26 May, 2024 12:14 PM IST | Mumbai | Raj Goswami
ચૂંટણીપંચ
લોકસભાની ચૂંટણીમાં પાંચ તબક્કાનું મતદાન થઈ ગયું એ પછી ભારતના ચૂંટણીપંચે મુખ્ય પ્રતિદ્વંદ્વી ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસને કહ્યું કે તેઓ ચૂંટણીપ્રચારમાં વિભાજનકારી મુદ્દાઓ વ્યક્ત કરવાથી દૂર રહે. ચૂંટણીમાં પહેલા જ દિવસથી ધર્મઆધારિત અને જાતિઆધારિત બાબતોને જોરશોરથી ઉછાળવામાં આવી છે અને ચૂંટણીપંચ એ વખતથી મૂક પ્રેક્ષક બની રહ્યું હતું. વિશેષ કરીને એના પર સત્તાધારી BJPતરફી વલણ રાખવાનો આરોપ છે. છેલ્લે-છેલ્લે પણ એ જાગ્યું છે એ દેર આએ દુરુસ્ત આએ જેવું આશ્વાસન છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં મુસ્લિમ ‘ઘુસપૈઠિએ’ અને ‘અધિક બાળકો પેદા કરવાવાળા’ બયાનો વિરુદ્ધ મળેલી ફરિયાદ પર પાર્ટીના અધ્યક્ષને નોટિસ આપી છે કે તેઓ તેમના સ્ટાર પ્રચારકોને આવાં બયાનો આપતાં રોકે. એ જ રીતે એણે કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને કહ્યું છે કે પાર્ટીના સ્ટાર પ્રચારકો એવાં કોઈ નિવેદનો ન આપે જેથી વિભિન્ન જાતિઓ અને સમુદાય વચ્ચે તનાવ પેદા થાય.
પાર્ટી-અધ્યક્ષને નોટિસ આપવાની ચૂંટણીપંચની રીત નવી હતી. અત્યાર સુધી પંચ સીધા પ્રચારકને જ ચેતવણી આપતું હતું. બીજું, પંચે બન્ને પાર્ટીને નોટિસ આપી જેથી પક્ષપાતનો આરોપ લગાવી ન શકાય, પણ સરવાળે તો નોટિસની કોઈ પણ પાર્ટી પર કોઈ સકારાત્મક અસર થઈ નહોતી. ઊલટાનું નોટિસના જવાબમાં બન્ને પાર્ટીઓએ તેમના સ્ટાર પ્રચારકોનાં ભાષણોનો બચાવ કર્યો હતો.
ચૂંટણીપંચે કલકત્તા હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને BJPના ઉમેદવાર (જે ચૂંટણી પહેલાં જ રાજીનામું આપીને BJPમાં જોડાયા હતા) અભિજિત ગંગોપાધ્યાયને તૃણમૂલ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ મમતા બૅનરજી વિશે અણછાજતી ટિપ્પણી કરવા પર ફટકાર લગાવી હતી અને તેમના પર ૨૪ કલાકનો પ્રચાર-પ્રતિબંધ લગાવ્યો હતો.
૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા લાગુ કરવામાં આવેલી આદર્શ આચારસંહિતા અનુસાર ચૂંટણીપ્રચાર દરમ્યાન ન તો ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરી શકાય છે અને ન તો ધર્મ, સંપ્રદાય અને જાતિના આધારે મત આપવા માટે અપીલ કરી શકાય છે. આચારસંહિતા અનુસાર કોઈ પણ ધાર્મિક અથવા વંશીય સમુદાય વિરુદ્ધ નફરતભર્યાં ભાષણો કરવા અથવા નારા લગાવવા પર પણ પ્રતિબંધ છે.
દેશમાં જ્યારે પણ ચૂંટણીઓ થાય છે ત્યારે ચૂંટણીપંચની કાર્યવાહીને લઈને સવાલો ઊઠે છે. આ વખતની ચૂંટણી પણ એનાથી બાકાત રહી નથી. ઇલેક્ટ્રૉનિક વોટિંગ સિસ્ટમથી લઈને મતદારોના મતદાનની પૂરી સંખ્યા જાહેર નહીં કરવા સુધી અને નફરતભર્યા ચૂંટણીપ્રચાર પર અંકુશ મૂકવામાં નિષ્ફળતાથી લઈને દરેક તબક્કા પછી પ્રેસ-કૉન્ફરન્સ નહીં કરવા સુધીના વિવાદો ઊભા થયા છે.
