18 August, 2024 11:02 AM IST | Mumbai | Rajani Mehta
સંગીતકાર નૌશાદ
૧૯૪૦માં ફિલ્મ ‘પ્રેમનગર’થી શરૂ થયેલી ૫૦ વર્ષની કારકિર્દીમાં સંગીતકાર નૌશાદે ૬૪ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમની મોટા ભાગની ધૂનો શાસ્ત્રીય રાગ-રાગિણી પર આધારિત હતી જે અત્યંત લોકપ્રિય બની. વર્ષો પહેલાં થયેલી મુલાકાતમાં તેમની પાસેથી અનેક અવિસ્મરણીય કિસ્સા જાણવા મળ્યા. વાતવાતમાં મેં એક પ્રશ્ન કર્યો, ‘આપના સમકાલીન સંગીતકારોમાં તમે કોને ઉત્તમ માનો છો?’
તેઓ તરત બોલી ઊઠ્યા, ‘મારા સિવાયના એ દરેક ઉત્તમ હતા, કારણ કે સૌ મારા કરતાં હોનહાર હતા. મોટા ભાગના સંગીતકારોએ આપણી પરંપરાના સંગીતને ફિલ્મી ગીતોમાં વણી લઈને ભારતીય સંગીતને જીવતું રાખ્યું છે. એક દિવસ વી. શાંતારામ મારી પાસે આવ્યા અને કહે, હું દહેજના વિષય પરથી એક ફિલ્મ બનાવું છું, એમાં મને તમારું સંગીત જોઈએ છે. મેં નમ્રતાપૂર્વક ના પાડતાં કહ્યું કે તમારી પાસે અણ્ણાસાહેબ (સી. રામચંદ્ર) અને વસંત દેસાઈ જેવા અત્યંત કાબેલ સંગીતકાર છે, મારાથી તેમનું કામ છીનવાય નહીં.’
જ્યારે આ ઘટના બની ત્યારે નૌશાદ ટોચના સંગીતકાર હતા.
તેમના બંગલામાં થયેલી એ મુલાકાત જેમ-જેમ સાંજ ઢળતી હતી તેમ-તેમ રંગીન અને સંગીન બનતી જતી હતી. તેમની સર્જકતાની તારીફ કરી તો એના જવાબમાં તેમણે એક કિસ્સો શૅર કરીને શ્રેય લેવાની ના પાડી, ‘હું ઝન્ડેખાંસાહેબના ગ્રુપમાં હાર્મોનિયમ વગાડતો હતો. એક દિવસ સવારે તેમના ઘરે પહોંચ્યો અને જોયું તો તેઓ ખૂબ રડતા હતા. હાર્મોનિયમને હાથ લગાડે, ચૂમે અને રડતા જાય. મેં પૂછ્યું, ખાંસાબ, શું થયું? તો વધુ રડવા માંડ્યા. ગાલ પર તમાચા મારે અને કહે, ‘ખુદા કિતના મેહરબાન હૈ. મૈં ઇતના ઝાહિલ, નિકમ્મા ઔર દેખો ઉસકી યે કૈસી મેહરબાની હૈ કિ મુઝસે ઇતની અચ્છી ધૂન બનવા દી.’ આટલું કહેતાં હાર્મોનિયમ પાસે ખેંચી રાગ ભીમપલાસમાં ધૂન છેડી,
‘શામ ન આએ, જિયા મોરા જાએ
સખી મૈં ક્યા કરું…’
ગીત ગાતા જાય અને રડતા જાય. તેઓ કહેતા કે દરેક કામને ખુદાની બક્ષિસ સમજવી જોઈએ. મેરા માનના હૈ, જિસ દિન ફન કા ગુરૂર આ જાએગા તબ સે તબાહી શુરુ હોગી.’
નૌશાદના વ્યક્તિત્વને ઉજાગર કરતો એક બીજો કિસ્સો છે. એક દિવસ પ્રકાશ ફિલ્મ્સના વિજય ભટ્ટ તેમના ઘરે નિમંત્રણ આપવા ગયા. તેમને લાગ્યું કે કોઈ નવી ફિલ્મની રિલીઝનું ફંક્શન હશે. વિજય ભટ્ટ કહે, ‘ના, એવું નથી. કંપની આર્થિક રીતે એટલી નબળી પડી ગઈ છે કે બંધ કરવાનો વારો આવ્યો છે. એટલે થયું કે છેલ્લી વાર સૌ ભેગા મળી લઈએ અને ફિલ્મલાઇનમાંથી વિદાય લઈએ.’
