‘પ્યાસા’માં કામ કરવાની હા પાડ્યા બાદ છેલ્લી ઘડીએ દિલીપકુમારે શા માટે પોતાનો નિર્ણય બદલ્યો?

30 March, 2024 12:50 PM IST  |  Mumbai | Rajani Mehta

એ દિવસોમાં દિલીપકુમાર અને મધુબાલાનું પ્રેમપ્રકરણ જગજાહેર હતું. આમ તો ગુરુ દત્તને મધુબાલાને લેવામાં કોઈ વાંધો નહોતો

દિલીપ કુમાર

‘પ્યાસા’નાં થોડાં દૃશ્યોના શૂટિંગ બાદ ગુરુ દત્તને એમ લાગ્યું કે પોતે વિજયની ભૂમિકા તો કરે છે, પણ વાત બનતી નથી. અંતે તેમણે નક્કી કર્યું કે હીરો તરીકે બીજા કલાકારને પસંદ કરવો પડશે. એ સમયે દિલીપકુમાર આવી ગંભીર ભૂમિકા કરવા માટે જાણીતા હતા એટલે અબ્રાર અલવી સાથે ગુરુ દત્ત દિલીપકુમારને મળ્યા. ત્યાં શું બન્યું એ વાત મારી સાથે કરતાં ગુરુ દત્તનાં બહેન લલિતા લાજમી કહે છે...
(દિલીપકુમાર) ઃ ‘હું આ ભૂમિકા જરૂર કરીશ, પરંતુ મારી એક શરત છે.’
‘કઈ શરત?’
‘તમારે જો મારી જરૂર હોય તો ફિલ્મમાં મીનાની ભૂમિકા માટે તમે મધુબાલાને લો.’

એ દિવસોમાં દિલીપકુમાર અને મધુબાલાનું પ્રેમપ્રકરણ જગજાહેર હતું. આમ તો ગુરુ દત્તને મધુબાલાને લેવામાં કોઈ વાંધો નહોતો, પણ આ પહેલાં મીનાની ભૂમિકા માટે માલા સિંહા પર અનેક દૃશ્યોનું ફિલ્માંકન થઈ ચૂક્યું હતું. ભલે તે ઇન્ડસ્ટ્રીમાં નવી હતી, પરંતુ આમ કરવાથી તેની ક્ષમતાને અન્યાય કરવા જેવું હતું એટલે ગુરુ દત્તને આ શરત ગળે ન ઊતરી. 
બીજી પણ એક મુશ્કેલી હતી. ‘પ્યાસા’ શરૂ કરતી વખતે ગુરુ દત્તે ફિલ્મનું એક બજેટ નક્કી કર્યું હતું. આ પહેલાં ફિલ્માંકન થયેલાં દૃશ્યો રદ કરીને દિલીપકુમાર સાથે નવેસરથી શૂટિંગ કરવાથી બજેટમાં આપોઆપ વધારો થવાનો હતો. મધુબાલા ટોચની હિરોઇન હતી. તે ફિલ્મમાં આવે એટલે બજેટ વધી જાય. દિલીપકુમાર ઑલરેડી ટોચના હીરો હતા એટલે તેમનું બજેટ વત્તા મધુબાલાનું બજેટ; આ વાત તેમને માટે મુશ્કેલ હતી. તેમણે દિલીપકુમાર સમક્ષ સ્પષ્ટ વાત કરી કે આ શક્ય નથી. દિલીપકુમારને પણ આ વાત ગળે ઊતરી ગઈ એટલે તેમણે મધુબાલાની શરત પાછી ખેંચી લીધી.

