14 October, 2024 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવરાત્રિ રમતાં ખેલૈયા સાથે સમીર અર્શ તન્ના
રંગેચંગે નવરાત્રિ તો પૂરી થઈ ગઈ. અમે કહીશું કે ગયા વર્ષ કરતાં આ વર્ષની નવરાત્રિનો ઉત્સાહ લોકોમાં જબરદસ્ત હતો અને એટલે જ નવરાત્રિમાં બહુ મજા આવી, પણ કેટલીક એવી વાતો પણ જોઈ જે જોઈને થયું કે કાશ એવું આવતી નવરાત્રિએ જોવા ન મળે તો ખરેખર સારું. આને તમે નેક્સ્ટ યરની નવરાત્રિની ટિપ પણ કહી શકો છો.
આ નવરાત્રિએ ઑલમોસ્ટ દરેક પૉપ્યુલર ગરબામાં ગયાં અને દરેક ગરબામાં જોયું કે પેરન્ટ્સ બાળકો પર બહુ પ્રેશર કરે છે. બહુ એટલે બહુ વધારે. ફાઇનલ રાઉન્ડના ટાઇમે ખેલૈયાઓને એક જગ્યાએ લઈ લેવામાં આવે અને એ એરિયા કૉર્ડન કરવાનો હોય. ફાઇનલ રાઉન્ડ શરૂ થાય ત્યારે પેરન્ટ્સ ત્યાં આવીને ઊભા રહી જાય અને પછી જજ તેના બચ્ચાને જોતા હોય એટલે પાછળથી રાડો પાડે, ‘પલટી માર, બેઠક લે...’
અરે ભાઈ, શું કામ આવું કરવાનું. એ લોકોને નૅચરલી રમવા દોને. તમે તમારા બાળકને ઉત્સાહ આપો, પાનો ચડાવો એ સમજાય; પણ તમે તેને ગ્રાઉન્ડ પર ફાઇનલ રાઉન્ડ દરમ્યાન ઇન્સ્ટ્રક્શન પણ આપો એ કેવું. તમારું બચ્ચું પર્ફોર્મ કરે છે, તેના પર ઑલરેડી પર્ફોર્મન્સનું પ્રેશર છે એવા સમયે તમે તેને જીતનું ટેન્શન આપો છો. બહુ શરમજનક કહેવાય. અમે અગાઉ પણ કહ્યું છે અને આજે પણ કહીએ છીએ કે જીતવા માટે રમો એમાં કશું ખોટું નથી, પણ માત્ર જીતવા માટે ગરબા રમો એ ખોટું છે.
શનિવારે અમે જે જગ્યાએ જજિંગ માટે ગયાં હતાં ત્યાં ૧૦ વર્ષની એક બાળકીને અમે પ્રાઇઝ આપ્યું એટલે તેના પપ્પા અમારી પાસે આવ્યા અને અમને થૅન્ક્યુ કહ્યું અને પછી અમને કહે કે આ નવરાત્રિમાં અમે ૯ જગ્યાએ ગયા અને દરેક જગ્યાએ મારી દીકરીને પ્રાઇઝ મળ્યું છે. એ છોકરી ખરેખર સરસ રમતી હતી, પણ અમને એ છોકરીના ગરબા કરતાં તેના પપ્પાનો આ ડાયલૉગ વધારે યાદ રહી ગયો છે. અમારે પૂછવું છે કે શું તમે પ્રાઇઝ જીતવા જાઓ છો કે આવું કાઉન્ટિંગ કરો છો? નહીં કરો આવું. બાળકને નૅચરલ ગેમ રમવા દો. ‘પ્રાઇઝ લાવવાનું જ હોય, તું તો પ્રાઇઝ લાવી શકે, તારામાં એ કૅપેબિલિટી છે’ એવું બધું કહીને તમે બાળકને એક એવી રેસમાં મૂકી દો છો જે રેસમાં હારનું રિઝલ્ટ સાયકોલૉજિકલ ડિસ્ટર્બન્સ છે. આ તો ઉંમર છે જે ઉંમરમાં માબાપે બાળકોને હારતાં પણ શીખવવાનું હોય, એને બદલે પેરન્ટ્સ બચ્ચાને ખોટી દિશામાં લઈ જવાની ભૂલ કરે છે, જે આ નવરાત્રિમાં અમે બહુ જોયું. કાશ, આવતા વર્ષે એવું જોવું ન પડે અને બાળકો પોતાની ખુશી માટે અને પોતાની મસ્તીમાં નૅચરલ ગેમ રમે એવું અમે ઇચ્છીએ છીએ, તો સાથોસાથ અમે એવું પણ ઇચ્છીએ છીએ કે ગરબા શીખવનારા કોરિયોગ્રાફર પણ પોતાનો પક્ષપાત બંધ કરે.
