06 June, 2023 03:00 PM IST | Mumbai | Rajul Bhanushali
પૂર્વી કાનજી ગઢવી
બે કચ્છી મળે તો એ કચ્છીમાં જ વાત કરશે, અન્ય ભાષામાં નહીં. આ વાત ઘણી જાણીતી છે. કચ્છીઓને કચ્છી પ્રત્યે અત્યંત લગાવ છે એ નવી વાત નથી. જોકે કચ્છી સંસ્કૃતિના સંવર્ધનનું કામ ખરેખર પડકારજનક છે. નવી મુંબઈમાં રહેતાં પૂર્વી કાનજી ગઢવીને પણ પોતાની ભાષા અને સંસ્કૃતિ સાથે ખૂબ લગાવ છે. થોડાક સમય પહેલાં તેમણે કચ્છના નૃત્ય પ્રકારો અને પારંપારિક પરિધાનના સંવર્ધનની ઝુંબેશ ઉપાડી છે. કચ્છમાં મૂળ ભાચુંડા ગામનાં વતની પૂર્વીબહેન કહે છે, ‘હું દાયકાઓ સુધી ઘાટકોપરમાં કચ્છી ગુજરાતી પ્રજા સાથે રહી છું. લગભગ છએક વર્ષ પહેલાં અમે શિફ્ટ કર્યું ત્યાં મિક્સ કલ્ચર છે. હું આપણા કચ્છી ગુજરાતીને મિસ કરવા લાગી. એવામાં નવરાત્રિ આવી. નવરાત્રિમાં અમારી સોસાયટીમાં પાર્કિંગ પ્લૉટમાં બધા ભેગા થાય અને દાંડિયા રમે. મેં ત્યાં રાસડા લીધા અને ત્યાં હાજર લોકોને એમાં એટલો બધો રસ પડ્યો કે તેમણે શીખવાડવાની વિનંતી કરી અને મેં તેમને રાસ રમતાં શીખવ્યું. હું દરરોજ કચ્છી ટ્રેડિશનલ વસ્ત્રો પહેરતી એ પણ સોસાયટીની મહિલાઓ અને છોકરીઓને ખૂબ ગમ્યું. મેં કહ્યું કે મારી પાસે અઢળક કપડાં છે, લઈ જાઓ. ત્યારથી દરેક નવરાત્રિમાં તેઓ
મારી પાસેથી દાગીના અને કપડાં લઈ જાય છે.’
પૂર્વીબહેન જન્માષ્ટમી અને નવરાત્રિ નિમિત્તે જાતે ખૂબ બધી તૈયારીઓ કરે છે. તેઓ કહે છે, ‘મારું કલ્ચર અન્ય ભાષીઓ સુધી પહોંચે છે એની મને ખુશી છે. મેં પોતાની યુટ્યુબ ચૅનલ બનાવી છે. અગાઉ કચ્છમાં નવરાત્રિમાં ‘મટુકડી’, ‘થારી રાંધ’ અને ‘તાંબડી રાંધ’ રમાતાં. બન્ને હાથમાં થાળીઓ લઈને અને માથે બેડાં લઈને રમવાની એ પ્રથાઓ હવે લગભગ લુપ્ત થવાને આરે છે. એક વર્ષે નવરાત્રિમાં થાળી ડાન્સ કર્યો હતો. કોઈએ એનો વિડિયો ઉતાર્યો અને મને મોકલ્યો. એ વિડિયો જોઈને મને મારી યુટ્યુબ ચૅનલ બનાવવાનો આઇડિયા આવ્યો. પછી તો મેં મટુકડી અને તાંબડી રાંધના વિડિયોઝ પણ યુટ્યુબ ચૅનલ પર મૂક્યા. હું
મારી સોસાયટીમાં આ ડાન્સ ફૉર્મ પણ શીખવું છું.’
આ રીતે વ્યક્તિગત ધોરણે પૂર્વીબહેન પોતાની સંસ્કૃતિનું સંવર્ધન કરી રહ્યાં છે. તેઓ કહે છે, ‘હું આ વારસો જાળવીશ તો મારાં સંતાનો સુધી પહોંચશે. તેઓ શીખશે તો એમનાં બચ્ચાંઓ સુધી પહોંચશે અને આ રીતે આપણી સંસ્કૃતિ જળવાઈ રહેશે. કચ્છી માણસો લાગણીશીલ સ્વભાવના હોય છે. અમારી સોસાયટીમાં મિની ઇન્ડિયા છે. એમની સાથે સારો અનુભવ રહ્યો છે પણ મને લાગે છે કે મારું કચ્છ અને કચ્છી બેસ્ટ છે. હમણાં એક દિવસ મેં ઘરે ગુબીત બનાવી હતી. ગુબીત કચ્છી મીઠાઈ છે. પાડોશીને ચખાડી તો એમને ખૂબ ભાવી. હવે મને એક નવો ગોલ મળ્યો છે કે કચ્છની વીસરાતી જતી વાનગીઓની રેસીપી સાથેના વિડિયોઝ પણ યુટ્યુબ ચૅનલ પર મુકવા. ગુબીત અને ભાતમાંથી બનતી મીઠાઈ ‘લપઈ’ અને બીજી એવી કચ્છી વાનગીઓ, જે હવે વીસરાતી જાય છે એ વિશે લોકોને જાણવા મળશે.’
ચાલીસ વર્ષનાં પૂર્વીબહેને લગ્નનાં વીસ વર્ષ પછી ગ્રૅજ્યુએશન પૂરું કર્યું. તેઓ એક બ્યુટી કૉન્ટેસ્ટમાં ‘મિસિસ મોસ્ટ જનરસ’નું ટાઇટલ પણ જીતી ચૂક્યાં છે. રોજ સાંજે ઇસ્કૉન મંદિરમાં જાય છે અને કીર્તનમાં પણ રાસડા રમે છે. એ ઉપરાંત દર શનિવારે રિલાયન્સ જિયો કંપની હૉસ્પિટલોમાં દરદીઓને ભોજન પીરસે છે એમાં દીકરી સાથે પીરસવાની સેવા આપવા જાય છે. હાલમાં તેઓ તલવારબાજી પણ શીખી રહ્યાં છે.
મેં ઘરે કચ્છી મીઠાઈ ગુબીત બનાવી હતી. પાડોશીને ચખાડી તો એમને ખૂબ ભાવી. હવે મને એક નવો ગોલ મળ્યો છે કે કચ્છની વીસરાતી જતી વાનગીઓની રેસીપી સાથેના વિડિયોઝ પણ યુટ્યુબ ચૅનલ પર મુકવા. બીજી એવી કચ્છી વાનગીઓ, જે હવે વીસરાતી જાય છે એ વિશે લોકોને જાણવા મળે : પૂર્વી કાનજી ગઢવી