28 January, 2023 12:21 PM IST | Mumbai | Rajani Mehta
‘રામ તેરી ગંગા મૈલી’નાં ‘બોલ્ડ’ દૃશ્યોની ટીકા કરનાર વિવેચકોને રાજ કપૂરનો જવાબ
‘I always looked on criticism as a sort of envious tribute’
F. Scott Fitzgerald [American Writer]
‘જ્યારે મારી ટીકા થાય છે ત્યારે મને લાગે છે કે તેઓ મારી સફળતાની અદેખાઈ કરે છે.’ તમારા પર ટીકારૂપી પથ્થર ફેંકાય છે ત્યારે હકીકતમાં તો એ તમારી સફળતાનાં ફૂલોનો વરસાદ હોય છે. આમ પણ તમારા વિશે કંઈ પણ ન બોલાય એના કરતાં કંઈક બોલાય, ભલે પછી એ તમારી ટીકા કેમ ન હોય, એ પરિસ્થિતિ વધુ સારી ગણાય. ‘રામ તેરી ગંગા મૈલી’ માટે વિવેચકોએ રાજ કપૂરની કાર્યશૈલી અને કાબેલિયતની સખત શબ્દોમાં આલોચના કરી હતી. પોતાની સફાઈમાં ‘ફિલ્મફેર’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે જે ખુલાસો કર્યો એ તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...
‘નાનપણથી હું મહાન ચિત્રકાર રાજા રવિ વર્માનાં તૈલચિત્રોનો મોટો પ્રશંસક રહ્યો છું. તેમનાં ચિત્રોમાં ગંગાનું એક સુંદર યુવતી તરીકે, આછાં વસ્ત્રોમાં, પવિત્ર અને દૈવી સ્વરૂપમાં આલેખન કરવામાં આવ્યું છે. કનુ દેસાઈ જેવા બીજા મહાન ચિત્રકારની અનેક કલાકૃતિઓનું ‘કલેક્શન’ મારી પાસે છે. તેમનાં ચિત્રોમાં પણ મેં એક ગંગાનું ચિત્ર જોયું છે, જેમાં તે કુમળી વયમાં ગંગોત્રી પાસે સફેદ, કોઈ પણ જાતના ડાઘ વિનાનાં આછાં વસ્ત્રોમાં, શુદ્ધ અને પવિત્ર સ્વરૂપમાં દર્શાવી છે.
ભારતના આ મહાન ચિત્રકારોએ પ્રસ્તુત કરેલા ગંગાના આ સ્વરૂપની છબિ મારા દિલોદિમાગ પર અંકિત થઈ ગઈ. જ્યારે હું મારી ફિલ્મ માટે ગંગાની શોધમાં હતો ત્યારે મારી પાસે એક જ માપદંડ હતો કે આ સ્વરૂપમાં ‘ફિટ’ થાય એ જ યુવતી ગંગા બની શકે. મેં મારી બનતી પ્રામાણિકતાથી એ સ્વરૂપને પડદા પર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.
આ પહેલાં ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ વખતે પણ મારરા પર કાદવ ઉછાળવામાં આવ્યો હતો. ગંગાની પવિત્રતા અને સુંદરતા વિશે મારો દૃષ્ટિકોણ સમજ્યા વિના, પૂર્વગ્રહથી પીડાઈને ટીકા કરતા પત્રકારોનો સાચો આશય શું છે એ હું બરાબર જાણું છું. ખાસ કરીને બે મૅગેઝિન એવાં છે જે અર્ધનગ્ન તસવીરો પ્રિન્ટ કરીને જ કમાણી કરે છે. એમાંનું એક તો પોતાના મૅગેઝિનના સેન્ટર પેજ પર સંપૂર્ણ નગ્ન તસવીરો છાપે છે. આવા લોકો જ્યારે મને નીતિમત્તાની બાબતમાં સલાહ આપવાની હિંમત કરે છે ત્યારે તેમને મારે શું કહેવું? હું એટલું જ કહી શકું કે We are a nation of sexual hypocrites.
મને એક વાતનો સંતોષ અને ગર્વ છે કે મેં ‘રામ તેરી ગંગા મૈલી’ જેવી ફિલ્મ બનાવી. હિરોઇન ગંગાનું પાત્ર એક પ્રતીક હતું. શુદ્ધ ગંગા નદીની પવિત્રતા, એ આગળ વધતી જાય છે એમ પ્રદૂષિત થતી જાય છે. એ માટે આપણે જ જવાબદાર છીએ અને એ દર્શાવવા માટે જ મેં ફિલ્મ બનાવી છે.
એક વાતનો મને આનંદ છે કે મીડિયામાં જે રીતે ફિલ્મને ‘કવરેજ’ મળ્યું એને કારણે ભારત સરકારને પણ થયું કે ‘ગંગા સફાઈ અભિયાન’ શરૂ કરવું જોઈએ. વડા પ્રધાન રાજીવ ગાંધીએ એ બાબતે પહેલ કરી. ત્યાર બાદ દિગ્વિજય સિંહ સાથે મારી મુલાકાત થઈ, જેમાં તેમણે સરકાર આ દિશામાં શું પગલાં લઈ રહી છે એની માહિતી આપી.’
