ઑલ ઇઝ નૉટ વેલ

12 May, 2024 01:37 PM IST  |  Mumbai | Raj Goswami

BJP સજ્જાદ લોનની પીપલ્સ કૉન્ફરન્સ અને અલ્તાફ બુખારીની અપની પાર્ટીને સમર્થન આપી રહી છે. BJPના નેતાઓ નૅશનલ કૉન્ફરન્સ અને પીપલ્સ ડેમાક્રૅટિક પાર્ટી (PDP)ને હરાવવા માટે મતદારોને અપીલ કરી રહ્યા છે.

જમ્મુ એન્ડ કાશ્મીર

ગુજરાતમાં ચૂંટણી માટે પ્રચાર કરવા આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એપ્રિલમાં રાજકોટમાં કહ્યું હતું કે ‘કાશ્મીર અમારું છે, પરંતુ કૉન્ગ્રેસના લોકો અને પાર્ટી-અધ્યક્ષ ખડગે કહી રહ્યા છે કે ગુજરાત અને રાજસ્થાનને કાશ્મીર સાથે શું લેવાદેવા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કલમ ૩૭૦ હટાવવામાં આવશે તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લાં પાંચ વર્ષમાં ત્યાં એક પણ પથ્થર ફેંકવામાં આવ્યો નથી. કૉન્ગ્રેસ સરકારના સમયમાં કાશ્મીરમાં બૉમ્બવિસ્ફોટો થતા હતા, પરંતુ ઉરી અને પુલવામાના હુમલા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદને ખતમ કર્યો છે.’

ગૃહપ્રધાનનો દાવો તો દમદાર છે, પરંતુ મજાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) કાશ્મીરની એક પણ બેઠક પર ચૂંટણી લડી રહી નથી. કેમ? જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની કુલ પાંચ બેઠક છે. ત્યાં લોકસભાની ચૂંટણી પાંચ તબક્કામાં યોજાઈ રહી છે. અત્યાર સુધીમાં ત્રણ બેઠકો ઉધમપુર, જમ્મુ અને અનંતનાગ પર ચૂંટણી યોજાઈ ચૂકી છે. બે લોકસભા બેઠકો શ્રીનગર અને  બારામુલ્લા પર અનુક્રમે ૧૩ અને ૨૦ મેએ મતદાન થશે.

કાશ્મીરમાં ત્રણ બેઠક
અનંતનાગ-રાજૌરી, શ્રીનગર અને બારામુલ્લા બેઠકો કાશ્મીરમાં આવે છે (ઉધમપુર અને જમ્મુ જમ્મુ વિભાગમાં આવે છે). BJP આ ત્રણ બેઠકોમાંથી એક પણ બેઠક પર ચૂંટણી લડતી નથી. ૨૦૧૯ની પાંચમી ઑગસ્ટે ૩૭૦મી કલમ હટાવ્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની આ પ્રથમ ચૂંટણી છે એટલા માટે આ ચૂંટણી અગાઉની ચૂંટણીઓ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. એમાં BJPએ ચૂંટણી નહીં લડવાનો કરેલો નિર્ણય ઘણો આશ્ચર્યજનક છે. પૂરા ભારતમાંથી માત્ર કાશ્મીરમાં જ BJP ચૂંટણીના મેદાનમાંથી બહાર છે.

સ્થાનિક કાર્યકરોને આશ્ચર્ય
કાશ્મીર ખીણની ત્રણ લોકસભા બેઠકો પર ઉમેદવાર ન ઉતારવાના BJPના નિર્ણયથી પાર્ટીના સ્થાનિક કાર્યકરોને આશ્ચર્ય થયું છે. દુનિયાની સૌથી મોટી પાર્ટીએ આ નિર્ણય કેમ લીધો એ કાર્યકર્તાઓ સમજી શકતા નથી. ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી એને BJP પોતાની સૌથી મોટી ફળશ્રુતિ માને છે અને દેશમાં ચૂંટણીપ્રચાર વખતે એનું ગૌરવ પણ લે છે. BJP એવા પણ દાવા કરી રહી છે કે કાશ્મીરમાં આતંકવાદમાં ઘટાડો થયો છે, આર્થિક રોકાણમાં વધારો થયો છે અને પ્રવાસનમાં વધારો થયો છે.

