પોર્ટુગીઝોએ બાંધેલો કિલ્લો જીત્યા પછી અંગ્રેજોએ કેમ તોડી પાડ્યો?

11 May, 2024 01:17 PM IST  |  Mumbai | Deepak Mehta

કિલ્લો જેના પર બંધાયેલો એ ડોંગરી પણ રહી નથી અને છતાં આજે પણ એ વિસ્તાર ડોંગરીના નામે ઓળખાય છે.

ડોંગરી કિલ્લો

‘જે પોષતું એ મારતું,
એવો દીસે ક્રમ કુદરતી’

કવિ કલાપીના આ શબ્દો મુંબઈ જેવા શહેરને અને એના કિલ્લાઓને પણ લાગુ પડે છે. એક જમાનો હતો જ્યારે મુંબઈમાં બે-ચાર નહીં, અગિયાર કિલ્લા હતા. પણ કવિ કલાપીના આ શબ્દો બરાબર બંધબેસતા થાય એ તો ડુંગરી કે ડોંગરીના કિલ્લાને. આપણો ડુંગર મરાઠીમાં બની જાય ડોંગર અને આપણી ડુંગરી બની જાય ડોંગરી. ગુજરાતીમાં એને ટેકરી પણ કહી શકાય. આજે હવે ડોંગરી નામનો કિલ્લો રહ્યો નથી. એ કિલ્લો જેના પર બંધાયેલો એ ડોંગરી પણ રહી નથી અને છતાં આજે પણ એ વિસ્તાર ડોંગરીના નામે ઓળખાય છે.

પણ ડોંગરીનો કિલ્લો તોડ્યો કોણે? શા માટે? વાત જરા લાંબી અને અટપટી છે પણ રસ પડે એવી છે. ડોંગરીનો કિલ્લો કંપની સરકારની આપકમાઈનો નહોતો. એ બાંધ્યો હતો પોર્ટુગીઝોએ, ઈ. સ. ૧૫૯૬માં. કોણ જાણે કેમ પણ પોર્ટુગીઝોના મનમાં મુંબઈનું મહત્ત્વ ઝાઝું વસ્યું જ નહોતું પણ મુંબઈની આસપાસની જગ્યાઓનું રક્ષણ કરવાનું કામ તેમને વધુ મહત્ત્વનું લાગેલું. એટલે તેમણે વાંદરા, ડોંગરી અને મઢ (વરસોવા) ખાતે કિલ્લા ઊભા કર્યા. આ ત્રણે કિલ્લા દરિયાકિનારે આવેલા હતા એટલે એમાંથી દરિયા પર અને જમીન પર એમ બન્ને બાજુ સતત નજર રાખી શકાતી. 
જ્યાં સુધી મુંબઈનો કોટ કહેતાં ફોર્ટ બંધાયો નહોતો ત્યાં સુધી તો આ ડોંગરીનો કિલ્લો અંગ્રેજોનો પણ માનીતો હતો, પણ પછી ડોંગરી બની માથાનો દુખાવો. કારણ? ડોંગરીનો કિલ્લો અને ફોર્ટ કહેતાં કોટ, બન્ને એકદમ સીધી લીટીમાં. અને એ વખતે અંગ્રેજ સરકારને બીક માત્ર દરિયાઈ હુમલાની જ નહોતી, જમીન માર્ગે થતા હુમલાની પણ હતી. હવે જો મુંબઈના કોટ સુધી પહોંચતાં પહેલાં આ ડોંગરીનો કિલ્લો દુશ્મનના હાથમાં આવી ગયો તો? તો ત્યાંથી એ તોપ ફોડવા લાગે તો એના ગોળા સીધા પહોંચે ફોર્ટ કહેતાં કોટ અને બધું જોતજોતામાં ખેદાનમેદાન થઈ જાય : બજાર ગેટ, ચર્ચગેટ, અપોલો ગેટ અને એમને જોડતી દીવાલો; કશું બચવા ન પામે!

