મંદિર શબ્દનો પ્રયોગ થાય ત્યાં વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રનું ધ્યાન રાખવામાં આવે એ હિતાવહ

12 May, 2024 02:05 PM IST  |  Mumbai | Chandrakant Sompura

થોડા સમયથી તમે સાંભળતા હશો કે ભારતમાતાનું મંદિર બન્યું.

રિલાયન્સ ગ્રીન્સ નામની કૉલોનીમાં મંદિર

આજે મધર્સ ડે છે તો મને કહેવામાં આવ્યું કે આપણે આ વિષયને તમારી વાતમાં વણી લઈએ. થોડા અચરજની વાત એ હતી કે આર્કિટેક્ચર અને મધર્સ ડે એ બે વિષયને કેવી રીતે એકબીજા સાથે સાંકળી શકાય? આ વિચાર કરતાં-કરતાં જ મનમાં આવ્યું કે ભારતમાતાને આ વિષય સાથે જોડીને જે વાત કહેવાનું લાંબા સમયથી મન છે એ કરીએ.

થોડા સમયથી તમે સાંભળતા હશો કે ભારતમાતાનું મંદિર બન્યું. બહુ બનતું નથી, પણ છૂટુંછવાયું આવું સાંભળવા કે વાંચવા મળે. મને યાદ છે કે મેં કોઈ રેસિડેન્શિયલ પ્રોજેક્ટની ઍડ્વર્ટાઇઝમેન્ટમાં વાંચ્યું હતું કે ફલાણી અને ઢીંકણી ઍમેનિટીઝ સાથે અમે ભારતમાતાનું મંદિર પણ આપવાના છીએ. આમ તો મેં જ્યાં પણ સાંભળ્યું છે ત્યાં ભારતમાતાનું કોઈ મંદિર પથ્થરનું બન્યું નથી, સિમેન્ટ-કૉન્ક્રીટનું જ મંદિર બનાવવામાં આવ્યાનું મારી જાણમાં છે. બીજી વાત એ કે એ મંદિરને આપણાં જે દેવી-દેવતાનાં મંદિરો છે એવા નિયમો લાગુ પડતા નથી. જોકે હું કહીશ કે જો તમે મંદિર શબ્દનો ઉલ્લેખ કરવાના હો તો તમારે વાસ્તુ અને શિલ્પશાસ્ત્રોમાં કહેવામાં આવેલા નિયમોનું પાલન કરવું જોઈએ, જો શક્ય હોય તો અને જો પાલન થઈ શકતું હોય તો. સકારાત્મક ઊર્જા એકત્રિત કરવાનું કામ મંદિર કરે છે. એવા સમયે જો નિયમો પાળ્યા હોય તો એ લાભદાયી રહે જ રહે. સિમેન્ટ અને કૉન્ક્રીટનું કે પછી પથ્થરનું મંદિર બને એ બન્ને વચ્ચે વાસ્તુ અને શિલ્પશાસ્ત્રમાં કંઈ કહેવામાં નથી આવ્યું, પણ નિયમો તો બન્ને પ્રકારનાં મંદિરોને લાગુ પડે. સ્વામીનારાયણ સંપ્રદાયનાં અનેક મંદિરો એવાં છે જે સિમેન્ટ અને કૉન્ક્રીટના બનાવવામાં આવ્યાં છે, પણ એ મંદિરના નિર્માણ સમયે મંદિરને લગતા તમામ નિયમો પાળવામાં આવ્યા છે. અરે, સોસાયટીઓમાં પણ અમુક સોસાયટીઓ હવે પોતાના રહેવાસીઓને મંદિર કે દેરાસરની સુવિધા આપતી હોય છે.