જો એવું હોય તો પછી પાર્ટીએ ત્રણ બેઠકો પર કેમ દાવો નોંધાવ્યો નથી? BJP છેક ૧૯૯૬થી ૨૦૧૯ સુધી દરેક સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખતી આવી છે તો આ વખતે પહેલી વાર ચૂંટણી ન લડવા પાછળ રાજકીય વ્યૂહરચના કારણભૂત છે કે પછી મતદારોનો મૂડ પાર્ટીની તરફેણમાં નથી?

BJPના જમ્મુ-કાશ્મીરના વડા રવીન્દર રૈનાએ એપ્રિલ મહિનામાં એક પત્રકાર-પરિષદમાં પાર્ટીના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે અમુક નિર્ણયો મોટા લક્ષ્યને પાર પાડવા માટે લેવામાં આવતા હોય છે. તેમણે કહ્યું હતું કે આ ત્રણ બેઠકો પર BJP ‘રાષ્ટ્રવાદી’ પાર્ટીઓને સમર્થન કરી રહી છે.

અમે ત્રણે લોકસભા બેઠકો પર અમારા દમ પર ચૂંટણી લડવા માટે ઇચ્છુક હતા, પરંતુ ઘણી વાર વ્યક્તિગત હિતોને બાજુએ મૂકીને મોટા લક્ષ્યને પાર પાડવા માટે અલગ નિર્ણય લેવો પડે છે એમ જણાવીને તેમણે કહ્યું હતું કે અમે એ પાર્ટીઓને સમર્થન કરી રહ્યા છીએ જે રાષ્ટ્રભક્ત છે, કાશ્મીરના વિકાસ માટે કામ કરી રહી છે, શાંતિ અને ભાઈચારાને મજબૂત કરી રહી છે અને સમાજની સેવા કરવા માટે ઉત્સુક છે.

એ પહેલાં ૧૬ એપ્રિલે જમ્મુમાં એક ચૂંટણીસભામાં ગૃહપ્રધાન અમિત શાહે પણ ત્રણ બેઠકો પર ચૂંટણી નહીં લડવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘BJPને ખીણમાં કમળ ખીલવવાની ઉતાવળ નથી. અમારા વિરોધીઓ કહે છે એમ અમે કાશ્મીરને અધીન કરવા નથી માગતા, અમે કાશ્મીરના દરેક હૃદયને જીતવા ઇચ્છીએ છીએ.’

આત્મવિશ્વાસ નથી?
સ્થાનિક રાજકીય નિરીક્ષકોએ અમુક મીડિયામાં એવું કહ્યું હતું કે ‘BJPને કાશ્મીરીઓનાં હૃદય જીતવામાં સફળતા મળી નથી અને પાર્ટીમાં એટલો આત્મવિશ્વાસ નથી કે એ ચૂંટણીઓ જીતી જશે. ત્રણમાંથી એક પણ બેઠક જો હાથમાંથી જાય તો પાર્ટીની રાષ્ટ્રીય છ​બિને નુકસાન થાય એવું છે એટલે એવું જોખમ લેવાનું ટાળ્યું છે. પાર્ટીને માત્ર ચૂંટણી લડવામાં જ રસ નથી; એને ત્રણે બેઠકો અંકે કરવામાં રસ છે, કારણ કે એ જીત એની નીતિઓ પર જનતાની મહોર સમાન હશે.’

BJP એવી સ્થિતિથી બચવા માગતી હતી જેમાં લોકો મતદાન દ્વારા ૨૦૧૯ની પાંચી ઑગસ્ટની ઘટના પર તેમનો મત વ્યક્ત કરે. પાર્ટીમાં એવો મત હતો કે કલમ ૩૭૦ હટાવવાથી લોકો નારાજ છે અને એ નારાજગી ચૂંટણીમાં BJP સામે વ્યક્ત થાય એમ લાગતું હતું. હાર-જીતથી આગળ કાશ્મીરની જનતા BJPને જાકારો આપે એવી શરમથી પાર્ટી બચવા માગતી હતી.

