21 October, 2023 03:28 PM IST | Mumbai | Deepak Mehta
મૂળજી જેઠા ફાઉન્ટન – ત્યારે અને અત્યારે
પાત્રો : સ્વામી આનંદ (૧૮૮૭-૧૯૭૬), રતનજી ફરામજી વાછા (૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઑગસ્ટ, ૧૮૯૩) અને આપનો નાચીઝ દી. મ.
વાછા શેઠ : મિસ્ટર મહેતા, આજે વાતની શુરુઆત હું કરસ અને તે બી તમુને એક સવાલ પૂછીને. બોલો, આપના આખા એશિયા ખંડની સૌથી મોટ્ટી ક્લોથ માર્કેટ કાં આવેલી છે અને તેનું નામ સુ?
દી. મ. : આપ કહો છો તે ક્લોથ માર્કેટ આપણા મુંબઈ શહેરમાં આવેલી છે. અને તેનું નામ છે મૂળજી જેઠા માર્કેટ.
વાછા શેઠ : સહી જવાબ. હવે બીજો સવાલ, આ મૂળજી જેઠા હતા કોણ?
દી. મ. : લાઇફલાઇન.
વાછા શેઠ : કોને ફોન લગાડવાનો છે?
દી.મ. : કોઈને નહીં. સ્વામી દાદા આપણી સાથે હોય પછી કોઈ બીજાને પૂછવાની શી જરૂર?
સ્વામી આનંદ : મૂળજી જેઠાનો જન્મ ૧૮૦૪, જામનગર. કુટુંબની સ્થિતિ પાતળી. જેઠોભાઈ નાનકડી હાટડી ચલાવે. મહામહેનતે કુટુંબનું ભરણપોષણ કરે. મૂળજી ધૂડી નિશાળમાં થોડું ભણ્યા. પણ પછી નિશાળ છોડી કામે વળગ્યા. નાની-નાની દુકાનોમાં ફેરી કરી નાનો-મોટો માલ વેચે. થોડો વખત તેલની દુકાને વાણોતર તરીકે કામ કર્યું. અને પછી બીજા અનેક ભાટિયા જાતભાઈઓની જેમ પકડી મુંબઈની વાટ. ત્યારે ઉંમર વરસ સોળ.
દી. મ. : તેમની વાત પણ જીવરાજ બાલુ અને નાનજીભાઈની વાત જેવી જ લાગે છે.
સ્વામી આનંદ : અરે, આ વાત તો સેંકડો નહીં, હજારો ગુજરાતીઓની છે. એ વખતે ગુજરાતના કંઠાળ પ્રદેશના લોકો માટે મુંબઈ એ તો સોનાની લંકા. આગગાડી તો બહુ મોડી આવી. એટલે એ વખતે મુંબઈ આવવાના રસ્તા બે. કાં વહાણમાં બેસીને, કાં જમીન રસ્તે ગાડામાં કે ચાલતાં. એ વખતે જામનગર એક દેશી રજવાડું. એનું એક બંદર, નામે જોડિયા. આજે તો હવે એ મરવાને વાંકે જીવે છે, પણ એ જમાનામાં ધીકતું બંદર. મુંબઈ સુધી વહાણોની આવનજાવન. ત્યાંના એક વહાણમાં ચડીને ૧૬ વરસનો મૂળજી આવ્યો મુંબઈ.
દી.મ. : મુંબઈમાં કોઈ ઓળખીતું-પાળખીતું? ગાંઠે ગરથ?
સ્વામી આનંદ : ગરથમાં કપડાંની થેલીમાં ત્રણ જોડ કપડાં. ઓળખીતો એક ઉપરવાળો. અચકાતા ગભરાતા મુંબઈના બારાની બહાર નીકળ્યા. કોઈ કાઠિયાવાડી વાણિયાની દુકાન દીઠી. ત્યાં જઈને બેઠો. ભૂખ્યો-તરસ્યો. નીમાણે મોઢે. તે કાળે ભાટિયા ગણ્યાગાંઠ્યા મુંબઈ આવેલા. છૂટાછવાયા મજૂરી કરે. સ્ત્રીઓ તો નામે ન આવે. સુરતનું બારું કાદવથી ભરાયું. કંપની સરકારનાં વહાણ હવે મુંબઈ બંદરે નાંગરે. પછી તો ગવંડરે પણ સુરત છોડ્યું અને મુંબઈ આવી વસ્યો.
દી. મ. : હા, સ્વામી દાદા. પણ મુંબઈના પહેલા ગવર્નર જ્યૉર્જ ઓક્સેનડન તો ફક્ત એક જ વાર સુરતથી મુંબઈ આવેલા – ઈ. સ. ૧૬૬૭ના સપ્ટેમ્બરની ૨૧મી તારીખે પોર્ટુગીઝો પાસેથી મુંબઈનો કબજો લેવા તે સુરતથી મુંબઈ આવેલા. અને બીજા જ દિવસે સુરત ભેગા થઈ ગયેલા. તેના પછી આવેલ જેરાલ્ડ ઓન્ગિયાર અવારનવાર સુરતથી મુંબઈ આવતા અને પોર્ટુગીઝોએ બાંધેલા બૉમ્બે કાસલમાં રહેતા. સરકારનું વડું મથક સુરતથી મુંબઈ ખસેડવાની ભલામણ તેણે બ્રિટનમાં બેઠેલા કંપનીના ડિરેક્ટરોને મોકલેલી, પણ તેની હયાતીમાં અમલ થયો નહીં.
સ્વામી આનંદ : મૂળજી મુંબઈ આવ્યો ત્યારે કોટનો કિલ્લો હજી ઊભો હતો. તે વારે મુંબઈની વસ્તી અડધો લાખ કરતાં વધારે નહીં. સાંજ પછી કોટની બહાર નીકળો તો ચોર-લૂંટારાનો ભો. આવા મુંબઈમાં અજાણ્યો મૂળજી જાય પણ ક્યાં? પણ નસીબ પાધરાં તે દુકાનદારને દયા આવી. પાસે બોલાવી થોડી વાત કરી. સારા ઘરનો છોકરો છે જાણી બે પૈસાના દાળિયા કુરમુરા મગાવી ખાવા આપ્યા. મૂળજી ખાતો જાય ને પોતાની કરમ કથની કહેતો જાય. દુકાનદારને ભરોસો પડ્યો. કહ્યું કે દિવસે દુકાનનાં નાનાંમોટાં કામ કરજે ને રાતે દુકાનમાં જ સૂઈ રહેજે. મૂળજીએ મન લગાડી કામ કર્યું. સવારે દુકાન વાળીચોળીને સાફ કરવી. પછે ઉઘરાણીએ જવું, શેઠની ગેરહાજરીમાં માલ વેચવો. બધાં કામ મૂળજી હોંશે-હોંશે કરે. પૈસાની બાબતમાં વાણિયાએ ચકાસી જોયો. ખાતરી થઈ કે છોકરો હાથનો ચોખ્ખો છે. રોકડમાં પૈનોય ફેર ન પડે. થોડા વખત પછી મહિને પાંચ રૂપિયા પગાર કરી આપ્યો.
વાછા શેઠ : મૂળજી દુકાનમાં કામ કરતો થયો પછી વાણિયો કમાવા લાગ્યો. છ મહિનામાં કમાણી વધીને રૂપિયા સો! નાના દુકાનદારોને બદલે મોટી ઑફિસો સાથે કામ કરવા લાગ્યો. મોટી દુકાન લીધી. નામું લખવા મહેતાજી રાખ્યા. પણ મૂળજી રોજેરોજ નામાની ચકાસણી કરે. અડધા કલાકમાં વીશીએ જઈ જમી આવે. કામ સવારે શરૂ કરવાનું એ નક્કી. ક્યારે પૂરું કરવાનું એ નક્કી નહીં. આજનું કામ આજે જ. પછી ભલે રાત પડે!
સ્વામી આનંદ : વાણિયાની ગાંઠે ૧૫ હજારની મૂડી થઈ. મૂળજીનો પગાર પાંચ રૂપિયાથી વધીને ત્રીસ થયો. બાવીસ વરસનો થયો મૂળજી. વાણિયાએ એને ગામ મોકલીને પરણાવ્યો. ૫૦૦ રૂપિયા પાઘડીના આપ્યા અને ૧૫૦૦ અંગ ઉધાર. મૂળજી વેપાર વધારતો ગયો. કન્ત્રાક્ટ લે, ગોરાઓની વેપારી ઑફિસોમાં જાય. રેલવેની ઑફિસે જાય. અંગ્રેજી જાણે નહીં તોય કુશળતાથી ગાડું ગબડાવે. હવે વાણિયાની પેઢીમાં આઠ-દસનો સ્ટાફ.
