ઘરમાં શું-શું અચૂક હોવું જોઈએ?

31 March, 2024 03:07 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

તમે આધુનિક હો તો પણ આ વાત લાગુ પડે છે અને ધારો કે તમે નાસ્તિક હો તો પણ આ વાત લાગુ પડે છે. દરેક ઘરમાં અમુક ચીજવસ્તુઓ હોવી જ જોઈએ જે તમને સકારાત્મક અસર આપવાનું કામ કરતી રહે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આજના સમયમાં નાના ઘરની ફરિયાદના નામે પણ લોકો અમુક ચીજવસ્તુઓ રાખવાનું ટાળે છે તો ઘણા પ્રારબ્ધના નામે પણ અમુક ચીજવસ્તુઓ રાખવાનું ટાળે છે. કેટલીક વખત મૉડર્ન સુવિધાના નામે પણ અમુક ઘરમાં અગત્યની કહેવાય એવી ચીજવસ્તુઓ રાખવામાં આવતી નથી. જોકે હકીકત એ છે કે દરેક ઘરમાં કેટલીક ચીજવસ્તુઓ અનિવાર્ય રીતે હોવી જ જોઈએ. અહીં જે ચીજવસ્તુઓ દેખાડી છે એ ક્યાંક ને ક્યાંક સકારાત્મકતા આપવાનું કામ કરે છે અને ઘરને પૉઝિટિવિટી આપે છે.

૧. મંદિર અચૂક હોવું જોઈએ
આમ તો આ હિન્દુ કે સનાતનીઓને લાગુ પડે છે, પણ જે સનાતની છે એમાં પણ આજકાલ અઢળક લોકો એવા જોવા મળે છે જેઓ નાસ્તિક વિચારધારા વચ્ચે ઘરમાં મંદિર નથી રાખતા. નાસ્તિક હોય તેઓ પણ કર્મના સિદ્ધાંતમાં તો માનતા જ હોય છે એટલે આસ્થાની દૃષ્ટિએ નહીં તો પણ કર્મના દૃષ્ટાંત સાથે પણ ઘરમાં મંદિર રાખવું જોઈએ. વ્યક્તિગત સદ્કર્મના આધારે પણ જે-તે પરિવારમાં જન્મ મળ્યો એ ગ્રૅટિટ્યુડ મનમાં રાખીને મંદિરમાં ભગવાન ન રાખવા હોય તો વાંધો નહીં; એમાં તમારાં માતા-પિતાનો ફોટો રાખો, જેને તમે આદર્શ માનતા હો તેનો ફોટો રાખો; પણ મંદિર ઘરમાં અચૂક રાખો. મંદિર આખા ઘરમાં પૉઝિટિવિટી પ્રસરાવવાનું કામ કરે છે જે વ્યક્તિગત રીતે પણ ફૅમિલીના સભ્યોને પૉઝિટિવિટી આપે છે.

૨. વૉલ-ક્લૉક હોવી જ જોઈએ
દરેક વ્યક્તિએ ઘડિયાળ અચૂક પહેરવી જોઈએ, જેના માટે આપણે ભવિષ્યમાં ક્યારેક વાત કરીશું. અત્યારે વાત કરીએ ઘરની તો ઘરમાં વૉલ-ક્લૉક રાખવી જ જોઈએ અને એ પણ ડિજિટલ નહીં રેગ્યુલર એવી ઘડિયાળ જેમાં સેકન્ડ કાંટાથી લઈને કલાકનો કાંટો હોય. ઘર નિર્જીવ છે. એમાં રહેનારી વ્યક્તિ સિવાય કોઈના ધબકારા ઘરમાં હોતા નથી, સિવાય કે દીવાલ પર રહેલી ઘડિયાળના. પ્રત્યેક સેકન્ડે ધબકતી રહેતી ઘડિયાળ ઘરમાં સમયને અટકવા નથી દેતી, જેને લીધે નકારાત્મક વાતો લાંબો સમય ઘરમાં રહેતી નથી. જે ઘરમાંથી ઘડિયાળની બાદબાકી થઈ છે એમાંનાં મોટા ભાગનાં ઘરોમાં વિકાસ અટકી ગયો હોવાનું જોવા મળે છે. સમય વહેતો રહેવો જોઈએ, પણ સમય વહે ત્યારે જ્યારે ઘરમાં ઘડિયાળ હોય.
એક ખાસ વાત. જેટલી રૂમ હોય એટલી રૂમમાં ઘડિયાળ રાખી શકાય તો બહુ સારું અને એ પ્રત્યેક ઘડિયાળ એક જ સમય દર્શાવતી રહે એ પણ જોવું.

