ચાલો આજે લટાર મારીએ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં

31 August, 2024 01:32 PM IST  |  Mumbai | Deepak Mehta

‘સ્લમડૉગ મિલ્યનેર’ ફિલ્મ લોકપ્રિય થયા પછી વિદેશી ટૂરિસ્ટો માટે ધારાવીની ઝૂંપડપટ્ટી એક આગવું આકર્ષણ બની રહી છે.

ધારાવીનો માઇલ સ્ટોન, મુંબઈના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસન અને ધારાવીની ઝૂંપડપટ્ટીનો એક ભાગ.

આજે આપણા દેશમાં જે કાંઈ ખરાબ છે, ઓછું કે અધૂરું છે એના અપયશનો ટોપલો અંગ્રેજ હકૂમતને શિરે ઢોળી દેવાનું આપણને ગમે છે, ફાવે છે. બીજી ઘણી બાબતોમાં આ વાત સાચી ન હોય તોય એક જમાનામાં દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીનું ‘માન’ મેળવનાર ધારાવીની ઝૂંપડપટ્ટી માટે તો એ સાચું છે. મુંબઈની આ પહેલવહેલી ઝૂંપડપટ્ટી ઊભી કરવાનું ‘માન’ એ વખતની અંગ્રેજ સરકારને જાય છે. એક જમાનામાં તળ મુંબઈમાં ધુમાડાનો ત્રાસ બહુ વધી ગયો હતો. એ વખતે ‘પર્યાવરણ’ કે ‘પ્રદૂષણ’ જેવા શબ્દો તો કોઈએ સાંભળ્યા પણ નહોતા. પણ એ વખતની સરકારને એટલી તો ખબર પડતી હતી કે શહેરમાં આખો દિવસ ધુમાડાનાં વાદળ ફેલાયેલાં રહે એ કાંઈ સારું નહીં. ક્યાંથી આવે છે એ ધુમાડો? શહેરમાં ઠેર ઠેર કુંભારો માટીનાં વાસણ નિભાડામાં પકવે છે. ચમારો રોજેરોજ ભઠ્ઠીઓમાં ચામડાં પકવે છે. આ બન્ને કામ માટે વપરાય છે લાકડાં. અને આ નિભાડા, આ ભઠ્ઠીઓ આખો દિવસ ઓકતી રહે છે ધુમાડો.

આનો ઉપાય શો? શહેરના બધા કુંભારોને, બધા ચમારોને ખસેડો શહેરની બહાર. આ વાત અંગ્રેજ રાજ સમજ્યું તો હતું, પણ અમલ કરવાનું અઘરું લાગતું હતું. ૧૮૮૦માં સર જેમ્સ ફર્ગ્યુસન બન્યા મુંબઈના ગવર્નર. અસલ જીવ તો લશ્કરના ઊંચા અધિકારીનો. પણ ક્રિમિયાની લડાઈમાં ઘવાયા. એટલે ૧૮૫૯માં લશ્કરમાંથી નિવૃત્તિ લઈ પડ્યા રાજકારણમાં. ગ્રેટ બ્રિટનની પાર્લમેન્ટના સભ્ય ચૂંટાયા. પછી દક્ષિણ ઑસ્ટ્રેલિયાના અને ન્યુ ઝીલૅન્ડના ગવર્નર બન્યા. અને ૧૮૮૦માં બન્યા મુંબઈના ગવર્નર, તે ૧૮૮૫ સુધી એ હોદ્દે રહ્યા. પુણેની પ્રખ્યાત ફર્ગ્યુસન કૉલેજ સાથે તેમનું નામ આજે પણ જોડાયેલું છે. 

