19 March, 2023 11:33 AM IST | Mumbai | Aashutosh Desai
સજાતીય લગ્નને મંજૂરી આપવાથી સમાજવ્યવસ્થા બગડી જશે?
પરિવારવ્યવસ્થા અને દેખાદેખીથી બીજા લોકો પણ સજાતીયતાનો પ્રયોગ કરવા માંડશે જેવાં ભયસ્થાનોમાં કેટલો દમ છે? સમાજશાસ્ત્રી અને સેક્સોલૉજિસ્ટ પાસેથી આ જવાબો મેળવવાની સાથે એક નજર આપણા પૌરાણિક ઇતિહાસમાં પણ કરીએ
‘પ્રેમ’ નામની લાગણી વર્ષોથી અનેક વ્યક્તિત્વ ધરાવતી લાગણી રહી છે. એ ક્યારેક સ્વીકાર, ક્યારેક પ્રદર્શન તો ક્યારેક વિદ્રોહી, ક્યારેક ઉપકાર કે દયા સુધ્ધાંનું સ્વરૂપ લઈ લે છે. જોકે પ્રેમને સીધો સંબંધ વ્યક્તિ સાથે છે, જાતિ સાથે છે કે લિંગ સાથે એ વિશે દલીલો વર્ષોવર્ષથી થતી રહી છે. વ્યક્તિ અને જાતિ વિશેની દલીલોમાં આપણે પડવું નથી, કારણ કે વ્યક્તિની પસંદગી એ અંગત બાબત છે અને જાતિની પસંદગી સમાજવ્યવસ્થાની. જોકે આ બાબતે વ્યક્તિ અને સમાજવ્યવસ્થા આ બંને પક્ષે દલીલો થતી રહી છે.
૨૦૧૮ના વર્ષમાં ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક સંબંધો પ્રત્યે એક અતિમહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જોકે એ નવીન હતો કે સર્વપ્રથમ હતો એમ નહીં કહી શકાય. જોકે આજે સમલૈંગિક સંબંધોના કાયદાનું જે સ્વરૂપ છે એ હજીયે અધૂરું છે એમ કહી શકાય; કારણ કે સમલૈંગિક સંબંધોને તો સ્વીકારાયા, પરંતુ સમલૈંગિક લગ્નોને હજી સ્વીકારાયા નથી. આથી થોડા સમય પહેલાં લગભગ ૧૫ સમલૈંગિક યુગલો દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી કે ભારતમાં સમલૈંગિક લગ્નોને પણ મજૂરી આપવી જોઈએ, કારણ કે ભારતના સંવિધાન અનુસાર લગ્ન એ વ્યક્તિના મૂળભૂત અધિકારમાં આવે છે.
આ અરજી સામે વિરોધ નોંધાવતાં કેન્દ્ર સરકાર દ્વારા ઍફિડેવિટ કરીને જણાવવામાં આવ્યું કે સમલૈંગિક લગ્નને જો મંજૂરી આપવામાં આવશે તો વ્યક્તિગત કાયદાઓ અને સ્વીકૃત સામાજિક મૂલ્યો વચ્ચે જે એક નાજુક સંતુલન જળવાયું છે એ ખોરવાઈ જશે. સરકાર વ્યક્તિગત સ્વતંત્રતા અને પ્રવૃત્તિમાં કોઈ ખલેલ પાડવા નથી માગતી, પરંતુ આ મુદ્દો સામાજિક વ્યવસ્થા અને લગ્નસંસ્થાને લાગુ પડતો હોવાથી એને કાયદાકીય મંજૂરી આપવી હિતાવહ નથી.
૩૭૭ની કલમ શું હતી?
