કોઈ પણ મધુર સંબંધોના પાયામાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ?

07 June, 2024 07:15 AM IST  |  Mumbai | Jayesh Chitalia

કોઈ પણ મધુર સંબંધના પાયામાં પરસ્પર સમજૂતી, માન, આદર, અભિગમ અને વિશ્વાસ હોવાં અનિવાર્ય છે

પ્રતીકાત્મક તસવીર

મધુર સંબંધ એ બે શબ્દો જ કેટલા મીઠા લાગે છે, પરંતુ સંબંધ અને મધુર એ બન્ને જુદા-જુદા છે અને એની વ્યાખ્યા પણ જુદી-જુદી હોઈ શકે. રાજકારણના સંબંધો કેવા હોય છે એ તો આપણે તાજેતરમાં જોઈ જ રહ્યા છીએ, પણ હકીકતમાં સામાજિક જીવનના સંબંધોમાં પણ રાજકારણ હોય છે અથવા હોઈ શકે છે. આપણે અહીં માત્ર મધુર સંબંધની વાત કરવી છે. કોઈ પણ સંબંધ મધુર કઈ રીતે બની શકે?

કોઈ પણ મધુર સંબંધના પાયામાં પરસ્પર સમજૂતી, માન, આદર, અભિગમ અને વિશ્વાસ હોવાં અનિવાર્ય છે. એના વિના સંબંધો મધુર બનવાની વાત તો બાજુએ રહી, સંબંધ બને કે નહીં યા ટકે કે નહીં એ પણ એક સવાલ રહી જાય.

પતિ-પત્નીના સંબંધ, મિત્રોના સંબંધ, પાડોશી સાથેના સંબંધ, સગાંઓ સાથેના સંબંધ, ઑફિસ-સ્ટાફ સાથેના સંબંધ વગેરે. માણસ એક યા બીજાં કારણો કે સમય-સંજોગોને લીધે બદલાતો રહે છે, પણ એનો અર્થ ખરાબ કે ખોટો જ હોવાનું માની ન શકાય. મતભેદો ચોક્કસ હોઈ શકે, મનભેદ ન આવે એ માટે બન્ને વ્યક્તિ યા પક્ષ પાસે મોટાં મન-મોટાં દિલ હોવાં જોઈએ. કહેવાય છે કે દરેક માનવી પાસે એક વિશાળ કબ્રસ્તાન યા સ્મશાન હોવું જોઈએ; જેમાં તે પોતાના સ્વજનો, મિત્રો વગેરેના દોષો દફનાવી યા બાળી શકે.

કોઈ પણ સંબંધો બંધનથી મુક્ત હોવા જોઈએ. બંધનવાળા સંબંધ મધુર બની શકે કે રહી શકે નહીં. બાંધે એ સંબંધ ન કહેવાય. સંબંધ કેટલા પણ નિકટના હોય, ગાઢ હોય, એકબીજાને સ્પેસ આપવી જ જોઈએ. અતિ નિકટતા સારી નહીં, અરીસાથી જેમ અંતર હોય તો પોતાને જોઈ શકીએ, બાકી અરીસા સાથે ચોંટી જઈએ તો પોતાને જ દેખાઈએ નહીં.

મધુર સંબંધ માટે પરસ્પર આનંદ કે રોમાંચ હોવા જરૂરી છે. સ્વભાવે ઉદાસ અને દુખી માણસો કોઈની પણ સાથે મધુર સંબંધ બાંધી શકે નહીં, અહંકારી અને ઈર્ષ્યાળુ વ્યક્તિના સંબંધ પણ મધુર બની શકે નહીં.

કેટલાક સંબંધો સ્વાર્થના હોય છે, એ કેટલા પણ નજીકના યા લોહીના હોય તો પણ મધુર બની શકતા નથી, જ્યાં અપેક્ષા અને સ્વાર્થ છે એ સંબંધ નથી, એ વેપાર છે.
સંબંધો કોઈની પણ વચ્ચે કે સાથે હોય, એમાં મિત્રતાનો ભાવ હોવો જોઈએ. મિત્રતાના ભાવવાળા સંબંધ મધુર બનતાં વાર નથી લાગતી. મિત્રતા જ એક એવો સંબંધ છે જે બંધન વિનાનો હોય છે. જો એમાં પણ બંધન આવી જાય તો એ પણ મધુરતા ખોઈ બેસે છે. 

columnists jayesh chitalia