આ ફર્ગ્યુસન સાહેબે નક્કી કર્યું કે આ ચમારો, કુંભારો અને ધુમાડો ફેલાવતાં બીજાં વસવાયાંને ખસેડો મુંબઈ બહાર. એ વખતે મુંબઈ શહેરની હદ માહિમ સુધીની. વાંદરા અને એ પછીનો ભાગ ‘મુંબઈ’ નહીં. આ ‘મુંબઈ બહાર’ના વિસ્તારમાં માછીમારોનું એક નાનું ગામડું, નામે ધારાવી. અને સરકારી હુકમને તાબે થઈ મુંબઈનાં વસવાયાં શહેર છોડી વસ્યાં આ ધારાવીમાં. છેક ૧૪મી સદીમાં મરાઠીમાં લખાયેલા ‘મહિકાવતીચી બખર’નામના પુસ્તકમાં મુંબઈ અને એની આસપાસનાં ઘણાં સ્થળોનાં એ વખતનાં પ્રચલિત નામો જોવા મળે છે. એમાંનું એક નામ એ ‘ધારદેવી’ કે ‘ધારદીવી.’ એ જ પછીથી બન્યું ધારાવી. શરૂઆતમાં અહીં મુખ્ય વસ્તી કોળી-માછીમારોની, પછી ચમારો અને કુંભારોની. પહેલેથી જ જુદા-જુદા પ્રદેશ, ધરમ, ભાષાના લોકો અહીં આવી વસ્યા. પછી તો પરીકથાની રાજકુમારીની જેમ ધારાવીની ઝૂંપડપટ્ટી દિવસે ન વધે એટલી રાતે વધે અને રાતે ન વધે એટલી દિવસે વધે. આજે તો અહીં બનેલો માલસામાન દેશના અનેક ભાગોમાં અને વિદેશોમાં પણ જાય છે. ધારાવીના ઉદ્યોગોની વાર્ષિક આવક ૫૦૦થી ૬૫૦ મિલ્યન અમેરિકન ડૉલર જેટલી થવા જાય છે.

અને આ ધારાવી હવે તો બની ગયું છે ટૂરિસ્ટો માટેનું આકર્ષણ. પાંચ-સાત કંપનીઓ દેશી અને વિદેશી જિજ્ઞાસુઓ માટે ધારાવીની ટૂર નિયમિત રીતે ગોઠવે છે. અને આવી ટૂર વિશે અભ્યાસ લેખો પણ લખાયા છે. આવો એક અભ્યાસ લેખ કેટલાક વખત પહેલાં તૈયાર કર્યો હતો ડૉ. ખેવના દેસાઈએ. તેઓ સમાજશાસ્ત્રનાં સુસજ્જ અધ્યાપક હોવા ઉપરાંત પ્રખર નારીવાદી છે. પ્રો. અભિધા વ્યાસ સાથે મળીને તૈયાર કરેલા અભ્યાસ લેખ માટે તેમણે બન્નેએ ધારાવીની ટૂર લીધી હતી. તેઓ જણાવે છે કે ‘સ્લમડૉગ મિલ્યનેર’ ફિલ્મ લોકપ્રિય થયા પછી વિદેશી ટૂરિસ્ટો માટે ધારાવીની ઝૂંપડપટ્ટી એક આગવું આકર્ષણ બની રહી છે.

આવી ટૂરમાં તેમને ઝૂંપડપટ્ટીનાં ‘ઘરો’માં, નાના-મોટા ઉદ્યોગ ચલાવતાં કારખાનાંઓમાં લઈ જવાય છે. અલબત્ત, આવી મુલાકાત દરમ્યાન ફોટો પાડવાની સખત મનાઈ હોય છે. ધારાવીના મોટા ભાગના લોકો અંગ્રેજીનું નજીવું જ્ઞાન ધરાવે છે અને વિદેશી ટૂરિસ્ટ અહીંની સ્થાનિક ભાષાઓ જાણતા હોય નહીં. એટલે જે કાંઈ વાતચીત થાય એ અંગ્રેજી જાણતા સ્થાનિક ગાઇડ મારફત થાય છે. અલબત્ત, ઝૂંપડપટ્ટીના જીવતા જાગતા લોકોને આ રીતે ‘જોવાની જણસ’ બનાવવા એ યોગ્ય છે કે કેમ એ વિશે મતભેદ છે. એના બચાવમાં કહેવાય છે કે આવી ટૂરને પ્રતાપે છેવાડાના મનુષ્યો વિશેની જાણકારી અને સંવેદના વધે છે. તો સામે પક્ષે કહેવાય છે કે દેશની ગરીબીનો દેખાડો કરતી આવી ટૂર હકીકતમાં તો ઑપરેટરો માટે કમાણી વધારવાનો એક નવો નુસખો છે.

