15 November, 2022 02:18 PM IST | Mumbai | Aparna Shirish
પ્રતીકાત્મક તસવીર
આયુર્વેદમાં અભ્યંગ સ્નાનનો ઉલ્લેખ છે. અભ્યંગ સ્નાન એટલે પગથી માથા સુધી ખાસ જડીબુટ્ટીવાળા તેલનું સ્નાન. શરીર પર માલિશ કરવા માટે કે ઠંડીમાં ત્વચા સૂકી ન બની જાય એ માટે લોકો સદીઓથી તેલનો વપરાશ કરતા આવ્યા છે. જોકે ચહેરા પર તેલ લગાવતાં લોકો સંકોચાય છે અને એનાં કારણો અનેક છે. એના વિશે જણાવતાં ત્વચા વિશેષજ્ઞ ડૉ. મેઘના મોર કહે છે, ‘ઠંડીમાં આખા શરીરની ત્વચા ડ્રાય બની જાય છે. વાળમાં તેલની ચંપી જરૂરી છે એમ સ્કિનને પણ ઑઇલની જરૂર છે, પણ તેલની અસર ચહેરા અને શરીરની સ્કિન પર જુદી-જુદી થાય છે.
શરીરની ચામડી પર સૂટ થનાર તેલ ચહેરા માટે સૂટેબલ ન પણ હોય. અહીં જો તમે યોગ્ય તેલની પસંદગી કરો તો એના ફાયદા પણ અનેક છે.’
કેવાં તેલ વાપરવાં? | ફેસ ઑઇલ આજે અનેક બ્રૅન્ડ્સ બનાવવા લાગી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે નવાં-નવાં નામ અને ઇન્ગ્રીડિયન્ટ સાથે મળતાં આ તેલ ચહેરા માટે કોઈ કામનાં નથી. સ્પેશ્યલી મિનરલ ઑઇલ્સ. ત્વચા માટે જો વાપરવું હોય તો કોલ્ડ પ્રેસ્ડ પ્યૉર ઑઇલ જ ખરીદવું. ડૉ. મેઘના કહે છે, ‘રેગ્યુલર બજારમાં મળતા બ્રૅન્ડેડ તેલમાં પેટ્રોલિયમ જેલી તેમ જ પૅરાફિન ભેળવેલાં હોય છે જે સ્કિનને કોઈ બેનિફિટ તો આપતાં જ નથી પણ નુકસાન જરૂર કરી શકે. અહીં તો તેલ કોલ્ડ પ્રેસ્ડ અને શુદ્ધ હશે તો એ ચહેરાને ફાયદો કરશે.’
ચહેરા પર લગાવવા માટે કોકોનટ ઑઇલ, ઑલિવ ઑઇલ, બદામનું તેલ, જોજોબા ઑઇલ તેમ જ એક્ઝૉટિક કહી શકાય એવાં અર્ગન ઑઇલ, સૅન્ડલવુડ ઑઇલ, ટી-ટ્રી ઑઇલ વગેરેનો વપરાશ કરી શકાય.
કેવી સ્કિન માટે કેવું તેલ?
ત્વચા જો ખૂબ સૂકી હોય તો કોકોનટ, ઑલિવ તેમ જ બદામનું તેલ લગાવી શકાય. કોકોનટ ઑઇલ ઍન્ટિફંગલ અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર છે. એ સિવાય બદામનું તેલ પણ ત્વચાને ગ્લો આપે છે અને એજિંગ પ્રોસેસને અટકાવે છે, જેનાથી ચામડી પર કરચલી નથી થતી. બદામનું ઑમેગા થ્રી ફૅટી ઍસિડથી ભરપૂર હોય છે, જે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ખૂબ સંવેદનશીલ સ્કિન હોય તો એ બેસ્ટ ચૉઇસ છે.
જો ખૂબ ઑઇલી કે ખીલવાળી સ્કિન હોય તો શક્ય હોય તો તેલથી દૂર રહેવું. હેવી ઑઇલ રોમછિદ્રોને બ્લૉક કરે છે. ખીલવાળી ત્વચા માટે ટી-ટ્રી ઑઇલ સૂટેબલ છે. ટી-ટ્રી ઑઇલમાં ઍન્ટિફંગલ પ્રૉપર્ટીઝ છે, જે સ્કિનને પ્રોટેક્ટ કરે છે. આ તેલ ખીલ ઘટાડવા માટે પણ મદદરૂપ થાય છે.
ક્યારે લગાવવું તેલ? | તેલ મૉઇશ્ચરાઇઝર તરીકે વાપરવાનું છે એટલે એ ચામડીમાં અંદર ઊતરે એ જરૂરી છે. તેલ દિવસના કયા સમયે લગાવો છો એ મહત્ત્વનું છે. એ વિશે ડૉ. મેઘના કહે છે, ‘તેલ શરીર પર લગાવો કે ચહેરા પર, એ સ્નાન કર્યા બાદ ત્રણ મિનિટની અંદર લગાવી લેવું. એ સમયે સ્કિન હાઇડ્રેટેડ હોય છે અને તેલ સારી રીતે ત્વચાની અંદર ઊતરી જશે અને એનો ફાયદો થશે.’
સવારે સ્નાન કર્યા બાદ તરત જ મૉઇશ્ચરાઇઝર તરીકે ઑઇલ લગાવી શકાય અથવા રાતના સૂતા સમયે ચહેરો ધોઈ, તેલથી હળવો મસાજ કરી શકાય. તેલનું પ્રમાણ ૬-૮ ટીપાંથી વધુ ન હોવું જોઈએ. વધુપડતું તેલ લગાવવાથી ખીલ થઈ શકે.
આ તેલ ફેસ પર નહીં
એસેન્શિયલ ઑઇલનો ચહેરા પર ડાયરેક્ટ વપરાશ ન કરવો. આ તેલ સ્ટ્રૉન્ગ હોય છે અને એના લીધે ચહેરા પર રૅશિસ, ઍલર્જિક રીઍક્શન કે ડૅમેજ થઈ શકે. આ સિવાય લેમનગ્રાસ, લેમન, ગ્રેપફ્રૂટ, તલનું તેલ, રાઈનું તેલ, શિંગદાણા કે સનફ્લાવરનું તેલ વગેરે ચહેરા માટે નથી. એ સિવાય બજારમાં મળતા કોઈ પણ તેલ કે જેમાં પેટ્રોલિયમ જેલી, પૅરાફિન, ગ્લિસરીન કે પછી સુગંધ માટે પરફ્યુમ ભેળવેલું હોય તો એ ચહેરા પર ન લગાવવું.
જે રીતે વાળમાં તેલની ચંપી જરૂરી છે એ જ રીતે સ્કિન માટે પણ તેલ જરૂરી છે. જો તેલ યોગ્ય હશે તો એ સ્કિનને હંમેશાં યંગ, ગ્લોઇંગ અને ઇન્ફેક્શનથી દૂર રાખશે. : ડૉ. મેઘના મોર, ડર્મેટોલૉજિસ્ટ