લૅટરલ એન્ટ્રી પર સરકારનો યુ-ટર્ન જાતિનો મુદ્દો ગળાનો ગાળિયો બનતો જાય છે

25 August, 2024 12:25 PM IST  |  Mumbai | Raj Goswami

આમાં ટ્રૅજેડી એ છે કે કૉન્ગ્રેસે એના શાસનમાં લૅટરલ એન્ટ્રીની વ્યવસ્થા હેઠળ અનેક નિષ્ણાતોની ઉચ્ચ પદ પર નિયુક્તિ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

આમાં ટ્રૅજેડી એ છે કે કૉન્ગ્રેસે એના શાસનમાં લૅટરલ એન્ટ્રીની વ્યવસ્થા હેઠળ અનેક નિષ્ણાતોની ઉચ્ચ પદ પર નિયુક્તિ કરી હતી. સરકારને હંમેશાં નિષ્ણાત લોકોની જરૂર હોય છે અને એવા લોકો નિયમિત સિવિલ સર્વિસની પ્રક્રિયા મારફત નથી મળતા એટલે એના માટે લૅટરલ એન્ટ્રીની વ્યવસ્થા બનાવવામાં આવી છે

લોકસભાની ચૂંટણીમાં ધાર્યું પરિણામ ન આવતાં બૅકફુટ પર આવી ગયેલી નરેન્દ્ર મોદીની ત્રીજી સરકારે વિરોધ પક્ષોના દબાવમાં આવીને, ખાસ કરીને એના સમર્થક પક્ષોને ધ્યાનમાં રાખીને, વક્ફ કાયદામાં બહુચર્ચિત સુધારાને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાનો નિર્ણય કર્યો અને વિવાદાસ્પદ બ્રૉડકાસ્ટિંગ બિલ ૨૦૨૪ને સ્થગિત કરી દીધું એ પછી હવે કેન્દ્રના વહીવટી તંત્રમાં વરિષ્ઠ પદો પર લૅટરલ એન્ટ્રી મારફત નિયુક્તિઓ કરવાનો આદેશ પાછો ખેંચી લીધો છે.

૧૭ ઑગસ્ટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ ૪૫ પદ પર વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જગ્યાઓ લૅટરલ એન્ટ્રી દ્વારા ભરવાની હતી એટલે કે UPSCની મોટા ભાગની ભરતી-પરીક્ષાઓની જેમ આ ભરતીઓ એન્ટ્રી લેવલ પર ન થતાં સીધી ઉચ્ચ હોદ્દા માટે થવાની હતી. એમાં ૪૫ મંત્રાલયોમાં સંયુક્ત સચિવની ૧૦ અને નિર્દેશક અને ઉપસચિવની ૩૫ જગ્યાઓ સામેલ હતી.

એનું નોટિફિકેશન આવતાં જ વિવાદ થઈ ગયો હતો અને કૉન્ગ્રેસ સહિત વિપક્ષોએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર આરક્ષણ ખતમ કરવા માગે છે એટલે લૅટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરી રહી છે. INDIA બ્લૉકના નેતા અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે જો સરકાર આ યોજના પાછી નહીં લે તો તેમની પાર્ટી બીજી ઑક્ટોબરે આ યોજના વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરશે.

લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) અને જનતા દળ (યુનાઇટેડ)એ આ યોજનાનો વિરોધ કર્યો હતો, જ્યારે એન. ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેસમ્ પાર્ટી (TDP)એ એનું સમર્થન કર્યું હતું.

લોકસભાની ચૂંટણીમાં અને અગાઉની લોકસભામાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી લગાતાર એવો આરોપ મૂકતા આવ્યા હતા કે મોદી સરકાર પછાત અને દલિતવિરોધી છે અને ચૂંટણીમાં ‘૪૦૦ પાર’ એટલા માટે જવા માગે છે જેથી બંધારણ બદલી નાખીને આરક્ષણ ખતમ કરી નાખવું છે.

