ગૌરવ સાથે જીવવા મહિલાઓએ પોતાની ટૅલન્ટ અને અનુભવનો ઉપયોગ કરવો જરૂરી

10 June, 2024 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક નારીએ આત્મનિર્ભર બનવું જરૂરી છે અને તે સમર્થ પણ છે. બસ, તેણે આત્મવિશ્વાસ કેળવવાની અને એકમાત્ર સંકલ્પ કરવાની જરૂર છે

પ્રતીકાત્મક તસવીર

ઘણી મહિલાઓ શાકવાળા પાસે શાક લે એ વખતે હિસાબ કરવાનો આવે તો ગોથાં ખાઈ જતી હોય છે. અમુક કુટુંબોમાં હજી પણ મહિલાઓ ખુદનું બૅન્ક-અકાઉન્ટ સંભાળતી નથી હોતી. ઘરની વ્યક્તિ માંદી પડે કે અકસ્માત વખતે ઇન્શ્યૉરન્સવાળાને ફોન કરવાની તેને સૂઝ નથી હોતી. જોકે મહિલાઓ બધું જ કરવા સક્ષમ છે, પણ પુરુષ અને નારી વચ્ચે કામના ભાગલા આપણે જ પાડ્યા છે. મોટાં શહેરોમાં કદાચ ઓછો હશે, છતાં હજી પણ મોટા ભાગના લોકોનો મત એવો રહે છે કે પૈસો કમાવાની જવાબદારી પુરુષની છે અને ઘરકામ સંભાળવાની જવાબદારી સ્ત્રીઓની છે. વિકસિત દેશોમાં દસ કામ કરતી વ્યક્તિમાં ચારેક મહિલાઓ કામ કરતી દેખાશે, પણ આપણે ત્યાં હજી ઑફિસોમાં પુરુષોની સંખ્યા ચડિયાતી છે.

દરેક નારીએ આત્મનિર્ભર બનવું જરૂરી છે અને તે સમર્થ પણ છે. બસ, તેણે આત્મવિશ્વાસ કેળવવાની અને એકમાત્ર સંકલ્પ કરવાની જરૂર છે.  

ધેર ઇઝ નો ગેઇન વિધાઉટ પેઇન. સિંહ અને હરણની રેસ લાગે તો સિંહ કલાકના ૬૦ કિલોમીટરની ઝડપે દોડે છે, જ્યારે હરણ ૯૦થી ૧૦૦ કિલોમીટરથી વધુ ઝડપે દોડે છે. પણ જીતે છે કોણ? સિંહ પોતાની આવડત અને અનુભવથી હરણને પછાડી દે છે. એટલે ગૌરવશાળી જીવન જીવવું હોય તો મહિલાઓએ પોતાની ટૅલન્ટ અને અનુભવનો ઉપયોગ કરવો જ રહ્યો. આજે મોબાઇલ, યુટ્યુબ અને ઇન્ટરનેટના જમાનામાં મફત માહિતીઓ મળે છે. સરકારની સ્કીમો પણ ફીમેલ-ફ્રેન્ડ્લી છે. સરકારે મહિલા સુરક્ષા માટે અનેક કાયદાઓ કાઢ્યા છે. બ્યુટી પાર્લર, મેંદી, નેઇલ આર્ટ, DTP, ગ્રાફિક ડિઝાઇન, MS ઑફિસ, ફાઇનૅન્સ, અકાઉન્ટિંગ, બૅન્કિંગ, માર્કેટ એક્સ્પીરિયન્સ જેવા વિવિધ કોર્સ એક્સપર્ટ પાસે શીખી આજની મહિલા મહિને પંદર હજારથી બે લાખ રૂપિયા સુધીનું વળતર મેળવી શકે એટલી સમર્થ છે. અમારી શાળામાં પણ આ પ્રકારના કોર્સ શીખવવામાં આવે છે અને એની ટ્રેઇનિંગ અને ઇન્ટર્નશિપ કરીને તેઓ ખુદનો નાનકડો ગૃહઉદ્યોગ શરૂ કરી શકે છે. તેઓ પોતાના હાથ નીચે બીજી મહિલાઓને તૈયાર કરી તેમની આજીવિકા રળવા માટે પણ નિમિત્ત બની શકે છે. બહેનોએ ફક્ત એટલું જ નક્કી કરવાનું છે કે મારે કમાવું છે. દરેક જણ ખાલી હાથે ભલે આવ્યા હોય, પણ કશુંક કરીને જવાની અદમ્ય ઇચ્છા તો ખુદે જ કેળવવાની હોય છે. પથ્થરને પણ હથોડી ન વાગે ત્યાં સુધી મૂર્તિમાં એનું રૂપાંતર નથી થતું. પ્રત્યેક નારીએ આત્મબળના સંકલ્પ સાથે આવનારા પડકારોનો સામનો કરી જાતને ઘડવાની જરૂર છે. એક વાર ઠાની લો પછી પૈસો અને પ્રતિષ્ઠા તમારી પાછળ ભાગશે. 

 

- મહેશ દેસાઈ (મહેશ દેસાઈ બોરીવલી વેસ્ટની S. E. International Schoolના ફાઉન્ડર અને મૅનેજિંગ ડિરેક્ટર છે)

columnists