તમારા ઘરની આદ્યશક્તિને આર્થિક સ્વતંત્રતા મળી છે કે નહીં?

05 October, 2025 02:48 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

પ્રથમ તબક્કો વીસી અને ત્રીસીના દાયકાનો હોય છે. આ સમયગાળામાં વ્યક્તિ વાસ્તવિક જીવનની પોતાની જવાબદારીઓ સમજવા લાગે છે અને એ પૂરી પણ કરે છે. આવા સમયે પરિવારની આવક અને જાવકનો હિસાબ રાખવાનું અગત્યનું હોય છે.

પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI

ભારતમાં ગુજરાન ચલાવવા માટે કમાવાની પ્રવૃત્તિ પરંપરાગત રીતે પુરુષોની જ જવાબદારી રહી છે. જોકે મહિલાઓ પોતાને પતિ દ્વારા દર મહિને ઘરખર્ચ માટે આપવામાં આવતી રકમમાંથી કુનેહપૂર્વક બચત કરતી આવી છે. તેઓ પુરુષો કરતાં વધુ સારી રીતે નાણાંનો વહીવટ કરે છે એવું કહેવું જરાય ખોટું નથી. 

આજકાલ તો મહિલાઓ પોતે પણ કમાય છે. આમ છતાં હજી ઘણાં ઘરોમાં કોઈ મોટી ખરીદી કરવી હોય કે રોકાણો કરવાં હોય ત્યારે પુરુષો જ નિર્ણય લેતા હોય છે. ઘણી વાર તો એવી પરિસ્થિતિ સર્જાય છે કે પુરુષને કંઈક થઈ જાય તો ઘરની મહિલાને તેમનાં રોકાણો વિશે જરાય ખબર હોતી નથી. વીમા કે રોકાણ બાબતે પૂછપરછ કરવી હોય તો કોનો સંપર્ક કરવો એની પણ જાણ તેમને હોતી નથી. 

નોંધવા જેવી વાત તો એ છે કે મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર હોવી જોઈએ એના વિશે વર્ષોથી વાતો થતી આવી છે, પરંતુ આ સ્વતંત્રતા ફક્ત નાણાં કમાવા પૂરતી સીમિત રહી ગઈ છે. ખરી રીતે તો નાણાં કમાવાં, બચત કરવી, રોકાણ કરવું, ખરીદી કરવી વગેરે અનેક રીતે નાણાંના વહીવટની સ્વતંત્રતાને આર્થિક સ્વતંત્રતા કહેવાય. આમ છતાં ઘણી મહિલાઓ હજી એ વહીવટ કરતી જોવા મળતી નથી. નાણાકીય વહીવટની કુશળતા છોકરાઓ-છોકરીઓ બન્નેમાં નાનપણથી જ કેળવવામાં આવવી જોઈએ, જેથી જીવનના પછીના તબક્કાઓમાં એ ઉપયોગી થાય.

પ્રથમ તબક્કો વીસી અને ત્રીસીના દાયકાનો હોય છે. આ સમયગાળામાં વ્યક્તિ વાસ્તવિક જીવનની પોતાની જવાબદારીઓ સમજવા લાગે છે અને એ પૂરી પણ કરે છે. આવા સમયે પરિવારની આવક અને જાવકનો હિસાબ રાખવાનું અગત્યનું હોય છે. આ આદત ભવિષ્યમાં નાણાંનો સારી રીતે વહીવટ કરવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. આ જ અરસામાં આરોગ્ય વીમો અને જીવન વીમો લઈ લેવાનો હોય છે. 

બીજો તબક્કો ત્રીસીનાં છેલ્લાં વર્ષોનો અને ચાળીસીનાં વર્ષોનો હોય છે. આ સમયગાળો વ્યક્તિએ જીવનમાં આર્થિક અને સામાજિક રીતે ઠરીઠામ થવાનો હોય છે. દરેક મહિલાએ પોતાની ભાવિ યોજના ઘડવાનો આ સમય હોય છે. જો પરિણીત હોય તો યોજના સજોડે ઘડવાની હોય છે. એમાં નાણાકીય લક્ષ્યો નિશ્ચિત કરીને એના માટે આવશ્યક રોકાણ થવું જરૂરી હોય છે. 
ત્રીજો તબક્કો એટલે ૫૦ અને ૬૦નો દાયકો. પાછલા તબક્કામાં નક્કી કરાયેલાં નાણાકીય લક્ષ્યો પૂરાં થયાં છે કે કેમ એની સમીક્ષા કરવાનો આ વખત હોય છે. દરેક પરિવાર પાસે તાકીદની સ્થિતિમાં કામ લાગે એટલી રકમ અલાયદી હોવી જોઈએ. એને ઇમર્જન્સી ફન્ડ કહેવાય છે. પોતાના પર કોઈ કરજ હોય તો આ તબક્કામાં પૂરું થઈ જ જવું જોઈએ. નિવૃત્તિકાળ માટેની પૂરતી નાણાકીય જોગવાઈ પણ અગત્યની હોય છે.

છેલ્લે એટલું જ કહેવાનું કે મહિલાઓ નાણાકીય વહીવટ સારી રીતે કરી શકે છે અને તેમણે એમાં પાછળ રહેવું જોઈએ નહીં. નવરાત્રિ પર્વ હમણાં જ પૂરું થયું છે ત્યારે આપણા ઘરની ‘આદ્યશક્તિ’ને પણ આર્થિક સ્વતંત્રતા મળી છે કે નહીં એની સમીક્ષા કરવી જોઈએ.

columnists finance news share market mutual fund investment gujarati mid day