22 January, 2023 11:20 AM IST | Mumbai | Aashu Patel
વિશ્વભરમાં શ્રેષ્ઠ એજ્યુકેશન સિસ્ટમ ફિનલૅન્ડની કેમ છે?
થિયરી નહીં, પ્રૅક્ટિકલમાં માને છે આ દેશ. કદાચ એટલે જ દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ દિલ્હીના શિક્ષકોને ફિનલૅન્ડ ટ્રેઇનિંગ લેવા મોકલવા માગે છે
દિલ્હીમાં મુખ્ય પ્રધાન કેજરીવાલ અને ઉપરાજ્યપાલ વચ્ચે શિક્ષકોની ટ્રેઇનિંગ બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે એ આટલી ટાઢમાંય ટાઢો પાડવાનું નામ નથી લઈ રહ્યો. કેજરીવાલ સરકારે તેમના રાજ્યના શિક્ષકોને ટ્રેઇનિંગ માટે ફિનલૅન્ડ મોકલાવવા છે અને ઉપરાજ્યપાલ એમાં નનૈયો ભણી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પહેલાં કેજરીવાલ સરકારે જે ૧,૦૦૦ કરતાંય વધુ શિક્ષકોને ટ્રેઇનિંગ માટે મોકલ્યા હતા એનો હિસાબ આપો, ત્યાર બાદ આ નવી ટ્રેઇનિંગ વિશે વિચારીશું. હવે આ વિવાદ તો દિલ્હીની ઠંડી ખાઈને ટાઢો પડતાં પડશે, પરંતુ આપણને આપણી જાણકારી વધારવાનો ફાયદો જરૂર કરાવી રહ્યો છે. આ બધું સાંભળીને આપણને પ્રશ્ન થાય કે ફિનલૅન્ડના શિક્ષણ અને એની શિક્ષણવ્યવસ્થામાં એવું તે શું નવું છે કે કેજરીવાલ સરકારે દિલ્હીના શિક્ષકોને ત્યાં મોકલવા છે? તો આ રહ્યો જવાબ.
ફિનલૅન્ડની એજ્યુકેશન સિસ્ટમ બની કઈ રીતે?
વાસ્તવમાં ફિનલૅન્ડની એજ્યુકેશન સિસ્ટમ જ નહીં, પરંતુ એક દેશ તરીકે પણ ઘણા મોટા ફેરફારો આવ્યા બીજા વિશ્વયુદ્ધ બાદ. બીજા વિશ્વયુદ્ધ પછી ફિનલૅન્ડે ફાસિસ્ટ વિચારધારાનો ત્યાગ કરીને કમ્યુનિસ્ટ અને સોશ્યલિસ્ટ વિચારધારાને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું અને ખૂબ ઝડપથી ફિનલૅન્ડમાં એક પછી એક કમ્યુનિસ્ટ પાર્ટી અને સોશ્યલિસ્ટ ઑર્ગેનાઇઝેશનનું રજિસ્ટ્રેશન થવા માંડ્યું. આશરે ૧૯૪૫માં ફિનલૅન્ડવાસીઓના દિમાગ પર બીજા વિશ્વયુદ્ધનું હૅન્ગઓવર એટલું જબરદસ્ત હતું કે તેમણે દેશ અને દેશની વ્યવસ્થા ધરમૂળથી બદલી નાખવી હતી. એને કારણે આ સમય દરમિયાન ફિનલૅન્ડમાં અચાનક એક નવો જ દોર શરૂ થયો. આ દોર કંઈક એવો હતો કે દેશમાં કોઈ પણ ક્ષેત્રે કામ કરતી દરેક વ્યક્તિને મહત્ત્વ અપાવા માંડ્યું. દરેક વ્યક્તિનું દેશના ઘડતરમાં મહત્ત્વ સ્વીકારવા માગતું ફિનલૅન્ડ કૅપિટલિસ્ટ્સ અને તેમની વિચારધારાને જાકારો આપી રહ્યું હતું. એને કારણે ફિનલૅન્ડમાં એક જબરદસ્ત મોટો ફેરફાર આવ્યો અને વર્ષો સુધી વિપક્ષમાં બેસતી રહેલી કમ્યુનિસ્ટ અને સોશ્યલિસ્ટ પાર્ટી બહુમત મેળવીને જીતી અને સત્તાપક્ષ તરીકે ફિનલૅન્ડમાં સરકાર બનાવી.