તો આ હતો ટીકાકારોને રાજ કપૂરનો જવાબ. ‘રામ તેરી ગંગા મૈલી’ ટિકિટબારી પર તો સફળ થઈ, પરંતુ આરકેની ‘ક્લાસિક’ ફિલ્મોની શ્રેણીમાં એ સામેલ ન થઈ. હાં, રાજ કપૂરને નામ અને દામ કમાવી આપવામાં એ સફળ થઈ. દેશ-વિદેશમાં એની તારીફ થઈ. ‘ફિલ્મફેર’ બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ મ્યુઝિક અને બેસ્ટ આર્ટ ડિરેક્શન માટેના અવૉર્ડ મળ્યા. એમ કહેવાય કે ‘નેગેટિવ પબ્લિસિટી’ રાજ કપૂર માટે ‘પૉઝિટિવ’ સાબિત થઈ.
જોકે તબિયતની બાબતમાં રાજ કપૂર ફિલ્મ જેટલા નસીબદાર નહોતા. ‘રામ તેરી ગંગા મૈલી’ના શૂટિંગના અંતિમ દિવસો દરમ્યાન તેમની તબિયત એટલી ખરાબ થઈ હતી કે માંડ-માંડ તેમણે શૂટિંગ પૂરું કર્યું હતું. ૧૯૮૫ની ૩૦ મેએ તેમને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ૧૯૮૫ની ૪ જૂને ‘ફ્રી પ્રેસ બુલેટિન’માં જે હેડલાઇન હતી એ વાંચીને દુનિયા હચમચી ગઈ. ‘શું રાજ કપૂરને ફેફસાંનું કૅન્સર છે?’ રિપોર્ટમાં આગળ લખ્યું હતું કે ‘ડૉક્ટરો અને સ્વજનો સાથે વાત કર્યા બાદ જાણવા મળ્યું કે દમના (અસ્થામા) સખત હુમલાને કારણે રાજ કપૂરને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ફિલ્મી વર્તુળોમાંથી અમને એવી ખબર મળી કે તેમને ‘લંગ કૅન્સર’ છે. સ્વજનોએ એક વાતની પુષ્ટિ કરી કે તેમની વધુ સારવાર ન્યુ યૉર્કની વિખ્યાત સ્લોન કેટરિંગ મેમોરિયલ હૉસ્પિટલમાં કરવામાં આવશે.
આ ખબર દેશનાં અનેક વર્તમાનપત્રોની હેડલાઇન બની ગઈ. થોડા સમય માટે દેશની રાજકીય સમસ્યાઓ હાંસિયામાં ધકેલાઈ ગઈ અને ચારે તરફ રાજ કપૂરની તબિયત વિશેના સમાચારોએ પ્રમુખ સ્થાન મેળવી લીધું. એક કલાકાર અને શોમૅન તરીકે રાજ કપૂરે પોતાની ફિલ્મો દ્વારા લોકોમાં જે ચાહના મેળવી હતી એના પરિણામસ્વરૂપ હર કોઈ તેમના સ્વાસ્થ્ય માટે ચિંતિત હતું. જે રીતે રાજ કપૂરે પોતાના અભિનય દ્વારા લોકોનાં હૃદયમાં સ્થાન મેળવ્યું હતું એ અભૂતપૂર્વ હતું. એટલે જ તેમની તબિયતના સમાચાર રાષ્ટ્રીય સમાચાર બની ગયા.
અનેક પત્રકારોએ રાજ કપૂર સાથેનાં સંસ્મરણોને યાદ કર્યાં. તેઓમાંના એક હતા નાનપણથી રાજ કપૂર અને તેમની ફિલ્મોના ચાહક બેહરામ કૉન્ટ્રૅક્ટર. બિઝીબીના નામે તેમની ‘રાઉન્ડ ઍન્ડ અબાઉટ’ કૉલમમાં તેઓ લખે છે, ‘જેટલા રાજ કપૂરે પ્રેક્ષકોને હસાવ્યા કે રડાવ્યા છે એટલા બીજા કોઈએ નહીં હસાવ્યા કે રડાવ્યા હોય. એટલે જ્યારે આજે રાજ કપૂર ગંભીર બીમારીમાં પટકાયા છે ત્યારે લાગે છે કે આખું ભારત બીમાર થઈ ગયું છે.
