તમે કોની પાસે તૈયાર થયા છો અને કોનો અનુભવ કર્યો છે એ બહુ મહત્ત્વનું છે

07 June, 2024 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું મારા સ્ટ્રગલ પિરિયડની ઘટનાઓને યાદ કરું તો મને એક ઘટના ખાસ યાદ આવે

પ્રતીકાત્મક તસવીર

હું મારા સ્ટ્રગલ પિરિયડની ઘટનાઓને યાદ કરું તો મને એક ઘટના ખાસ યાદ આવે. ગુજરાતી રંગભૂમિના ભીષ્મપિતામહ એવા કાન્તિ મડિયા સાથે મને એક વાર કામ કરવાનો મોકો મળ્યો. તેમને મેં સ્ટેજ પર જોયા હતા. વાતો સાંભળી હતી અને એ પણ સાંભળ્યું હતું કે તેઓ એકદમ શિસ્તબદ્ધ. તમારી વૉક પ્રૉપર ન હોય તો તમારા માથા પર ચોપડી મૂકીને તમને ચલાવે. તમારા બે પગ વચ્ચે ફુટ મૂકે અને એ પછી તમારે ચાલવાનું. તમારા ઊભા રહેવાની સ્ટાઇલ, પોશ્ચર, જેશ્ચર એ બધામાં તેઓ એકદમ પર્ફેક્શનિસ્ટ. મડિયા પોતે જીવતીજાગતી યુનિવર્સિટી.

૧૯૯૩ની વાત છે. હું ઇન્ટરકોલેજિયેટ નાટકનાં રિહર્સલ્સ કરાવતો હતો અને મને ત્યાં કૉલેજમાં ફોન આવ્યો રાજેન્દ્ર બુટાલાનો કે એક નાટક છે, તું ઍક્ટિંગ કરીશ. મેં તો હા પાડી, પણ પછી તેમણે કહ્યું કે મડિયા નાટક ડિરેક્ટ કરવાના છે. હવે કોણ ના પાડે. મેં તો તરત હા પાડી દીધી અને પહોંચ્યો બિરલા ક્રીડા કેન્દ્ર, ચોપાટીની સામે. મડિયા બેઠા હતા. તેમણે મને સ્ક્રિપ્ટ આપીને કહ્યું કે બચ્ચા આ જરાક વાંચ. મેં વાંચ્યું એટલે તેમણે મને વચ્ચે અટકાવીને પોતાની ટિપિકલ સ્ટાઇલમાં કહ્યું કે આમાં જરાક આમ કરવાનું છે, કરી નાખ કરેક્શન. મેં કહ્યું કે કાન્તિભાઈ, મારી પાસે પેન નથી. એ જ તેમની ટિપિકલ સ્ટાઇલ સાથે સહેજ ઇરિટેટ થઈને તેઓ બોલ્યા કે રિહર્સલ્સ પર પેન નથી રાખતા? મેં કહ્યું કે હું બહારથી સીધો આવ્યો છું એટલે પેન નથી. ઠીક છે કહીને કાન્તિભાઈએ મને પોતાની પેન આપી. કાન્તિભાઈ એ સમયે ઇન્કપેન વાપરતા.

મને તેમણે પેન આપી એટલે મેં લખવાની ટ્રાય કરી પણ એ ચાલી નહીં એટલે મેં ઇન્કપેનને સહેજ ઝાટકો માર્યો અને ઇન્કપેનમાંથી ઇન્કના છાંટા કાન્તિભાઈના નવાનક્કોર લિનનના વાઇટ શર્ટ પર. ચાર મોટાં ટપકાં અને એની આજુબાજુ નાનાં-નાનાં કંઈકેટલાંય ટપકાં. કાન્તિ મડિયા અને મારી આવી ભૂલ. મને થયું કે પતી ગયું. કરીઅર ખતમ. મેં ધીમેકથી પેનનું ઢાંકણું બંધ કર્યું અને પછી કાન્તિભાઈ તરફ પેન લંબાવીને તેમને હાથ જોડી ઊભા થવાની તૈયારી કરવા માંડી ત્યાં કાન્તિભાઈનો જવાબ આવ્યો. હવે તારા પહેલા કવરમાંથી આ શર્ટ ધોવડાવવાના પૈસા હું લઈશ!

તમે જુઓ સાહેબ, એ માણસે કેટલી સેકન્ડમાં મારા મનનો ભાર હળવો કરી નાખ્યો અને એ પણ કેવી રીતે? કોઈ જાતના ભાર વિના. હું હંમેશાં કહેતો હોઉં છું કે તમે કોની પાસે તૈયાર થયા છો અને તમે કોનો અનભુવ કર્યો છે એ જીવનમાં બહુ મહત્ત્વનું છે. થૅન્કફુલ રહેવું એ દરેકના જીવનની એકમાત્ર મકસદ હશે તો તમારી હાજરીનો ભાર ક્યારેય કોઈને નહીં વર્તાય.

 

- વિપુલ મહેતા (અનેક સુપરહિટ ગુજરાતી નાટકો-ફિલ્મો આપી ચૂકેલા ડિરેક્ટર-રાઇટર મરાઠીની સાથોસાથ હિન્દી ફિલ્મોના રાઇટર-ડિરેક્ટર છે)

columnists