હવે ખરું પૂછો તો કલમ ૩૭૭ ભારત કે ભારતીય સંસ્કૃતિ અનુસાર બનેલા કાયદાની કલમ જ નહોતી. અંગ્રેજ શાસન દરમિયાન ૧૮૬૧ની સાલમાં એ લાગુ કરવામાં આવી હતી જે અન્વયે સમલૈંગિક સંબંધોને ગેરકાનૂની ઠરાવવામાં આવ્યા હતા. એથીયે થોડી વધુ વિગતોમાં જઈએ તો ઇંગ્લૅન્ડમાં ૧૫૩૩ની સાલમાં કિંગ હેન્રી આઠમાના શાસનકાળ દરમિયાન ‘બગરી ઍક્ટ’ બનાવવામાં આવ્યો હતો, જે અનુસાર સ્ત્રી-પુરુષ વચ્ચે અપ્રાકૃતિકથી લઈને પુરુષ અને પ્રાણી કે સ્ત્રી અને પ્રાણી વચ્ચેના મૈથુનને અપ્રાકૃતિક ગણાવીને બૅન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પ્રકૃતિ વિરુદ્ધના આ કૃત્ય માટે બગરી ઍક્ટમાં મૃત્યુદંડ સુધીની સજા હતી. આ જ કાયદો અંગ્રેજોએ ભારતમાં પણ લાગુ કર્યો, પરંતુ એ કાયદામાં સમલૈંગિક સંબંધોનો કોઈ ઉલ્લેખ નહોતો. આથી અંગ્રેજોએ જ્યારે ઇંગ્લૅન્ડમાં બગરી ઍક્ટમાં સંશોધન કરીને ધારા ૩૭૭ સામેલ કરી ત્યારે ભારતમાં પણ એ લાગુ કરી દેવામાં આવી હતી. ૧૯૪૭માં ભારત આઝાદ તો થયું, પરંતુ નવા ભારતમાં હજીયે ઘણા કાયદાઓ અંગ્રેજ શાસન દરમિયાનના જ ચાલુ રાખવામાં આવ્યા હતા. એમાંનો એક કાયદો હતો કલમ ૩૭૭, જેને ૨૦૧૮માં નાબૂદ કરવામાં આવ્યો.
જોકે ૩૭૭ની નાબૂદી બાદ પરિસ્થિતિ હાસ્યાસ્પદ થઈ ગઈ, કારણ કે ભારતીય કાયદો ૩૭૭ની નાબૂદી બાદ સમલૈંગિક યુગલને સંબંધ રાખવાની અને એકસાથે રહેવાની પરવાનગી તો આપે છે, પરંતુ લગ્નની પરવાનગી આપતો નથી. મતલબ કે પ્રૅક્ટિકલી હાલ કાયદો એમ કહે છે કે તમે સાથે રહો તો વાંધો નથી, પરંતુ સાથે રહેવાની પરવાનગી આપતું સર્ટિફિકેટ (લગ્ન) અમે તમને નહીં આપીએ. સો, કિસ્સા યહાં સિર્ફ સર્ટિફિકેશન કા હૈ.
પુરાણોના પટારામાં શું છે?
ઋષિ વાત્સ્યાયનથી શરૂ કરીને મંદિરનાં શિલ્પો સુધી દરેક રીતે બે સમલૈંગિક સંબંધોની વાત થઈ છે.
મહાભારતકાળની ભીષ્મને યુદ્ધમાં હરાવનાર શિખંડીની કથા પણ શું સૂચવે છે? મહારાજ દ્રુપદને ત્યાં જન્મેલી દીકરી શિખંડીને રાજા એક દીકરી તરીકે નહીં પરંતુ દીકરા તરીકે જ ઉછેરે છે; એટલું જ નહીં, જોકે લગ્નની પહેલી રાત્રે જ જ્યારે શિખંડીની પત્નીને વાસ્તવિકતાની જાણ થાય છે ત્યારે ગંધર્વો દ્વારા શિખંડીને પૌરુષત્વની ભેટ આપવામાં આવે છે અને શિખંડી ત્યાર બાદ દ્વિલિંગી મનુષ્ય તરીકે જીવે છે.
આ સિવાય નારદપુરાણમાં એવું જણાવ્યું છે કે જે વ્યક્તિ બિનયોનિમાં વીર્યસ્રાવ કરે છે તે મહાપાપી છે. હા, મનુસ્મૃતિમાં ચોક્કસ આ પ્રકારના સંબંધને વર્જ્ય ગણાવાયો છે.