પંચની ભૂમિકા વિશે ચિંતા
પંચની ભૂમિકાને લઈને ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ચિંતા હતી. વિપક્ષોનો આરોપ હતો કે ચૂંટણી પહેલાં જ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ, કેન્દ્રીય એજન્સીઓ દ્વારા વિપક્ષો પર કાર્યવાહી, ચૂંટણીની તારીખો જાહેર થયા પછી કૉન્ગ્રેસ અને અન્ય પક્ષોનાં બૅન્ક-ખાતાંઓ ફ્રીઝ કરવાં એ બધી બાબતોથી ચૂંટણીના મુક્ત અને નિષ્પક્ષ સંચાલન વિશે ચિંતા વધી છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર બન્નેમાં સેવા આપી ચૂકેલા ૮૭ નિવૃત્ત સનદી અધિકારીઓએ ગયા મહિને ભારતના ચૂંટણીપંચને કડક શબ્દોમાં પત્ર લખીને ચૂંટણીમાં સમાન અવસર મળવા સામે ચિંતા વ્યક્ત કરી હતી. ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS), ઇન્ડિયન ફૉરેન સર્વિસ (IFS) અને ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ (IFS) કક્ષાના ભૂતપૂર્વ અધિકારીઓએ પત્રમાં લખ્યું હતું કે જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી અને આદર્શ આચારસંહિતા લાગુ હતી ત્યારે જ વિપક્ષના વરિષ્ઠ રાજકીય નેતાઓની ધરપકડ ઇરાદાપૂર્વકની કાર્યવાહીની નિશાની છે.
વિપક્ષને લાગે છે હેરફેર
લોકશાહીમાં ચૂંટણીઓ મુક્ત અને નિષ્પક્ષ હોવી જોઈએ એટલું પૂરતું નથી, એ વ્યવહારમાં પણ દેખાવું જોઈએ. ચૂંટણીપંચ દ્વારા પ્રથમ તબક્કાના મતદાનના અંતિમ આંકડા જાહેર કરવા અને એ પણ ૧૧ દિવસ પછી એ વિશે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે સામાન્ય રીતે આ આંકડા મતદાનના ૨૪ કલાકની અંદર જાહેર કરવામાં આવે છે, પરંતુ આ વખતે એ ઘણા પછીથી જાહેર કરવામાં આવ્યા છે.
વિપક્ષ કહે છે કે અંતિમ ડેટા બીજા તબક્કાના અંતના ચાર દિવસ પછી જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રારંભિક આંકડા કરતાં ૫.૭૫ ટકા વધારે છે જે સામાન્ય નથી લાગતું. વિપક્ષે એમ પણ કહ્યું છે કે ચૂંટણી-પરિણામોમાં હેરફેરની સંભાવના છે, કારણ કે મતગણતરી સમયે મતદારોની કુલ સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. જાણીતા રાજકીય કાર્યકર્તા યોગેન્દ્ર યાદવે કહ્યું છે કે પ્રારંભિક મતદાન અને અંતિમ મતદાનના આંકડા વચ્ચે ત્રણથી પાંચ ટકા પૉઇન્ટનો તફાવત અસામાન્ય નથી, કારણ કે ભૂતકાળમાં આવું થયું છે.
ચૂંટણીપંચ સામેના આ આરોપોની તપાસ તો સુપ્રીમ કોર્ટમાં થઈ રહી છે. ચૂંટણીપંચ પર ચૂંટણીસંબંધિત ડેટા જાહેર કરવામાં વિલંબ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણીપંચને એક અઠવાડિયાની અંદર મતદાનના આંકડા જાહેર કરવા સંબંધિત અરજી પર પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું હતું.
મતદાનમથક પ્રમાણે ડેટા
અસોસિએશન ફૉર ડેમોક્રૅટિક રિફૉર્મ્સ (ADR) અને કૉમન કૉઝ નામનાં સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં મતદાનમથકો પર પડેલા મતોની સંખ્યા સંબંધિત ફૉર્મ 17-Cની સ્કૅન કરેલી નકલો અપલોડ કરવાની માગણી કરવામાં આવી હતી. અરજીમાં માગણી કરવામાં આવી છે કે ચૂંટણીપંચ મતદાન સમાપ્ત થયા પછી તરત જ વેબસાઇટ પર મતગણતરીની કુલ સંખ્યા જાહેર કરે.
ચૂંટણીપંચે એનો વિચિત્ર બચાવ કર્યો છે. સુપ્રીમ કોર્ટને જવાબ આપતાં પંચે કહ્યું છે કે મતદાનકેન્દ્ર પ્રમાણે ડેટા જાહેર કરવાથી અરાજકતા સર્જાશે. ચૂંટણીપંચે કોર્ટને એમ પણ કહ્યું હતું કે મતદાનમથકમાં પડેલા મતની સંખ્યા દર્શાવતા ફૉર્મ 17-Cની વિગતો જાહેર કરી શકાય એમ નથી.
ચૂંટણીપંચે બુધવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મતદાનકેન્દ્ર પ્રમાણે મતદાનની ટકાવારીના ડેટાની ‘અવિવેકી જાહેરાત’ કરવાથી અને એને વેબસાઇટ પર પોસ્ટ કરવાથી ચૂંટણીતંત્રની હાલની કામગીરીમાં અંધાધૂંધી સર્જાશે. ચૂંટણીપંચે કહ્યું કે ફૉર્મ 17-Cની વિગતો, જે મતદાનમથકમાં પડેલા મતની સંખ્યા દર્શાવે છે, એને જાહેર કરી ન શકાય, એનાથી ફોટોગ્રાફ્સ સાથે ચેડાં થવાની સંભાવના વધી જાય છે અને સમગ્ર ચૂંટણીમાં અરાજકતા ઊભી થશે.
