તારીખ પે તારીખનો જમાનો હવે જશે એમ?

30 June, 2024 09:46 AM IST  |  Mumbai | Ruchita Shah

આવતી કાલે અમલમાં મુકાનારા નવા ક્રિમિનલ લૉ પ્રમાણે આવું સંભવ છે એવો દાવો કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં કર્યો હતો. ન્યાયપ્રણાલીની દૃષ્ટિએ આવતી કાલનો દિવસ ઐતિહાસિક છે; કારણ કે ૧૮૬૦માં લાગુ થયેલો ઇન્ડિયન પીનલ કોડ હવે ભારતીય ન્યાયસંહિતા બની જશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

‘શ્રી ૪૨૦’ ફિલ્મ યાદ છે? ૧૯૫૫ની ૬ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી રાજ કપૂર અને નર્ગિસની આ સુપરહિટ ફિલ્મ જો આજે બને તો એનું નામ બદલીને ‘શ્રી ૧૩૮’ (૪) રાખવું પડે. કારણ કે છેતરપિંડીના ગુનાઓને સમાવતી ૪૨૦ની કલમ હવે બદલાઈ ગઈ છે. આ એક નહીં, ક્રિમિનલ લૉના કાયદામાં આવેલો ધરમૂળ બદલાવ હવે દરેક કલમમાં લાગુ પડશે. બ્રિટિશરાજમાં ૧૮૬૦માં લાગુ કરવામાં આવેલા ‘ઇન્ડિયન પીનલ કોડ’ (IPC), ૧૮૭૨માં લાગુ થયેલો ‘ઇન્ડિયન એવિડન્સ ઍક્ટ’ અને ૧૮૯૮માં લાગુ થયેલો કાયદો કોડ ઑફ ક્રિમિનલ પ્રોસીજર (CrPC) હવે બદલાયા છે. ડિસેમ્બર ૨૦૨૩માં ઠરાવ પાસ થયા પછી ઘડાયેલા આ નવા કાયદાનું અનુસરણ આવતી કાલથી એટલે કે પહેલી જુલાઈથી થવાનું છે. ઇન્ડિયન પીનલ કોડને બદલે ભારતીય ન્યાયસંહિતા, ૨૦૨૩ (BNS), કોડ ઑફ ક્રિમિનલ પ્રોસીજરને બદલે હવે ભારતીય નાગરિક સુરક્ષાસંહિતા, ૨૦૨૩ (BNSS) આવશે અને ઇન્ડિયન એવિડન્સ ઍક્ટને બદલે હવે ભારતીય સાક્ષ અધિનિયમ, ૨૦૨૩ (BSA) લાગુ કરવામાં આવશે. ૧૬૩ વર્ષ પછી ભારતીય ન્યાય-વ્યવસ્થામાં આવેલો આ સૌથી મોટો બદલાવ કહી શકાય. ક્રિમિનલ પ્રોસીજર સાથે વણાયેલા કાયદાને નવા રંગરૂપમાં રજૂ કરવાનું કાર્ય ૨૦૧૯થી સરકારે આરંભી દીધું હતું, જેનું ધ્યેય હતું કે બ્રિટિશકાળથી ચાલી આવતી કૉલોનિયલ માનસિકતામાંથી બહાર આવીને બદલાયેલા સમયની જરૂરિયાતને સમજીને કાયદાનું ગઠન થાય. કાયદાનું બિલ પાસ થાય એ પહેલાં ગૃહપ્રધાન અમિત શાહે આપેલી પાર્લમેન્ટરી સ્પીચમાં તેમણે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો કરી હતી જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ‘દોઢસો વર્ષ જૂના અંગ્રેજોના સમયમાં બનેલા કાયદામાં ગુલામીની માનસિકતા અને ગુલામીનાં ચિહ્‍‍નો હતાં. એની પાછળનું ધ્યેય વિદેશી શાસક દ્વારા ગુલામીમાં રહેલી પ્રજા પર પોતાનું આધિપત્ય જમાવવાનું હતું જેમાં દંડને પ્રાધાન્ય અપાયું હતું. વ્યક્તિની સ્વતંત્રતા, માનવ અધિકાર અને સૌની સાથે સમાન વ્યવહાર એ ત્રણ પાયાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને નવા ક્રિમિનલ લૉનું ગઠન આપણે કર્યું છે. પહેલાંના કાયદામાં અંગ્રેજોના શાસનમાં વિઘ્ન ઊભું કરનારી બાબતને પ્રાધાન્ય અપાયું હતું, જ્યારે નવા કાયદામાં મહિલા અને બાળકો સાથે થતા ક્રાઇમને પ્રાધાન્ય અપાયું છે. દેશની સુરક્ષા, રાષ્ટ્રહિત એ હવે આપણી પ્રાથમિકતા છે અને આપણી કાયદાકીય કલમોમાં પણ એને અગ્રણી સ્થાન મળવું જોઈએ.’