વાછા શેઠ : વાણિયો ધનદોલત કમાયો, ચારમાં પુછાતો થયો. પણ મોટી ખોટ એ કે ઘેરે દીકરો નહીં. એક દિવસ કામધંધો મૂળજીને સોંપી પોતે ગયો ‘દેશ.’ હવે મૂળજીએ પેઢીનું નામ બદલીને કર્યું ‘મૂળજી જેઠા.’ મૂળજી વેપારમાં હતો પાવરધો, પણ આજ સુધી શેઠને પૂછીને પાણી પીવું પડતું. હવે મૂળજી આઝાદ હતો. મલબારથી દેશી વહાણોમાં કોપરેલ મગાવવા માંડ્યું. નફો સારો. નામ થયું. જામનગરથી કુટુંબને તેડાવી લીધું. દીકરો જન્મ્યો. નામ પાડ્યું સુંદરદાસ.
વાછા શેઠ : વેપાર વધતો ગયો. કોચીનમાં ઑફિસ શુરુ કીધી. જોડિયા બંદરેથી નાનું વહાણ ખરીદ કીધું. જાણીતા ખારવા રોક્યા. પછી નવાં વહાણો બંધાવિયાં. કુલ છ બારકસના માલિક થયા. કૉટન ગ્રીન પરની ગોરાઓની ઑફિસો, પોર્ટ ટ્રસ્ટની કચેરી, જી.આઇ.પી. રેલવેને માલ પૂરો પાડે. ઘેરે ગારી-ઘોરા.
સ્વામી આનંદ : એ વખતે મુંબઈમાં કાપડ મિલો નંખાવા લાગેલી. એટલે રૂની માગ વધતી ચાલેલી. કોલાબામાં મોટું રૂ-બજાર. કાનમ, બિરાર, ખાનદેશથી કપાસ આવે અને વેલાત જાય. મૂળજી શેઠે કપાસની વખાર કરી. જોસભેર ખરીદીઓ કરવા માંડી. કપાસ વિલાયત ચડાવે. જોતજોતામાં રૂના મોટા વેપારી થઈ ગયા. પણ સટ્ટાનું નામ નહીં. ખરીદી બધી રોકડ. પિતરાઈ વાલજી દામોદર અને નારણજી મૂળજીને ધંધામાં જોડીને ભાગીદાર બનાવ્યા. દીકરો સુંદરદાસ. એકનો એક, પણ લાડમાં ન ઉછેર્યો. સાતની વયે નિશાળે મૂક્યો. ૧૬મે વરસે પાંચ અંગ્રેજી ભણ્યા પછી સ્કૂલમાંથી ઉઠાડીને ધંધામાં સાથે લીધો. થોડાં વરસ પછી ભાગીદાર બનાવ્યો. દીકરાએ પણ વેપાર વધાર્યો, વિકસાવ્યો.
વાછા શેઠ : હા, સ્વામીજી. મૂળજી શેઠના ધીકતા ધંધાને સુંદરદાસે મધ્યાહ્ને પહોંચાડ્યો. સુંદરદાસની વેપારી કુનેહનો એક જ દાખલો : અમેરિકન સિવિલ વૉર શુરુ થઈ એની આગમચ છ વહાણ ભરીને રૂનો ગંજાવર જથ્થો લિવરપુલ માટે રવાના કીધેલો. એ જમાનામાં સુએઝની કૅનાલ તો બની નહોતી. એટલે વહાણો કેપ ઑફ ગુડ હોપને રસ્તે જાય. જે માલ રવાના કીધેલો એનું વેચાણ કરવા ગોરા વેપારીઓ દબાણ કરે. પણ અગમચેતી અને કોઠાસૂઝને કારણે માલ લિવરપુલ પહોંચે એ પહેલાં વેચવાની સુંદરદાસે ચોખ્ખીચણાક ‘ના’ પાડી દીધી. વહાણો લિવરપુલ પહોંચ્યાં એની આગમચ અમેરિકન સિવિલ વૉર ફાટી નીકળી. સુંદરદાસને રૂના છગણા ભાવ મળ્યા.
