સાવધાન! તમે CCTV કૅમેરાની નજરમાં છો!

29 November, 2024 10:05 AM IST  |  Mumbai | Rajul Bhanushali

રોડ પર તો ઠેર-ઠેર આવું પાટિયું જોવા મળે છે, પણ હવે ઘરોમાં પણ છૂપી ત્રીજી આંખ ગોઠવાવા લાગી છે. બાળકો અને વડીલોની સેફ્ટીનાં વિવિધ કારણોસર ઘરમાં કૅમેરા ગોઠવતા લોકોનો અનુભવ શું કહે છે એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

ગાઝિયાબાદમાં એક કુક રસોઈમાં યુરિન મિક્સ કરતી હતી એના કારણે પરિવારને લિવરની ગંભીર તકલીફ થયાના સામાચાર થોડા સમય પહેલાં જ આવેલા. ઘરમાં ગોઠવેલા CCTV કૅમેરાને કારણે આ ઘટના બહાર આવેલી. જીવનમાં આવા જ કોઈ સારા-માઠા અનુભવને કારણે ઘરમાં ચોક્કસ જગ્યાએ કૅમેરા ગોઠવવાનું ચલણ હવે પ્રચલિત થઈ રહ્યું છે. ઘરમાં કામ કરવા આવતા હેલ્પર સ્ટાફ પર નજર રાખવા કે પછી વડીલો-બાળકો માટે રાખેલા નર્સિંગ સ્ટાફ પર નજર રાખવા કૅમેરાનો સપોર્ટ લે છે તેમનો અનુભવ કેવો છે એ જાણીએ.

હાઉસહેલ્પરો કે વર્કરો પર ધ્યાન રાખવામાં જ પૈસા વસૂલ થઈ ગયાઃ કીર્તિદા દોશી

કીર્તિદા દોશીના ઘરે ઉંમરલાયક માસીની સિક્યૉરિટી માટે ઘણાં વર્ષોથી CCTV છે. તેઓ કહે છે, ‘અમે નવી મુંબઈ શિફ્ટ થયાં ત્યાં બહુ મોટું ઘર હતું. અમારી સાથે મારાં ઉંમરવાળાં માસી હતાં. તેમનું ધ્યાન રાખી શકાય તેમ જ સિક્યૉરિટી માટે અમે કૅમેરા લગાવ્યા હતા. ઘરમાં નવા હાઉસહેલ્પ આવ્યા. તેમની પાછળ દરેક રૂમમાં ફરી ન શકાય તો એ રીતે પણ નજર રાખી શકાતી. થયું એવું કે એક નવી હેલ્પરનો પહેલો જ દિવસ હતો. મારા ઘરમાં બે હેલ્પર આવે અને તેઓ એક ચોક્કસ જગ્યાએ પર્સ કે થેલી મૂકે. નવી હેલ્પર કામ કરીને નીકળી. થોડી વારે પાછી આવી અને કહ્યું કે મારી પર્સમાં ૫૦૦ રૂપિયા હતા અને હવે નથી. મેં તેને કહ્યું કે તું બરાબર ચેક કર. ક્યાંક પડી ગયા હશે અને CCTV છે તો આપણે જોઈ લઈએ. તેણે CCTVનો આગ્રહ ન રાખ્યો અને ચાલી ગઈ. અમે નવું AC લીધું. કંપનીના માણસો આવીને લગાવી ગયા પરંતુ બીજા જ દિવસે AC ચાલુ કર્યું તો રૂમ ઠંડો ન થાય. અમે કમ્પ્લેઇન્ટ કરી પરંતુ જે લગાવી ગયા હતા તેમણે કહ્યું કે અમે કામ બરાબર જ કર્યું છે, તમે કંઈક મિસ્ટેક કરી છે અને એના કારણે પ્રૉબ્લેમ થયો છે. પરંતુ પછી અમે CCTV ફુટેજ બતાવ્યું ત્યારે સાબિત થયું કે પીસમાં જ કંઈક ગરબડ છે અને કંપનીએ અમને પીસ રિપ્લેસ કરી આપ્યો. મારા તો ૫૦,૦૦૦ ત્યાં જ વસૂલ થઈ ગયા. આપણે બહારગામ ગયા હોઈએ ત્યારે પણ ઘરમાં CCTV હોય તો જ્યારે ઇચ્છીએ ત્યારે ચેક કરી શકાય કે બધું ઠીક છે કે નહીં.’