૨૦૧૪માં શ્રેષ્ઠ પ્રદર્શન
કાશ્મીરમાં BJP ભૂતકાળમાં ક્યારેય લોકપ્રિય પાર્ટી રહી નથી. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર સવાર થઈને ૨૦૧૪ની ચૂંટણી વખતે જમ્મુ-કાશ્મીરમાં BJPએ ‘મિશન ૪૪ પ્લસ’નો નારો આપ્યો હતો. ૮૭ સભ્યોની વિધાનસભામાં એ પોતાના દમ પર સરકાર બનાવવા માગતી હતી. ચૂંટણી-પરિણામોમાં પાર્ટીને ૨૫ બેઠકો મળી હતી. BJPનું એ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન હતું. જોકે એ બધી બેઠકોહિન્દુ મતો વાળા જમ્મુ પ્રદેશમાંથી આવી હતી.

એટલા માટે બીજી સૌથી મોટી પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (PDP) સાથે ગઠબંધન કરીને BJPએ રાજ્યમાં સરકાર રચી હતી. એ ગઠબંધન લાંબું ચાલ્યું નહોતું અને અંતે વિધાનસભાને બરખાસ્ત કરીને રાજ્યને કાશ્મીર, જમ્મુ અને લદ્દાખ એમ ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણીઓમાં પણ BJPનું પ્રદર્શન નબળું રહ્યું છે. ૧૯૯૬માં BJPએ લોકસભા માટે ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ અત્યાર સુધી એને એક પણ બેઠક મળી નથી.

અનંતનાગ-રાજૌરીમાં નારાજગી

મીડિયાના અહેવાલો અનુસાર અનંતનાગ-રાજૌરીના લોકોમાં ભારે નારાજગી વર્તાઈ રહી છે. ૨૦૨૨માં જમ્મુ-કાશ્મીરમાં નવેસરથી સીમાંકન કરવામાં આવ્યું ત્યારે અનંતનાગ-રાજૌરી મતવિસ્તાર બનાવવામાં આવ્યો હતો. BJPને છોડીને તમામ રાજકીય પાર્ટીઓએ આ કવાયતની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કાશ્મીરની એકતાને તોડવા અને BJPની અનુકૂળતા માટે આ મતવિસ્તાર બનાવવામાં આવ્યો છે. એવું પણ અનુમાન હતું કે પહાડીઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપ્યા પછી BJP પહાડીઓના એક વર્ગને પોતાના તરફ ખેંચવામાં સફળ રહેશે અને રાજૌરી-પૂંછના હિન્દુ વોટ અને અનંતનાગના કાશ્મીરી પ્રવાસી વોટમાં ભેળવી દેશે.

આતંકવાદીઓનું નવું ઠેકાણું
૧૮ વિધાનસભાઓનો બનેલો આ મતવિસ્તાર દુર્ગમ છે અને ત્યાં ચૂંટણીપ્રચાર અઘરો છે. આતંકી પ્રવૃત્તિની દૃષ્ટિએ કાશ્મીરમાં અત્યારે એ સૌથી સંવેદનશીલ વિસ્તાર છે. આતંકવાદીઓનું આ નવું ઠેકાણું છે એવું પણ કહેવાય છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી બધાની નજર આ બેઠક પર છે, કારણ કે BJPના મિત્ર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદ આ બેઠક પરથી ચૂંટણી લડશે એવી અપેક્ષા હતી. તેમની ડેમોક્રૅટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)એ પણ આઝાદની ઉમેદવારીની જાહેરાત કરી હતી.
આ બેઠક પર નૅશનલ કૉન્ફરન્સના મિયાં અલ્તાફ અને PDPનાં વડાં મેહબૂબા મુફ્તી વચ્ચે સીધો મુકાબલો છે. એક અન્ય અપની પાર્ટીએ પણ ઉમેદવાર ઊભો રાખ્યો છે અને BJPનું એને સમર્થન છે. બારામુલ્લામાં નૅશનલ કૉન્ફરન્સના ઓમર અબદુલ્લા અને પીપલ્સ કૉન્ફરન્સના સજ્જાદ લોન વચ્ચે મુકાબલો છે.

