ગેરકાનૂની ઇમિગ્રન્ટોને કાઢ્યા પછી ટ્રમ્પ અમેરિકાની જરૂરિયાતો કેમ પૂરી પાડશે?

04 December, 2024 07:36 AM IST  |  Mumbai | Dr. Sudhir Shah

પરદેશીઓ પણ અમેરિકામાં ઇલ્લીગલ પ્રવેશવાની ઇચ્છા ધરાવે એમાં પણ કંઈ જ નવાઈ નથી.

ડોનલ્ડ ટ્રમ્પે

બીજી વાર અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ જેવું અમેરિકાનું પ્રેસિડન્ટ પદ સંભાળશે કે તરત જ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા અને ત્યાં ગેરકાયદેસર કામ કરતા ઇલ્લીગલ ઇમિગ્રન્ટોને અમેરિકા બહાર તેમના પોતપોતાના દેશમાં મોકલી આપશે. જોકે શું આવી જાહેરાત અમલી બને એ શક્ય છે? શું ડોનલ્ડ ટ્રમ્પ ખરેખર આવું કરશે?

આમ જોઈએ તો કોઈ પણ દેશને ઇલ્લીગલ ઇમિગ્રન્ટો પસંદ ન હોય એ સત્ય હકીકત છે. આજે અમેરિકામાં આટલા બધા ઇલ્લીગલ ઇમિગ્રન્ટો રહે છે અને ત્યાં કામ કરે છે એનું કારણ એ છે કે અમેરિકાને જેટલી સંખ્યામાં એમનાં ખેતરોમાં, એમની ઇન્ડસ્ટ્રીઝમાં, એમની ફૅક્ટરીઓમાં, એમની ઑફિસોમાં, એમની યુનિવર્સિટીઓમાં, એમની હૉસ્પિટલોમાં કાર્યકરોની જરૂરિયાત છે એટલા એમને ત્યાં ઉપલબ્ધ નથી.

અમેરિકાએ પરદેશીઓ માટે જે ઇમિગ્રન્ટ વીઝા ઘડ્યા છે એ ‘ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી’ હેઠળ વર્ષના ૨,૨૬,૦૦૦ અને ‘એમ્પ્લૉયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી’ હેઠળ વર્ષના ૧,૪૦,૦૦૦ ઇમિગ્રન્ટ વીઝાની છૂટ આપી છે. આ સંખ્યા એમની જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછી છે. સ્પેશ્યલિટી ઑક્યુપેશન વર્કરો માટે ઘડવામાં આવેલા H-1B વીઝાની વાર્ષિક સંખ્યામર્યાદા ૮૫,૦૦૦ની છે, જ્યારે એ માટે ચારથી પાંચ લાખ જેટલી અરજી આવે છે. એનો અર્થ એવો થયો કે આવા ચારથી પાંચ લાખ વર્કરોની અમેરિકાને જરૂર છે. જ્યારે કાયદેસર ફક્ત ૮૫,૦૦૦ પરદેશી વર્કરો H-1B વીઝા હેઠળ અમેરિકામાં આવી શકે છે.

જો આવી પરિસ્થિતિ હોય તો વિવિધ ક્ષેત્રોમાં જરૂરી એવા વર્કરોની ખેંચ પૂરી પાડવા માટે અમેરિકન માલિકો ઇલ્લીગલ ઇમિગ્રન્ટોને પ્રોત્સાહન આપે એ સ્વાભાવિક છે અને પરદેશીઓ પણ અમેરિકામાં ઇલ્લીગલ પ્રવેશવાની ઇચ્છા ધરાવે એમાં પણ કંઈ જ નવાઈ નથી.

અમેરિકાની જેટલી ડિમાન્ડ છે એનાથી પા ભાગથી પણ ઓછા કાયદેસરની સપ્લાય છે. આ કારણસર લાખો પરદેશીઓ અમેરિકામાં ઇલ્લીગલી પ્રવેશે છે અને ગેરકાયદેસર કામ કરે છે. ધારો કે માની લઈએ કે બોલ્યા મુજબ અમેરિકાના બીજી વાર બનેલા પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ઇલ્લીગલ ઇમિગ્રન્ટોને અમેરિકાની બહાર તો કાઢી મૂકશે, પણ પછી અમેરિકાને જે હજારો-લાખો કાર્યકરોની જરૂર છે એ તેઓ કેવી રીતે પૂરી પાડશે? 

columnists united states of america donald trump political news international news