ફિનલૅન્ડની નવી સરકાર પણ કેટલાંક મહત્ત્વનાં રિફૉર્મ્સ કરી રહી હતી. ફિનલૅન્ડમાં શરૂ થયેલા આ ઐતિહાસિક રિફૉર્મને કારણે વિશ્વ આખામાં એક નવો વિચાર જન્મ્યો અને એ વિચાર એટલે ‘સોશ્યલ વેલ્ફેર’! એ સમયની સરકાર દ્વારા રિફૉર્મ તરીકે ૧૯૪૮ની સાલમાં ‘ચાઇલ્ડ બેનિફિટ સિક્યૉરિટી’ નામથી એક નવો કાયદો બનાવવામાં આવ્યો. આ કાયદાએ ફિનલૅન્ડ પર એટલી જબરદસ્ત અને એટલી લાંબા ગાળાની અસર ઊભી કરી કે આજે ૭૫ વર્ષ બાદ પણ એની અસરકારકતા દેશની એજ્યુકેશન સિસ્ટમ પર જળવાઈ રહી છે. આ કાયદામાં સરકારે નક્કી કર્યું કે જે પરિવારમાં બાળકો હશે તે પરિવારને સરકાર આર્થિક મદદ પૂરી પાડશે. સાથે જ એ પણ નક્કી કરવામાં આવ્યું કે બાળકોને શાળામાં વિનામૂલ્ય ભોજન પણ આપવામાં આવશે. આજે પણ ફિનલૅન્ડની દરેક શાળામાં વિદ્યાર્થીઓને મફત ભોજન મળે છે.
ટૂ ટિયર સ્કૂલ્સની શરૂઆત
આટલા મોટા રિફૉર્મ બાદ ફિનલૅન્ડની એજ્યુકેશન સિસ્ટમમાં બીજો મોટો ફેરફાર કરવામાં આવ્યો સ્કૂલ્સની ઓળખ દ્વારા. પીપલ્સ સ્કૂલ (અથવા ગ્રામર સ્કૂલ) અને સ્કૂલ ઑફ લર્નિંગ (અથવા સિવિક સ્કૂલ) તરીકે સ્કૂલ્સને બે અલગ-અલગ ઓળખ આપવામાં આવી. પીપલ્સ સ્કૂલ્સને આપણે બેઝિક સ્કૂલ તરીકે પણ ઓળખીએ તો ચાલે. દરેક વિદ્યાર્થી પછી તે ગરીબ હોય કે અમીર તેણે આ પીપલ્સ સ્કૂલમાં પોતાનું બેઝિક ભણતર મેળવવું ફરજિયાત કરવામાં આવ્યું. જોકે એ માટે મા-બાપે એક પણ રૂપિયો કે ફી કે પુસ્તક માટે કોઈ પૈસા કે યુનિફૉર્મ માટે એક કાણો રૂપિયો પણ ચૂકવવાની જરૂર નહોતી.
એટલું જ નહીં, ફિનલૅન્ડની સરકારે વિચાર્યું કે જ્યારે આ કક્ષાના ભણતરને જો બેઝિક ભણતર ગણવામાં આવતું હોય તો એમાં ગ્રેડિંગ સિસ્ટમની શું જરૂર? આથી સાત વર્ષની ઉંમરે ભણતર માટે દાખલ થયેલું બાળક સાતમી કે નવમી કક્ષા સુધી ભણે ત્યાં સુધી કોઈ પણ જાતની ગ્રેડિંગ સિસ્ટમ રાખવાનું સરકારે ટાળ્યું.
