કેમ આ મહિલાઓ લેડી ડૉન બની?

26 February, 2023 01:45 PM IST  |  Mumbai | Ashok Patel

મારામારી, હત્યા કે ગુંડાગીરી હકીકતમાં પુરુષોનું જ કામ રહ્યું છે, પરંતુ જ્યારે કોઈ મહિલા હાથમાં હથિયાર ઉપાડે અને ગુંડાગીરી પર ઊતરી આવે છે. ગુનાજગતમાં ડૉન જેવો દબદબો ધરાવતી ગુજરાતની કેટલીક મહિલાઓને મળીએ અને સમજવાનો પ્રત્ન કરીએ કે આ તેમની મજબૂરી હતી...

ભૂરી અસ્મિતા, ભાવિકા, કોમલ ગોયાણી


આ જ મહિનાની શરૂઆતમાં સુરતમાં એક વિડિયો ખૂબ જ વાઇરલ થયો હતો અને એમાં એક યુવતી હાથમાં છરો લઈને એક પુરુષ સાથે મારામારી કરતી હતી! જોકે આ વિડિયોએ તેને જેલની હવા ખવડાવી દીધી છે. તે યુવતી એટલે ભાવલી તરીકે ઓળખાતી ભાવિકા વાળા. ભાવિકાનું નામ પડે એટલે સુરતની ભૂરી પણ યાદ આવ્યા વિના નહીં રહે. સુરતમાં આ બે લેડી ડૉનનાં કારનામાં અવારનવાર છાપામાં ચડતાં રહે છે. ભૂરી તો પાછી દેખાવમાં પણ ભલભલી યુવતીઓને ટક્કર મારે એવી. તે પણ હાથમાં બંદૂક કે તલવાર લઈને મારામારી કરતી પણ જોવા મળી જાય. ખરેખર, આવી સુંદર યુવતીના હાથમાં તલવાર કે ફટાકડી જોઈએ તો અવશ્ય નવાઈ લાગ્યા વિના નહીં રહે. સ્ત્રી તો મમતા અને સંવેદનાની મૂરત ગણાય. તેના હાથમાં કોઈ શસ્ત્ર શોભે ખરું? 
સુરતનાં જાણીતાં મનોચિકિત્સક ડૉ. જ્યોતિ કુલકર્ણીને આ અંગે પૂછતાં તેઓ કહે છે, ‘ક્યારેક છોકરી નાની હોય ત્યારથી એક પછી એક ઘટના તેના જીવનમાં એવી બનતી હોય છે કે તે સતત અન્યાય થઈ રહ્યાની લાગણીથી પીડાવા લાગે છે. એ પછી ક્યારેક જીવનમાં કોઈ એવી ઘટના બને કે પેલી દબાયેલી અન્યાયની લાગણી બદલો લેવા માટે ઉછાળા મારે અને એમાંથી મમતાની મૂર્તિ મોતનો પયગામ બની જતી હોય છે.’ 

બદલો લેવાની વાત આવે ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે એવી યુવતી કોઈ એક વ્યક્તિ કે પરિવાર સામે બદલો લે, પણ સમાજ માટે ખતરો કેમ બની જાય? ડૉ. જ્યોતિ કુલકર્ણી કહે છે, ‘એક વખત ગુનો કર્યા પછી એવું લાગવા માંડે કે આખો સમાજ જ તેની પડતી માટે જવાબદાર છે અને એમાંથી ગુનાની પરંપરા સર્જાતી હોય છે.’