ઍડ્વોકેટ અમિત દેસાઈ

આવડા મોટા બદલાવની દેખીતી રીતે કાનૂની પડદે જોરદાર અસર થાય એ સ્વાભાવિક હતું. એક તરફ સરકાર દ્વારા વિવિધ પોલીસ-કર્મચારીઓથી લઈને ન્યાય-વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોને ટ્રેઇન કરવાની દિશામાં યુદ્ધના ધોરણે કામ શરૂ થયું, તો બીજી બાજુ દેશનાં બાર કાઉન્સિલ પણ નવા ક્રિમિનલ લૉને સમજવા અને એના પર ચર્ચાસત્રો યોજવા માંડ્યાં. એનો વિરોધ કરનારા પણ આવ્યા અને એના અમલીકરણ પર સ્ટે મુકાવા માટેની પિટિશન પણ દાખલ થઈ છે. એક વિરોધ એવો પણ થયો કે સસ્પેન્ડ કરાયેલા વિરોધ પક્ષના ૯૭ સંસદસભ્યોની ગેરહાજરીનો લાભ લઈને આ ત્રણ ક્રિમિનલ લૉ સંસદમાં પાસ થયો છે. જોકે એ બધા વચ્ચે પણ હવે આ નવા કાયદા આવતી કાલથી અમલમાં મુકાઈ જશે. ત્યારે પ્રશ્ન થાય છે કે ખરેખર આ પ્રકારના ધરમૂળ બદલાવની જરૂર હતી? સંપૂર્ણ નવી કલમો સાથે આવેલા કાયદાનાં પુસ્તકોએ વકીલો અને જજને ફરીથી કૉલેજના દિવસોની યાદ અપાવીને નવેસરથી ભણવા મજબૂર કર્યા છે ત્યારે તેઓ આ નવા કાયદામાં શું નવું જોઈ રહ્યા છે? એવી કઈ બાબતો છે જે તેમને ડંખે છે? કઈ બાબતોમાં ખરેખર સરકારે ફેરવિચારણા કરવાની જરૂરિયાત છે જેવા વિષય પર ‘મિડ-ડે’એ મુંબઈના અગ્રણી વકીલો સાથે કરેલી રોચક વાતો પ્રસ્તુત છે...

