત્યારે ઋષિનાં મમ્મીએ તેને કમ્પ્યુટર ક્લાસ શરૂ કરાવ્યા હતા. આજે ઋષિ માઇક્રોસૉફ્ટ પ્રોગ્રામ્સ બધા કરી જાણે છે. પાવરપૉઇન્ટનો ઉપયોગ કરીને PPT બનાવી શકે છે. ફોટોશૉપ તેનું મનપસંદ સૉફ્ટવેર છે જેના પર તે કામ કર્યા કરે છે. ઋષિ ક્યાંય દેખાતો ન હોય અને ઘરમાં શાંતિ હોય તો એવું સમજવું કે તે પોતાના લૅપટૉપ સાથે છે. 
ઋષિ દસ જણના એક સંયુક્ત કુટુંબમાં રહે છે. એવું માનવામાં આવે છે કે ઑટિઝમ ધરાવતાં બાળકો માણસોથી કે ભીડથી દૂર ભાગતાં હોય. ઘરમાં સંયુક્ત પરિવારમાં ઋષિને કોઈ તકલીફ પડતી હોય એવું ખરું? એનો જવાબ આપતાં તેનાં મમ્મી ટ્વિન્કલ જાની કહે છે, ‘ઊલટું આવાં બાળકો માટે સંયુક્ત પરિવાર હોય તો વધુ સારું. ઋષિ સાથે ભણતાં જે બાળકો એકલાં રહે છે એની સામે ઋષિનો ગ્રોથ ઘણો સારો છે, કારણ કે માણસો સાથે રહેવાની તેને જન્મથી આદત છે. ઘરમાં દરેક વ્યક્તિ સાથે તેનો એક જુદો સંબંધ છે. અમારા ઘરમાં એક એવી સપોર્ટ સિસ્ટમ છે જે ઋષિને ભરપૂર પ્રેમ અને સાથ આપે છે.’ 

પહેલાં ઋષિની સ્પીચ ક્લિયર નહોતી. પરંતુ સ્કૂલે જતાં-જતાં તે હવે ઘણું સ્પષ્ટ બોલતાં શોખી ગયો છે. ઋષિ તને સ્કૂલ કોણ લઈ જાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં તે કહે છે, ‘કોઈ શું કામ લઈ જાય? હું જાતે સ્કૂલ જાઉં છું. ઑટોમાં જાતે ટ્રાવેલ કેવી રીતે કરવું એ મેં શીખી લીધું છે. મારા એક દોસ્તારને નહોતું આવડતું કે રિક્ષામાં કેવી રીતે જવાય. મેં તેને પણ શીખવી દીધું. હું તો એ રિક્ષાની નંબરપ્લેટનો ફોટો પાડીને પણ ઘરે મોકલી દઉં છું. મારા મિત્રોને પણ હું મારી રિક્ષામાં લઈ જાઉં છું. સાથે જવાની મજા આવે છે.’  

ટ્રેકિંગનો શોખીન, ઍથ્લેટિક્સ પણ શીખે છેઃ કેવિન ભાવસાર, ૧૭ વર્ષ, દહિસર 


સ્પોર્ટ્સનો ભારે શોખ ધરાવતો કેવિન ઘણું સારું દોડે છે. તેને મૅરથૉન માટે પણ ટ્રેઇન કરવામાં આવી રહ્યો છે. લગભગ પાંચ કિલોમીટરની ઘણી રન તે દોડી ચૂક્યો છે. જેવું તેને કહીએ કે ટ્રેઇનિંગ માટે જવાનું છે કે ચાલ, દોડવા જઈએ તો તે ખુશ થઈ જાય છે. આ ઉપરાંત ઍથ્લેટિક્સ પણ કરે છે. અઠવાડિયામાં ત્રણ દિવસ એવા તેના ઍથ્લેટિક્સના ક્લાસનો એક દિવસ પણ પડવો ન જોઈએ એવો તેનો આગ્રહ રહે છે.  સ્પોર્ટ્સ સિવાય તેને હરવા-ફરવામાં પણ ઘણી મજા આવે છે. તેની સ્કૂલમાંથી તે તુંગારેશ્વર ટ્રેકિંગ કરવા પણ ગયેલો. એના વિશે તેની સાથે વાત કરી ત્યારે કેવિન કહે છે, ‘મને ત્યાં ખૂબ મજા આવેલી. પહાડ એ પહેલાં હું ક્યારેય ચડ્યો નહોતો.’ 

તો ત્યાં તું ફરી વખત જઈશ? ‘ચોક્કસ,’ એવો જવાબ આપીને પોતાના લૅપટૉપમાં પાછો ગરકાવ થઈ ગયો. 
કેવિનને પૂરી રીતે આત્મનિર્ભર બનાવવાની કોશિશોની વાત કરતાં તેનાં મમ્મી નિશા ભાવસાર કહે છે, ‘ઑટિઝમ ધરાવતાં હોય એવાં બાળકો એકબીજાને ખૂબ સાથ આપે છે. હાલમાં અમે પેરન્ટ્સે કોશિશ કરી કે તેમને ગ્રુપમાં એકલાં પિકનિક પર મોકલીએ. એ પિકનિકમાં ૭ વ્યક્તિઓ ઑટિઝમ ધરાવતી હતી અને એમાંના એકની બહેન અને તેની મિત્રને અમે પિકનિકમાં સાથે મોકલી હતી જ્યાં બધું જ એ લોકોએ ખુદ જ મૅનેજ કર્યું, કોઈ પણ એક્સ્ટ્રા હેલ્પ વગર. સાચું કહું તો કોઈ પણ માતા-પિતાની જેમ જ્યારે અમારાં બાળકો આત્મનિર્ભર બનતાં શીખે ત્યારે અમને ખૂબ આનંદ થાય છે.’ 

હાલમાં મલાડમાં રન ફૉર ઑટિઝમ ઇવેન્ટ અંતર્ગત અમુક ટ્રેઇન્ડ બાળકોએ ૧૦ કિલોમીટર અને બીજાં ઘણાં બાળકોએ પોતાની ક્ષમતા અનુસાર ૫ કિલોમીટરની અને ૨ કિલોમીટરની રન કરી હતી. 

દોડવાના ફાયદા 
કેવિન, સ્મિત અને ઋષિ ત્રણેય મૅરથૉનની ટ્રેઇનિંગ લઈ રહ્યા છે. તેમના જેવાં બીજાં ૨૭ બાળકોને મૅરથૉનની ટ્રેઇનિંગ આપનારા નવ દિવ્યાંગ ફાઉન્ડેશનના પ્રણેતા ગોપાલ ભાગવત કહે છે, ‘શારીરિક કસરતો એક સાધારણ બાળક માટે જેટલી ઉપયોગી છે એનાથી પણ ઘણી વધુ જરૂરત આ બાળકોને છે, કારણ કે સાધારણ બાળકો માટે એ એક ઍક્ટિવિટીનો ભાગ છે; જ્યારે ઑટિઝમ ધરાવતાં બાળકો માટે એ એક થેરપી છે જે તેની શારીરિક-માનસિક ક્ષમતાઓને ખીલવવાનું કામ કરે છે. મારી હેઠળ ૧૫૦ બાળકો છે જેમને હું અલગ-અલગ સ્પોર્ટ્સ ઍક્ટિવિટી કરાવું છું. જિમ્નૅસ્ટિક્સ, સ્વિમિંગ, ક્રૉસ ટ્રેઇનિંગ અને જિમ એક્સરસાઇઝ પણ આ બાળકોને અતિ ફાયદાદેમંદ સાબિત થાય છે.’

columnists life and style health tips