24 October, 2024 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હું એક વાત કહીશ કે તમારે તમારાં બાળકો સાથે વાત શૅર કરવી જોઈએ, પણ બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને. જરૂરી નથી કે કોઈ ઘટના બને અને તમે તરત બાળક સાથે એ વાત શૅર કરો. ઊલટું મારું કહેવું છે કે અગર કોઈ ખરાબ ઘટના બની હોય તો પહેલાં પેરન્ટ્સે એ ઘટનાને પચાવવી જોઈએ અને એ પચાવ્યા પછી જો જરૂરી લાગે કે તેમણે એ વાત કિડ્સ સાથે શૅર કરવી જોઈએ તો પછી એ શૅર કરવી જોઈએ. રિલેશનશિપમાં માત્ર શૅરિંગ જ ઇમ્પોર્ટન્ટ નથી, શૅર કર્યા પછી કિડ્સમાં આવનારા ઇમોશનલ ઉતાર-ચડાવ પણ એટલા જ મહત્ત્વના છે અને એ વાત પણ એટલી જ મહત્ત્વની છે કે પેરન્ટ્સ બાળકના એ ઉતાર-ચડાવને શાંત પાડે. જો પેરન્ટ્સ જ મેન્ટલી અપસેટ હોય તો તેઓ કેવી રીતે કિડ્સના પ્રશ્નોને કે પછી ઇમોશનલ ટ્રૉમાને હૅન્ડલ કરી શકવાના?
એવા સમયે તો ઘર્ષણ વધવાના ચાન્સિસ વધે અને એવું થાય તો તેમની રિલેશનશિપમાં મોટી દરાર ઊભી થાય. એવું ન બને એ માટે પેરન્ટ્સે યાદ રાખવું કે કોઈ પણ વાતને પહેલાં મેન્ટલી તેમણે પચાવી લેવી અને એ પછી જ એ વાતને કિડ્સ સામે મૂકવી. ઍક્ટ્રેસ નીલમે પોતાના ડિવૉર્સની વાત એટલા માટે ડૉટરથી છુપાવી કે તે ડિસ્ટર્બ ન થાય. જોકે એ પછી ડૉટરને એ વાત બહારથી ખબર પડી અને તે વધારે ડિસ્ટર્બ થઈ. હું અહીં કહીશ કે આવું બને તો ડૉટરે ક્યાંય તેની મધરને બ્લેમ કરવાની જરૂર નથી. જોકે આ બધું હવે ફૅશન બની ગયું છે એ પણ આપણે સ્વીકારવું રહ્યું. ખાસ કરીને સેલિબ્રિટી કે પછી વ્યક્તિ મોટી થઈ જાય એટલે તે આવી વાતો કાઢીને પોતાના પેરન્ટ્સને કોસે છે, પણ એ ખોટું છે. મારી પાસે આ પ્રકારના બહુ કેસ આવે છે. મારે બન્ને પક્ષને સમજાવવા પડે છે. પેરન્ટ્સને કહેવું પડે છે કે તમે કંઈ ખોટું નથી કર્યું એટલે તમે અફસોસ ન કરો અને કિડ્સને કહેવું પડે છે કે જરૂરી નથી કે તમારી સાથે બધી વાત શૅર કરવામાં આવે, તમે પેરન્ટ્સ પ્રત્યેના ગ્રેટિટ્યુડને ભૂલી જાઓ એ કોઈ હિસાબે ન ચાલે. આ અમેરિકા નથી, ઇન્ડિયા છે જ્યાં પેરન્ટ્સને પહેલાં સમજવાના છે. અમેરિકામાં કિડ્સની મેન્ટલ સિચુએશન અને સ્ટેટ જોયા વિના જ પેરન્ટ્સ બધું કહી દેતા હોય છે, પણ આપણે ત્યાં એવું નથી. અરે, ઘણી વાતો એવી હોય કે કદાચ તમને લાઇફટાઇમ ન કહેવામાં આવે તો પણ એનો કોઈ અફસોસ ન હોવો જોઈએ.
હા, અડૉપ્શન કે પછી ડિવૉર્સ જેવી વાતો સમય આવ્યે કિડ્સને કહી દેવાનું હું સૂચન કરીશ, કારણ કે એ સેન્સિટિવ વાત છે, બચ્ચાની લાઇફ સાથે સીધી કનેક્ટેડ છે; પણ ધારો કે બિઝનેસમાં લૉસ ગયો કે પછી મૅટરનલ-પૅટરનલ ફૅમિલીમાં ઝઘડા થાય અને એ વાત પેરન્ટ્સ બાળકને ન કરે તો બાળકે એમાં કંઈ ખરાબ લગાડવાની જરૂર નથી. બીઇંગ અ ફૅમિલી-ફ્રેન્ડ ઑફ યુ ઑલ, હું ઍડ્વાઇઝ આપીશ કે જો બાળક સમજદાર હોય તો વાત કરવી જ કરવી, પણ ધારો કે કોઈ કારણસર અને શુભ ઇરાદાથી પેરન્ટ્સે એ વાત કહેવાનું ટાળ્યું તો એમાં સંતાને ત્રાગાં કરવાની જરૂર નથી.
આગળ કહ્યું એમ આ ઇન્ડિયા છે, અમેરિકા નહીં. આપણું કલ્ચર જ એવું છે જેમાં આપણે બાળકોને તન, મન, ધનથી પૅમ્પર કરીએ. પૅમ્પર શું કામ કરીએ છીએ? તો એનો જવાબ છે કે બચ્ચું તકલીફ આપતી બીજી કોઈ દિશામાં વિચારે નહીં. મતલબ કે સંતાનનું જ હિત પેરન્ટ્સ જુએ છે તો પછી પેરન્ટ્સની એ ફીલિંગ્સને શું કામ ભૂલવાની? હમણાંનો જ એક કિસ્સો કહું. અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ એવી જ ઘટના મારી પાસે આવી. પેરન્ટ્સ ગિલ્ટ ફીલ કરતા હતા એટલે મેં તેમના સન સાથે વાત કરી. પંદર જ મિનિટની વાતમાં તેમના સનને આખી વાત સમજાઈ ગઈ અને તેની આંખમાં આંસુ આવી ગયાં. મારે તેને કહેવું પડ્યું કે તારા આ બધા ઇમોશનને કન્ટ્રોલમાં રાખી તું જઈને પહેલાં તારા પેરન્ટ્સને મળ, તેમની ગિલ્ટ દૂર કર; તે ખુશ થશે.
આપણે માત્ર બોલવા-ચાલવા કે પહેરવેશમાં જ અમેરિકનો જેવા નથી થતા જતા, આપણે વિચારોથી પણ તેમના જેવા થવા માંડ્યા છીએ. મૉડર્ન થવું સારું છે; પણ જો એ મૉડર્નાઇઝેશન આપણા કલ્ચરના, આપણા ઇમોશન્સના રૂટ્સ તોડતું હોય તો એ ખોટું છે. આર્થિક બાબતોમાં આપણે કૃષિપ્રધાન છીએ એવી જ રીતે ઇમોશનની બાબતોમાં આપણે કુટુંબપ્રધાન છીએ. એને લીધે પેરન્ટ્સની થૉટ-પ્રોસેસ કિડ્સ-સેન્ટ્રિક છે. સારામાં સારી વાતમાં પણ તેમનામાં તરત આવે કે મારાં બાળકોને હું આ કહીશ તો તેઓ ખુશ થઈ જશે અને ખરાબમાં ખરાબ વાત આવે કે તરત તેમના મનમાં થાય કે આ વાત મારાં બાળકોને ખબર પડશે તો તેઓ દુઃખી થશે. પેરન્ટ્સ દુઃખી કરવા નથી ઇચ્છતા એટલે તો એ વાત શૅર નથી કરતા અને બધો ભાર મનમાં રાખે છે. વાત શૅર નહીં કરીને પણ તેમણે ભાર સહન કરવાનો અને સંતાનને ખબર પડે એટલે તે કમ્પ્લેઇન્ટ કરે એનો ભાર પણ સહન કરવાનો.
એ જ રીતે પેરન્ટ્સે પણ યાદ રાખવું જોઈએ કે બાળકોની ઉંમર જોઈને એ મુજબની વાતો તેમની સાથે શૅર કરવી જોઈએ, જેથી બાળકમાં પણ રિસ્પૉન્સિબિલિટી અને ફૅમિલી પ્રત્યેની અવેરનેસ આવે.
ડૉ. હરીશ શેટ્ટી મુંબઈના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ છે. તેમણે હ્યુમન-સાઇકોલૉજીના અનેક સેમિનારોમાં પણ ભાગ લીધો છે