ફૅમિલી કોર્ટના કેસ ઉકેલવામાં પણ કૅમેરા મદદરૂપ છે: દિવ્યા ઠક્કર, ઍડ્વોકેટ

બોરીવલીમાં રહેતાં ઍડ્વોકેટ દિવ્યા ઠક્કરના ઘરમાં CCTV કૅમેરા છે. એ વિશે તેઓ કહે છે, ‘પહેલાં અમારી સાથે વડીલો હતા અને તેમનું ધ્યાન રાખવા કૅરટેકર પણ હતા. મારી દીકરી પણ ત્યારે નાની હતી. હું અને મારા હસબન્ડ બન્ને કામે જઈએ ત્યારે ઘરની બધી જ વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલતી રહે અને કંઈ મિસમૅનેજમેન્ટ ન થાય એટલા માટે અમે CCTV કૅમેરા લગાવ્યા હતા. દીકરી સ્કૂલમાંથી આવે ત્યારે હું કૅમેરા થ્રૂ તેની સાથે વાત કરી શકું છું. તે પણ કૅમેરા સામે ઊભી રહીને ડાન્સ કરતાં-કરતાં મને સ્કૂલમાં શું કર્યું એ કહે. તેને એવું લાગે જાણે મમ્મી અહીં જ છે.  ક્યારેક એવું થાય કે કૅરટેકર પાસે જે ફોન છે એ ચાર્જ ન થયો હોય કે તે કોઈ કામથી નીચે ગઈ હોય તો કૅમેરા હોય એટલે આપણને કંઈ જ ચિંતા ન થાય. હું કોર્ટમાં હોઉં ત્યારે ઘરની બેલ વાગે તો પણ મને ખબર પડે અને હું જોઈ લઉં કે કોણ આવ્યું છે. સાચું કહું છું તો આ સિસ્ટમ બહુ હેલ્પફુલ છે. મને ૮૦ ટકા રિલીફ થઈ ગઈ છે. આપણને ખબર પડે કે બાળક ટૅબ કે મોબાઇલ પર શું જોવામાં સમય પસાર કરી રહ્યું છે. આ પણ મોટો ફાયદો છે. મારે ત્યાં ઘરની બહારથી ઘણી વખત પગરખાં ચોરાઈ જતાં. CCTV લગાવ્યા પછી ખબર પડી કે ફૂડ ડિલિવરી માટે આવતા છોકરા ચોરી જાય છે. એકબે વખત ખખડાવ્યા પછી એ ન્યુસન્સ પણ બંધ થઈ ગયું છે.’

CCTVના બીજા પાસાની વાત કરતાં તેઓ કહે છે, ‘અલર્ટ રહેવું પણ ખૂબ જરૂરી છે. એનો ઍક્સેસ કોઈ બીજા પાસે ન હોવો જોઈએ નહીં તો તે તમારી દરેક ગતિવિધિ પર નજર રાખી શકે. મારે ત્યાં થયું એવું કે મેં કૅમેરા નખાવ્યા પછી મને સતત એમ જ થયા કરે કે કોઈ થર્ડ પર્સન મને જોઈ રહ્યું છે. પરંતુ શું, કેમ, કેવી રીતે એ કશું જ સમજાઈ નહોતું રહ્યું. પછી થયું એવું કે જેણે લગાવ્યા હતા તે એક દિવસ મારી ડૉટર વિશે કશુંક બોલ્યો અને હું ડઘાઈ ગઈ કે મારી દીકરી ઘરમાં જે બોલી હતી એ તેને કઈ રીતે ખબર પડી? પછી અમે પાસવર્ડ બદલ્યા અને અન્ય પ્રીકૉશન લીધાં. આ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે પાસવર્ડ કે એનો ઍક્સેસ બીજા કોઈ પાસે તો નથીને. હવે તો હું ટાઇમ ટુ ટાઇમ પાસવર્ડ ચેન્જ કરું છું અને ખૂબ અલર્ટ રહું છું. મારાં ૮૪ વર્ષનાં ફોઈ છે. તેમનાં સંતાન અમેરિકા રહે છે. તેમના ઘરે પણ અમે CCTV કૅમેરા બેસાડ્યા છે અને એનો ઍક્સેસ મારી પાસે તેમ જ અમેરિકા રહેતા તેમના સંતાન પાસે છે. ઘરમાં કૅરટેકર આવે છે. ફોઈની ઉંમર મોટી છે અને તે હવે ઘણુંબધું ભૂલી જવા લાગ્યાં છે. ભૂલી જાય પછી ફરિયાદ કર્યા કરે એટલે અમે તેમને CCTVનું ફુટેજ દેખાડીએ પછી તેમને રાહત થાય.’

