10 December, 2022 01:37 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
માનવ અધિકાર દિવસ : માણસને ફક્ત માણસ હોવાને કારણે મળતા અધિકાર એ જ માનવ અધિકાર. જ્યારથી માણસે એેક સમાજ બનાવીને રહેવાનું શરૂ કર્યું ત્યારથી ભેદભાવ વિના સૌને મળતા હકની વાત આવી છે. આજે મુંબઈગરાઓ પાસેથી જાણીએ કે તેમના મતે એવા કયા અધિકાર છે જે દરેકને એક માણસ તરીકે મળવા જ જોઈએ
માનવ અધિકાર અને એનું મહત્ત્વ આપણા જીવનમાં ઘણું છે. આ એ અધિકાર છે જે દરેક માણસને એટલા માટે મળે છે, કારણ કે એ ‘માણસ’ છે. માણસ તરીકે આપણે આ પૃથ્વી પર જન્મ લીધો તો એ માણસના હોવાપણાનો અધિકાર જ આપણને માનવ અધિકાર માટેની પાત્રતા આપે છે. આ અધિકાર આપણને કોઈ દેશ કે કોઈ સરકારે આપેલા નથી કે દેશ બદલે કે નાગરિકતા બદલે તો એ અધિકારો બદલાઈ જાય. ઊલટું આ અધિકારો યુનિવર્સલ છે. દરેક જગ્યાએ એ લાગુ પડે છે. દેશ, ધર્મ, જાતિ, પ્રાંત, ભાષા, અમીરી-ગરીબી, સ્ત્રી-પુરુષ, ગોરા-કાળા જેવા ભેદભાવોથી પણ આ અધિકારો પરે છે. માનવ અધિકાર આપણને બધાને એક કરે છે. દરેક માણસ સરખો છે એવી એક ભાવના પ્રસ્થાપિત કરવા ૧૯૪૮માં યુનાઇટેડ નેશન્સ (યુએન) જનરલ એસેમ્બલી દ્વારા અમુક નિયમોને માનવ અધિકાર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા, જેને મૂળભૂત માનવ અધિકાર ગણવામાં આવે છે, જેનું રક્ષણ કરવાની જવાબદારી યુએને લીધી. ધ યુનિવર્સલ ડિક્લેરેશન ઑફ હ્યુમન રાઇટ્સ યુએન જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકારાયા, જે છેલ્લાં ૭૪ વર્ષથી એનું રક્ષણ કરી રહી છે. દુનિયાના દરેક દેશની પણ એ નૈતિક જવાબદારી છે કે એ પોતાના નાગરિકોના માનવ અધિકારનું રક્ષણ કરે.
માનવ અધિકારમાં ખોરાક, ભણતર, સમાનતા, હેલ્થ, આઝાદી જેવા ઘણા મુદ્દાઓનો સમાવેશ થાય છે. માનવ અધિકાર માણસની ગરિમા જળવાઈ રહે એના માટે હોય છે. માનવ અધિકાર આપણને ભેદભાવથી પરે રાખે છે અને આપણે સમગ્ર માનવજાતિ એક જ છીએ એવી એક ભાવના પ્રસ્થાપિત કરે છે. હજી પણ જ્યારે માણસ વેચાય છે, તેને ગુલામ બનાવીને શોષણ થાય છે, ભૂખમરામાં જ્યારે તે મૃત્યુ પામે છે, જાતિ-ધર્મ કે રંગનો ભેદભાવ કરીને તેને ઉતારી પાડવામાં આવે છે કે તેની જોડે અન્યાય થાય છે ત્યારે માનવ અધિકારોનું હનન થાય છે. જો માનવજાતિને આપણે શ્રેષ્ઠ માનતા હોઈએ તો માનવ અધિકારોનું સંપૂર્ણ પાલન જ એને શ્રેષ્ઠ બનાવે છે, કારણ કે આ અધિકારો જ્યારે આપણે દુનિયામાં દરેક માણસ સુધી પહોંચાડીશું ત્યારે જ આપણે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન ગણાઈશું. આ અધિકારો બાબતે જાગૃતિ ફેલાવવા માટે દુનિયામાં દર વર્ષે ૧૦ ડિસેમ્બરે હ્યુમન રાઇટ્સ ડે એટલે કે માનવ અધિકાર દિવસની ઉજવણી થાય છે. આજે લોકો પાસેથી જાણીએ કે તેઓ કોને માનવ અધિકાર ગણે છે અને એનું મહત્ત્વ શું છે.