સાચું કે ખોટું, લોકોના મનમાં આ વાત ઘર કરી ગઈ છે અને લોકસભાની ચૂંટણીમાં એટલે જ ભારતીય જનતા પાર્ટી (BJP)ને એકલા હાથે બહુમતી નથી મળી. એનું જ પરિણામ છે કે ભરતીના નોટિફિકેશન પર વિરોધ થતાં સરકારે એને પાછું ખેંચી લીધું છે. કાર્મિક પ્રધાન જિતેન્દ્રસિંહે UPSCનાં અધ્યક્ષ પ્રીતિ સુદાનને પત્ર લખીને કહ્યું છે કે નીતિના અમલીકરણમાં સામાજિક ન્યાય અને આરક્ષણનું ધ્યાન રાખવું જોઈએ.

આમાં ટ્રૅજેડી એ છે કે કૉન્ગ્રેસે એના શાસનમાં લૅટરલ એન્ટ્રીની વ્યવસ્થા હેઠળ અનેક નિષ્ણાતોની ઉચ્ચ પદ પર નિયુક્તિ કરી હતી. સરકારને હંમેશાં નિષ્ણાત લોકોની જરૂર હોય છે અને એવા લોકો નિયમિત સિવિલ સર્વિસની પ્રક્રિયા મારફત નથી મળતા એટલે એના માટે લૅટરલ એન્ટ્રીની વ્યવસ્થા બનાવવામાં આવી છે. ડૉ. મનમોહન સિંહ, રઘુરામ રાજન, નંદન નીલેકણી સહિત અનેક અમલદારો આવી રીતે ઉચ્ચ જગ્યાએ આવ્યા હતા.

એ જ કૉન્ગ્રેસે એ વ્યવસ્થાનો વિરોધ કર્યો અને સરકારે પીછેહઠ કરવી પડી છે. કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ નોટિફિકેશન પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ‍્વિટર પર લખ્યું હતું...

‘નરેન્દ્ર મોદી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને બદલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધ્યમથી સરકારી કર્મચારીઓની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારનાં મંત્રાલયોમાં મહત્ત્વની જગ્યાઓ પર લૅટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરીને SC, ST અને OBC કૅટેગરી માટેનું આરક્ષણ ખુલ્લેઆમ છીનવી લેવામાં આવી રહ્યું છે. મેં હંમેશાં કહ્યું છે કે ટોચની અમલદારશાહી સહિત દેશના તમામ ટોચના હોદ્દાઓમાં વંચિતોનું પ્રતિનિધિત્વ નથી. એને સુધારવાને બદલે તેમને લૅટરલ એન્ટ્રી આપીને ટોચના હોદ્દા પરથી દૂર કરવામાં આવી રહ્યા છે. આ સામાજિક ન્યાયની વિભાવના પર હુમલો છે જેમાં વંચિત લોકો માટેના આરક્ષણની અને UPSCની તૈયારી કરી રહેલા પ્રતિભાશાળી યુવાનોના અધિકારોની લૂંટ છે.’

બીજી બાજુ સરકાર દાવો કરી રહી છે કે આ નિમણૂકો માત્ર મેરિટ એટલે કે શ્રેષ્ઠતાના આધારે કરવામાં આવે છે, એમાં આરક્ષણની કોઈ જોગવાઈ નથી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણપ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ‍્વિટર પર લખ્યું હતું...

‘લૅટરલ એન્ટ્રીના મુદ્દામાં કૉન્ગ્રેસનો દંભ સ્પષ્ટ દેખાય છે. લૅટરલ એન્ટ્રીનો ખ્યાલ યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો. બીજા વહીવટી સુધારા પંચની સ્થાપના ૨૦૦૫માં UPA સરકાર દરમ્યાન કરવામાં આવી હતી. વીરપ્પા મોઇલીએ એની અધ્યક્ષતા કરી હતી. UPA યુગના આ પંચે અનેક જગ્યાઓ પર નિષ્ણાતોની ભરતી કરવાની ભલામણ કરી હતી. નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) સરકારે આ ભલામણને લાગુ કરવા માટે એક પારદર્શક પદ્ધતિ તૈયાર કરી છે. આ ભરતી UPSC દ્વારા પારદર્શક અને નિષ્પક્ષ રીતે કરવામાં આવશે. એનાથી શાસનમાં સુધારો થશે.’

