ચણિયા-ચોળી અને કેડિયું-ચોયણી શું કામ રાસના પરંપરાગત કૉસ્ચ્યુમ્સ છે?

10 March, 2024 03:10 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

જો તમે એવું માનતા હો કે છોકરો-છોકરી આ જ કૉસ્ચ્યુમ્સ નિયમિત પહેરતાં હતાં તો એ તમારી ભૂલ છે. ચણિયા-ચોળી અને કેડિયું-ચોયણી રાસના જ પરંપરાગત પોશાક છે અને એની પાછળ બુદ્ધિ પણ વાપરવામાં આવી છે

ફાઇલ તસવીર

આજે આપણે વાત કરવાની છે રાસ દરમ્યાનના કૉસ્ચ્યુમ્સની, જે ખરા અર્થમાં બહુ મહત્ત્વના છે. ઑફિસમાં કેવા કૉસ્ચ્યુમ્સ પહેરવા, બીચ પર કેવા કૉસ્ચ્યુમ્સ પહેરવા એવી જ રીતે દરેક જગ્યાના નિશ્ચિત કૉસ્ચ્યુમ્સ હોય છે. રાસ માટે પણ સૈકાઓથી નિશ્ચિત કરવામાં આવેલા કૉસ્ચ્યુમ્સ છે અને એની પાછળ અગત્યની કહેવાય એવી વાત પણ છે.

આપણે સૌથી પહેલાં રાસમાં છોકરીઓ જે કૉસ્ચ્યુમ્સ પહેરે છે એ અને એ કૉસ્ચ્યુમ્સ પાછળની જે ખાસિયત છે એની વાત કરીએ.

રાસ દરમ્યાન છોકરીઓ ચણિયા-ચોળી પહેરે, જેમાં જે ચણિયો હોય એ જમીનથી સહેજ ઊંચો રહે અને એના ઘેરનો વિસ્તાર મહદંશે ૬ મીટર જેટલો હોય. આ જે ઘેરાવ છે એ ઘેરાવ રાસને એક નવો જ લુક આપવાનું કામ કરે છે. ચણિયાના ઘેરાવને લીધે રાસ દરમ્યાન જ્યારે ગોળ ફરવાનું આવે ત્યારે ચણિયાનો ઘેર વિસ્તાર પામે અને એ વિસ્તૃત થાય એટલે એક અલગ જ પ્રકારની ભાત ઊભી થાય છે. આ જ ઘેર પથરાય છે એ હકીકતમાં એવું કહે છે કે રાસના બે ખેલૈયાઓ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ. જો મિક્સ રાસ હોય અને એક છોકરો, એક છોકરી એ રીતની ગોઠવણ હોય તો બન્ને વચ્ચેનું અંતર નિર્ધારિત અંતર કરતાં ઓછું હોય છે, પણ ધારો કે બે છોકરીઓ બાજુબાજુમાં હોય તો એ બન્ને વચ્ચેનું અંતર, ચણિયાનો ઘેર અથડાય નહીં એટલો હોવો જોઈએ એવો નિયમ છે.

ચણિયા-ચોળીમાં આવતી ચોળીની વાત કરીએ તો જે ચોળી છે એ અન્ડર આર્મથી સહેજ વધારે ખૂલતી રાખવામાં આવી હોય છે અને મોટા ભાગે બૅકલેસ હોય છે, જેને લીધે બન્ને હાથ ફેલાવીને કરવામાં આવતા રાસનાં સ્ટેપ્સમાં ચોળી ક્યાંય અડચણરૂપ ન બને, એ સ્ટેપને બગાડે નહીં કે રાસ રમતી છોકરીનાં કપડાં ફાટે નહીં. આજના સમયમાં ભાગ્યે જ કોઈ આટલું વિચારતું હશે, પણ આ બધી વાતોનું સદીઓ પહેલાં ધ્યાન રાખવામાં આવ્યું છે. અમને યાદ છે કે થોડાં વર્ષો પહેલાં ગુજરાતના એક શહેરમાં રાસ દરમ્યાન એક યુવતીની ચોળી બૅક સાઇડથી ફાટી હતી અને તેની હાલત કફોડી થઈ ગઈ હતી. એ યુવતીને મહામહેનતે મેદાનમાંથી બહાર લઈ જવાઈ અને સલામત ઘરે પહોંચાડવામાં આવી, પણ ત્યાં સુધીમાં તો ન્યુઝ-ચૅનલ પર આ સમાચાર આવવા માંડ્યા હતા. તમે ક્યાં જાઓ છો, શું કરવા જાઓ છો એની સમજણની બહુ જરૂર છે તો એ સમજણની સાથે એ જગ્યાએ કેવાં કપડાં પહેરવાં જોઈએ જેથી કોઈ પણ જાતની તકલીફ ન આવે એ સમજણ પણ જરૂરી છે.