વર્ષો પહેલાં નૌશાદ પ્રકાશ ફિલ્મ્સમાં મ્યુઝિશ્યન હતા અને કંપનીના ભવ્ય ભૂતકાળના સાક્ષી હતા જ્યારે ‘રામરાજ્ય’ અને ‘ભરત મિલાપ’ જેવી ફિલ્મોએ ધૂમ મચાવી હતી. તેમણે વિજય ભટ્ટને કહ્યું, ‘કંપની બંધ ન કરો. આપણે એક સુંદર મ્યુઝિકલ સબ્જેક્ટ લઈને સંગીતપ્રધાન ફિલ્મ બનાવીએ. હું એમાં સંગીત આપીશ. પૈસાની હમણાં ફિકર ન કરો.’
આમ નવી ફિલ્મની તૈયારી શરૂ થઈ. ભટ્ટભાઈઓની ઇચ્છા હતી કે એમાં દિલીપકુમાર અને નર્ગિસ કામ કરે. નૌશાદે કહ્યું, ‘ફિલ્મના સંગીતમાં દમ હશે તો મોટા કલાકારો વિના પણ ફિલ્મ હિટ જશે. મોટા સ્ટાર્સને હિસાબે ફિલ્મનું બજેટ વધી જશે અને નફાનો મોટો હિસ્સો તેમના મહેનતાણામાં જ જતો રહેશે.’
અંતે ધાર્મિક ફિલ્મોમાં કામ કરતી મીનાકુમારી અને ભારત ભૂષણને લઈને જે ફિલ્મ બની એ હતી ‘બૈજુ બાવરા’ (૧૯૫૨). ફિલ્મ સુપરહિટ થઈ અને પ્રકાશ ફિલ્મ્સની ફિલ્મી યાત્રા ફરી શરૂ થઈ.
થોડાં વર્ષો બાદ વિજય ભટ્ટ નૌશાદ પાસે આવ્યા અને કહે, ‘આપણે ‘બૈજુ બાવરા’ જેવી સંગીતપ્રધાન ફિલ્મ બનાવીએ જેમાં તમે સંગીત આપો. નૌશાદે વિનમ્રતાપૂર્વક ના પાડતાં કહ્યું, ‘બૈજુ બાવરા’ના સંગીતને મૅચ કરતું સંગીત આપવાની મારી શક્તિ નથી અને એ શક્ય પણ નથી.’
ત્યાર બાદ વિજય ભટ્ટે આ વિષયને લઈને બીજા સંગીતકારો સાથે વાત કરી, પણ તેમની જે અપેક્ષા હતી એ જોઈને કોઈ હા ન પાડે. આખરે તેમણે પ્રોજેક્ટ છોડી દીધો. આ જ સબ્જેક્ટ લઈને ભારત ભૂષણના ભાઈ આર. ચંદ્રાએ ‘બસંત બહાર’ બનાવી જેના સંગીતકાર હતા શંકર-જયકિશન.
નૌશાદનાં ગીતોની મોહિનીને કાળનો કાટ નથી લાગ્યો. બેસુમાર ગીતો સંગીતપ્રેમીઓના દિલોદિમાગનો આજસુધી કબજો લઈને બેઠાં છે. અતિ લોકપ્રિય ગીતોની વાત જવા દો. પ્રમાણમાં થોડાં ઓછાં જાણીતાં ગીતો આજે પણ ઢળતી વયે મુગ્ધાવસ્થાનો રોમાંચ જીવંત રાખે છે. ‘બાબુલ’માં મોહમ્મદ રફી, શમશાદ બેગમ અને તલત મેહમૂદનું સમૂહગાન ‘નદી કિનારે સાથ હમારે, શામ સુહાની આયી…’ આપણી કોઈ પણ સાંજને રંગીન કરી મૂકે. ‘દાસ્તાન’નું મોહમ્મદ રફી અને સુરૈયાનું યુગલગીત ‘તારા રી, તારા રી, તારા રી, યે સાવન ઋત, તુમ ઔર હમ’ એક અજીબ નશો ઉત્પન્ન કરે છે. ‘દીદાર’નું શમશાદ બેગમનું દર્દીલું ગીત ‘ચમન મેં રહકે વીરાના, મેરા દિલ હોતા જાતા હૈ’ ગમતીલી પીડાને હળવેકથી પંપાળે છે. ‘દીવાના’માં લતા મંગેશકરનું ‘તીર ખાતે જાએંગે, આંસૂ બહાતે જાએંગે’ વિરહી નાયિકાના વલોપાતને તાદૃશ કરે છે. ‘શબાબ’માં હેમંતકુમારના સ્વરમાં ‘ચંદન કા પલના, રેશમ કી ડોરી’ એ વાતની મિસાલ આપે કે તેમના કંઠનો આવો કલાત્મક ઉપયોગ બહુ ઓછો થયો છે.