ટૂંકમાં, જાતિના મુદ્દે BJP સરકાર ઘણી ગભરાયેલી છે અને હજી તો દેશભરમાં જાતિગણના કરાવવાની વિપક્ષોની માગણી માથા પર લટકે છે.

ઉત્તર પ્રદેશમાં પણ આરક્ષણ ગળાનો ગાળિયો બન્યું

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર પણ આરક્ષણના મુદ્દે શિક્ષકોની ભરતીના વિવાદમાં અટવાઈ પડી છે. અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે ઉત્તર પ્રદેશમાં ૬૯,૦૦૦ શિક્ષકોની ભરતીમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈને ભરતીનું મેરિટ લિસ્ટ રદ કરી દીધું છે. કોર્ટની ડબલ બેન્ચે સરકારને ૧૯૯૪ના રિઝર્વેશન રૂલ્સની કલમ ૩ (૬) અને બેઝિક એજ્યુકેશન રૂલ્સ ૧૯૮૧નું પાલન કરીને નવું સિલેક્શન લિસ્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ કેસ ડિસેમ્બર ૨૦૧૮નો છે. એ વખતે ઉત્તર પ્રદેશમાં ૬૯,૦૦૦ પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે એક જાહેરાત બહાર પાડવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯માં ૪,૧૦,૦૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને વર્ષ ૨૦૨૦માં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. એમાં કુલ ૧,૪૭,૦૦૦ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી. પાસ થયેલા લોકોમાંથી ૧,૧૦,૦૦૦ અનામત વર્ગના હતા.

આ મેરિટ લિસ્ટના આધારે ઉત્તર પ્રદેશમાં ૬૯,૦૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જોકે ભરતીપ્રક્રિયા ટૂંક સમયમાં શંકા હેઠળ આવી ગઈ હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અનામત વર્ગના આશરે ૧૯,૦૦૦ ઉમેદવારોને અનામતનો લાભ આપવામાં આવ્યો નહોતો. કેટલાક ઉમેદવારોએ ભરતીપ્રક્રિયાની નિષ્પક્ષતાને પડકારીને અદાલતનો સંપર્ક કર્યો હતો.
આ કેસમાં જ્યાં યોગી સરકાર અદાલતના આદેશનું પાલન કરવામાં વ્યસ્ત છે તો બીજી તરફ એને વિપક્ષી દળોના હુમલાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય વિરોધ પક્ષ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું છે કે જો મુખ્ય પ્રધાન ૬૯,૦૦૦ શિક્ષકોની ભરતીના કેસમાં કોઈ રસ્તો ન શોધી શકે, પછાત અને દલિત શિક્ષક ઉમેદવારોને ન્યાય ન આપી શકે તો તેમણે સત્તા છોડી દેવી જોઈએ. વિવાદની ગંભીરતાને સમજતાં યોગીએ કહ્યું છે કે કોઈ પણ ઉમેદવાર સાથે અન્યાય ન થવો જોઈએ.

બહુજન સમાજ પાર્ટી (BSP)નાં વડાં માયાવતીએ પણ આ મુદ્દે યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે, ‘હાઈ કોર્ટનો ચુકાદો સાબિત કરે છે કે સરકારે પોતાનું કામ ન્યાયી અને પ્રામાણિકપણે કર્યું નથી. આ કિસ્સામાં ખાસ કરીને અનામત વર્ગના પીડિતોને ન્યાય મળે એ સુનિશ્ચિત કરવું જોઈએ.’

આ અંગે અગાઉ પણ રાજકારણ ગરમાયું હતું. ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં BJPને પણ એટલે જ મોટો ફટકો પડ્યો છે. વિપક્ષ આરક્ષણ અને પછાત લોકોની ઉપેક્ષાની વાતો બનાવવામાં સફળ રહ્યો છે.

કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે ૬૯,૦૦૦ સહાયક શિક્ષકોની ભરતી વિશે અલાહાબાદ હાઈ કોર્ટનો ચુકાદો BJP સરકારના આરક્ષણ પ્રણાલી સાથે ચેડાં કરવાના ષડ‍્યંત્રનો યોગ્ય જવાબ છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શિક્ષિત લોકોને લડવા માટે મજબૂર કરનારી BJP સરકાર સાચા અર્થમાં યુવાનોની દુશ્મન છે.

યોગી સરકારની સમસ્યા એ છે કે ટૂંક સમયમાં રાજ્યમાં પેટાચૂંટણીઓ આવી રહી છે. વિપક્ષ એ વખતે ચોક્કસપણે આ મુદ્દો ઉઠાવશે. જો કોર્ટના આ નિર્ણય સામે અપીલ કરવામાં આવે તો વિપક્ષ એને પછાતવિરોધી કહેવાનું ચૂકશે નહીં. બીજી બાજુ જો આ આદેશનો અમલ કરવામાં આવશે તો જેમની નોકરીઓ પ્રભાવિત થશે તેઓ શેરીઓમાં ઊતરી આવશે. એટલે અત્યારે તો આ વિવાદનો ઉકેલ સરળ નથી.

લોકસભાની ચૂંટણીમાં નવ વિધાનસભ્યો સંસદસભ્ય બન્યા હતા અને સિસામૌ બેઠકના વિધાનસભ્ય ઇરફાન સોલંકીને દોષી ઠેરવવામાં આવ્યા બાદ ૧૦ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની સાથે જ ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણી પણ યોજાશે. લોકસભાની ચૂંટણીમાં BJPને પછડાટ મળી એ પછી એની આ બીજી પરીક્ષા છે.

જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી

મોદી સરકારે ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ કરીને સૌથી મોટી ફતેહ હાંસલ કરી એ પછી જમ્મુ-કાશ્મીરમાં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. ચૂંટણી ૧૮ સપ્ટેમ્બરથી ત્રણ તબક્કામાં યોજાશે.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની છેલ્લી ચૂંટણી ૨૦૧૪માં યોજાઈ હતી. જૂન ૨૦૧૮માં BJPએ PDPની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો એ પછી ગઠબંધન સરકાર પડી ભાંગી અને તરત રાજ્યપાલનું શાસન લાદવામાં આવ્યું હતું.

એ પછી વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો હતો અને એને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચ્યો હતો. લદ્દાખને પણ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં હાલમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાનું શાસન છે. જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પક્ષો લાંબા સમયથી વિધાનસભાની ચૂંટણી યોજવાની માગણી કરી રહ્યા હતા. ૨૦૧૯ની પાંચમી ઑગસ્ટે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવામાં આવ્યા પછી જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષો રાજ્યનો દરજ્જો પુનઃ સ્થાપિત કરવાની માગણી કરી રહ્યા હતા. ૨૦૨૨માં જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન દ્વારા સાત નવી બેઠકો ઉમેરવામાં આવી છે અને હવે નવી વિધાનસભામાં ૮૩ બેઠકોને બદલે ૯૦ બેઠકો હશે. એમાંથી ૧૬ બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આ તમામ ૧૬ બેઠકો કિંગમેકરની ભૂમિકા ભજવશે. એવું માનવામાં આવે છે કે જે પણ પક્ષ ૧૬ બેઠકો જીતશે એ નિર્ણાયક સ્થિતિમાં હશે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી ત્યારથી જ BJP રાજ્યમાં આગામી સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. લોકસભાની ચૂંટણીમાં BJPએ જમ્મુમાં બે બેઠકો જીતી હતી, જ્યારે નૅશનલ કૉન્ફરન્સે કાશ્મીર ખીણમાંથી બે બેઠકો જીતી હતી અને અપક્ષ વિધાનસભ્ય એન્જિનિયર રશીદે એક બેઠક જીતી હતી.

columnists raj goswami indian government narendra modi uttar pradesh bharatiya janata party