ભારતીય સંસ્કૃતિના અનેક ગ્રંથોમાંનો એક માઇલસ્ટોન ગ્રંથના રચનારા ઋષિ વાત્સ્યાયન અને તેમના સર્જન કામસૂત્રને કઈ રીતે ભુલાય? કામસૂત્રના ચૅપ્ટર-૯માં હોમોસેક્સ્યુઅલથી લઈને દરેક પ્રકારના સમલૈંગિક સંબંધો જ માત્ર નહીં, પરંતુ ટ્રાન્સજેન્ડર અને કિન્નરોના શારીરિક સંબંધો વિશેની પણ વાતો મળે છે જેને ઋષિ વાત્સ્યાયને ત્રિતયા પ્રકૃતિ તરીકે ઓળખાવ્યા છે. એટલું જ નહીં, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ હોમોસેક્સ્યુઅલિટીનો ઉલ્લેખ મળે છે.
ખજૂરાહો કે કોર્ણાકનું સૂર્યમંદિર હોય કે પુરીનાં મંદિરો અથવા તાંજોરનાં શિલ્પો - સમલૈંગિક સંબંધોનું આલેખન, એનો બેધડક સ્વીકાર અને એની પ્રૅક્ટિસ વિશે આ બધાં જ શિલ્પો જીવતા-જાગતા નમૂના છે. ખજૂરાહોમાં તો એક સ્ત્રી બીજી સ્ત્રીને પ્રેમ કરતી હોય ત્યાંથી લઈને એક પુરુષ બીજા પુરુષને પોતાનાં ગુપ્તાંગોનું પ્રદર્શન કરતો હોય ત્યાં સુધીનાં શિલ્પો રચાયાં છે.
સંસ્કૃતિ વિરુદ્ધની વાત...?
વાત જો એવી થઈ રહી હોય કે સમલૈંગિક સંબંધ કે લગ્ન સંસ્કૃતિની વિરુદ્ધ છે તો એ એક ખોટી ભ્રમણા છે એમ કહી શકાય ખરું કે નહીં? એ વાત જાણવા માટે આપણે કેટલાક એક્સપર્ટ્સ સાથે વાત કરવી પડે. જાણીતા સાઇકોલૉજિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘સરકાર કે કોઈ વ્યક્તિ જો એમ કહેતી હોય કે સમલૈંગિક સંબંધોને, તેમનાં લગ્નને કાયદા દ્વારા મંજૂરી આપી દેવાથી સમાજવ્યવસ્થા ડહોળાઈ જશે તો એ વાત સાવ ખોટી છે. કોઈ એમ કહેતું હોય કે કોઈક સમલૈંગિક સંબંધને જોઈને સમાજની બીજી વ્યક્તિ પણ એ તરફ આકર્ષાશે તો એ અણસમજ છે. એવું ક્યારેય બનતું નથી. મેં આજ સુધી મારી જિંદગીમાં એક પણ વ્યક્તિને કોઈ સમલૈંગિકને જોઈને સમલૈંગિક બનતી જોઈ નથી. એ શક્ય જ નથી. હા, કદાચ જિનેટિકલ હોઈ શકે અને હું તો માનું છું કે એ સમય પણ દૂર નથી જ્યારે તેમના DNA પણ શોધાશે અને સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન જિનેટિકલ હોઈ શકે કે નહીં એ પણ સંશોધન ટૂંક સમયમાં થશે જ. દરેક વ્યક્તિની પોતાની સેસ્ક્યુઅલ આઇડેન્ટિટી કે સેક્સ્યુઅલ ચૉઇસિસ શું છે એ પૂર્ણપણે જે-તે વ્યક્તિ પર નિર્ધારિત હોય છે અને એ બીજાને જોઈને ક્યારેય બદલાઈ શકતી નથી.’