૨૪ વર્ષની ભાવિકા એક દીકરીની મા છે. મૂળ ભાવનગરના મહુવાના અનિલ વાળા સુરત આવી ગયા હતા. ભાવિકાનાં લગ્ન થોડાં વર્ષો પહેલાં જ થયાં હતાં, પરંતુ પતિ સાથે ઝઘડો થવા માંડતાં તેનું લગ્નજીવન ખરાબે ચડી ગયું હતું. આખરે તે દોઢ જ વર્ષમાં છૂટાછેડા લઈને પિયર સુરત આવી ગઈ. એ દરમ્યાન તે સુરતમાં અનેક ગુનેગારોના સંપર્કમાં આવી ગઈ અને ગુનાખોરીના રવાડે ચડી ગઈ. એમાં વળી ૨૮ જાન્યુઆરીએ તેનો હાથમાં છરો લઈને મારામારી કરતો વિડિયો વાઇરલ થતાં પોલીસે તેની સામે ગુનો દાખલ કરીને ભાવિકા અને તેના સાગરીતની ધરપકડ કરી હતી. કાપોદ્રા વિસ્તારમાં તેની ધાક છે તો સુરતના વરાછા વિસ્તારમાં ભૂરીનો કહર છે. હાથમાં તલવાર તો ક્યારેક બંદૂક લઈને કોઈને માર મારવો, ડરાવવો અને રોફ ઝાડવો એ ભૂરીનો શોખ છે એમ કહીએ તો ચાલે. ભૂરી નામથી ઓળખાતી અસ્મિતા ગોહિલને હુલામણું નામ પણ તેના પ્રેમી તરફથી મળ્યું છે! ઉનાના ગાગડા ગામની રહેવાસી અસ્મિતા ગામડાની એક સીધીસાદી છોકરી હતી, પરંતુ સુરતના ડૉન સંજય ભૂરાને મળ્યા પછી જાણે ગુનાખોરીનો કેફ ચડ્યો હોય એમ તે પણ મારામારીથી માંડીને વસૂલી કે લૂંટફાટ જેવા ગુનાઓ કરતી રહી છે. તેના પર હત્યાનો પણ આરોપ છે. અસ્મિતા શરૂઆતમાં તો ભૂરાની ગર્લફ્રેન્ડ તરીકે જ જાણીતી થઈ હતી અને એ પછી ભૂરાની ગર્લફ્રેન્ડ ભૂરી એવું નામ પડી ગયું હતું! હવે તો ભૂરીની એક અલગ ગૅન્ગ જ સુરતમાં ડરાવવા-ધમકાવવા કે વસૂલી જેવાં કામો કરતી ફરે છે. તેની ખૂબસૂરતી એવી કે ભલભલાને પીગળાવી દે. તેને બાઇકિંગનો પણ ખૂબ જ શોખ છે. તેને બંદૂક કે બીજાં હથિયારો સાથે ફોટો ખેંચાવવાનો ઘણો શોખ છે. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર તેની નવી તસવીરને હજારો લાઇક્સ મળતી હોય છે. જોકે તેની ગુનાખોરીને કારણે તેનાં માતા-પિતાએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હોવાનું જાણવા મળે છે. 

સુરતની ભાવલી કે ભૂરી ઉપરાંત કોમલ ગોયાણીનું નામ પણ એક જમીનકેસમાં ચર્ચામાં આવ્યું હતું. એ સિવાય તે બીજા કોઈ કેસમાં ખાસ હોય એવું નોંધાયું નથી.
સુરતથી આગળ વધીએ તો અમરેલીની સોનુ ડાંગર યાદ આવ્યા વિના ન રહે. ખાસ તો નિર્લિપ્ત રાય અમરેલીના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ એટલે કે એસપી હતા ત્યારે હજી તો પોસ્ટિંગ થયું એના થોડા જ સમયમાં એક મહિલાનો વિડિયો વાઇરલ થયો હતો. એમાં તે મહિલા નિર્લિપ્ત રાય અને મહિલા પીએસઆઇ ડોડિયાને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી આપતી હતી. નિર્લિપ્ત રાય અત્યંત તેજ દિમાગના અને કાયદા તથા દંડા બન્નેની પૂરતી ભાષા સમજનારા અધિકારી ગણાતા રહ્યા છે. સ્વાભાવિક છે કે તેમને કોઈ લેડી ડૉન ધમકી આપે એ સાંખી થોડું લેવાય? નિર્લિપ્ત રાયે ધમકી આપનારી મહિલાની કુંડળી કઢાવી અને તે મહિલા એટલે સોનુ ડાંગર. એ પછી તો નિર્લિપ્ત રાયે સોનુની ધરપકડ કરીને તેની સારીએવી ખાતરદારી કરી હતી. સોનુ જ શું કામ, તેના સાથીદાર મુન્ના રબારીને પણ સારોએવો 
સીધો કરી નાખ્યો હતો. આજકાલ તે પાસા હેઠળ જેલવાસ ભોગવી રહી છે.