ગ્રેટ બ્રિટનથી આવતા લશ્કરી અમલદારોએ વારંવાર આ બાબત તરફ કંપનીના સાહેબોનું ધ્યાન દોર્યું. શરૂઆતમાં તો બડેખાંઓને વાતની ગંભીરતા સમજાઈ નહીં હોય એટલે રસ્તાને બદલે તુક્કા. પહેલાં કહે : એક કામ કરો. ડોંગરીના કિલ્લામાં અને એ બાંધ્યો છે એ ડોંગરી પર ઠેર ઠેર સુરંગ પાથરી દો. દુશ્મન પગ મૂકતાંવેંત હતો-નહોતો થઈ જશે. જવાબ : પણ સાહેબ! આ ડોંગરી પર માત્ર કિલ્લો જ નથી, લોકો પણ રહે છે. વળી આસપાસના લોકો પોતાનાં ઢોર ચરાવવા આ ડોંગરી પર લાવે છે. આપણે સુરંગ બિછાવીશું તો સૌથી પહેલાં તો અહીંના લોકો અને તેમનાં ઢોરઢાંખરનું આવી બનશે. વળી કંપની સરકારનું રાજ અમ્મર તપે પણ સુરંગો કાંઈ અમરપટ્ટો લખાવીને આવતી નથી. એટલે થોડે-થોડે વખતે આપણે સુરંગો બદલતા રહેવું પડશે. એનો ખરચ...
એ વખતના લંડનના સાહેબો એક શબ્દથી બહુ ગભરાતા : ‘ખરચ.’ એટલે તરત માની ગયા મુંબઈવાળાની વાત. પણ સાથોસાથ મનમાં ગાંઠ પણ વાળી : હવે સલાહ-સૂચન નહીં, મુંબઈવાળાને તો હુકમ જ કરવો પડશે. પણ હુકમ શું કરવો? એક ફળદ્રુપ ભેજાને મહાન વિચાર આવ્યો. આ મુંબઈવાળા જ્યારે જુઓ ત્યારે નવાં-નવાં સરકારી મકાનો બાંધતા રહે છે અને એને માટે ફદિયાં માગ્યા કરે છે. અને મકાનો બાંધવામાં સૌથી મોટો ખરચ છે પથરાનો. એ પાછા લાવવાના કુરલાથી કે છેક પોરબંદરથી. લાવવાનો ખરચ એ પાછો સોના પર ઘડામણ. એટલે મુંબઈ મોકલ્યો હુકમ : જોઈએ તેટલા મજૂરો રોકો, કિલ્લો પાડો, ટેકરી ઢાળો અને વાપરો એ પથરા નવાં મકાનો બાંધવામાં અને પથરા વધે તો વેચો પણ ખરા.

રુક્કો પહોંચ્યો મુંબઈમાં ગોરા લશ્કરના વડાને. વાંચ્યા પછી તેને ખબર ન પડે કે હસવું કે રડવું? પણ આ કાંઈ સૂચન નહોતું, હુકમ હતો. અને ‘વસંતવિજય’ નામના ખંડકાવ્યમાં કવિ કાન્તે કહ્યું છે તેમ : ‘નહીં રાજાજીનો હુકમ પણ પાછો કદિ ફરે.’ હવે કરવું શું? મુંબઈના લશ્કરનો વડો લંડનમાં બેઠેલા ઉપરીઓની એક નબળાઈ બરાબર જાણતો હતો. પૈસા ખરચવાની વાત આવે એટલે તેમને ટાઢિયો તાવ ચડી જાય. હુકમનો અનાદર કર્યો પણ ન ગણાય અને એની અમલબજાવણી પણ ન કરવી પડે એવો રસ્તો શોધ્યો. જવાબ લખ્યો : ડોંગરીના કિલ્લાને અને એ ટેકરીને ડાઇનમાઇટથી ઉડાવી દેવાને બદલે મજૂરો પાસે ખોદાવવાના આપના હુકમની અમલબજાવણી કરતાં પહેલાં હું આપસૌનું ધ્યાન એક બાબત તરફ દોરવાની રજા લઉં છું. રોજના બે હજાર મજૂરો વરસનો એકેએક દિવસ કામ કરે તો પણ આ કિલ્લા અને ટેકરીને નેસ્તનાબૂદ કરતાં પંદર વરસ લાગશે. ટેકરીના પથરા વપરાય કે વેચાય નહીં ત્યાં સુધી તેમને સંઘરવા પાછળ મોટો ખરચ થશે. આ બાબતોનો વિચાર કરીને આપ છેવટનો હુકમ આપશો પછી તરત અમે કામ શરૂ કરીશું.

આ જાણીને લંડનવાળાએ તરત ગુલાંટ મારી : ના, ના. હમણાં કશું કરશો નહીં. અમને નવેસરથી વિચાર કરવા દો. થોડા દિવસ વિચાર કર્યો. પછી હુકમ મોકલ્યો : ડોંગરીનો કિલ્લો તોડી પાડવાનું અને એ ટેકરીને સમથળ કરવાનું અમે નક્કી કર્યું છે. આ કામ માટે ડાઇનમાઇટનો ઉપયોગ કરવો અથવા ઓછામાં ઓછા ખર્ચે કામ થઈ શકે એવો રસ્તો લેવો. પણ પછી એ જ રુક્કામાં ઉમેર્યું : લેફ્ટનન્ટ કર્નલ આર્ચિબૉલ્ડ કૅમ્પબેલ (૧૭૩૯-૧૭૯૧)ની હોશિયારી વિશે અમે ઘણું સાંભળ્યું છે એટલે અમે તેમની નિમણૂક બંગાળના ચીફ એન્જિનિયર તરીકે કરી છે. તેમને સીધા કલકત્તા મોકલવાને બદલે પહેલાં થેમ્સ નામના જહાજ દ્વારા અમે મુંબઈ મોકલીશું. લશ્કરના સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તેઓ મુંબઈના કિલ્લાઓની મુલાકાત લેશે અને ડોંગરીના કિલ્લાને ઉડાવી દેવાથી ફાયદો થશે કે તેને વધુ મજબૂત કરવાથી ફાયદો થશે એ વિશે તેઓ પોતાનો અભિપ્રાય આપશે. તેમનો અભિપ્રાય અમને મળે અને અમે એના પર વિચાર કરીએ ત્યાં સુધી ડોંગરી વિશે તમારે કશાં પગલાં લેવાં નહીં. બનવા જોગ છે કે આ રુક્કામાં અગાઉ અમે જે નિર્ણય જણાવ્યો છે એના કરતાં તેમનો અભિપ્રાય જુદો હોય. જો એમ થાય તો છેવટનો નિર્ણય અમે લઈને તમને જણાવીશું.

(સર કૅમ્પબેલ ૧૭૭૪થી ૧૭૯૧ સુધી બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય હતા. રૉયલ મિલિટરી ઍકૅડેમીની પરીક્ષામાં પાસ થયા પછી રૉયલ એન્જિનિયર્સમાં જોડાયા. ૧૭૬૮માં તેમની નિમણૂક ઈસ્ત ઇન્ડિયા કંપનીના બંગાળ ઇલાકાના ચીફ એન્જિનિયર તરીકે થઈ. અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે ગ્રેટ બ્રિટનની ૭૧મી રેજિમેન્ટના વડા તરીકે યુદ્ધમાં ભાગ લીધો, પણ અમેરિકનોને હાથે પકડાયા અને ૧૭૭૮ સુધી જેલમાં રહ્યા. છૂટ્યા પછી ફરી લડાઈમાં જોડાયા. યુદ્ધ પૂરું થયા પછી તેમણે થોડો વખત જ્યૉર્જિયા રાજ્યના હંગામી ગવર્નર તરીકે અને પછી જમૈકાના ગવર્નર તરીકે પણ કામ કર્યું. મૈસૂરના યુદ્ધ પછી ત્યાંની સ્થિતિને થાળે પાડવા માટે કોઈ બાહોશ સેનાપતિની જરૂર હતી. ત્યારે કૅમ્પબેલની નિમણૂક મદ્રાસના ગવર્નર અને કમાન્ડર-ઇન-ચીફ તરીકે કરવામાં આવી પણ નબળી તબિયતને કારણે ૧૭૮૯ના ફેબ્રુઆરીમાં તેમને સ્વદેશ પાછા જવું પડ્યું. ૧૭૯૧ના માર્ચની ૩૧મી તારીખે અવસાન થયા પછી તેમને વેસ્ટમિન્સ્ટર્સ એબીમાં દફનાવવામાં આવ્યા.)  

થોડા વખત પછી કૅમ્પબેલ મુંબઈ આવ્યા. બધા જ કિલ્લાઓની મુલાકાત લઈને અભ્યાસ કર્યો અને સુધારાવધારા સૂચવ્યા. પછી સવાલ હાથમાં લીધો ડોંગરીનો. તેમને લાગ્યું કે આ કિલ્લાને અને ડોંગરીની ટેકરીને જમીનદોસ્ત કરવા કરતાં કિલ્લાને વધુ મજબૂત બનાવવાથી વધુ લાભ થશે. પણ માણસ હતો ચાલક. લંડનમાં બેઠેલા ઉપરીઓએ જે નક્કી કર્યું હતું એના કરતાં જુદું સૂચન કરવું હોય તો તેમને ગળે ઊતરી જાય એ રીતે કરવું એટલું સમજતો હતો. એટલે તેણે અહેવાલમાં લખ્યું : ડોંગરીને તોડી પાડવાની દરખાસ્તનો મેં પૂરેપૂરો અભ્યાસ કર્યો છે. એમ કરવા માટે ૫,૨૬૨,૪૯૦ ઘન ફુટ જેટલા ખડક તોડીને દૂર કરવા પડશે. આવા કામ માટે આજે  મુંબઈમાં એક ઘન ફુટ દીઠ પા રૂપિયો એટલે કે ચાર આના મજૂરી અપાય છે. એ દરે કિલ્લો અને ડોંગરી તોડવાનો કુલ ખરચ ૧૬૪,૪૫૨ પાઉન્ડ જેટલો આવશે.

