‘હું કોણ છું? ક્યાંથી થયો?’: ઉત્તમ મનુષ્યત્વના માર્ગે જ પરમ તત્ત્વની પ્રાપ્તિ

15 November, 2024 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર દ્વારા ૨૦૨૧માં ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર, સિક્સ સ્પિરિચ્યુઅલ ટ્રૂથ્સ ઑફ ધ સોલ’ પ્રગટ થયું છે

શ્રીમદ રાજચંદ્ર

જેમ-જેમ હું એમની જિંદગી અને એમનાં લખાણોને જોતો જાઉં છું તેમ- તેમ તેઓ મને એ સમયના શ્રેષ્ઠ ભારતીય લાગી રહ્યા.’

આ શબ્દો જેમના વિશે ગાંધીજીએ લખ્યા હતા એ શ્રીમદ રાજચંદ્રજીનો આજે, કાર્તિકી પૂર્ણિમાને દિવસે ૧૫૭મો જન્મદિવસ છે. પરમ કૃપાળુદેવ તરીકે દુનિયાના અગણિત લોકોના હૃદયમાં રાજ કરતા આ સંત, સાધક, સર્જક અને રાષ્ટ્રપ્રેમી સજ્જન અવ્વલ દરજજાના મનુષ્ય હતા. માત્ર ૩૩-૩૪ વર્ષના આયુષ્યમાં શ્રીમદજી પોતાનાં જીવન અને કવન દ્વારા જગતને જે આપી ગયા છે એ અસાધારણ અને અવિસ્મરણીય છે.

બહુ નાનપણમાં માને મોઢે ગવાતી એક પ્રાર્થનામાં આ શબ્દો સાંભળેલા :

હું કોણ છું? ક્યાંથી થયો?

શું સ્વરૂપ છે મારું ખરું?

એનો વિચાર વિવેકપૂર્વક

શાંત ચિત્તે જો કર્યો,

તો સર્વ આત્મિક જ્ઞાનનાં

સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં

પહેલી બે પંક્તિ સાંભળતાં આઠ-નવ વરસની છોકરીને એમાં પોતાના મનમાં ઊઠતા પ્રશ્નનો પડઘો સંભળાતો પણ આગળનું કશું ન સમજાતું.

મોટા થયા પછી સમજાયું કે આ ધરતી પરના કરોડો જીવોને એ સવાલ થાય છે પરંતુ આ પ્રાર્થનામાં એનો જવાબ પણ મળે છે. એ માટેનો માર્ગ પણ શ્રીમદજી ચીંધી આપે છે. અને એય એક સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એવી શૈલીમાં!

૨૮ વર્ષની ઉંમરે શ્રીમદજીએ એક જ બેઠકે સર્જેલી ૧૪૨ કડીની (૨૮૪ પંક્તિ) આત્મસિદ્ધિ તેમનું અલ્ટિમેટ સર્જન છે. પોતાની ઓળખ પામવા ઉત્સુક પણ કન્ફ્યુઝ્ડ શિષ્ય અને સદ્ગુરુના સંવાદરૂપે રચાયેલી આ કૃતિમાં દેહ અને આત્મા વચ્ચેનો ભેદ તથા આત્માની ઓળખ નક્કર તર્કની ધરાતલ પર અપાયાં છે. આ સર્જનની સુંદરતા એ છે કે એમાં કોઈ ધર્મ કે સંપ્રદાયની નહીં, પરમ તત્ત્વને પામવાની જ વાત છે. અને એ ઉત્તમ મનુષ્યત્વને રસ્તે થઈને જ પામી શકાય છે એની પ્રતીતિ પણ છે.  આત્મસિદ્ધિની ૧૩૮મી કડીમાં કવિ કહે છે :

દયા, શાંતિ, સમતા, ક્ષમા,

સત્ય, ત્યાગ, વૈરાગ્ય

હોય મુમુક્ષુ ઘટ વિશે,

એહ સદાય સુજાગ્ય

નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન... યાદ આવી ગયુંને! મોક્ષ ઝંખતી વ્યક્તિમાં આ સાત ગુણો સદાય સક્રિય હોય છે. 

શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર દ્વારા ૨૦૨૧માં ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર, સિક્સ સ્પિરિચ્યુઅલ ટ્રૂથ્સ ઑફ ધ સોલ’ પ્રગટ થયું છે. ગુરુદેવ રાકેશભાઈ ઝવેરીએ આ ગહન વિષય અને પદને અંગ્રેજીમાં ખૂબ સરળતાથી સમજાવ્યા છે. જાગતિક મંચ પર આ ગ્રંથને અભૂતપૂર્વ આવકાર મળ્યો છે.

- તરુ કજારિયા

columnists gujarati mid-day