એથી આગળ વધીને તેઓ કહે છે કે, ‘સમલૈંગિક સંબંધોને મંજૂરી આપ્યા બાદ જો લગ્નને પણ મંજૂરી આપી દેવામાં આવે તો ઊલટું આપણે સ્વસ્થ અને સુરક્ષિત સમાજ બનાવવામાં એક પગલું આગળ વધીશું, કારણ કે આવાં બાળકો સૌથી વધુ ચાઇલ્ડ અબ્યુઝનો શિકાર થતાં રહ્યાં છે. એટલું જ નહીં, એક સેક્સોલૉજિસ્ટ તરીકે મેં નોંધ્યું છે કે સમલૈંગિક સંબંધોમાં પણ હોમોસેક્સ્યુઅલ વ્યક્તિઓ મોટા ભાગે એક કરતાં વધુ સાથીઓ સાથે સંબંધ ધરાવતી હોય છે અથવા બાંધતી હોય છે. આથી જ આવી વ્યક્તિઓમાં HIV કે એઇડ્સ જેવી બીમારીની શક્યતાઓ પણ વધી જતી હોય છે. હવે જો તેમને લગ્નની મંજૂરી મળી જાય તો લગ્નને કારણે જે એક કમિટમેન્ટની ભાવના ઉત્પન્ન થાય છે એને કારણે પુરુષો એક કરતાં વધુ સાથીઓ સાથે સંબંધ બાંધવાનું ટાળતા થશે. બીજી તરફ લેસ્બિયન રિલેશનશિપમાં વાત થોડી ભિન્ન છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સમલૈંગિક સ્ત્રીઓમાં સેક્સ કરતાં લાગણીનું મહત્ત્વ વધુ હોય છે. હવે જો તેઓ પણ લગ્ન કરી શકે તો સંબંધો તૂટવાની શક્યતા આપોઆપ ઘટી જશે. એને કારણે સમાજ વધુ સ્થિર અને સંતુલિત બની શકશે.’
સંબંધો મંજૂર તો લગ્ન કેમ નહીં?
કાયદાએ સમલૈંગિક સંબંધોને મંજૂરી આપી છે એટલે આજે નહીં તો આવતી કાલે લગ્નને પણ મંજૂરી આપવી જ પડશે એવું માનતાં ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘ભલે આપણે કાયદાની આંટીઘૂંટીમાં ન પડીએ અને માત્ર આ સંબંધો અને તેમનાં લગ્ન વિશેની જ વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે આપણી નજરે નહીં પણ તેમની નજરે વિચારવું પડે. એ વિચારવા માટે સૌથી પહેલાં તમારે એ સમજી લેવું પડે કે કોઈ પણ સમલૈંગિક વ્યક્તિ પોતાની પસંદગીથી સમલૈંગિક નથી બની. આ કુદરત દ્વારા તેમને મળેલી ભેટ છે. સૃષ્ટિમાં તમે જોશો તો ઈશ્વરે સમલૈંગિકતા માત્ર માણસોને આપી છે એવું નથી. એ જીવમાત્રમાં છે. ફૂલ-ઝાડ પાંદડાંથી લઈને જળચર પ્રાણીઓ, વન્યજીવો અને માણસો આ બધા જ જીવોમાં સમલૈંગિકથી લઈને ઉભયલિંગી વ્યક્તિત્વ મૂક્યું છે. આપણને એ અજીબ માત્ર એટલા માટે લાગે છે કારણ કે આવા જીવો મૅજોરિટીમાં નથી અને માઇનૉરિટીમાં છે. હોમોસેક્સ્યુઅલ કમ્યુનિટીમાં પણ બે અલગ-અલગ પ્રકારની વ્યક્તિઓ હોય છે. એક જેને ઇગોડિસ્ટોનિક કહેવાય છે. આ એવી વ્યક્તિઓ હોય છે જે હોમોસેક્સ્યુઅલ છે પણ તે સ્ટ્રેઇટ બનવા માગે છે, સમલૈંગિક રહેવા માગતી નથી. બીજી હોય છે ઇગોએસ્ટોનિક મતલબ કે તેઓ સમલૈંગિક છે અને સમલૈંગિક તરીકે જ રહેવા અને જીવવા માગે છે. આવી વ્યક્તિઓને તમે બળજબરી નહીં કરી શકો કે તેમણે બદલાઈ જવું જોઈએ. અને શું કામ બદલાવું જોઈએ? માત્ર એટલા માટે કારણ કે સમાજ કે કાયદો તેમને સામાન્ય નથી ગણાતો અથવા સ્વીકાર્ય નથી ગણતો? સાઇકોલૉજીમાં કે સાયન્સમાં પણ તેમને પર્વર્ટ કે વિકૃત કહેવામાં નથી આવતા, કારણ કે તેઓ એવા છે જ નહીં. તેઓ માત્ર સામાન્ય લોકોથી અલગ છે, બસ. તમને કદાચ ખબર નહીં હોય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હવે ટ્રીટમેન્ટ અને વ્યાખ્યાઓ બદલાઈ ચૂકી છે. આજથી લગભગ ૩૦-૩૫ વર્ષ પહેલાં મેં નવી-નવી પ્રૅક્ટિસ શરૂ કરી હતી ત્યારે જો કોઈ ઇગોડિસ્ટોનિક સમલૈંગિક તમારી પાસે આવે તો તેમને સ્ટ્રેઇટ સેક્સ્યુઅલ બનાવવા માટેની થિયરીઝ, સાઇકોલૉજિકલ દવાઓ, ટ્રીટમેન્ટ્સ વગેરે હતી. જોકે હવે છેલ્લાં થોડાં વર્ષોથી બધું જ બદલાઈ ચૂક્યું છે. હવે સાયન્સ અને સાઇકોલૉજી કહે છે કે કોઈ વ્યક્તિ અગર કુદરતી રીતે ગઈ છે અને સ્ટ્રેઇટ થવા માગે છે તો તેને બદલવાની નહીં પરંતુ તે જે છે તે સ્વીકારવામાં અને તેની સાથે જીવવામાં મદદ કરો. કેમ? કારણ કે સાયન્સ અને સાઇકોલૉજી હવે આવા લોકોને પેશન્ટ કે બીમાર ગણતી જ નથી. તો જ્યારે કોઈ બીમારી જ નથી તો ઇલાજ શાનો હોય?
બીજું, જે કુદરતી રીતે તમને મળ્યું હોય એનો ઇલાજ શક્ય નથી. જેમ કે કોઈ વ્યક્તિ જે કુદરતી જ સમલૈંગિક હશે તેને ખૂબ વાળશો કે બળજબરી કરશો તો વધુમાં વધુ તે બાહરી વર્તન કે દેખાવ બદલશે, પણ અંતરની લાગણી થોડી બદલી શકશે. તે કદાચ તમને ઉપર-ઉપરથી એવું દેખાડશે કે હા, તે સેમ સેક્સથી અટ્રૅક્ટ નથી થઈ રહી, પણ ભીતરથી તો તે આકર્ષણ અનુભવતી જ હશે. તમે એક્સ્ટર્નલ બિહેવિયર બદલી શકો, ઇન્ટર્નલ ઇમોશન નહીં બદલી શકો.’
સ્વીકાર પણ અઘરો છે
ભારતમાં સૌથી પહેલાં પોતાની સેક્સ્યુઅલ આઇડેન્ટિટી જાહેર કરનારા હોમોસેક્સ્યુઅલ હતા અશોકરાવ કવિ. ખૂબ મજાની વ્યક્તિ હતા તેઓ. તેમણે પહેલી વાર જાહેરમાં કહ્યું હતું કે ‘હા, હું હોમોસેક્સ્યુઅલ છું!’ ૧૯૮૦-’૮૫ની સાલમાં તેમણે આ વિશે જાહેરમાં વાતો કરી હતી. ભારતના પહેલા સેલ્ફ-પ્રોક્લેમ હોમોસેક્સ્યુઅલ અશોકરાવ કવિ હતા. એ સિવાય માનવેન્દ્ર સિંહ ગોહિલ છે, જેમનું નામ હવે તો ભારતમાં અજાણ્યું નથી રહ્યું. રાજપીપળાના રાજવી પરિવારના માનવેન્દ્ર સિંહે પણ પોતે ગે હોવાને કારણે ખૂબ ભોગવ્યું છે. તેમણે તો પોતાનો રાજવી પરિવાર અને લગભગ ૪૦૦-૫૦૦ કરોડની વારસાઈ મળનારી મિલકત સુધ્ધાં છોડી દીધી હતી. તેમણે ભારતમાં કલમ ૩૭૭ માટે ખૂબ લડત પણ ચલાવી. માનવેન્દ્ર સિંહે LGBT કમ્યુનિટી માટે ખૂબ કર્યું છે. આજે તો હવે તેઓ પોતાના સાથી સાથે અમેરિકા સ્થિર થયા છે.
ભવિષ્ય અને સમાજનું શું?