બીજું, એ વાત તો જગજાહેર છે કે જ્યારે કોઈ પણ દુશ્મન આક્રમણ કરે ત્યારે કિલ્લાની સરખામણીમાં સમથળ જગ્યા જીતવાનું તેના માટે ઘણું વધારે સહેલું હોય છે. કિલ્લા બાંધવા પાછળનો આશય જ દુશ્મનનું કામ બને તેટલું અઘરું બનાવવાનો હોય છે. બીજી બાજુ, અત્યારે ડોંગરીનો કિલ્લો તો છે જ. એને સમોનમો કરીને વધુ મજબૂત બનાવવાનો ખરચ પ્રમાણમાં ઓછો આવશે અને દુશ્મનને ખાળવા માટે કિલ્લો વધુ ઉપયોગી સાબિત થશે. આમ કરવા પાછળ ૯૦ હજાર પાઉન્ડ જેટલો ખરચ થવાનો અંદાજ છે. આમ ઓછા ખર્ચે મુંબઈને વધુ સલામત કરી શકાય એમ છે. હવે સવાલ બાકી રહે છે તે આ : ન કરે નારાયણ અને ડોંગરીનો કિલ્લો દુશ્મનના હાથમાં જાય અને તે આ કિલ્લાની તોપો મુંબઈના કિલ્લા પર તાકે તો જે જોખમ ઊભું થાય એનું શું? આનો જવાબ આ રીતે આપી શકાય : ડોંગરીના કિલ્લા પર અત્યારે ૩૦ તોપ છે, મુંબઈના કિલ્લા પર લગભગ ૩૦૦ તોપ છે. પરમકૃપાળુ પરમાત્મા એવો દિવસ ક્યારેય ન બતાવે એમ ઇચ્છીએ પણ ધારો કે ડોંગરીનો કિલ્લો જીત્યા પછી દુશ્મન તેની તોપો વડે મુંબઈના કોટ પર ગોલંદાજી કરે તો ૩૦ તોપનો જવાબ આપવા માટે સામે ૩૦૦ તોપ ઊભી છે. વળી દુશ્મનને ડોંગરીના કિલ્લામાંથી ખદેડવા માટે ડોંગરી અને ફોર્ટ વચ્ચેની કોઈ યોગ્ય જગ્યાએ ૧૨ તોપ ગોઠવી શકાય. એમાંની છ સતત ડોંગરી તરફ જ તાકેલી રહે. અને બીજી છ ડોંગરી જવાના રસ્તા તરફ. એટલે અમારી દૃષ્ટિએ ડોંગરીનો કિલ્લો મુંબઈ માટે જોખમી પુરવાર થઈ શકે એવી શક્યતા લગભગ નથી. મારી વાત મેં આપની સામે રજૂ કરી છે. હવે છેવટનો નિર્ણય તો આપના હાથમાં છે.

લંડનમાં બેઠેલા સાહેબોએ અગાઉથી કાંડાં કાપી આપેલાં એટલે હવે કૅમ્પબેલની વાત સ્વીકારવી પડે એમ હતું પણ તેમણે હજી થોડું ઝીણું કાંત્યું. કહ્યું કે ડોંગરીના કિલ્લામાં સુધારાવધારા કરીને એને વધુ મજબૂત બનાવતાં કેટલો ખરચ આવે એનો અંદાજ જણાવો. જવાબ મળ્યો : ૧૧૮,૫૦૦ પાઉન્ડ. આ બધું બન્યું ઈ. સ. ૧૭૬૮માં. અને બીજા જ વરસે એકાએક વાજું સાવ બદલાઈ ગયું. કેમ? શાથી? એની વાત હવે પછી.

columnists gujarati mid-day deepak mehta mumbai news