હું એવો દાવો ન કરી શકું કે હું તેમને નજીકથી જાણું છું, પણ જ્યારે-જ્યારે તેમને મળ્યો છું ત્યારે તેમના જીવન અને કલાની જે ઝલક મળી છે એનાથી ઘણો પ્રભાવિત થયો છું. પહેલાં તેમની મુલાકાત ફિલ્મોમાં થઈ. ‘બરસાત’, ‘અંદાઝ’ અને ‘આવારા’ના માંજરી આંખવાળા રાજ કપૂરને જોઈને એમ જ લાગે કે તેઓ સપનાના સોદાગર છે. દુનિયાભરમાં મેં ‘આવારા’નું સંગીત સાંભળ્યું છે; એ પછી દમાસ્કસ હોય, ટર્કી હોય કે આફ્રિકા હોય. મને ખાતરી છે કે રશિયા અને બીજા દેશોમાં, જ્યાં હું નથી ગયો ત્યાં પણ આ સંગીત ગુંજતું હશે.
વર્ષો બાદ તેમની સાથે પરિચય થયો. મને એ સાંજ યાદ છે જ્યારે હું નર્ગિસની વિદાય બાદ તેમને ચેમ્બુર કૉટેજમાં મળ્યો હતો. નર્ગિસને શ્રદ્ધાંજલિ આપતાં તેઓ થોડા અચકાયા હતા. તેમનું માનવું હતું કે એક લેખકને તેઓ કઈ રીતે ‘ડિક્ટેટ’ કરી શકે? મેં આગ્રહ કર્યો કે મારે તમારા શબ્દોમાં જ રિપોર્ટિંગ કરવું છે. ત્યાર બાદ એક જેન્ટલમૅનની જેમ તેમણે ભાવુક શબ્દોમાં પોતાની શ્રદ્ધાંજલિ આપી હતી.
મેં લોણી ફાર્મહાઉસ ખાતે તેમને શૂટિંગ કરતા જોયા છે. એક મહાન ડિરેક્ટર કેટલી ઝીણવટથી, કેટલી ઉત્કટતાથી, પોતાના સપનાને સાકાર કરવા પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દે છે એ વાતની પ્રતીતિ મને ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ વખતે થઈ. જ્યારે-જ્યારે તેમની સાથે મુલાકાત થઈ ત્યારે-ત્યારે તેમનામાં રહેલો ‘પર્ફેક્ટનિસ્ટ’ મારી નજરમાં આવ્યો છે.
અનેક વાર વિવેચકોએ લખ્યું કે રાજ કપૂરનો સમય પૂરો થયો. તેઓ પોતાનો જાદુઈ સ્પર્શ ખોઈ ચૂક્યા છે. તેઓ ભૂતકાળમાં જીવે છે. અમુક અંશે આ વાત સાચી હશે. આપણે સૌ ભૂતકાળમાં અને નજીકના ભવિષ્યમાં જીવીએ છીએ. એક દિવસ હું મોડી સાંજે ફાર્મહાઉસ પહોંચ્યો. મેં જોયું કે તેઓ પોતાની જૂની ફિલ્મો જોઈ રહ્યા હતા. કદાચ એ તેમને પ્રેરણા આપતી હશે.
એ વાતનો ઇનકાર ન થાય કે અનેક નિષ્ફળતા છતાં તેઓ ફરી પાછા બમણા જોશથી આગળ વધીને સફળ થયા છે. તેઓ પોતાના પુત્રોને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પણ લાવ્યા. તેમની સાથે મળીને ફિલ્મો બનાવી. આરકેની ટ્રેડિશનને આગળ વધારવા માટેની તેમની ધગશ મેં જોઈ છે. મને એ દિવસ યાદ છે જ્યારે પાપાજી (પૃથ્વીરાજ કપૂર)ની વિદાય વેળાએ તેઓ સૂનમૂન, ઉદાસ, ઉઘાડા પગે અગ્નિદાહ આપતા હતા અને એ દિવસ પણ યાદ છે જ્યારે પોતાના જન્મદિવસે ફાર્મહાઉસમાં સૌનું ઉષ્માપૂર્વક સ્વાગત કરતા હતા. તેમની મહેમાનગતિ અદ્ભુત હતી.
સૌથી વધારે યાદગાર તો એ સાંજ હતી જ્યારે ફાર્મહાઉસના બિલ્ડિંગની અગાસી પર અમે બન્નેએ વ્હિસ્કીની આખી બૉટલ પૂરી કરી નાખી હતી. એ રાતે તેમણે મને એવી વાતો કરી કે મને થયું કે લખવા માટે સારો મસાલો મળી ગયો, પરંતુ સવાર થઈ અને હું સઘળું ભૂલી ગયો. મને લાગે છે કે જે થયું એ સારું જ થયું. હવે સાજા થઈ જાય પછી તેમની સાથે મુલાકાત કરીશ અને આશા છે ફરી એક વાર એ સઘળી વાતો મારી સાથે શૅર કરશે.
નસીબજોગ રાજ કપૂરની કૅન્સર ટેસ્ટ નેગેટિવ આવી અને થોડા દિવસ બાદ તેઓ મુંબઈ પાછા આવ્યા, પણ તેમને ખબર નહોતી કે એક નવી મુસીબત તેમની રાહ જોતી બેઠી હતી.