હવે તમે કહેશો કે આવાં યુગલોમાં બાળકોનું શું? સોસાયટીનું શું? તો મને કહો કે સ્ટ્રેઇટ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનની મેજોરિટી ધરાવતા આપણા સમાજમાં શું ઇનફર્ટાઇલ યુગલ નથી? મા-બાપ બની જ નહીં શકતાં હોય એવાં કપલ્સ નથી? એ લોકો શું કરે છે? આજે કેટલીયે સીમેન બૅન્ક્સ ખૂલી ચૂકી છે, સરોગસી કે આઇવીએફ વગેરે ટ્રીટમેન્ટ્સ આવી ચૂકી છે. તો હોમોસેક્સ્યુઅલ કે લેસ્બિયન કપલ્સ મા-બાપ નહીં બની શકે એમ કહેવું એ તો એક સાવ ખોટી ભ્રમણા થઈ કહેવાય કે નહીં?
સમાજશાસ્ત્ર પર ઊંડો અભ્યાસ કરનારા અને મીઠીબાઈ કૉલેજના સોશ્યોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. ખેવના દેસાઈ કહે છે, ‘આપણે જો માત્ર સમલૈંગિક કમ્યુનિટીની વાત કરીએ તો ભારતની કુલ વસતિની આશરે ત્રણ ટકા કરતાંય ઓછી વસતિ પોતાને LGBT કમ્યુનિટીની એટલે કે સમલૈંગિક તરીકે ઓળખાવે છે. મતલબ કે આપણે એક એવા સમાજની વાત કરી રહ્યા છે જેની વસતિ દેશમાં પાંચ ટકા કરતાંય ઓછી છે. તો હવે સરકાર જો એમ કહેતી હોય કે લગ્નની છૂટ આપી દેવાથી સમાજવ્યવસ્થા બદલાઈ કે ખરડાઈ જશે તો એવું હું નથી માનતી. બીજું, આ કાયદો (૩૭૭) બ્રિટિશ એરા દરમિયાન બનેલો કાયદો હતો. હવે બ્રિટિશ શાસનકાળ દરમિયાન એમણે જે કોઈ કાયદા બનાવ્યા હતા એ વિબ્લિકલ મેન્ટાલિટી પ્રમાણેના કાયદા હતા, એટલે કે વિક્ટોરિયન એમ્પાયર પ્રમાણેના. એ મહદંશે બાઇબલમાં કહેવાયેલી વાતોનું તેમણે કરેલું ઇન્ટપ્રિટેશન અનુસાર હતા. મતલબ કે ભારતમાં લદાયેલો કાયદો ભારતના લોકો કે શાસ્ત્રો કે સમાજવ્યવસ્થા અનુસાર તો હતા જ નહીં. બીજું, પુખ્ત વયની વ્યક્તિની પોતાની સેક્સ્યુઅલિટી અલગ હોઈ શકે અને તે પોતાની મરજી પ્રમાણે પોતાના સાથીનું ચયન કરી શકે એટલી સામાન્ય બાબત સમજતાં આપણને ૧૫૦ વર્ષ લાગી ગયાં, જ્યારે ભારતીયોએ તો આ વાત પુરાણોકાળથી સ્વીકારી જ હતી. એ સિવાય આપણે હજીયે માત્ર LGBT કે LGBTQ કમ્યુનિટીની જ વાતો કરીએ છીએ, જ્યારે વિશ્વમાં આ રીતે ભિન્ન સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનના લગભગ ૮૩ જેટલા અલગ-અલગ પ્રકાર છે.’