વાણી સ્વાતંત્રતાની ગણના માનવ અધિકાર તરીકે થવી જ જોઈએ - ઉષા ગાલા, ૬૩ વર્ષ, ગામદેવી
માણસ ઉચ્ચતર કહેવાય છે, કારણ કે જે કોઈ જીવ-પશુ-પક્ષી પાસે નથી એ તેની પાસે છે અને એ છે વાણી અને ભાષા. તે જે વિચારે છે એને વ્યક્ત કરવા માટે તેની પાસે વાણી છે, પરંતુ તે ત્યારે જ એને વ્યક્ત કરી શકે જ્યારે આપણે માણસને વાણી સ્વતંત્રતાનો હક આપીએ. માણસને જે મગજ આપવામાં આવ્યું છે એમાં દરરોજ લાખો વિચારો જન્મે છે. એમાંથી હજારો એવા હોય છે જે ખૂબ કામના હોય છે અને સદ્ભાગ્યે એમાંથી જ એકાદ એવો વિચાર હોય છે જે દુનિયાને બદલી શકવાની તાકાત ધરાવતો હોય છે. આ વિચારનું મહત્ત્વ જ ત્યારે છે જ્યારે એને વાણી સ્વરૂપે બહાર આવવાની પૂરી છૂટ હોય. આપણી પ્રગતિ જે આટલાં વર્ષોમાં થઈ છે એ એટલે, કારણ કે આપણી પાસે વાણી સ્વાતંત્ર્ય હતું. જ્યારે વિચારને વાણી મળતી નથી ત્યારે એ મનમાં જ ધરબાઈને મૃત્યુ પામે છે અને જો આવું થાય તો પ્રગતિ અને ઉત્થાન બંને રૂંધાય. આમ બધા જ અધિકારો જરૂરી છે પણ મારા મતે વાણી સ્વાતંત્ર્ય ખૂબ જરૂરી છે, જેને આ લોકો માનવ અધિકાર ગણતા નથી પરંતુ એ અધિકાર દરેક માણસને મળવો જોઈએ.
દરેકને સારી મેડિકલ ફૅસિલિટી મળે - અનિલ ધરોડ, ૬૨ વર્ષ, દાદર
રોટી, કપડાં અને મકાન દરેક માણસની મૂળભૂત જરૂરિયાતોમાં ગણાય. આદર્શ રીતે એ જરૂરિયાતો તેને મળી રહે એ એનો અધિકાર ગણી શકાય. આટલાં વર્ષોથી હજી પણ આપણે આ મૂળભૂત જરૂરિયાતો દરેક માણસને આપી શક્યા નથી એ માનવ જાતિ માટે શરમજનક ગણાય. હજી આપણે આટલું તો પૂરું નથી કરી શક્યા પરંતુ જે વિકાસ થયો છે એમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ રોટી, કપડાં અને મકાનથી પણ આગળ વધી ગઈ છે, જેમાં પહેલું સ્થાન હેલ્થનું છે. માણસ બીમાર પડે તો તેને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડી જ શકવા જોઈએ, કારણ કે ઇલાજ દરેક માનવનો અધિકાર હોવો જોઈએ. તેની પાસે પૈસા હોય કે ન હોય, પણ ૨૧મી સદીમાં કોઈ વ્યક્તિ વગર ઇલાજે મૃત્યુ પામી એ ખૂબ શરમજનક કહેવાય. ૨૧મી સદીમાં હેલ્થ મૂળભૂત જરૂરિયાતોમાં છે એટલે જ આપણે એને માનવ હકની કૅટેગરીમાં ઉપર મૂકી શકીએ. ઓળખાણ હોય કે પૈસા હોય તો જ તમારો ઇલાજ શક્ય છે એવું ન હોવું જોઈએ. રસ્તા પર રહેતો માણસ કે બંગલામાં રહેતો કરોડપતિ દરેકને મેડિકલ ફૅસિલિટી સરખી અને સારી જ મળવી જોઈએ.