આ અભ્યાસ લેખમાં કહ્યું છે કે ધારાવીના ૧.૭ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં લગભગ દસ લાખ માણસો રહે છે. વરસો સુધી ધારાવીની ઝૂંપડપટ્ટી મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટી હતી. પણ ૨૦૧૧ પછી એના કરતાં વધુ મોટી બીજી ચાર ઝૂંપડપટ્ટી મુંબઈમાં ઊભી થઈ ગઈ છે. ધારાવીમાં લગભગ ૫૦૦૦ વેપારી એકમો આવેલા છે અને એક જ રૂમમાં ચાલતી ૧૫,૦૦૦ કરતાં વધુ ફૅક્ટરી આવેલી છે. એકબીજાના ખભા પર ચડીને બંધાયેલી હોય એવી આ ઝૂંપડપટ્ટીમાં ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી અને સ્વચ્છ રસ્તાઓનો અભાવ છે. અહીં પૈસા છે, તો સાથોસાથ નાના-મોટા ગુનાઓ પણ સતત થતા રહે છે. ધારાવીની પગપાળા મુલાકાત પછી ખ્યાલ આવે કે મુંબઈના લઘુ અને અતિલઘુ ઉદ્યોગોનું હૃદય ધબકે છે આ ધારાવીમાં. રીસાઇક્લિંગ અહીંનો સૌથી મોટો ઉદ્યોગ છે. આ ઉપરાંત આખા મુંબઈમાં સૌથી વધુ પાપડ વણાય છે આ ધારાવીમાં. માટીનાં વાસણો બનાવવાં, ભરતકામ, સીવણકામ, પાંઉ, બિસ્કિટ વગેરે બેકરીની જણસો બનાવવી, ચામડાની વસ્તુઓ બનાવવી. કેટલીયે વસ્તુઓ અહીં બને છે અને વેચાય પણ છે. અહીં આવતા ટૂરિસ્ટના ૯૫ ટકા પરદેશીઓ, ખાસ કરીને ઇંગ્લૅન્ડ અને અમેરિકાના લોકો, હોય છે.

આવી ટૂરના વિરોધીઓનું કહેવું છે કે મુંબઈના અમીરોની રહેણીકરણી વિશે જાણવાનું કુતૂહલ પણ વિદેશીઓને હોય છે પણ તેમને જો આપણે માલેતુજારોના બંગલો ન બતાવતા હોઈએ તો ગરીબોની ઝૂંપડીઓ બતાવીએ એ કેટલા અંશે યોગ્ય ગણાય? કેટલાક તો આવી ટૂરને ‘પૉવર્ટી પૉર્ન’ તરીકે ઓળખાવે છે. જોકે ઘણા ધારાવીને ફાઇવસ્ટાર સ્લમ કહે છે, કારણ કે અહીં જાતજાતના નાના-મોટા ધંધારોજગાર ધમધમે છે. વળી સ્કૂલ, હૉસ્પિટલ, થિયેટર, જિમ જેવી સગવડો આ ઝૂંપડપટ્ટીની અંદર જ મળી રહે છે.

ધારાવીની ટૂરને અંતે ખેવના દેસાઈ અને અભિધા વ્યાસ કહે છે કે આવી ટૂરો દ્વારા ધારાવીના રહેવાસીઓને થોડી કમાણી પણ થતી હશે, તેમના પ્રત્યે હમદર્દી પણ જાગતી હશે, તેમને મદદરૂપ થવાની ઇચ્છા પણ ઘણાના મનમાં જાગતી હશે; પણ એ બધું ક્ષણિક હોય છે. ગમે તેટલા ટૂરિસ્ટ અહીં આવે, પણ તેથી આવી ઝૂંપડપટ્ટીઓની દશામાં ઝાઝો સુધારો થવાનો નથી.

મુંબઈની એક આગવી ઝૂંપડપટ્ટીની મુલાકાત તો આજે લઈ લીધી. હવે? આગે આગે ગોરખ જાગે.

 

columnists dharavi deepak mehta gujarati mid-day