ત્યાર બાદ નેક્સ્ટ લેવલની સ્કૂલને નામ આપવામાં આવ્યું સ્કૂલ ઑફ લર્નિંગ. આ સિલેક્શન દ્વારા જવા ચાહતા વિદ્યાર્થીઓ માટેની સ્કૂલ હતી એમ કહીએ તો ચાલે. કહો કે વધુ ભણતર ભણવા માગતા હોય કે ગ્રેડ લાવીને આગળ ભણવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે હતી. મતલબ કે મૂળભૂત ભણતર ભણી ચૂકેલા વિદ્યાર્થીનું અહીં સ્કિલ-ઘડતર થવાનું શરૂ થાય એમ કહી શકો. પોતાને જે ગમે છે એ ભણો. ઐસા કછુ. મતલબ કે દરેક બાળકે ઓછામાં ઓછું છથી આઠ વર્ષનું ભણતર ભણવું જ પડે (પીપલ્સ સ્કૂલ) એ ફરજિયાત હતું. ત્યાર બાદ આગળનું ભણતર એટલે કે સ્કૂલ ઑફ લર્નિંગ કરવું કે નહીં એ જે-તે વિદ્યાર્થી કે તેના પરિવારે નક્કી કરવાનું હતું.
જોકે ૧૯૬૮ની સાલમાં આ ટૂ ટિયર સ્કૂલનો કન્સેપ્ટ બંધ કરીને ફરી એક રિફૉર્મ લાવવામાં આવ્યું. હવે સ્કૂલ્સમાં લેવલ્સ નહોતાં રહ્યાં, પરંતુ આગળનું ભણતર બાળકના રસ અથવા કાબેલિયત પ્રમાણે નક્કી થશે એમ નિર્ધારવામાં આવ્યું. ફિનલૅન્ડે સ્વીકારેલું આ મૉડલ એટલું સફળ રહ્યું છે કે આજે અમેરિકા, ફ્રાન્સ, જર્મની કે જપાન જેવા દેશો કરતાં પણ શ્રેષ્ઠ એજ્યુકેશન સિસ્ટમ ફિનલૅન્ડની છે એવું કહેવાય છે.
કેવું છે સ્કૂલિંગ?
ભારત અને ફિનલૅન્ડની સ્કૂલ્સ અને ભણતરમાં સૌથી મોટો પાયાનો ફરક ઉંમરનો છે. ફિનલૅન્ડમાં જ્યારે બાળક સાત વર્ષનું થાય ત્યારે તેનું સ્કૂલિંગ શરૂ થાય છે. બીજું, ફિનલૅન્ડમાં એવો નિયમ છે કે ફર્સ્ટ ગ્રેડના બાળકે (સાત વર્ષના) અઠવાડિયાના ૨૦ કલાક એટલે કે પાંચ દિવસનું અઠવાડિયું ગણીએ તો સરેરાશ માત્ર ચાર કલાક જ સ્કૂલમાં ગાળવાના હોય છે. ત્યાર બાદ જેમ-જેમ બાળકની ઉંમર વધતી જાય તેમ-તેમ આ કલાકો વધતા જાય. એમ છતાં વિશ્વના અનેક દેશોની શાળા કરતાં ફિનલૅન્ડની શાળાઓનો સમય ઓછો છે. સાત વર્ષથી ૧૬ વર્ષની ઉંમર સુધી ફિનલૅન્ડમાં હવે ભણતર ફરજિયાત બનાવવામાં આવ્યું છે, પરંતુ અહીં કોઈ સ્કૂલમાં કોઈ યુનિફૉર્મ નથી. જે બાળકને જે મન થાય એ કપડાં પહેરીને તે શાળાએ જઈ શકે છે.
અહીં દરેક શિક્ષક વ્યક્તિગત રીતે નક્કી કરે છે કે તેનાં બાળકો માટે અભ્યાસક્રમ કઈ રીતનો અને કયો રાખવો. એટલું જ નહીં, કઈ ટેક્નૉલૉજી બાળકો માટે વાપરવી એ પણ શિક્ષક પોતે જ નક્કી કરે છે. સરકાર કે કાયદાઓની એમાં કોઈ દખલઅંદાજી નથી હોતી. અરે, તમે નહીં માનો, પણ આ દેશ ભણતરના સિલેબસ (અભ્યાસક્રમ) જેવા કન્સેપ્ટમાં પણ નથી માનતો. ફિનલૅન્ડની કોઈ પણ સ્કૂલમાં કોઈ પણ ફિક્સ સિલેબસ નથી. મતલબ કે દરેક સ્કૂલનો; એટલું જ નહીં, દરેક ક્લાસનો; અરે, એટલું શું કામ; દરેક શિક્ષકનું સિલેબસ અલગ હોય છે અને એ સિલેબસ નક્કી પણ શિક્ષક જાતે જ કરે છે. જ્યારે ક્લાસ એકથી ક્લાસ સાત સુધી એક બાળકને એક જ શિક્ષક ભણાવતો હોય તો સ્વાભાવિક છે કે તેને બાળકની ખૂબી અને મર્યાદા બંને બીજા કોઈ પણ કરતાં વધુ સારી રીતે સમજાતી હોય અને શિક્ષક તે બાળકને આધારિત ભણતરનું સિલેબસ નક્કી કરે તો સ્વાભાવિક છે પરિણામ સફળતાનું જ મળે. અને પરિણામ મળ્યું પણ ખરું જ. આજે ફિનલૅન્ડ એક એવો દેશ છે જ્યાંનો લિટરસી રેટ ૧૦૦ ટકા છે. અર્થાત્ દેશની દરેકેદરેક વ્યક્તિ શિક્ષિત છે.
