23 February, 2023 08:38 AM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
કુમાર વિશ્વાસ નામના એક બની બેઠેલા રાજકારણીએ એવું સ્ટેટમેન્ટ કર્યું કે આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અભણ છે. બહુ સાચું કહ્યું તેણે, કારણ કે આજે સમય આવ્યો છે કે ભણતરના નામે છાકટી થઈને ફરનારી પ્રજા સામે એવા અભણ પણ હોય જે દેશને સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડી રાખે. કુમાર વિશ્વાસ કેવી રીતે ભૂલી શકે કે રાષ્ટ્રીયતાને ભણતર સાથે નહીં, ગણતર સાથે સંબંધ છે. કુમાર વિશ્વાસ કેમ એ ભૂલી શકે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એકમાત્ર એવુમ સંસ્થાકીય સંયોજન છે જે માત્ર અને માત્ર રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપે છે અને માણસ માત્રને મદદ કરવાની તૈયારી સાથે આગળ વધે છે. કુમાર વિશ્વાસ જેવા આજના છોકરડાઓ બોલતાં બોલી નાંખે છે, પણ તેમને ગંભીરતા નથી ખબર હોતી કે કહેલી વાત કેવી વેદનાસભર હોય છે.
કુમાર વિશ્વાસ કહે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અભણોથી ભર્યો છે, પણ એક વખત એવું લાગે તો એ મહાશયને કોઈ કહો કે એ જાણે કે સંઘ સાથે કોણ-કોણ અને કેવી-કેવી હસ્તીઓ જોડાયેલી હતી અને છે, કયા-કયા સ્તરનું ભણતર લઈને સંઘ સાથે જોડાઈ હતી અને આજે પણ જોડાયેલી છે?
ડૉક્ટરથી માંડીને આર્કિટેક્ચર સાથે સંકળાયેલી અને પોતાની જગ્યાએ ધુરંધર કહેવાય એવી પોઝિશન પર હોય એવી શખ્સિયત સંઘ સાથે જોડાયેલી છે અને જેટલી શિદ્દતથી એ પોતાના ક્ષેત્રમાં કામ કરે છે એવી જ નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે સંઘનું કામ પણ કરે છે. સંઘ એક રાજકીય આવેદન નથી, નથી અને નથી જ. સંઘના પાયાના સિદ્ધાંતમાં રાષ્ટ્રવાદ છે અને એ રાષ્ટ્રવાદને જ આગળ રાખીને ઊભો છે. સંઘને ભણતરના ભાસની જરૂર નથી, એ ગણતરના આધાર પર જ સંઘની નિષ્ઠા ટકી છે અને એ નિષ્ઠાએ જ સંઘને માનવીયવાદ સાથે જોડવાનું કામ કર્યું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે નબળું બોલનારું કોઈ પણ હોય, પણ જે રાષ્ટ્રવાદમાં માને છે તે એ ક્યારેય અને કોઈ કાળે એ વાત સ્વીકારી કે સહન નહીં કરી શકે અને તેણે કરવું જ ન જોઈએ. રાષ્ટ્રવાદથી મોટો કોઈ વાદ આ દેશમાં હોય નહીં અને હોવો પણ ન જોઈએ. હિન્દુસ્તાન જ શું કામ, દુનિયાનો કોઈ પણ દેશ હોય એણે રાષ્ટ્રવાદને જ પ્રાધાન્ય આપવું જોઈએ. આજે ઇઝરાયલ વૈશ્વિક સ્તર પર છપ્પનની છાતી સાથે ઊભું છે તો એનું કારણ એનો રાષ્ટ્રવાદ છે. બ્રિટને સદીઓ સુધી પોણી દુનિયા પર રાજ કર્યું એની પાછળનું કારણ જોવાની કોશિશ કરશો તો તમને દેખાશે કે બ્રિટિશરો જેવી રાષ્ટ્રવાદી પ્રજા કોઈ નહોતી અને કોઈ હોય પણ નહીં. યુનાઇટેડ આરબ એમિરેટ્સને પણ આ જ વાત લાગુ પડે છે અને ઑસ્ટ્રેલિયાને પણ આ જ વાત લાગુ પડે છે.
વિશ્વમાં શ્રેષ્ઠ બનવા માટે તમારી પાસે રાષ્ટ્રીયભાવ હોવો જોઈશે અને એ ભાવને બળવંત બનાવવા માટે મનમાં ભાવના હોવી જોઈશે. ડિગ્રીનું સર્ટિફિકેટ ક્યાંય રાષ્ટ્રવાદને બળવંત નથી બનાવતો. રાષ્ટ્રવાદ માત્ર અને માત્ર ન્યોચ્છાવર થવાની ભાવનાથી જ આવે. આપે કુમાર વિશ્વાસ જવાબ, એનામાં સંઘ જેવા ન્યોચ્છાવર થવાની તૈયારી છે ખરી?