જ્યાં આસ્થા જોડાયેલી હોય ત્યાં સન્માન જળવાયેલું રહેવું જોઈએ

21 July, 2024 10:20 AM IST  |  Mumbai | Chandrakant Sompura

ભગવાનના ફોટોવાળાં કાર્ડ કે પછી કપડાં, ફટાકડા જેવી ચીજવસ્તુઓનો ઉપયોગ સંયમ સાથે થાય એ જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ઘરમંદિરની ચર્ચા ચાલી રહી છે ત્યારે કેટલીક એવી વાતો પણ યાદ આવે છે જે સામાન્ય રીતે લોકોના મનમાં જન્મતી હોય છે. આજે એ જે પ્રશ્નો છે એના વિશે વાત કરવી છે. ઘણા લોકોના ઘરે મંદિરમાં ભગવાનનો ફોટો કે પછી મંત્ર કે શ્લોક રાખ્યો હોય છે જે કાળક્રમે વાતાવરણમાં રહેલા ભેજને કારણે ખરાબ થઈ જાય અને પછી મનમાં એવો સવાલ જાગે કે હવે એ ફોટોનું કરવું શું? જો એ ફોટો સામે જાપ કરવામાં આવ્યા હોય કે પછી ફોટોની પૂજા થતી હોય તો ભગવાન/શ્લોકના એ ફોટોને મંદિરે જઈને મૂકી દેવો જોઈએ. મંદિર કોઈ પણ ચાલી શકે, પણ જો ગણપતિજી કે મહાદેવ કે હનુમાનજીનું મંદિર હોય તો ઉત્તમ. ક્રમ પણ આ જ ગણવો. ફોટોગ્રાફ પ્રત્યે આસ્થા રાખવી ખોટું નથી, પણ ફોટોગ્રાફને વાતાવરણની અસર બહુ ઝડપથી થતી હોવાથી એ રાખવાનું ટાળવું જોઈએ.

જો બહુ શ્રદ્ધાથી કોઈએ ભગવાન/શ્લોકનો ફોટોગ્રાફ આપ્યો હોય તો એને એમ જ મંદિરમાં રાખવાને બદલે એની ફ્રેમ બનાવી લેવી જોઈએ. ફ્રેમ બનાવતી વખતે પણ પ્રયાસ કરવો કે એ બ્લૅક કલરની ન હોય. જો શક્ય હોય તો ચાંદીની ફ્રેમ બનાવડાવો અને જો એવું શક્ય ન બને તો સેવનના લાકડાની ફ્રેમ બનાવડાવવી અને તાકીદ પણ કરવી કે એ ફ્રેમમાં ખીલીનો ઉપયોગ કરવાને બદલે એના ખૂણા ચોંટાડવામાં આવે અને જો એ શક્ય ન હોય તો ફ્રેમમાં તાંબાની ખીલી વાપરવામાં આવે. માત્ર ફ્રેમ બનાવવા પૂરતું જ નહીં, ફ્રેમ ટીંગાડવા માટે જે સ્ટૅન્ડ લગાડવામાં આવે એમાં પણ આવી ચીવટ રાખવી જોઈએ. એ અઘરું નથી. વાત માત્ર એના પર ધ્યાન આપવાની છે. જો ધ્યાન આપવામાં આવે તો એ કામ થઈ જ શકે છે.

થોડા સમય પહેલાં એક જાણીતા ઉદ્યોગપતિએ પ્રશ્ન કર્યો હતો કે ઘરમાં આવતા શુકનવંતા પ્રસંગોમાં પણ ગણપતિ ભગવાનનો ફોટો કે પછી એનું કોઈ આઇકન બનાવીને ચોંટાડવામાં આવ્યું હોય છે. ઘરે એ ઇન્વિટેશન આવી ગયા પછી એનો નિકાલ કરવામાં ઘણા લોકોને ગભરાટ થતો હોય છે, પણ એવો ડર મનમાં રાખવાની જરૂર નથી. જ્યાં સુધી તમે ફોટો/મૂર્તિ કે એ પ્રકારની અન્ય કોઈ પણ પ્રતિકૃતિની પૂજા નથી કરતા, એને મંદિરમાં સ્થાપન નથી આપતા ત્યાં સુધીમાં એમાં કોઈ ઈશ્વરીય શક્તિ હોતી નથી. એમ છતાં પણ જો મનમાં એવું લાગે કે એનો નિકાલ કચરામાં કે ભંગારમાં નથી કરવો તો એ જે કાગળ કે કાર્ડ હોય એને મંદિરમાં જઈને મૂકી દેવો, જેથી મનમાં કોઈ જાતની શંકા ન રહે.

પહેલાંના સમયમાં તો દેવી-દેવતાઓના ફોટોગ્રાફ્સ હોય એ પ્રકારના ફટાકડા પણ મળતા હતા અને એ ખાસ્સા પૉપ્યુલર પણ થયા હતા. લોકો એ ફટાકડા હોંશે-હોંશે ફોડતા, જે ખરા અર્થમાં ગેરવાજબી હતું. એ ફટાકડા પર રહેલા ભગવાનમાં દૈવી શક્તિ નથી; પણ એમ છતાં જ્યાં ભગવાન કે દેવીમા છે એનો નિકાલ આટલી ખરાબ રીતે, રસ્તા પર મૂકીને એનાં ચીથરાં ઊડી જાય એ પ્રકારે તો ન જ થવો જોઈએ. કહે છે કે હવે એ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ આવી ગયો છે. મને એ વિશે વધારે ખબર નથી. ધારો કે એવો કોઈ પ્રતિબંધ ન આવ્યો હોય તો આપણે પ્રયાસ કરવો જોઈએ કે એવા ફટાકડા ન ખરીદીએ અને એને રસ્તા પર ફોડીને સળગાવીએ કે એ ફોટોનાં ચીંથરાં થઈ જાય એ રીતે એનો ઉપયોગ ન કરીએ. આવું જ વસ્ત્રોની બાબતમાં પણ છે.

હું કહીશ કે ભારત હજી પણ સહિષ્ણુ દેશ છે કે અમેરિકા અને યુરોપની જેમ અહીં ભગવાનનો ઉપયોગ સુશોભન માટે નથી કરતા. અમુક ધાર્મિક સ્થળો પર ભગવાનના ફોટોગ્રાફ સાથેનાં ટી-શર્ટ કે પછી શાલ મળતાં હોય છે અને લોકો હોંશભેર એ ખરીદતા હોય છે, પણ મેં જોયું નથી કે એનો ઉપયોગ ક્યારેય કોઈએ પહેરવામાં કર્યો હોય. હનુમાનજીના મુખારવિંદ સાથેનાં ટી-શર્ટ વિદેશીઓએ પહેર્યાં હોય છે, પણ એ તેમની ઇચ્છાની વાત થઈ. આપણે એ પહેરવા માટેનો ઉપયોગ ટાળવો જોઈએ. આપણે ક્યાંય પણ જતા હોઈએ, કોઈ પણ પ્રકારની વાતો કરતા હોઈએ ત્યારે ભગવાનના ફોટોગ્રાફ સાથેનાં વસ્ત્રો પહેર્યાં હોય એ મને યોગ્ય નથી લાગતું.

columnists