રાસના કૉસ્ચ્યુમ્સની વાત પર આવીએ તો એમાં કૉસ્ચ્યુમ્સ બનાવવા પાછળ પણ ચોક્કસ કારણો છે.

રાસ દરમ્યાન છોકરાઓ ઉપર કેડિયું પહેરે છે, એક ફ્રિલ્ડ ફ્રૉક જેવું આ કેડિયું જે હોય છે એ પેટથી કમર સુધીના એરિયામાં ઘેર ધરાવતું હોય છે. હવે તમે રાસના સ્ટેપને યાદ કરો તો તમને સમજાય કે જે સમયે છોકરી કે છોકરાએ ગોળ ફરવાનું હોય એ સમયે રાસ રમતી છોકરીના ચણિયાનો ઘેર-વિસ્તાર વધારે તો છોકરાઓની કમર પાસે આવતું કેડિયું પોતાનું ઘેર વધારે છે. રંગબેરંગી ચણિયાના ઘેરથી સહેજ ઉપર સફેદ રંગના કેડિયાનો ઘેર. શું કલરફુલ કૉમ્બિનેશન ઊભું થાય.

છોકરાઓના નીચેના વસ્ત્રને ચોયણી કહેવામાં આવે છે. જો તમે એવું માનતા હો કે આ જે ચોયણી છે એ તો એ સમયનું રોજિંદું વસ્ત્ર હતું તો ના, એવું નથી. સૈકાઓ પહેલાં રાસ દરમ્યાન જ ચોયણી પહેરવામાં આવતી. ચોયણી તો વારતહેવારે કે પછી રાસ દરમ્યાન જ પહેરાતી. બાકી નિયમિતપણે તો ધોતી જ પહેરવામાં આવતી. રાસ સમયે ધોતી વ્યવસ્થિત રહે નહીં, પગમાં આવે તો પડવાનો ડર રહે અને જો છૂટી જાય તો શરમજનક અવસ્થામાં મુકાવું પડે. એવું ન બને એટલે ચોયણીની શોધ થઈ. આ જે ચોયણી હોય છે એ કમરથી ઘૂંટણ સુધીના એરિયામાં ઢીલી હોય છે અને પીઠ પાછળના ભાગથી ખૂલતી હોય છે, જેને લીધે રાસ દરમ્યાનની ઉઠક-બેઠક દરમ્યાન સહેજ પણ તકલીફ નથી પડતી. ચોયણી અને કેડિયા ઉપરાંત રાસ દરમ્યાન છોકરાઓ પાઘડી પહેરતા અને કમરે ભેટ બાંધતા. આ જે ભેટ હોય છે એ એકથી બે મીટરના કાપડનો મોટો ટુકડો હોય છે, જે ઘૂંટણ સુધી વહેતો હોય છે. આ ભેટ બાંધવા પાછળ પણ કારણ છે.

રાસ દરમ્યાન જો ભેટ ઢીલી પડે તો ખેલૈયો સમજી જાય કે એ વધારે ઉત્સાહથી રાસ લે છે, તેણે સ્પીડ ઘટાડવી પડે. ભેટનું જે કપડું હોય છે એ મોટા ભાગે ઘટ્ટ કલરનું કથ્થઈ કે બ્લુ હોય અને એમાં ભરતકામ થયું હોય એવું પણ બની શકે. કેડિયું અને ચોયણી બન્ને સફેદ હોય ત્યારે ડિઝાઇનની દૃષ્ટિએ પણ આ ભેટ અદ્ભુત ઉઠાવ આપતી હોય છે.

રાસ વિશેની આવી જ નવી અને રોચક વાતોની ચર્ચા કરીશું આવતા રવિવારે.

Garba navratri columnists