૩. કૅલેન્ડરને સ્થાન આપો
મોબાઇલ આવી જવાને કારણે હવે મોટા ભાગનાં ઘરોમાંથી કૅલેન્ડર પણ નીકળી ગયાં છે, પણ કૅલેન્ડર ઘડિયાળ જેવું જ કામ કરે છે જે સમય અને દિવસો પ્રત્યે તકેદારી રાખતાં શીખવે છે તો સાથોસાથ અટકી ગયેલા સમયને આગળ ધપાવવાનું કામ કરે છે. કૅલેન્ડર માટે એવું નથી કે ગુજરાતી કૅલેન્ડર જ રાખવું. ના, કોઈ પણ કૅલેન્ડર રાખો, પણ ઘરમાં કૅલેન્ડર હોય એ જરૂરી છે. ઘરના મુખ્ય રૂમમાં કૅલેન્ડર હોય એ અનિવાર્ય છે.

૪. મેઇન ડૉર પર ડૉરમેટ
મુંબઈ જેવા મેટ્રો કે અમદાવાદ જેવા સેમી મેટ્રો સિટીમાં છેલ્લાં થોડાં વર્ષોથી એક વિચિત્ર આદત જોવા મળે છે. ઘરના મેઇન ડૉરની અંદરના ભાગમાં ડૉરમેટ એટલે કે પગલૂછણિયું રાખવામાં આવે છે, પણ એ ખોટું છે. ઘરના મેઇન ડૉરની બહાર ડૉરમેટ હોવી જોઈએ અને ઘરમાં દાખલ થતી વખતે એ ડૉરમેટ પર પગ ઘસીને આવવાની આદત પણ કેળવવી જોઈએ. જો શક્ય હોય તો શૂ-રૅક ઘરની બહાર રાખો, પણ ધારો કે શૂ-રૅક બહાર રાખવા માટે અપાર્ટમેન્ટ કે સોસાયટી પરમિશન ન આપતી હોય તો શૂ-રૅક ઢાંકેલી રહે એવી વ્યવસ્થા કરો. ફરી આવી જઈએ ડૉરમેટની વાત પર.

ડૉરમેટ કેવી હોવી જોઈએ એના વિશે પણ વાસ્તુશાસ્ત્રમાં બહુ વિસ્તારપૂર્વક કહેવાયું છે, પણ એ વાતને ટૂંકમાં કહેવાની હોય તો કહી શકાય કે ડૉરમેટ બ્લૅક કલરની રાખવી જોઈએ. બ્લૅક કલરની ખાસિયત એ છે કે એ નેગેટિ​વિટી આગળ વધવા નથી દેતો. એને લીધે વ્યક્તિ સાથે આવતી નકારાત્મકતા ઘરમાં પ્રવેશતી નથી.

પ. ખુશ્બૂ અનિવાર્ય છે
તમે નાસ્તિક હશો તો તમને દીવાબત્તી કે ધૂપ કરવો નહીં ગમે. તમે આધુ​નિક વિચારધારા ધરાવતા હશો તો એવી દલીલ સાથે ધુમાડો નહીં કરવાના આગ્રહી બનશો કે ધુમાડો ફેફસાંને નુકસાન કરે. વાંધો નહીં, ઘરમાં એ કશું નહીં કરો; પણ તમે કપૂરદાની લાવીને ઘરમાં કપૂરની ખુશ્બુ પ્રસરે એવું તો કરી જ શકો. તમે ઍર-ફ્રેશનર લાવીને પણ આખા ઘરમાં ખુશ્બૂ પ્રસરાવી શકો છો. જે ગમે એ કરો અને જે રીત ગમે એ અપનાવો પણ ઘરમાં ખુશ્બૂ પ્રસરે એવું કરો. સાયન્સ પણ કહે છે કે ખુશ્બૂ ઘરમાં રહેતી વ્યક્તિમાં ડોપામાઇન જનરેટ કરે છે તો ઑરાશાસ્ત્ર કહે છે કે ખુશ્બૂ મૂળાધાર ચક્રને બૅલૅન્સ કરવાનું કામ કરે છે, જ્યારે વાસ્તુશાસ્ત્ર કહે છે કે ખુશ્બૂ ઘરમાં સકારાત્મકતા લાવે છે.

columnists gujarati mid-day