અમારી વાત કરું તો અમે જામનગરમાં આવેલી રિલાયન્સ ગ્રીન્સ નામની કૉલોનીમાં મંદિર બનાવ્યું છે તો રિલાયન્સ દ્વારા જામનગર જિલ્લામાં પણ બીજાં અનેક મંદિરો બનાવ્યાં છે. એ તમામ મંદિરોમાં અમે શિલ્પશાસ્ત્ર-વાસ્તુશાસ્ત્રનું પૂરું ધ્યાન રાખ્યું છે. ઘણા લોકો જરૂરી છૂટછાટો લેતા હોય છે, પણ અમે એવી છૂટછાટ લેતા નથી કે લેવા દેતા પણ નથી. એનું કારણ તમને કહ્યું એમ એ મંદિર છે જ્યાં સકારાત્મક ઊર્જાનું વહન થવાનું છે. લોકો આવીને પ્રાર્થના કરે છે, લોકોને એમાં શ્રદ્ધા છે તો પછી એનું પાલન થવું જોઈએ, એ શ્રદ્ધાનું માન જળવાવું જોઈએ. રિલાયન્સ માટે અમે જ્યાં પણ મંદિરો બનાવ્યાં છે એ મંદિરોમાં અમે આ બધી વાતનું ધ્યાન રાખ્યું છે તો સાથોસાથ એ પણ કહેવું રહ્યું કે કૉલોની બનતી હોય એના પાયાના કામથી જ રિલાયન્સ અમને સાથે રાખે અને બ્લુપ્રિન્ટ સમયે જ અમને મંદિર માટેની જગ્યા પસંદ કરવાનું કહેવામાં આવે. એ જગ્યા પસંદ થયા પછી જ બીજા બધા પ્રોજેક્ટ એ જગ્યા પર ડિઝાઇન કરવામાં આવે.

જામનગરની રિલાયન્સ ગ્રીન્સમાં પણ એવું જ કરવામાં આવ્યું હતું. અમે જગ્યા પસંદ કરી એ પછી જ એ કૉલોનીમાં મંદિર પાસે જ તળાવ બનાવવાનું અને મંદિરની આસપાસના વિસ્તારમાં ક્યાંય વધારે ઊંચાઈવાળા ટાવર નહીં બનાવવાનું નક્કી થયું હતું. ​રિલાયન્સ કે પછી અમારા સિવાય પણ ઘણી સોસાયટીઓના ડેવલપર્સ આ મુજબનું ધ્યાન રાખતા હોય છે. સુરતમાં અનેક કૉલોની એવી છે જ્યાં સોસાયટીમાં જ દેરાસર આપવામાં આવ્યું હોય તો એ દેરાસર બને એ પહેલાં યોગ્ય જમીનની ફાળવણીનું કામ થાય છે તો એ દેરાસરની આજુબાજુના વિસ્તારમાં વાસ્તુ-શિલ્પશાસ્ત્રમાં સૂચવવામાં આવ્યું હોય એ મુજબનું પ્લાનિંગ કરવામાં આવે છે. ઘણી સોસાયટીમાં દેવીમાનાં મંદિરો પણ આપવામાં આવતાં હોય છે, પણ એવું ઓછું બનતું હોય છે. સામાન્ય રીતે એવો પ્રયાસ થાય કે સનાતન ધર્મના સર્વસ્વીકૃત ભગવાન કહેવાય એનાં જ મંદિર બનતાં હોય છે જેથી મોટા ભાગના લોકો લાભ લઈ શકે, શ્રદ્ધાથી જોડાઈ શકે. આ જ વિચારધારામાં હમણાં-હમણાં બદલાવ આવ્યો અને કેટલાક લોકોએ ભારતમાતાનાં મંદિરો બનાવવાનું શરૂ કર્યું જેના માટે તેમને એવું પણ લાગ્યું કે અમુક નિયમોમાં તેઓ બાંધછોડ કરી શકે, પણ એવું કરવું ન જોઈએ.

માતાજીનું જે મંદિર હોય એ મંદિર અને દેવતાઓના મંદિરમાં તમને સીધો કોઈ ફરક ન દેખાય, પણ એમ છતાં એમાં ફરક હોય છે. અમે જ બનાવેલાં બે મંદિરની વાત કરું તો અંબાજીનું મંદિર અને સોમનાથનું મંદિર તમે જોશો તો તમને એમાં કોઈ ફરક નહીં દેખાય; પણ એવું નથી, એ બન્ને મંદિરમાં ફરક છે. દેવી અને દેવતાનાં મંદિરોમાં ફરક હોય જ. ​શિખરથી લઈને એના ગર્ભગૃહમાં, એની શિલ્પકલામાં ફરક હોય અને એ સિવાયના પણ બીજા ઘણા ફરક હોય.

columnists gujarati mid-day