સ્વામી આનંદ : આકોલા, મુર્તજાપુર, કારંજા, ધુલિયા, જલગાંવ ખાતે સુંદરદાસે ‘જિન પ્રેસ’ કાઢ્યા. મુંબઈ અને જલગાંવમાં મિલો શરૂ કરી. ઠાકરસી મૂળજી સાથે ભાગમાં મૂળજી જેઠા માર્કેટ શરૂ કરી. એ વખતે એ બાંધવાનો ખરચ થયો હતો રૂપિયા છ લાખ.
દી.મ. : ઓહોહો! રિલાયન્સ ઉદ્યોગ સામ્રાજ્યના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ પોતાની કારકિર્દીની શરૂઆત એક અદના યાર્ન ટ્રેડર તરીકે આ માર્કેટથી જ કરી હતી.
કાલબાદેવી પરની વિઠ્ઠલવાડીને નાકે આવેલું દ્વારકાધીશજીનું મંદિર તેમણે જ બંધાવેલું. પણ ત્યાં તો ન બનવાનું બન્યું. માંડ ૩૯ના થયા સુંદરદાસ અને એકાએક તેડાં આવ્યાં તે વૈકુંઠવાસી બની ગયા. સુંદરદાસને બે દીકરા પણ સુંદરદાસ પાછા થયા ત્યારે બંને બાળક. મૂળજી શેઠ હવે મૂળજી ડોસા બનેલા. એટલે નવો ભાગીદાર લીધા વગર છૂટકો નહોતો. વાલજી દામોદરના દીકરા વલ્લભદાસ શેઠે બધો ભાર ઉપાડી લીધો.
વાછા શેઠ : આજના પી. ડી. મેલો રોડ અને મિન્ટ રોડના નાકે જે સુંદર ફુવારો છે એ ‘મૂળજી જેઠા ફૌંતન’ તરીકે ઓળખાય છે તો...
સ્વામી દાદા : ના જી. એ ફવ્વારો મૂળજીશેઠે બંધાવ્યો નહોતો. એ બંધાવેલો શેઠ રતનસી મૂળજીએ, પોતાના એકના એક દીકરા ધરમસીની યાદમાં. ફુવારા નીચે જે આરસની તકતી ચોડેલી છે એમાં આ હકીકત બહુ સ્પષ્ટ રીતે જણાવી છે. ધરમસી હતો તો વેપારીનો દીકરો, પણ ચોપડીઓ વાંચવાનો જબરો શોખીન. એટલે ફુવારાના મથાળે હાથમાં ચોપડી લઈને વાંચતા ધરમસીનું બાવલું મૂક્યું છે.
દી.મ. : મુંબઈના રસ્તાઓ પર આવેલાં બીજાં ઘણાં સ્મારકોની જેમ આ ફુવારાએ દાયકાઓ સુધી માઠી દશા વેઠી. ભંગેરી-ગંજેરીઓનો અડ્ડો બનેલો. પણ પછી ૨૦૧૭માં આપણી આંખ ઊઘડી. બીજાં કેટલાંક સ્મારકોની જેમ આ ફુવારાનું પણ ‘રેનોવેશન’ થયું.
સ્વામી આનંદ : આ ફવારાની ડિઝાઇન કોણે બનાવી હતી, જાણો છો?
દી.મ. : ના, સ્વામીજી.
સ્વામી આનંદ : જેમણે વિક્ટોરિયા ટર્મિનસની ભવ્ય ઇમારતની ડિઝાઇન બનાવેલી એ ફ્રેડરિક વિલિયમ્સ સ્ટીવન્સે. અને તેમના મદદનીશ હતા જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સના એ વખતના પ્રિન્સિપાલ જૉન ગ્રિફિથ્સ. ૧૮૯૪ના જાનેવારીની આઠમી તારીખે આ ફવ્વારો મુંબઈની જનતાને ભેટ આપવામાં આવ્યો.
દી.મ. : સ્વામી દાદા! વાછા શેઠ! મુંબઈને મુંબઈ બનાવનારા બીજાં કેટલાંક ઘરાણાં વિશે પણ વાત કરવી છે. પણ આજે તો હવે ટાઇમ પૂરો થયો છે. ફરી મળીશું આવતા શનિવારે.
સ્વામી આનંદ : ત્યાં સુધી સૌને દશેરો મુબારક.
deepakbmehta@gmail.com