અચ્છા, દરેક શાળામાં ખાવાનું અને ચોપડીઓ દરેક વિદ્યાર્થીને મફત આપવામાં આવે છે (ભારતમાં સ્કૂલ-બુક્સ, યુનિફૉર્મ વગેરેના બિઝનેસ માટે આખું એક અલગ લૉબિંગ ચાલે છે એ દરેક મા-બાપને ખબર છે) અને રખે માનતા કે આ બધું માત્ર કહેવા ખાતર હશે. ફિનલૅન્ડની દરેક સ્કૂલમાં બાકાયદા કૅફે હોય છે જ્યાં વિદ્યાર્થીઓ પોતે પણ સેવા આપે છે. એનો અર્થ એ કે શક્ય છે કે સ્કૂલમાં તમારી બાજુમાં બેસતો મિત્ર થોડી વાર બાદ કૅફેમાં તમને કેક કે પેસ્ટ્રી વેચતો મળે. એટલું જ નહીં, આ કૅફેમાં વિદ્યાર્થીઓ સાથે તેમના શિક્ષકો પણ મજાથી ખાવા બેસે છે અને દરેક વિદ્યાર્થીએ પોતાની ખાધેલી પ્લેટ જાતે સાફ કરીને ફરી જગ્યાએ મૂકવાની હોય છે.
ઇન્ડોર ગેમ્સથી લઈને આઉટડોર ગેમ્સ તો ખરી જ. એમાંય વળી પ્લે-સ્ટેશન્સથી માંડીને વિન્ટરમાં હીટરવાળા રૂમમાં આરામ કરવા માટે બિનબૅગ્સની સુધ્ધાં વ્યવસ્થા કરવામાં આવી હોય છે. દરેક લેક્ચર કે પિરિયડ બાદ ૧૫ મિનિટની રિસેસ હોય જેમાં બાળકોએ રમવાનું, ધમાલ કરવાની, ફ્રેશ થવાનું અને ફરી નવા ક્લાસ માટે તૈયાર થવાનું. મતલબ સમજોને સ્કૂલ, સ્કૂલ નહીં પણ કોઈ પિકનિક સ્ટેશન છે. ‘યે બેચારા સિલેબસ કે બોઝ કા મારા!’ જેવું કંઈ જ નહીં. સોળ વર્ષ સુધી બાળક ભણે ત્યાં સુધી કોઈ પરીક્ષા નહીં. ૧૬ વર્ષ બાદ વિદ્યાર્થીએ એક નૅશનલ એક્ઝામ આપવી પડે છે જે દરેક માટે ફરજિયાત છે. માત્ર ઇન્ટરનલ ઍસેસમેન્ટ દ્વારા એક બાળકને એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં મોકલવામાં આવતું હોય છે.