ટપોરીગીરી વધુ 
આ બધી આજકાલની નવી લેડી ડૉન ખરેખર તો ટપોરી વધુ છે. ગુનાખોરીમાં મહિલાઓની સંખ્યા ગુજરાતમાં ઓછી છે, પરંતુ દારૂના ધંધામાં તેઓ સૌથી વધુ કામ કરે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દારૂની ખેપ મારવાથી માંડીને છૂટક વેચાણ સુધીની તમામ કામગીરીમાં મોટા ભાગે મહિલાઓ છે. સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં લેડી બૂટલેગરોની સંખ્યા સૌથી વધુ છે. બસ કે ગાડીમાં દારૂનો જથ્થો સુરત કે બીજાં શહેરોમાં પહોંચાડવાનું કામ પણ મહિલા બૂટલેગર જ કરે છે. આ ઉપરાંત કેટલીક બૂટલેગરો તો મોટા જથ્થામાં દારૂની સપ્લાય તથા સ્ટૉક કરે છે. એ બધી બૂટલેગરોમાં મોટા ભાગની ક્યાં તો વિધવા છે અથવા તો પતિ દારૂડિયો હોવાને કારણે તેઓ આ ધંધામાં આવી પડી હોય છે. હા, નવસારીની એક બૂટલેગર વિધવા હતી. તેણે દારૂની સપ્લાય કરીને દીકરીને ડૉક્ટર પણ બનાવી છે. એવી મજબૂરી હોય તે મહિલા બૂટલેગરનું કામ પણ કરીને દીકરીની જિંદગી દીપાવી દેતી હોય છે.

આવી ગૉડમધર ભાગ્યે જ જન્મે
હપ્તાવસૂલી કે ક્યારેક હત્યા સુધી પહોંચતી આ મહિલાઓ સંતોક જાડેજા સામે સાવ નવી નિશાળિયણ લાગે. કોઈ પણ મા પોતાનાં સંતાનો માટે જીવસટોસટની બાજી ખેલી નાખતી હોય છે. સંતોક જાડેજાએ પણ પતિના હત્યારાઓનો બદલો લેવા હથિયાર ઉઠાવ્યા હતા. તેણે પતિની ગૅન્ગના જૂના સભ્યોને એકઠા કરીને આખા જિલ્લામાં ભયનો માહોલ ઊભો કરી નાખ્યો. પતિના હત્યારા ગણાતા ૧૪ લોકોને તેણે ગૅન્ગના સભ્યો સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધા. એ પછી તો સંતોક જાડેજા ગૉડમધર તરીકે જાણીતાં થયાં અને ૧૯૮૯માં વિધાનસભ્ય પણ બન્યાં. વસૂલી, હત્યા કે ચોરી જેવા તમામ ગુનાઓમાં સંતોક જાડેજાનો પ્રભાવ હતો. એનું કનેક્શન તો કરીમ લાલા સાથે પણ રહ્યું હોવાનું કહેવાય છે. સંતોક જાડેજાનો વારસો સંભાળવા માટે પણ પરિવારમાં હિંસાની હોળી સળગી અને આખરે એપ્રિલ ૨૦૧૧માં તેનું હાર્ટ-અટૅકથી મોત થયું હતું. 
આ ગૉડમધર જેવો આતંક હજી કોઈ મહિલા ડૉન ફેલાવી શકી નથી.  

surat gujarat gujarati mid-day