ચૂંટણીપંચનો બચાવ
ચૂંટણીપંચે એ આરોપોને પણ ખોટા અને ભ્રામક ગણાવ્યા હતા કે ચૂંટણીના પહેલા બે તબક્કામાં મતદાનના દિવસે જાહેર કરવામાં આવેલા આંકડા અને ત્યાર બાદ બે તબક્કામાં દરેક તબક્કા માટે જાહેર કરવામાં આવેલી પ્રેસ-રિલીઝમાં પાંચ-છ ટકાનો વધારો જોવા મળ્યો હતો. ચૂંટણીપંચે એક NGOની અરજીના જવાબમાં દાખલ કરેલા સોગંદનામામાં આ વાત કહી હતી. અરજીમાં ચૂંટણીપંચને લોકસભાની ચૂંટણીના દરેક તબક્કા માટે મતદાન પૂરું થયાના ૪૮ કલાકની અંદર મતદાનકેન્દ્ર મુજબનો ડેટા વેબસાઇટ પર અપલોડ કરવાનો નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી હતી.
કમલ નાથ અને મમતા બૅનરજી
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલ નાથે વાસ્તવિક સમયના મતદાનમાં ફેરફાર અને ત્યાર બાદ સુધારેલા આંકડાઓને લઈને ચૂંટણીપંચ પર નિશાન સાધ્યું હતું. કમલ નાથે આયોગને તાત્કાલિક સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું હતું. સોશ્યલ મીડિયા પર તેમણે લખ્યું હતું કે દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં, રિયલ ટાઇમ મતદાનમાં અત્યાર સુધીમાં ૧.૦૭ કરોડ મતોની વૃદ્ધિ થઈ છે અને ત્યાર બાદ ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા મતદાનના આંકડામાં સુધારો કરવામાં આવ્યો છે. વાસ્તવિક સમયમાં મતોમાં આટલો મોટો વધારો અને સુધારેલા આંકડા અભૂતપૂર્વ અને આઘાતજનક છે.
મમતા બૅનરજીએ પણ લોકસભાની ચૂંટણીના પ્રારંભિક બે તબક્કા માટે મતદાનના અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબ બદલ ભારતના ચૂંટણીપંચની ટીકા કરી હતી. તેમણે એ તબક્કાઓ દરમ્યાન મતદાનની ટકાવારીમાં અચાનક થયેલા વધારા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
પંચે કડકાઈ નથી બતાવી
ઘણા ભૂતપૂર્વ ચૂંટણી-કમિશનરો માને છે કે ચૂંટણીપંચની કાર્યવાહી કે નિષ્પક્ષતા પર વિરોધ પક્ષો સવાલ ઉઠાવે એ પહેલી વારનું નથી. જેમ-જેમ રાજકીય પક્ષો વચ્ચે કડવાશ વધે તેમ-તેમ ચૂંટણીપંચની ભૂમિકા પર શંકાઓ ઊઠવા લાગે છે. જોકે એ આરોપમાં સચ્ચાઈ છે કે આચારસંહિતાના ઉલ્લંઘન બાબતે ચૂંટણીપંચ કડકાઈ બતાવી શક્યું નથી.
અમુક લોકો એવું કહીને ચૂંટણીપંચનો બચાવ કરે છે કે દેશના સુદૂર વિસ્તારોમાંથી અંતિમ મતદાનના આંકડા આવતાં વાર લાગે છે એટલે અંતિમ આંકડા બીજા દિવસે જાહેર કરવામાં આવે છે. એની સામે એવી દલીલ થાય છે કે દેશ હવે પછાત નથી, દેશમાં ટેક્નૉલૉજીની પ્રગતિ પણ થઈ છે, આંકડાઓને પગેથી ચાલીને દિલ્હી નથી આવવાનું હોતું!
ચૂંટણીપંચે કૉન્ગ્રેસ-અધ્યક્ષના એક સવાલના જવાબમાં કહ્યું કે આ સંબંધમાં તમામ માહિતી વોટર ટર્નઆઉટ ઍપ પર ઉપલબ્ધ છે. પંચે દલીલ કરી છે કે દરેક કેન્દ્ર પર પ્રિસાઇડિંગ અધિકારી દ્વારા મતદાનના આંકડા ફૉર્મ 17-C પર નોંધવામાં આવે છે અને ઉમેદવારના મતદાન-એજન્ટ દ્વારા સહી કરવામાં આવે છે.
એમ છતાં ચૂંટણીપંચે એ હકીકતને ધ્યાન પર લેવી જોઈએ કે એના કામકાજને લઈને સાર્વજનિક શંકા-કુશંકાઓ થાય છે, એની સામે સવાલો ઊઠી રહ્યા છે અને એક બંધારણીય સંસ્થા હોવાના નાતે એની ફરજ બને છે કે એ પારદર્શક રહે અને જનતાને તમામ જવાબો આપે. ચૂંટણીપંચની શાખ દાવ પર છે અને એને અેણે બચાવવી જોઈએ. દરેક ચૂંટણી એના માટે બહેતર થવા માટેની પરીક્ષા છે.