કાયદા પ્રમાણે કૅમેરા ક્યાં ન લગાવી શકાય એ વિશે જણાવતાં દિવ્યાબહેન કહે છે, ‘બેડરૂમમાં કે બાથરૂમમાં CCTV કેમેરા લગાવી શકાતા નથી પરંતુ લિવિંગ રૂમ અને ઘરના એન્ટ્રન્સ પણ CCTV કૅમેરા હોય તો ઘણીબધી રીતે રાહત રહે. હું મુખ્યત્વે ફૅમિલી કોર્ટમાં હોઉં. ફૅમિલી પ્રૉબ્લેમ્સવાળા કેસિસ મારી પાસે વધારે આવે છે. એવા કેસમાં પણ ઘણી વખત કૅમેરા મહત્ત્વના સાબિત થાય છે. એક ફૅમિલી આવી હતી કે જેમાં વહુ સાસરાની ફૅમિલીના સભ્યો પર ખોટા આરોપો લગાવી રહી હતી કે તેઓ મને હૅરૅસ કરે છે. મેં તેમને ઘરમાં CCTV બેસાડવા માટે સૂચન કર્યું. વહુને જેવી ખબર પડી કે ઘરમાં CCTV લાગ્યા છે એટલે તેની ખોટી વાતો બંધ થઈ અને કેસ સરળતાથી પતી ગયો. એકાદ કિસ્સો એવો પણ છે કે ગૅસ પાઇપલાઇનમાં લીકેજ છે અને રિપેર કરવા આવ્યા છીએ એમ કહીને લોકો ઘરમાં લૂંટના ઇરાદે ઘૂસ્યા, પરંતુ CCTVમાં તેમનો ચહેરો આવી ગયો અને તે પકડાઈ ગયા.’

બાળકો અને દાદા-દાદી બન્નેની સેફ્ટી માટે ફાયદો થયો : ભારતી રાઠોડ

તિલકનગરમાં રહેતાં ભારતી રાઠોડ અને તેમના હસબન્ડ બન્ને વર્કિંગ છે. ઘરમાં વડીલો અને નાનાં બાળકો હતાં એટલે તેમણે CCTV કૅમેરા લગાવ્યા. ભારતીબહેન કહે છે, ‘મારા ઘરમાં CCTV છેલ્લાં સાત-આઠ વર્ષથી છે. સાસુ-સસરાની ઉંમર ઘણી હતી અને તેઓ બીમાર રહેતાં હતાં અને બચ્ચા નાનાં હતાં. હું અને મારા હસબન્ડ બન્ને જૉબ પર જતાં તો ધ્યાન રાખી શકાય એટલા માટે કૅમેરા લગાવેલા. જરૂર પડે તો તેમને ઇન્સ્ટ્રક્ટ કરી શકાય. બાળકો ક્યાંક દાદાદાદીને વધારે હેરાન તો નથી કરતાંને એ પણ જોઈ શકાય. અમને ફાયદો જ થયો છે. ઘરમાં મેઇડ પણ હતી તો એ પણ ધ્યાન રખાઈ જતું હતું. તેને પણ કામ બાબતે કશું ઇન્સ્ટ્રક્ટ કરવું હોય તો થઈ શકે. અમે બહારગામ જઈએ ત્યારે પણ કૅમેરા ચાલુ જ હોય તો ખબર રહે કે બધું ઓકે છે.’

એકલા રહેતા સિનિયર સિટિઝન માટે તો CCTV ખરેખર ઉપકારક છેઃ મીનાક્ષી વખારિયા

અંધેરી-વર્સોવામાં રહેતાં મીનાક્ષી વખારિયાને ત્યાં ૨૦૧૭થી CCTV કૅમેરા લાગેલા છે. મીનાક્ષીબહેન કહે છે, ‘મારા હસબન્ડના મૃત્યુ પછી દીકરીઓએ ઘરમાં CCTV કૅમેરા લગાવ્યા. ત્રણેય દીકરીઓ પાસે ઍક્સેસ છે. તેમને સતત મારી ચિંતા થયા કરે. અમારી સોસાયટી ખૂબ જ મોટી છે. કંઈ પ્રૉબ્લેમ થાયને વૉચમૅનને બોલાવીએ તો વૉચમૅન પહોંચે એનાથી પહેલાં તો દીકરીઓને ખબર પડી જાય. કંઈ તબિયત નરમ-ગરમ હોય કે ક્યારેક થોડી મોડી ઊઠું કે તોય પૂછી લે કે કેમ હજી ઊઠી નથી? તબિયત બરાબર છેને?  પહેલાં એમ થતું કે શું જરૂર છે, પરંતુ હવે મને પણ ઘણું સેફ લાગે છે. કૅમેરાની સામે કોઈ આવે અને એ મૂવમેન્ટ સેન્સ કરે તો તરત જ ‘કોણ છે? કોણ છે?’ અવાજ આવે. બધું રેકૉર્ડિંગ થાય. એમ તો હું આ ઘરમાં ૪૦ વર્ષથી રહું છું, ક્યારેય કશું જ નથી થયું; પરંતુ હવે એકલી થઈ ગઈ એટલે દીકરીઓનો આગ્રહ હતો. એકલા રહેતા સિનિયર સિટિઝન માટે તો CCTV ખરેખર ઉપકારક છે.’

columnists mumbai news mumbai gujarati community news gujaratis of mumbai