શરીર અને સામાજિક વ્યવસ્થા
આપણે બાયોલૉજિકલ અને સોશ્યલ બંનેને છૂટા પાડીને જોવાની ટેવ પાડવી જોઈએ એવું માનતાં ડૉ. ખેવના આગળ કહે છે, ‘કોઈ વ્યક્તિ બાયોલૉજિકલી સ્ત્રી તરીકે જન્મી છે તો જરૂરી નથી કે સોશ્યલી પણ આપણે તેને સ્ત્રી તરીકે જ ગણાવીએ. જેમ કે મારી એક વિદ્યાર્થિની છે તે જન્મી છે સ્ત્રી તરીકે, પરંતુ તેને કોઈ સ્ત્રી તરીકે ઓળખાવે એ જરાય ગમતું નથી. તે કહે છે કે હું જન્મી ભલે છું છોકરી તરીકે, પણ મને અંદરથી ક્યારેય એવું લાગતું જ નથી કે હું છોકરી છું. તે કહે છે કે હું શરીર અને મનથી અલગ છું. મને એમ લાગે છે કે આપણે ઓરિએન્ટેશનને જોવાની દૃષ્ટિ બદલવાની જરૂર છે. હું કોને પ્રેમ કરું છું એ મહત્ત્વનું છે, કારણ કે લાગણી અને ઓરિએન્ટેશન તો મનમાંથી જન્મતી વાત છે. એ શરીરમાંથી નથી જન્મતી. લાઇક, મને પાંઉભાજી ભાવતી હોય તો તમને પણ એ ભાવવી જોઈએ એવું જરૂરી નથી. તમને પિત્ઝા ભાવતા હોય એ ઘણું સ્વાભાવિક છે. એ જ રીતે મને સ્ત્રી તરીકે પુરુષ ગમે છે કે પુરુષને સ્ત્રી તરફ આકર્ષણ થાય છે, લાગણી જન્મે છે એનો અર્થ એ નથી કે દરેક સ્ત્રીને પુરુષ તરફ જ લાગણી થવી જોઈએ. લાગણીની બાબતમાં જે-તે વ્યક્તિની લૈંગિક ઓળખ મહત્ત્વની છે જ નહીં. લગ્નની મંજૂરી આપવી જોઈએ અને ન આપવી જોઈએ એ વિશેની ચર્ચા કે કોર્ટકેસ સુધી વાત પહોંચે છે એનું કારણ એ છે કે આપણે હજીયે એટલા કૂપમંડૂક જ રહી જવા પામ્યા છીએ કે લગ્નને આપણે એક રીપ્રોડક્શન સિસ્ટમ તરીકે જ જોતા આવ્યા છીએ. લગ્ન થાય, સેક્સ્યુઅલ ઍક્ટિવિટી થાય અને બાળક જન્મે. આ ટ્રેડિશન ફૉલો નહીં થાય ત્યાં સુધી આપણે એને લગ્ન ગણાતા જ નથી. જોકે લગ્ન રીપ્રોડક્શન માટે નહીં, સહજીવન માટે બનાવાયેલી વ્યવસ્થા છે અને જો વાત સહજીવનની હોય તો એમાં લૈંગિક ઓળખને શું ફેર પડે છે?’
તકલીફ મોટામાં મોટી એ છે કે વાસ્તવમાં આ આખો મામલો માત્ર ઓરિએન્ટેશનનો છે જેને આપણે બીમારીથી લઈને જિનેટિકલ ડિસઑર્ડર સુધી અને ચેપી કે નવી અભદ્ર ફૅશન હોવા સુધીની વાતો કહીને બદનામ કરી મૂક્યો છે. તમે પુરુષ છો અને તમને સ્ત્રી ગમે છે એમ જોવા કરતાં જો દૃષ્ટિ જ એ કેળવવામાં આવે કે તમે એક વ્યક્તિ છો અને તમને સામે બીજી એક વ્યક્તિ ગમે છે. બસ, વાત અહીં જ ખતમ થઈ જવી જોઈએ. એમાં સામી વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ એથી શું ફેર પડે છે? પ્રશ્ન સ્વીકૃતિનો છે. વાસ્તવમાં LGBT કમ્યુનિટી પણ લગ્નના હક માટે નથી લડી રહી. આ કમ્યુનિટી લગ્નના હક દ્વારા સ્વીકૃતિ માટે લડી રહી છે, કારણ કે લગ્ન જે રીતે સમાજમાં સ્વીકૃત છે એ જ રીતે અમને પણ લગ્નની અને લગ્ન પછી તે યુગલને પણ સમાજમાં સ્વીકૃતિ મેળવી જોઈએ એ માટેની તેમની આ લડત છે.