માણસને શાંતિભર્યું જીવન મળે - ધીરજ વીરા, ૭૦ વર્ષ, દાદર
આદિમાનવ પશુઓની જેમ ખોરાક માટે લડતા, સુરક્ષા માટે લડતા. પણ આવું પશુ જેવું જીવન જીવવું ન હોવાથી સમાજનું નિર્માણ કર્યું. ખોરાક ઉગાડ્યો અને પશુઓ કરતાં જુદા એક સ્ટેબલ જીવનનું નિર્માણ કર્યું. જ્યાં નિર્ભય જીવન આપણે જીવી શકીએ. પરંતુ આજે માણસ જ માણસનો દુશ્મન બન્યો છે. ઘરના કંકાસથી લઈને વિશ્વયુદ્ધ સુધીની તકલીફોમાં દેખાય છે કે આપણે જ એકબીજાનું જીવન હરામ કરી રાખ્યું છે. મને લાગે છે કે માનવ અધિકારમાં સૌથી પહેલો અધિકાર હોવો જોઈએ કે હું માણસ તરીકે એક શાંતિપૂર્ણ જીવન જીવી શકું, જેના માટે દરેકે માનવતાનું પાલન કરવું જરૂરી છે. જ્યારે આપણે બીજા માનવ પ્રત્યે સહિષ્ણુ બનીશું ત્યારે શાંતિ સ્થાપિત થશે. આપણે માનવ સમૂહ તરીકે વિપદાઓ સામે લડવાનું છે અને જીતવાનું છે. આપસમાં લડવાનું નથી.
સ્ત્રીને દેવી સમજવાની જરૂર નથી પણ માણસ તો સમજીએ - સરોજ વીરા, ૫૪ વર્ષ, બોરીવલી
હજારો વર્ષોની આ લડત છે સ્ત્રીની. ઇતિહાસ ઉઠાવીને જુઓ કે આજની નિર્ભયાને જુઓ તો સમજાશે કે માનવ અધિકાર તરીકે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન ગણવામાં આવ્યા છે પરંતુ સમાજમાં આજે પણ સ્ત્રી-પુરુષ સમાન નથી. સમાજમાં ક્યારેય જોયું કે સ્ત્રીએ પુરુષ પર બળજબરી કરી હોય? પુરુષ જ સ્ત્રી પર શારીરિક, માનસિક અને સામાજિક બળજબરી કરતો આવ્યો છે. એનું કારણ છે કે સ્ત્રીને સમાન તો ઠીક પરંતુ સ્ત્રીને માણસ પણ નથી ગણતા કોઈ. રેપના કિસ્સાઓ હોય કે જીવતા બાળવાના કે ભ્રૂણહત્યાના, દરેક કિસ્સા એક વસ્તુ સ્પષ્ટ કરે છે કે સ્ત્રીને માણસ પણ ગણવામાં આવતી નથી. તેની જોડે જે અત્યાચાર થાય છે એવો કોઈ જાનવર જોડે પણ ન કરે. માનવ અધિકારમાં આ સૌથી વધુ જરૂરી મુદ્દો છે કે દુનિયાની લગભગ અડધી વસ્તીને માણસ પણ ગણવામાં નથી આવતી ત્યારે એને એ દરજ્જો માનવ અધિકાર તરફથી મળે. સ્ત્રીઓને દેવીનો દરજ્જો નથી જોઈતો. તેને ફક્ત માણસનો દરજ્જો આપો તો પણ ઘણું થઈ ગયું.