પોતાનું ગ્રુપ રમતું હોય ત્યાં માથા પર જ કોરિયોગ્રાફર ઊભા રહે અને સતત ઇન્સ્ટ્રક્શન આપે એ તો ખોટું જ છેને. તમે જોયું છે ક્યારેય કે કોઈ કોચ પ્લેયર સાથે ક્રિકેટના ગ્રાઉન્ડ પર જાય અને બોલબોલ કરીને તેને ગાઇડન્સ આપે? અરે, આ વખતે તો અમે એક નવી વાત પણ નોટિસ કરી. જજ જેવા જે-તે ગ્રુપ પાસે જાય કે એ ગ્રુપને ગરબા શીખવનારા કોરિયોગ્રાફર ઇશારાથી ગ્રુપમાં રમતા ૧૫ ખેલૈયાઓમાંથી ૧૦ને ઊભા રાખી દે, જેથી સારું રમતા કે પછી પોતે જેને ફાઇનલમાં લઈ જવા માગતા હોય એવા ખેલૈયા પર જ જજનું ધ્યાન જાય. અમે આજે, બધા જજ વતી રિક્વેસ્ટ સાથે કહીએ છીએ કે નહીં કરો આવું. આવું કરીને તમે જજની આંખમાં પણ ખરાબ થાઓ છો. એક કોરિયોગ્રાફર અને ગરબામાં જજ તરીકે જનારા અમારા એક ફ્રેન્ડની સાથે એવું થયું તો તેણે એ સમયે રમવાનું ચાલુ રાખનારા પાંચેપાંચ ખેલૈયાઓને નોટિસ કર્યા જ નહીં અને તે ત્યાંથી નીકળી ગયો.
જસ્ટ ઇમૅજિન. કોરિયોગ્રાફર પોતાના ફેવરિટ કે સારું રમનારા જે પેલા પાંચ જણને આગળ કરવા માગતા હતા તેમનો પણ નંબર ન આવ્યો. અમે કહીએ છીએ કે ગરબાને ચૅલેન્જ બનાવવાનું છોડીને એને નૅચરલ ગેમ રહેવા દેશો તો રમવાની બહુ મજા આવશે. અમે પણ ગ્રાઉન્ડ પર રમ્યાં છીએ અને વર્ષો સુધી અમારા તરફ કોઈનું ધ્યાન ન ગયું હોય એવું બન્યું છે, પણ એનાથી કોઈને ફરક ન પડવો જોઈએ.
આવતા વર્ષે જે જોવાની ઇચ્છા નથી એવી વાતમાં છેલ્લી વાત, કૉસ્ચ્યુમ. ખેલૈયાઓ જ્યાં શીખવા જતા હોય ત્યાં ગ્રુપમાં બધા માટે કૉસ્ચ્યુમ બને એટલે પછી એ સ્કૂલ-યુનિફૉર્મ લાગે. અફકોર્સ એ કૉસ્ટ-ઇફેક્ટિવ હોય એટલે એની સામે અમારો કોઈ વિરોધ નથી, પણ આ રીતે તમે ૧૫-૨૦ લોકો એકસરખા ડ્રેસમાં આવ્યા હોય અને એક્સપેક્ટેશન રાખો કે અમને વેલ-ડ્રેસ્ડનું પ્રાઇઝ પણ મળે તો એ ખોટું છે. સ્કૂલમાં વેલ-ડ્રેસ્ડ કૉમ્પિટિશન થતી ત્યારે બધા શું એકસરખાં કપડાં પહેરીને જતા? ધારો કે જતા તો શું એ સમયે તમને પ્રાઇઝ મળતું? નહીંને? તો આ વખતે પણ તમને પ્રાઇઝ ન જ મળે.
નૅશનલ અવૉર્ડ વિનર કોરિયોગ્રાફર જોડી સમીર-અર્શ તન્નાએ અનેક હિન્દી-ગુજરાતી ફિલ્મોનાં સૉન્ગ્સની કોરિયોગ્રાફી કરી છે.