20 October, 2023 04:41 PM IST | Mumbai | Bhavini Lodaya
જાનવીબા ઝાલા, ૧૬ વર્ષ, સ્ટુડન્ટ કાલાચૌકી
થોડા દિવસ પહેલાં ગાંધી જયંતી નિમિત્તે ઠેર-ઠેર સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયેલું. આખા ભારતભરમાં સ્વચ્છતા અભિયાન ચાલ્યું, શું આ સ્વચ્છતા વર્ષમાં એક દિવસ કરીએ એટલે આખું વર્ષ તે સ્વચ્છતા તેમને તેમ રહે છે ? શાળાઓમાં, મોટા મોટા કર્મચારી ઓફિસોમાં, તેમજ સરકારી કાર્યાલયોમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવે છે પણ શું આ સ્વચ્છતા ફક્ત એક દિવસ પૂરતી જ કરવી જોઈએ કે કેમ?
જગ્યા જગ્યાએ કચરાપેટી તો રાખવામાં આવી છે પણ એ કચરાપેટીની અંદર તેમજ તેની આસપાસ પડેલા કચરાનું નિકાલ સમયસર કરવામાં જ નથી આવતો અને તેને લીધે જ વાતાવરણમાં કચરાની દુર્ગંધ ફેલાય છે અને તેને લીધે અનેક રોગોનો લોકોને સામનો કરવો પડે છે. અનેક જગ્યાએ થુકવા માટેની પેટીઓ રાખવામાં આવી છે પણ એ પેટીઓ ક્યારેય સ્વચ્છ થતી નથી. તેમ જ એક વખત એ પેટીઓ લગાડાઈ ગયા બાદ તે કઈ કન્ડિશનમાં છે એની કોઈ ખબર પણ લેતું નથી. આ ગંદગી ફેલાવવા માટે જેટલી પબ્લિક જવાબદાર છે તેટલી જ સરકાર પણ જવાબદાર છે. જો નાગરિકોને કચરો નાખવાની કચરાપેટી તેમજ થૂકવા માટેની વ્યવસ્થા પ્રોપર હશે તો જ આપણી આસપાસનું વાતાવરણ સ્વચ્છ રહેશે. મુંબઈના અમુક જગ્યાએ તો કચરાપેટીઓ પણ રાખવામાં આવી નથી કચરા પેટીઓના અભાવને લીધે લોકો જ્યાં ત્યાં કચરો ફેકે છે અને ગંદકી ફેલાવે છે. ઘણી વખત નાગરિકો કચરો સંભાળીને પણ રાખે છે કે ચલો આગળ જઈને કચરાપેટી દેખાશે તો એમાં કચરો નાખશું, પણ એવી કોઈ ફિક્સ જગ્યા નથી કે આટલા અંતરે આ એક કચરાપેટી મૂકવામાં આવી છે ત્યાં જઈને તમે કચરો ફેકશો. આ બધા કારણો ને લીધે જ આપણા દેશમાં ગંદકીનું પ્રમાણ પણ વધતું જઈ રહ્યું છે. આ ગંદકીના લીધે માખી અને મચ્છર દ્વારા મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફાટી નીકળે છે. આપણે આપણી આસપાસની ગંદકીને ગંભીરતાથી નથી લેતા. આજે પણ ગલી અને મોહલ્લાઓમાં ગંદકી જોવા મળે છે.
મારા મતે, સરકારે ગલી અને મોહલ્લામાં કચરાપેટીઓ અને થુંકદાનીઓ મુકાવવી જોઈએ જેથી કરીને લોકો કચરાપેટીમાં કચરો નાખી જાય અને થૂંકદાનીનો થૂંકવા માટે ઉપયોગ કરે, કારણ કે જો આપણે સ્વચ્છતા જાળવીએ તો વાતાવરણ આનંદમય રહે છે. માટે સરકારે આ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે.