ગુરુ દત્ત અને ગીતા દત્તનાં લગ્ન વિશે ફિલ્મી દુનિયામાં કઈ બાબતની અફવા ચાલતી હતી?

20 January, 2024 03:24 PM IST  |  Mumbai | Rajani Mehta

ગુરુ દત્ત સફેદ સિલ્ક કુરતા અને બંગાળી સ્ટાઇલ ધોતીમાં સજ્જ હતા. ત્યાંથી સૌ ધામધૂમથી દુલ્હાની ફૂલોથી શણગારેલી ગાડી અને બીજાં વાહનોમાં લગ્નસ્થળે પહોંચ્યા. 

પરણ્યાં એટલે પ્યારાં લાડી, ચાલો આપણે ઘેર રે

ગીતા  રૉય અને ગુરુ દત્તનાં લગ્ન ૨૬ મે, ૧૯૫૩ના દિવસે નક્કી થયાં. લગ્નની વિધિ રૉયપરિવારના સાંતાક્રુઝસ્થિત નિવાસસ્થાન ‘અમિયા કુટીર’માં બંગાળી પરંપરા મુજબ સંપન્ન થઈ. સવારે રૉયપરિવારના નિકટના સભ્યો ફૂલહાર અને ચંદનમાળા લઈ ગુરુ દત્તના ખારસ્થિત નિવાસસ્થાને પહોંચ્યા. ગુરુ દત્ત સફેદ સિલ્ક કુરતા અને બંગાળી સ્ટાઇલ ધોતીમાં સજ્જ હતા. ત્યાંથી સૌ ધામધૂમથી દુલ્હાની ફૂલોથી શણગારેલી ગાડી અને બીજાં વાહનોમાં લગ્નસ્થળે પહોંચ્યા. 

૨૧ વર્ષની નમણી નાજુક ગીતા લાલ બનારસી સાડીમાં ખૂબસૂરત લાગતી હતી. સુગંધી ગજરા અને ઘરેણાંથી લથપથ ગીતાની આંખોમાં ભવિષ્યનાં સપનાં તરવરતાં હતાં. આ પ્રસંગે દેવ આનંદ, ચેતન આનંદ, નૂતન, વૈજયંતીમાલા, ગીતા બાલી, કલ્પના કાર્તિક (જેનાં ટૂંક સમયમાં દેવ આનંદ સાથે લગ્ન થવાનાં હતાં), નલિની જયવંત, રામાનંદ સાગર, કામિની કૌશલ અને બીજા ફિલ્મી સિતારાઓની હાજરી હતી. ગુરુ દત્તનાં માતા વાસંતી તો આ વિખ્યાત હસ્તીઓની હાજરી જોઈ આભાં બની ગયાં. આ લગ્નની ફિલ્મી દુનિયામાં ખૂબ ચર્ચા થઈ. 

આટલું પૂરતું ન હોય એમ તલત મેહમૂદ, મોહમ્મદ રફી, લતા મંગેશકર, હેમંતકુમાર અને કિશોરકુમાર જેવા કલાકારોની હાજરીએ આ પ્રસંગને ચાર ચાંદ લગાવી દીધા. ગુરુ દત્તના અસિસ્ટન્ટ રાજ ખોસલાએ આગ્રહ કરીને દરેકને એક-એક ગીત રજૂ કરવાની ફરમાઈશ કરી અને આમ લગ્નનો પ્રસંગ એક મહેફિલ બની ગયો. શહેનાઈ અને શંખનાદની જુગલબંદી સાથે જ્યારે સપ્તપદીના સાત ફેરા લેવાયા ત્યારે નવદંપતી પર ગુલાબનાં ફૂલોની વર્ષા થઈ. સૌને લાગ્યું કે ઘણાં વર્ષો બાદ આવા રોમૅન્ટિક લગ્નપ્રસંગે હાજર રહેવાનો મોકો મળ્યો. 

લલિતા લાજમી આ પ્રસંગને યાદ કરતાં કહે છે, ‘મેં ગીતાને કદી ભાભી કહીને બોલાવી નથી. અમે એટલાં નજીક હતાં કે હું તેને હંમેશાં ગીતા કહીને જ બોલાવતી. તે અત્યંત પ્રેમાળ  અને ઉદાર હતી. મને કહેતી, ‘મારા કબાટમાંથી જે સાડી પહેરવી હોય એ લેવાની તને છૂટ છે.’ એક વાર મેં કહ્યું કે હું આજ સુધી પ્લેનમાં બેઠી નથી. થોડા દિવસો બાદ દિલ્હીમાં તેનો શો હતો. તે મને પ્લેનમાં સાથે લઈ ગઈ. ત્યાં અમે આલીશાન ઇમ્પીરિયલ હોટેલમાં રહ્યાં. તેના કારણે જ મને ઇન્ડસ્ટ્રીના મોટા માણસો સાથે હળવા-મળવાનો મોકો મળ્યો.’ 

ગુરુ દત્તના પરિવારમાં ગીતા એક સ્ટાર હતી. તે એક લોકપ્રિય ગાયિકા હતી અને તેની આવક ગુરુ દત્ત કરતાં વધારે હતી. ઇન્ડસ્ટ્રીમાં, પ્રેસમાં અને સગાંસંબંધીઓમાં ગુસપુસ ચાલતી કે ગુરુ દત્તે પૈસા અને નામ માટે ગીતા સાથે લગ્ન કર્યાં છે. આ અફવાની ગુરુ દત્ત પર કોઈ અસર નહોતી પડતી પરંતુ માતા વાસંતી આના કારણે દુખી રહેતાં. એક ઇન્ટરવ્યુમાં તે કહે છે, ‘લોકો ભલે ગમે તે કહે પણ મને ખબર છે કે આ વાતમાં સચ્ચાઈનો અંશ નથી. ગુરુને કદી  પૈસા અને પ્રસિદ્ધિમાં રસ હતો જ નહીં. તેણે કદી ગીતાના જરઝવેરાત સામે એક નજર પણ નથી નાખી. શરૂઆતમાં ઘણી તકલીફો વેઠી હોવા છતાં તેનામાં પૈસા ભેગા કરવાની વૃત્તિ હતી જ નહીં. પોતાના પૈસે તેણે ગાડી લીધી હતી. ગીતા કેટલું કમાય છે એ જાણવામાં તેને રસ નહોતો. તે ક્યાં અને કેવી રીતે ખર્ચ કરે છે એ બાબતે તેની કોઈ દખલ નહોતી. લગ્ન પહેલાં જ બંને વચ્ચે સમજૂતી થઈ હતી કે ગીતા તેની સિંગર તરીકેની કરીઅર આગળ વધારશે.’ 

લગ્ન બાદ ગીતા રૉયમાંથી ગીતા દત્ત બનેલી ગીતા એક ઇન્ટરવ્યુમાં કહે છે,  ‘‘બાઝી’ના શૂટિંગ દરમ્યાન અમારી મુલાકાત થઈ અને ‘બાઝ’ના શૂટિંગ દરમ્યાન અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. From ‘Baazi’ to ‘Baaz’, it was just dropping of ‘I’ – and converting it into ‘We’’.  

લગ્ન બાદ ગુરુ દત્તે ‘આરપાર’ની તૈયારી શરૂ કરી. ગુરુ દત્ત જ્ઞાન મુખરજીના અસિસ્ટન્ટ હતા જેમણે ‘કિસ્મત’ અને ‘સંગ્રામ’ જેવી ગુનેગારવિષયક ફિલ્મો બનાવી. આ કારણે ‘જાલ’, ‘બાઝ’ જેવી ફિલ્મોમાં પણ આવા જ વિષયને લેવામાં આવ્યો હતો. ‘આરપાર’ પણ એ જ ઘરેડની ફિલ્મ હતી. ‘બાઝ’માં નિષ્ફળ થયા બાદ ફરી એક વાર હીરો તરીકે ગુરુ દત્તે ‘આરપાર’માં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. જોકે થોડાં દૃશ્યોનું શૂટિંગ થયું એ પછી તેમને લાગ્યું કે વાત જામતી નથી એટલે તેમણે શમ્મી કપૂરનો સંપર્ક કરીને હીરોનો રોલ ઑફર કર્યો. શમ્મી કપૂરે શૂટ કરેલાં દૃશ્યો જોઈને ગુરુ દત્તને સલાહ આપી કે હીરો તરીકે મારા બદલે તમે જ સાહજિક લાગશો. પહેલાં તો ગુરુ દત્ત માન્યા નહીં અને શમ્મી કપૂરને રોલ સ્વીકારવાની વિનંતી કરી પણ તેમણે ચોખ્ખી ના પાડી. 

આમ ફરી એક વાર ગુરુ દત્ત હીરો બન્યા. ગીતા દત્તના સૂચનથી શ્યામાને હિરોઇનનો રોલ આપવામાં આવ્યો. શ્યામા એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘જ્યારે રોમૅન્ટિક દૃશ્યોનું શૂટિંગ થતું ત્યારે ગીતા અચૂક હાજર રહેતી. ગુરુ દત્ત ખૂબ જ સહજતાથી અભિનય કરતા પણ ગીતાની હાજરીને કારણે હું થોડી અસ્વસ્થ રહેતી, કારણ કે તે ખૂબ જ ‘પઝેસિવ’ હતી. હંમેશાં તેની આંખ ગુરુ દત્ત તરફ જ રહેતી. જોકે એ સ્વાભાવિક હતું, કારણ કે બંને નવાં પરણેલાં હતાં. મને આ બધી વાતો પર ખૂબ હસવું આવતું.’

‘આરપાર’માં જૉની વોકરને કૉમેડિયન તરીકે એક મહત્ત્વનો રોલ મળ્યો. તેમની સેન્સ ઑફ હ્યુમર અદ્ભુત હતી. ગુરુ દત્તે એનો ફિલ્મમાં ભરપૂર ઉપયોગ કર્યો. સેટ પર ઘણી વાર ગુરુ દત્ત તેમની અને અબ્રાર અલવી વચ્ચે રકઝક ઊભી કરાવતા અને પરિણામસ્વરૂપ જે નોક-ઝોક થતી એને ફિલ્મની વાર્તાના પ્રવાહમાં વણી લેતા. ‘આરપાર’ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ હોવા છતાં એમાં રોમૅન્સ, કૉમેડી અને સંગીતનું સારી રીતે મિશ્રણ થયું હતું. હીરોનું પાત્ર એક અન્ડર ડૉગનું હતું જે ગુરુ દત્તના વ્યક્તિત્વને અનુરૂપ હતું. અંગત જીવનમાં જેમ ગુરુ દત્તને સમાજ  સામે પ્રશ્નો હતા તેવું જ પાત્ર તેમના ભાગે આવ્યું હતું. 

પ્રોડ્યુસર, ડિરેક્ટર અને હીરો તરીકે ગુરુ દત્ત પૂરી ફિલ્મના કન્ટ્રોલમાં હતા. કૅમેરામૅન વી. કે. મૂર્તિ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘સેટ પર ગુરુ દત્તની ઊર્જા એક ટાઇગર જેવી હતી. એક દૃશ્ય બાદ બીજું દૃશ્ય કઈ રીતે જોડાશે એના વિશે તે ખૂબ જ ચોક્કસ હતા. ગીતોનું ફિલ્માંકન કરવામાં તે અવનવી ટેક્નિકનો ઉપયોગ કરતા જે અમારા મારે પણ ચૅલેન્જિંગ હતું. જ્યાં સુધી શૂટિંગ એમની ધારણા મુજબ ન થાય ત્યાં સુધી એ કોઈ પણ જાતના બ્રેક વગર રીટેક પર રીટેક લીધા જ કરે. તેમના શબ્દકોશમાં ‘ચાલશે’ એવો શબ્દ જ નહોતો. ધાર્યું પરિણામ ન આવે ત્યાં સુધી તે જંપીને બેસે નહીં.’

 ‘આરપાર’ બૉક્સ-ઑફિસ પર હિટ સાબિત થઈ. ગુરુ દત્તની ટીકા કરનારા વિવેચકોએ પણ કબૂલવું પડ્યું કે ગુરુ દત્ત એક હોનહાર કલાકાર છે. ગુરુ દત્તના આ પહેલાંના કામ માટે તીખી ભાષામાં પ્રતિભાવ આપનાર મૅગેઝિન ‘ફિલ્મ ઇન્ડિયા’એ લખ્યું, ‘ગુરુ દત્તે પોતાની આગવી શૈલીમાં ‘આરપાર’ને એક મનોરંજક ફિલ્મ બનાવી છે. એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ હોવા છતાં એની ગતિ અને સંગીતને કારણે એ લોકભોગ્ય બની છે. પ્રોડક્શન સાફસૂથરું અને પ્રભાવશાળી છે. ફોટોગ્રાફી અને ડિરેક્શનનો સુમેળ સારી રીતે સધાયો છે, જેના કારણે ફિલ્મ જોવાની મજા આવે છે. એક ડિરેક્ટર તરીકે ગુરુ દત્તે સસ્તા થયા વિના હળવાશથી કેવી રીતે મનોરંજન આપી શકાય એ પુરવાર કર્યું છે. અભિનેતા તરીકે પોતાની મર્યાદાને ઓળંગીને ગુરુ દત્તે પાત્રને અનુરૂપ સારો પર્ફોર્મન્સ આપ્યો છે.’

‘આરપાર’ની સફળતામાં સૌથી મોટો ફાળો ગીતકાર મજરૂહ સુલતાનપુરી, ગીતા દત્ત- મોહમ્મદ રફી અને સંગીતકાર ઓ. પી. નૈયરનો હતો. આ સૌની ફિલ્મના નિર્માણ દરમ્યાન પડદા પાછળની વાતો આવતા શનિવારે.

columnists guru dutt gujarati mid-day