હવે પ્રશ્ન બાકી રહ્યો દિલીપકુમારના પૈસાનો. એ દિવસોમાં દિલીપકુમાર સૌથી મોંઘા હીરો હતા. તેમની માર્કેટ-પ્રાઇસ આપવી એ ગુરુ દત્ત માટે શક્ય નહોતું. તેમણે દિલીપકુમારને કહ્યું, ‘હું તમને એક લાખ આપી શકીશ.’
‘ફક્ત એક લાખ, બીજા લોકો પાસેથી હું દોઢ લાખ રૂપિયા લઉં છું.’
‘મને એ ખબર છે.’
‘તો પછી આવી વાત કરીને મારું અપમાન કરો છો એવું મને લાગે છે.’
‘ના, ના, મારો ઇરાદો બિલકુલ એવો નથી. હું એક વાતની ચોખવટ કરી લઉં. તમે એક મોટા સ્ટાર છો, પરંતુ મારી ફિલ્મમાં તમને એક સ્ટાર તરીકે નહીં, પણ અભિનેતા તરીકે લઉં છું. તમે સ્ટાર તો છો જ, પણ એ સાથે એક ઉત્તમ અભિનેતા છો. આ ભૂમિકાને તમે જ ન્યાય આપી શકો એમ છો એટલે જ મને તમારી જરૂર છે. એક સ્ટાર તરીકે નહીં, પણ અભિનેતા તરીકે.’
‘અભિનેતા તરીકે તમે મને જરૂર લો, પણ સાથે-સાથે હું એક સ્ટાર છું એ વાત તમારે ન ભૂલવી જોઈએ. આમ પણ તમે એક લાખ રૂપિયા આપવા તૈયાર છો તો પછી બીજા પચાસ હજાર આપવામાં કોઈ મોટી તકલીફ નહીં પડે.’
‘તમારી વાત સાચી છે, પણ મારી મુશ્કેલી એ છે કે એક કિંમત પર ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર્સને વેચાઈ ગઈ છે. હવે જો હું વધારે પૈસા માગીશ તો કોઈ નહીં આપે.’
‘એનો પણ મારી પાસે રસ્તો છે. તમારા ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી જે હપ્તા લીધા હોય એ પૈસા પાછા આપીને છૂટા કરી દો. હું મારા ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે વાત કરીશ. મારા નામ પર તેઓ જરૂર તમારી કિંમત વધારી આપશે.’
‘વાત એટલી સરળ નથી. ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે ઘણાં વર્ષોથી મારા સંબંધો છે. તેમની સાથે એક નક્કી કરેલો વ્યવહાર છે. વધારે પૈસા મેળવવા માટે આ ગણિત તોડવું એ મને યોગ્ય નથી લાગતું. આ મારા સ્વભાવમાં નથી. વધુ પૈસા માટે હું તેમની પાસેથી ફિલ્મ પાછી લઈ લઉં તો માર્કેટમાં મારા પર કોઈ વિશ્વાસ નહીં કરે.’
ગુરુ દત્ત અને દિલીપકુમારનો આ વાર્તાલાપ ગુરુ દત્તના સ્વભાવની વિશિષ્ટતા ઉજાગર કરે છે. ફિલ્મી દુનિયા જેવી માયાવી દુનિયામાં પણ તેઓ પૈસા કરતાં આપેલા શબ્દને વધારે મહત્ત્વનો માનતા હતા.

આટલી વાતો થયા બાદ દિલીપકુમારને પણ લાગ્યું કે ગુરુ દત્તની વાત સાચી છે એટલે તેઓ એક લાખ રૂપિયામાં કામ કરવા રાજી થયા. આખો વ્યવહાર મૌખિક રીતે નક્કી થયો હતો. શૂટિંગ માટે તેમણે તારીખ આપી, પરંતુ જે દિવસે શૂટિંગ શરૂ થવાનું હતું એ દિવસે તેઓ આવ્યા નહીં. પ્રોડક્શન કન્ટ્રોલર ગુરુમૂર્તિ તેમના ઘરે લેવા ગયા હતા, પણ તેઓ હાજર નહોતા. ત્યાર બાદ કે. આસિફ અને મધુબાલાના ઘરે માણસ મોકલાવી તેમની તપાસ કરાવી, પણ ક્યાંય તેમનો પત્તો નહોતો. સવારની બપોર થઈ ગઈ હતી. અંતે કંટાળીને અબ્રાર અલવીએ ગુરુ દત્તને કહ્યું, ‘હવે રાહ જોવી નિરર્થક છે. તમે જ મેકઅપ કરો અને શૂટિંગ શરૂ કરો.’

ગુરુ દત્તના ભાઈ દેવી દત્ત એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘કારદાર સ્ટુડિયોમાં અમે ‘પ્યાસા’ના મુહૂર્ત-શૉટ માટે દિલીપકુમારની રાહ જોતા હતા. ઘણી શોધખોળ કર્યા બાદ અમને ખબર પડી કે તેઓ બીઆર ચોપડાની ઑફિસમાં બેઠા છે એટલે તેમને સંદેશો મોકલાવ્યો કે તમારી રાહ જોવાય છે. તેમનો જવાબ આવ્યો કે થોડી વારમાં આવું છું. એ દિવસોમાં ચોપડા ‘નયા દૌર’ની તૈયારીમાં હતા એટલે હું માનું છું કે એની ચર્ચા થતી હશે. સમય વીતતો જતો હતો. દિલીપકુમાર આવે એવું લાગતું નહોતું. અંતે બપોરે ત્રણ વાગ્યે ગુરુ દત્તે ‘enough is enough’ એ ન્યાયે નક્કી કર્યું કે પોતે જ વિજયની ભૂમિકા ભજવશે.’

રસિકોને યાદ હશે કે ‘પ્યાસા’માં એક દૃશ્ય છે. એક મધમાખી ફૂલ પર મસ્તીથી મધુરસ ચૂસી રહી છે. ત્યાં જ એક જાલિમ તેના બૂટથી એ મધમાખીને કચડી નાખે છે. એ જોઈને વિજયનું કવિહૃદય ચૂપચાપ નિઃસહાય આક્રંદ કરી ઊઠે છે. તેના ચહેરા પરની પીડા સાથે ફિલ્મનો આ મુહૂર્ત-શૉટ પૂરો થાય છે. 
 
કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય ત્યારે પહેલા બે-ત્રણ દિવસ દર્શકોનો જે પ્રતિભાવ આવે એમાં સારી-નરસી બન્ને વાતો હોય. ‘પ્યાસા’ એમાં અપવાદ નહોતું. પછીથી ફિલ્મે લોકપ્રિયતાનો નવો ઇતિહાસ સરજ્યો એ જુદી વાત છે, પરંતુ શરૂઆતના દિવસોમાં દર્શકો ખાસ પ્રભાવિત નહોતા થયા. કે. આસિફ, બી. આર. ચોપડા સાથે દિલીપકુમાર ફિલ્મના પ્રીમિયરમાં ગયા હતા. ત્યારે ત્રણેયને આ ફિલ્મ ખાસ ગમી નહોતી. ‘સ્ટાર ઍન્ડ સ્ટાઇલ’ના એક ઇન્ટરવ્યુમાં આ ઘટનાની વાત કરતાં બીઆર ચોપડા કહે છે, ‘પ્રીમિયર જોઈને ઘરે પાછા જતાં અમે ફિલ્મની ચર્ચા કરતા હતા ત્યારે દિલીપકુમારે અમને કહ્યું, ‘થૅન્ક્સ ગૉડ, હું બચી ગયો. જો મેં આમાં ભૂમિકા કરી હોત તો પ્રેક્ષકોએ મારી મશ્કરી કરી હોત.’

પ્રશ્ન એ થાય કે ફિલ્મમાં કામ કરવાની હા પાડીને છેલ્લી ઘડીએ દિલીપકુમારે કેમ આવું કર્યું? આનાં કારણો વિશે તેમણે કદી ફોડ પાડીને વાત નથી કરી. એક ઇન્ટરવ્યુમાં એક વાક્યમાં ખુલાસો કરતાં તેમણે એટલું જ કહ્યું કે મને આ ફિલ્મની ઑફર આવી હતી, પરંતુ ‘દેવદાસ’માં હું આ પ્રકારની ભૂમિકા ભજવી ચૂક્યો હતો એટલે મેં ના પાડી હતી. 
દરેક વ્યક્તિ પોતાના મનનો માલિક હોય છે. આપણે સૌ ક્યારેક ને ક્યારેક આપણા નિર્ણયમાંથી પીછેહઠ કરતા હોઈએ છે. એ સહજ અને સ્વાભાવિક છે. એ પરિસ્થિતિમાં સંબંધિત વ્યક્તિ સાથે કેવો અને કેવી રીતે વ્યવહાર કરવો એ દરેકનો વ્યક્તિગત વિષય છે એટલે દિલીપકુમારના કિસ્સામાં કોઈ પણ ટિપ્પણી કરવી યોગ્ય નથી.

વિચાર કરીએ તો એમ લાગે કે હા પાડ્યા બાદ ‘afterthought’ તરીકે દિલીપકુમારને લાગ્યું હશે કે ‘દેવદાસ’ને ધારી હતી એવી સફળતા ન મળી. ત્યાર બાદ તરત જ ‘પ્યાસા’ની આવી ગંભીર ભૂમિકા લોકો સ્વીકારશે કે નહીં? બીજું, એ દિવસોમાં તે પોતાની ‘ટ્રેજડી કિંગ’ની ઇમેજમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એનું મુખ્ય કારણ એ હતું કે આવી ‘Intense tragic’ ભૂમિકાઓની તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડતી હતી. એને કારણે તેમણે ‘આઝાદ’માં ‘લાઇટ રોમૅન્ટિક કૉમેડી’ ભૂમિકા કરી, જે લોકોને પસંદ પડી હતી. આ કારણસર તેમણે ‘પ્યાસા’માં કામ કરવા માટેનો નિર્ણય બદલ્યો હોય એ શક્ય છે.

વિખ્યાત પત્રકાર બની રુબેન લખે છે, ‘પ્યાસા’માં અદ્ભુત અભિનય કરીને ડિરેક્ટર ગુરુ દત્તે એક સંદેશ આપ્યો છે કે દિલીપકુમાર જ કરી શકે એવો રોલ એક ઓછા જાણીતા અભિનેતાને આપીને એક નવા યુગની શરૂઆત થઈ છે. એ હકીકત છે કે કોઈ પણ કલાકાર લોકપ્રિય થાય ત્યારે તેની એક ‘ઇમેજ’ બંધાય છે. ઘણી વાર એવું બને કે ભૂમિકા પર એ ‘ઇમેજ’ હાવી થઈ જાય તો ફિલ્મની સમતુલા બગડી જાય. ‘પ્યાસા’માં દિલીપકુમાર હોત તો આવું બનવાની શક્યતા હતી. ગુરુ દત્ત એક ઉત્તમ અભિનેતા હતા છતાં તેમની કોઈ ‘ઇમેજ’ નહોતી બની. આ જ કારણે ‘પ્યાસા’માં તેમનો સહજ અભિનય જીવંત બન્યો અને યાદગાર બની ગયો.

(ગયા શનિવારે ‘કલી કે રૂપ મેં ચલી હો ધૂપ મેં’ ગીતની ફિલ્મનું નામ ‘નૌ દો ગ્યારહ’ને બદલે સરતચૂકથી ‘ફન્ટૂશ’ લખાયું હતું એ બદલ ક્ષમાયાચના.)

columnists guru dutt dilip kumar madhubala