થિયરી નહીં, પ્રૅક્ટિકલમાં માને છે આ દેશ
સાચું કહેજો કે આપણામાંથી કેટલી વ્યક્તિને ત્રીજા ધોરણમાં કયા વિષયમાં કયો પાઠ હતો એ આજે યાદ છે? અથવા X+Yવાળો વર્ગમૂળ કે ઘનમૂળવાળો કોઈ દાખલો આજે યાદ છે? પરંતુ જ્યારે તમે સ્કૂલિંગ યાદ કરો છો તો તમે કરેલી ધમાલ કે શિક્ષકે આપેલી સજા જરૂર યાદ હશે. ખરું કે નહીં? ખબર છે શા માટે? કારણ કે પેલું બધું જે ભણ્યા હતા એ થિયરી હતી અને ધમાલ કે શિક્ષા દ્વારા આપણે જે શીખ્યા હતા એ પ્રૅક્ટિકલ હતું. અને ખરું પૂછો તો આજે હવે આપણને બધાને એ સમજાય છે કે જીવનમાં પ્રૅક્ટિકલ અનુભવ જે શીખવે છે એ કોઈ થિયરી શીખવી શકતી નથી. ફિનલૅન્ડ આ હકીકત વર્ષો પહેલાં સ્વીકારી ચૂક્યું છે. આથી જ ફિનલૅન્ડ એક એવો દેશ છે જ્યાં નવમા ધોરણમાં ભણતું બાળક તેણે ભવિષ્યમાં શું બનવું છે એ વિશે જણાવી શકે છે અને ત્યાર બાદ તે બાળકનું બધું જ ભણતર તેના આ રસના વિષય બાબતે જ થાય છે. તેણે કોઈ બીજા કોર્સિસ કે વિષય ભણવાની ફરજ પાડવામાં આવતી નથી. અર્થાત્, ફૅશન ડિઝાઇનિંગ ભણવા માગતા બાળકને લૅન્ગ્વેજનું ગ્રામર પાકું કરવાની કે લિટરેચર ભણવા માગતા બાળકને ગણિત અને વિજ્ઞાન ભણવાની ફરજ પાડવામાં આવતી નથી.
એક મજાની વાત જણાવીએ? ફિનલૅન્ડની શાળાઓમાં ભણતર છે, પરીક્ષાઓ પણ છે; પરંતુ અહીં પરીક્ષાઓ સરખામણી કે ગ્રેડિંગ માટે નથી લેવાતી. એક વિદ્યાર્થીની કોઈ બીજા વિદ્યાર્થી સાથે કે એક સ્કૂલની કોઈ બીજી સ્કૂલ સાથે સરખામણી નથી થતી. આ પરીક્ષાઓ માત્ર તે વિદ્યાર્થીના ઇવૅલ્યુએશન માટે થતી હોય છે, જેથી તેની કાબેલિયત પિછાણી શકાય અને સ્કૂલ પોતાની એજ્યુકેશન સિસ્ટમ ઇવૅલ્યુએટ કરી શકે એટલો જ આશય હોય છે. અહીં કોઈ પણ પરીક્ષાનું પરિણામ બહાર પાડવામાં કે પબ્લિશ જ કરવામાં નથી આવતું.
ફિનલૅન્ડમાં કોઈ પણ સ્કૂલને કોઈ પ્રાઇવેટ ફન્ડ રેઇઝ કરવાની કે બાળકોનાં મા-બાપ પાસેથી ફી તરીકે કોઈ ફન્ડ લેવાની પણ પરવાનગી નથી. કોઈ પણ બાળક માટે કોઈ અલગ ટ્રીટમેન્ટ પણ નથી. ગરીબ ઘરનો વિદ્યાર્થી હોય કે અમીર ઘરનો - શાળા માટે તે દરેક બાળક અને તેની ટ્રીટમેન્ટ એકસરખાં છે.
જેવા શિક્ષક એવાં જ મા-બાપ
ફિનલૅન્ડમાં શિક્ષક બનવા માટે કોઈ પણ વ્યક્તિ એવું નહીં વિચારી શકે કે બીજું કંઈ નહીં તો ટીચિંગ લાઇનમાં કરીઅર બનાવી લઈશું. ફિનલૅન્ડમાં દરેક ટીચર બનવા માગતી વ્યક્તિએ ઓછામાં ઓછું માસ્ટર્સ ડિગ્રી સુધીનું ભણતર મેળવવું પડે છે. ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ માને છે કે જે વ્યક્તિ ટીચર બનવા માગતી હોય તેના માટે કરીઅરનો એકમાત્ર અને સૌથી પહેલો વિકલ્પ માત્ર ટીચર બનવાનો હોવો જોઈએ. એવું નહીં કે બીજું કંઈ ન મળ્યું તો ટીચર બની જઈશું. ફિનલૅન્ડની યુનિવર્સિટીઝમાં ટીચર બનવા માગતી વ્યક્તિ માટેના અભ્યાસક્રમમાં ૧૦ ટકા કોર્સ ટીચિંગ માટેનો રાખવામાં આવ્યો હોય છે.