હજીયે અસંતોષ અને અલગાવ?

કૉન્ગ્રેસ અને નૅશનલ કૉન્ફરન્સ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની છત્રછાયા હેઠળ ત્રણ બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી એકલા હાથે લડી રહી છે. નૅશનલ કૉન્ફરન્સના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ ચૂંટણી નહીં લડવાના BJPના નિર્ણયની ટીકા કરતાં કહ્યું હતું કે આ બતાવે છે કે કલમ ૩૭૦ દૂર કર્યા પછી પાર્ટી અને સરકાર લોકોનાં હૃદય જીતી શકી નથી. રૉઇટર્સ નામની સમાચાર-સંસ્થાએ કાશ્મીર અને નવી દિલ્હીના નેતાઓ, સ્થાનિક રહેવાસીઓ, સુરક્ષા અધિકારીઓ અને વિશ્લેષકો સાથે વાત કરીને લખ્યું હતું કે પ્રદેશમાં લોકો વચ્ચે હજી પણ અસંતોષ અને અલગાવ જારી છે.

અબદુલ્લાએ આરોપ મૂક્યો હતો કે BJP સીધી ચૂંટણી લડવાને બદલે પડદા પાછળથી સજ્જાદ લોનની પીપલ્સ કૉન્ફરન્સ અને અલ્તાફ બુખારીની અપની પાર્ટીને સમર્થન આપી રહી છે. વાસ્તવમાં BJPના ત્રણ ડઝનથી વધુ નેતાઓ ઘરે-ઘરે ફરીને નૅશનલ કૉન્ફરન્સ અને PDPને હરાવવા માટે મતદારોને અપીલ કરી રહ્યા છે.
આ નેતાઓ અનંતનાગ-રાજૌરીના હિન્દુ, ગુર્જર અને પહાડી મતદાતાઓનું નૅશનલ કૉન્ફરન્સ અને PDP સિવાયના ઉમેદવારો માટે સમર્થન ભેગું કરી રહ્યા છે. કુલ ૧૮ લાખ મતદારોમાં આ ત્રણે વર્ગ મળીને ૫૦ ટકા મત થાય છે.

વિધાનસભાની તૈયારી?

BJP માને છે કે એના માટે આ યોગ્ય વ્યૂહરચના છે કે નૅશનલ કૉન્ફરન્સ અને PDP વચ્ચેની ખાઈ વધુ પહોળી થાય, જેથી સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે સપ્ટેમ્બર સુધીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી માટે ઉચિત વાતાવરણ સર્જાશે. BJP માટે એ સુખદ સમાચાર છે કે નૅશનલ કૉન્ફરન્સ અને PDP સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહી છે. BJP પીપલ્સ કૉન્ફરન્સ અને અપની પાર્ટીને સમર્થન આપીને લાડવો ઝૂંટવી લેવા ઇચ્છે છે. ૧૬ એપ્રિલે જમ્મુમાં ચૂંટણીસભામાં અમિત શાહે મતદારોને સીધી જ અપીલ કરી હતી કે તેઓ નૅશનલ કૉન્ફરન્સ, કૉન્ગ્રેસ અને PDP જેવી પાર્ટીઓને મત ન આપે કારણ કે આ જ પાર્ટીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે અને નકલી એન્કાઉન્ટરની સંસ્કૃતિ પેદા કરી છે.

એ વાત સાચી છે કે કાશ્મીરમાં ૨૦૧૯ પછી સુરક્ષાની દૃષ્ટિએ એકંદરે શાંતિ છે, પણ જ્યાં સુધી રાજકીય માહોલનો સંદર્ભ છે ત્યાં સુધી ઑલ ઇઝ નૉટ વેલ. લોકસભાની ચૂંટણી એની ગવાહ છે.

columnists raj goswami gujarati mid-day bharatiya janata party Lok Sabha Election 2024 jammu and kashmir