મુશ્કેલી એ છે કે કાયદા દ્વારા સ્વીકૃતિ મળી ચૂકી હોવા છતાં આપણે હજી તેમને સ્વીકારવા તૈયાર નથી. તમારા ઘરની બાજુમાં કોઈ સમલૈંગિક યુગલ લિવ-ઇનમાં રહેવા આવશે તો તમે તેને સહજતાથી સ્વીકારશો? નહીં સ્વીકારો. તમારે તમારો ફ્લૅટ ભાડે આપવાનો હોય અને જો કોઈ આવું યુગલ લેવા માટે આવે તો ખચકાશો, તરત તેમને નહીં આપો; કારણ કે તમારી નજરમાં હજીયે આ નૉર્મલ નથી. સો, ખરું પૂછો તો પ્રૉબ્લેમ સમલૈંગિક લોકોમાં નથી, પ્રૉબ્લેમ આપણે તેમને સહજતાથી સ્વીકારતા હજીયે શીખ્યા નથી એમાં છે. કદાચ આપણી દૃષ્ટિ જ આપણે હજી એટલી કેળવી નથી. આથી જ તેમણે લગ્ન જેવા મૂળભૂત અધિકાર માટે પણ દેશની કોર્ટનાં બારણાં ખખડાવવાં પડે છે.
જોવાનો નજરિયો
એવું પણ નથી કે આવી વ્યક્તિઓ કોઈ બીજી સામાન્ય સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન ધરાવતી વ્યક્તિ કરતાં ભિન્ન હોય છે. માત્ર તેમને જોવાની આપણી નજર જ ભિન્ન હોય છે એમ જણાવતાં ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘સમલૈંગિકો પણ આપણા જેવા જ સામાન્ય લોકો છે. દુ:ખની વાત એ છે કે આપણે પોતાને એક આધુનિક સમાજની વ્યક્તિ ગણાવતા હોવા છતાં હજીયે આટલી સહજ અને કુદરતી વાતનો સ્વીકાર નથી કરી શકતા અને તેમને ઘૃણાની નજરે કે અવગણના કરવાયોગ્ય ગણતા રહીએ છીએ. એને કારણે તેમને સમાજની જ નહીં પરંતુ પોતાની વ્યક્તિઓની પણ ઘણી ટીકા અને અવહેલનાનો સામનો કરવો પડે છે. ઘણા તો એવા હોય છે જેમને પોતાની સેક્સ્યુઅલ ઓળખ વિશે ઘણા લાંબા સમય સુધી ખબર સુધ્ધાં નથી હોતી. મારા અંગત મિત્રવર્તુળની જ વાત કરું તો મારા એક મિત્રનો દીકરો તેનાં મા-બાપને નહોતો કહી શક્યો, કારણ કે તેને ખબર હતી કે તે લોકો આ વાત નહીં સ્વીકારે. તે મારી સામે વાત કરતાં રીતસર રડી પડ્યો હતો. એથીયે વધુ દુ:ખની વાત એ છે કે આપણા આવા વ્યવહાર અને ઘૃણાને કારણે એકલતા અને અવગણાયેલી અનુભવતી આવી વ્યક્તિઓ પછી અવળી લાઇને ચાલી જતી હોય છે. જિંદગી બરબાદ કરી નાખતા નશાથી લઈને સેક્સવર્કર અને આત્મહત્યા સુધીનો રસ્તો એ લોકો અપનાવી લે છે જે સ્વાભાવિક છે સરવાળે સમાજ માટે જ નુકસાનકારક છે.
સમલૈંગિક માણસોની જિંદગી પણ સરળ નથી. સેક્સોલૉજિસ્ટ તરીકે તેમની પાસે આવેલા કિસ્સા વિશે વાત કરતાં ડૉ. મુકુલ કહે છે, ‘મેં કેટલાય એવા કિસ્સા જોયા છે અથવા મારી ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ દરમિયાન સાંભળ્યા છે કે એવાં કેટલાંય બાળકો જોયાં છે જેમની ઉંમર હજી તો માત્ર ૧૪ વર્ષ કે એથી પણ નાની હતી. તેમના સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન વિશે તેમને પોતાને જ હજી ખબર પણ નહોતી એ પહેલાં જ તેમનું સેક્સ્યુઅલ અબ્યુઝ થઈ ચૂક્યું હોય છે. અરે, ઘણા તો એવા પણ છે કે અબ્યુઝની યાતના ભોગવ્યા બાદ તેમને જાણ થઈ હોય કે તેઓ સમલૈંગિક છે.’