શિક્ષક અગર આ રીતના હોય છે તો મા-બાપ પણ તે રીતનાં જ છે. મા-બાપ માને છે કે મારા બાળકને શું ભણાવવું અને કઈ રીતે ભણાવવું એ તેના શિક્ષક જ નક્કી કરશે, કારણ કે તે લોકો એ બાબતમાં હોશિયાર છે અને તેઓ તેમનું કામ જાણે છે. હું શિક્ષક નથી, આથી મને નથી ખબર કે બાળકને શું ભણાવવું અને કઈ રીતે. અમે અમારાં બાળકોના શિક્ષકને તેમનું કામ કોઈ દખલઅંદાજી વિના કરવા દઈએ છીએ. ભારતમાં... આપણે... મા-બાપ તરીકે... જવા દો એ બધું કહેવાની જરૂર છે ખરી?
ફિનલૅન્ડમાં કોઈ પણ મા-બાપ બાળકનું ઍડ્મિશન લેવા સમયે એક પણ સ્કૂલ માટે રિસર્ચ કરતાં નથી કે તેમણે કઈ સ્કૂલ બહેતર છે એ વિશે નિર્ણય કરવો પડતો નથી, કારણ કે તેમને વિશ્વાસ છે કે દરેક સ્કૂલ બેસ્ટ છે અને દરેક સ્કૂલ પોતાનું કામ સારી રીતે જાણે છે.
ઇન્વેસ્ટમેન્ટ અને રિસ્પેક્ટ
ફિનલૅન્ડ અને ત્યાંની સરકારનું માનવું છે કે કોઈ પણ વ્યક્તિના જીવનના પાઠ ભણવાની શરૂઆત શાળાથી થાય છે. આથી શાળા અને શિક્ષકોમાં સૌથી શ્રેષ્ઠ રોકાણ થવું જોઈએ. તેઓ માને છે કે અમે બેસ્ટ ટીચર્સ આપવામાં ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો તે ટીચર્સ બાળકને શ્રેષ્ઠ ભવિષ્ય આપવામાં પોતાના જ્ઞાનનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. આથી શાળા અને શિક્ષકો બાબતે કોઈ પણ જાતની કરકસર ફિનલૅન્ડ દ્વારા કરવામાં આવતી નથી. આ એક દેશ છે જ્યાં સમાજ ટીચર્સને ખૂબ રિસ્પેક્ટથી જુએ છે અને સમાજ રિસ્પેક્ટ આપતો હોવાને કારણે દરેક બાળકનાં મા-બાપ પણ જે-તે ટીચરને એટલી જ રિસ્પેક્ટ આપે છે. એને કારણે ટીચિંગનું કામ એક ગૌરવના કામ તરીકે આ દેશમાં સ્વીકારાયું છે અને તેમના કામ બાબતે મા-બાપ પ્રશ્નો ઊભા નથી કરતાં.
યાદ છે એ પુરાણોકાળનું ભારત? જ્યાં ગુરુકુળ હતાં, ગુરુને રાજસભામાં સ્થાન હતું. રાજા હોય કે રંક, બાળકને ગણતરીનાં વર્ષો માટે ઘરથી દૂર ગુરુના ભરોસે રાખવામાં આવતું. એ ભારત ફિનલૅન્ડ નામનો કોઈ દેશ અસ્તિત્વમાં આવ્યો એ પહેલાંનું હતું. એવું નથી લાગતું કે આપણે આપણી જ ધરોહર અને સંસ્કાર ભૂલીને હવે બીજા દેશો એ જ કરી રહ્યા છે એને ચાર મોઢે વખાણી રહ્યા છીએ. ખેર, આમેય પોતાની સંસ્કાર ધરોહર ભુલાવી દેવી એ તો આપણી વર્ષોથી આદત રહી છે. એમાં નવું શું છે?