‘જાદુ’નું ‘લો પ્યાર કી હો ગઈ જીત’ (લતા મંગેશકર), ‘લીડર’નું ‘મુઝે દુનિયાવાલોં, શરાબી ન સમઝો’ (મોહમ્મદ રફી) કે પછી ‘સંઘર્ષ’નું ‘મેરે પૈરોં મેં ઘૂંઘરુ બંધા દે તો ફિર મેરી ચાલ દેખ લે’ (મોહમ્મદ રફી) સાંભળીએ ત્યારે એ વાતનો અહેસાસ થાય કે હલકાંફૂલકાં ગીતો પર તેમણે સફળતાપૂર્વક હાથ અજમાવ્યો છે. ‘અંદાઝ’ (૧૯૪૯) બાદ વર્ષો પછી ‘સાથી’ (૧૯૭૧)માં તેમણે મુકેશના સ્વરમાં ગીત રેકૉર્ડ કર્યાં ત્યારે એમાં નૌશાદનો ટચ બદલાયેલી પરિસ્થિતિને અનુરૂપ હતો (આમાં મહત્ત્વનો ફાળો અરેન્જર કેરસી લૉર્ડનો હતો એ વાતનો તેમણે સ્વીકાર કર્યો છે).
હું શાળામાં હતો ત્યારે ગાંધર્વ મહાવિદ્યાલયની સંગીતની ત્રણ પરીક્ષા કેવી રીતે પાસ કરી એ હજી મારા માટે રહસ્ય છે. રાગ-રાગિણીઓની ઓળખમાં મારી ચાંચ વધુ ડૂબતી નથી. મને તો સંગીતને જાણવા કરતાં માણવામાં વધારે જલસો પડે છે. કાનસેન હોવાને કારણે મોટા ભાગે ગમતાં ગીતોનો રાગ યાદ રહી ગયો છે. મહેફિલ જામી હોય ત્યારે એ જ સૂરાવલિની નજીક ગવાતાં ગીતો વખતે એના રાગની જાહેરાત કરીને મિત્રોમાં વાહ-વાહ મેળવી લઉં છું. ખોટો પડું તો મારો બચાવ એવો હોય કે ગીત મિશ્ર રાગનું છે, પણ આમાં છાંટ તો આ રાગની જ છે. મારા આ મિથ્યાભિમાનમાં નૌશાદનાં ગીતોએ સૌથી વધુ સહાય કરી છે.
પુરિયા ધનાશ્રી, પિલુ, દરબારી કાનડા, ગુર્જરી તોડી, ગારા જેવા રાગો પરથી પ્રમાણમાં ઓછી ફિલ્મી ધૂનો બની છે. નૌશાદની કમાલ એ છે કે આ રાગ પર આધારિત કર્ણપ્રિય ધૂનો બનાવીને તેમણે સંગીતપ્રેમીઓને માલામાલ કરી દીધા છે. સામા પક્ષે તેમના પર એ દોષારોપણ છે કે તેમની ધૂનોમાં એકવિધતા છે.
આવી ‘ટૂલકિટ’નો ઉપયોગ કરનારને એટલું જ કહેવાનું કે આ આરોપ તો આપણે બ્રહ્મા પર ક્યાં નથી લગાડ્યો? એક વાતનો મને સધિયારો છે કે બ્રહ્માનાં મોટા ભાગનાં સર્જનો કરતાં નૌશાદની કૃતિઓએ મને વધુ શાતા આપી છે.