30 September, 2024 07:22 AM IST | Mumbai | Samir & Arsh Tanna
પ્રતીકાત્મક તસવીર
બે દિવસમાં નવરાત્રિ શરૂ થાય એ પહેલાં એક વાત કહેવાનું ખાસ મન થાય છે કે આ નવરાત્રિમાં તમે કૉન્ટેસ્ટ જીતવાના હેતુથી મેદાનમાં ઊતરતાં હો તો ખોટું નથી, પણ ધારો કે એ પ્રયાસ નિષ્ફળ થાય તો એનું ટેન્શન રાખ્યા વિના તમે નવરાત્રિની મજા માણવાનું ચૂકતાં નહીં. વર્ષમાં એક વાર આવતો આ રાસોત્સવ આખી દુનિયાનો એકમાત્ર એવો તહેવાર છે જેમાં ડાન્સને ઊજવવામાં અને મનાવવામાં આવે છે. એક સમય હતો કે બહુ ઓછા લોકો અને ખાસ તો ભારતમાં અને એમાં પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ નવરાત્રિ ઊજવાતી, પણ છેલ્લાં થોડાં વર્ષોથી એ બદલાયું છે અને હવે તો ઑલમોસ્ટ દુનિયાના દરેક ખૂણે એ ઊજવવાનું શરૂ થઈ ગયું છે. કદાચ વિશ્વનો એક પણ ખંડ એવો નહીં હોય જ્યાં આ નવરાત્રિના દિવસોમાં રાસ કે દાંડિયા કે ગરબા લેવામાં ન આવતા હોય અને એટલે જ અમે કહેતાં હોઈએ છીએ કે હવે દાંડિયાને ગુજરાતીઓ પૂરતા સીમિત ગણવા એ આપણી ભૂલ છે.
હવે ગરબા અને દાંડિયા વૈશ્વિક ડાન્સ ફૉર્મ બની ગયા છે. અમેરિકા અને બ્રિટન કે પછી ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ કે કૅનેડા જેવા ગુજરાતીઓની મોટી વસ્તી ધરાવતા દેશોમાં જ નહીં; ડેન્માર્ક, સ્વીડન, સ્વિટ્ઝરલૅન્ડ, પોલૅન્ડ કે ઇન્ડોનેશિયા તથા ફિલિપીન્સમાં પણ દાંડિયાનું સેલિબ્રેશન કરવામાં આવે છે અને નવરાત્રિ વધાવવામાં આવે છે. જો દુનિયાએ આ તહેવારને પ્રેમપૂર્વક અપનાવી લીધો હોય તો પછી શું કામ આપણે હારજીતની પળોજણમાં પડીને આપણો આ ફેવરિટ તહેવાર બગાડીએ. કૉમ્પિટિશન માટેનું ઝનૂન હોવું જ જોઈએ અને એને ઝનૂનથી જ પાર કરવાની, પણ પછી રિઝલ્ટની માનસિકતા પણ બનાવી રાખવાની અને એને પણ સહર્ષ સ્વીકારી લેવાનું.
અગાઉ કહ્યું છે એમ, અમે અનેક એવાં ગ્રુપ કે વ્યક્તિગત લોકોને જોયાં છે જેઓ વર્ષોથી મહેનત કરતાં હોય અને તેમને જીત ન મળતી હોય અને ધીરજ ખૂટવા આવે ત્યારે તેઓ કૉન્ટેસ્ટ જીત્યાં હોય. જીત મળવી જરૂરી છે, પણ એ જીત ત્યારે મળે જ્યારે તમે મળનારી હારનો સામનો કરવાની ક્ષમતા પણ ધરાવતા હો.
નવરાત્રિ દરમ્યાન બીજી પણ અનેક ટિપ આપવાનું મન થાય છે, પણ અત્યારે એ બધા માટે સમય બગાડ્યા વિના એ પણ કહેવાનું કે તમને મનમાં આવે એ રીતે રમજો. બીજાનું જોઈને વિશ્વાસ ડગે નહીં એનું ધ્યાન રાખજો અને બીજાની નકલ કરવાને બદલે તમારી નૈસર્ગિક રમતને નૅચરલી રમજો. નવરાત્રિના નવ જ દિવસ મળવાના છે તો એને પ્રેમપૂર્વક અને પૂરા મનથી ઊજવી લેજો. બીજું તો શું કહીએ, દુનિયા ધારે છે એના કરતાં તમે ઘણા વધારે સમજદાર છો.