ડાન્સ આવડે કે ન આવડે, ફૅમિલી-ફંક્શનમાં ઉત્સાહથી ભાગ લેવો મહત્ત્વનું છે

22 July, 2024 01:20 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

ડાન્સ ન કરે એ ખુશ નથી એવું તો હરગિજ ન હાય, પણ ડાન્સ ન કરવાથી ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હોય એ ઉત્સાહમાં થોડી કમી આવી જાય એવું ચોક્કસ બની શકે

પ્રતીકાત્મક તસવીર

હમણાં એક ડાયમન્ડ મર્ચન્ટના દીકરાના મૅરેજ-ફંક્શનની સંગીતસંધ્યામાં કોરિયોગ્રાફી કરવાની જવાબદારી અમારા પર આવી. મોટા ભાગે આ પ્રકારનાં ફંક્શન્સ હવે અમે કરતાં નથી, પણ જૂની ઓળખાણ અને તેમના આગ્રહને કારણે અમે એ ફંક્શન કર્યું. ફંક્શન પહેલાં બધું જાણવાનું હોય કે કોણ શું કરવા માગે છે અને કેટલું તૈયાર છે?

પરિવારના યંગસ્ટર્સની ઇચ્છા હતી કે પેરન્ટ્સ પણ સંગીતસંધ્યામાં જોડાય અને ઍક્ટિવ પાર્ટ લે, પણ ફાધરની ના હતી કે તેમને ડાન્સ આવડતો નથી એટલે તે ભાગ નહીં લે. બધા બહુ કહેતા હતા, પણ તેમનો જવાબ એક જ હતો કે તે ભાગ નહીં લે. વાઇફને મોકલવા તે તૈયાર હતા, પણ પોતે સ્ટેજ પર આવવા રાજી નહોતા. એ ફંક્શનમાં પછી શું થયું એ વાત મહત્ત્વની નથી, પણ મહત્ત્વનું એ છે કે આવું બને ત્યારે શું કરવું જોઈએ? શું ખરેખર જેમને ડાન્સ નથી આવડતો તેમને ભાગ નહીં લેવાની છૂટ આપી દેવી જોઈએ કે પછી ડાન્સ ન આવડતો હોય તો પણ તેમણે એ માટે તૈયારી બતાવવી જોઈએ?

હા, તેમણે તૈયારી બતાવવી જોઈએ, આ પ્રકારના ફંક્શનમાં હોંશભેર ભાગ લેવો જોઈએ અને ડાન્સ પણ કરવો જોઈએ. અફકોર્સ, એ વાતનું ધ્યાન કોરિયોગ્રાફરે રાખવું જોઈએ કે જેમનું શરીર ડાન્સ માટે કેળવાયેલું નથી તેમની પાસે એવો ડાન્સ કરાવવો જોઈએ જેથી તેમને પણ સંકોચ ન લાગે. એ પ્રકારનાં ડાન્સ-સ્ટેપ્સ છે જ જે નૉન-ડાન્સરને પણ શોભે અને તેમણે સંગીતસંધ્યા કે પરિવારના ફંક્શનમાં ભાગ લીધાની ખુશી મળે. અંગત રીતે કહીએ તો આ પ્રકારના ફંક્શનમાં ડાન્સ કરવો એ પણ બ્લેસિંગ્સ સમાન છે. તમારા પરિવારના લોકો હોંશેભર ફંક્શનમાં જોડાતા હોય એ સમયે પહેલાં તો મનમાંથી શરમ છોડી દેવી જોઈએ. પોતે કેવા દેખાય છે એના કરતાં પણ આ પ્રકારના ફંક્શન દ્વારા એ પુરવાર થતું હોય છે કે પોતાની ખુશી કેટલી મોટી છે.

ડાન્સ ન કરે એ ખુશ નથી એવું તો હરગિજ ન હાય, પણ ડાન્સ ન કરવાથી ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હોય એ ઉત્સાહમાં થોડી કમી આવી જાય એવું ચોક્કસ બની શકે. બહેતર છે કે પરિવારના બધા સભ્યોએ સંગીતસંધ્યા કે અન્ય આ પ્રકારના ફંક્શનમાં ભાગ લેવો અને એ ભાગ લે ત્યારે કોરિયોગ્રાફર એ વાતનું ધ્યાન રાખે જેથી વડીલો સહેજ પણ ક્ષોભ ન અનુભવે કે તેમને સહેજ પણ મનમાં એવું ન આવે કે પોતે કેવા દેખાતા હશે? મનમાં આવી વાત આવે કે તરત એની આડઅસર ડાન્સ પર દેખાવા માંડે એટલે વાત વધારે અઘરી થઈ જાય. બાકી એક વાત તો નક્કી છે કે ફૅમિલી ફંક્શનમાં ડાન્સર હોવું નહીં, મનમાં ઉત્સાહ હોય એટલું જ જરૂરી છે.

columnists