બદલાવ એ જ જિંદગી

ઍડ્વોકેટ દીપેશ મહેતા


ઇન્ટરનૅશનલ સ્તરે ઍડ્વોકેટ તરીકે સક્રિય અને સલમાન ખાનથી લઈને હૃતિક રોશન સુધીની બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝના માનીતા ઍડ્વોકેટ દીપેશ મહેતા આ નવા ક્રિમિનલ લૉમાં આવેલા રૂપાંતરણથી ખૂબ ખુશ છે. તેઓ કહે છે, ‘આપણે ત્યાં ઘણા પ્રોફેશનમાં ડિગ્રી મળી ગઈ એટલે ભણવાનું પૂરું થઈ ગયું એવું મનાય છે, પરંતુ દુનિયામાં એવું નથી. દુનિયામાં સતત પ્રોફેશનલ ટ્રેઇનિંગ ચાલતી જ રહે છે. વકીલાતની ડિગ્રી મળ્યા પછી પણ સતત જાતને અપગ્રેડ કરતા રહેવાની, નવા-નવા કાયદાઓની અને બદલાવોની સ્ટડી કરતા રહેવાની કેળવણી મને દુનિયાના અન્ય દેશોમાં વકીલાત કરતાં-કરતાં મળી છે. દુનિયામાં તો એવો નિયમ છે કે તમારે દર વર્ષે તમારું સર્ટિફિકેટ રિન્યુ કરાવતા રહેવું પડે છે. જો તમારો સ્માર્ટફોન પણ અપગ્રેડ માગે છે તો પ્રોફેશનમાં તો અપગ્રેડ થવાનું જ હોય, જેને હું સારી અને જરૂરી બાબત ગણું છું. આપણે ત્યાં બ્રિટિશના સમયથી ચાલ્યા આવતા કાયદામાં બદલાવની જરૂર હતી અને એ બદલાવ આવ્યો એને હું એક સારી નિશાની ગણું છું. આ પોતાના દેશ માટેની પ્રોગ્રેસિવ વિચારધારા સાથે લેવાયેલું પગલું છે. ભલે કાયદા કદાચ સિમિલર હોય તો પણ બદલાયેલા નામની પણ એક જબરી સાઇકોલૉજિકલ અસર પડતી હોય છે. કોઈ પણ બદલાવ થોડું ડિસકમ્ફર્ટ લઈને જ આવે છે એટલે એના વિરોધમાં પડવાને બદલે એનો સ્વીકાર કરીને આખી પ્રોસેસને સ્મૂધ બનાવવાની દિશામાં શું કરી શકાય એવા પ્રયાસ વકીલો તરફથી અને સરકાર તરફથી એમ બન્ને પક્ષે થવા જોઈએ. કોઈ ફાઇવસ્ટાર હોટેલમાં ટ્રેઇનિંગ સેમિનાર્સ સરકાર યોજે અને બન્ને પક્ષે ડાયલૉગ્સનો અવકાશ થાય તો ખરેખર એને વધુ પૉઝિટિવલી સ્વીકારવામાં આવશે. આવામાં તો કોઈ સારી સૉલિસિટર ફર્મ હોંશે-હોંશે સ્પૉન્સરશિપ પણ આપે. વર્ષોજૂની રટાઈ ગયેલી કલમ ભૂલીને હવે નવેસરથી સ્ટડી કરવું પડશે એ વાતથી વકીલો પરેશાન છે, પણ તમે એ કેમ ભૂલી જાઓ છો કે દરેક રાજ્યના પણ પોતાના લેજિસ્લેટિવ કાયદા છે અને તમારે સતત કેસ ટુ કેસ એ બધાનો અભ્યાસ કરવો પડતો હોય છે. રાજસ્થાનમાં એક માઇનિંગને લગતો કેસ હતો ત્યારે મારે એ રાજ્યના જુદા માઇનિંગને લગતા કાયદા ફરી સ્ટડી કરવા પડ્યા હતા. એવી જ રીતે મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ ફૉરેસ્ટ ઍક્ટ જુદો જ છે. મને લાગે છે કે જેમ જૂના ઘરમાંથી નવા ઘરમાં ઍડ્જસ્ટ થવામાં ટાઇમ લાગે કે નવી ગાડી ડ્રાઇવ કરતી વખતે હાથ બેસાડવામાં ટાઇમ લાગે એમ આ નવા કાયદા સાથે પણ આપણે જલદી ઍડ્જસ્ટ થઈ જઈશું.’

ખરેખર જરૂર હતી?

ભારતીય ન્યાય-વ્યવસ્થાના ઇતિહાસમાં આખેઆખો ક્રિમિનલ લૉ બદલી નાખવાનો પહેલો પ્રસંગ છે, જેને કારણે ક્રિમિનલ લૉનાં જૂનાં પુસ્તકોને રદ્દીમાં વેચવાં પડે એવી સ્થિતિ છે, પણ શું ખરેખર એની જરૂર હતી? આ સંદર્ભે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનો કેસ લડનારા અને સલમાન ખાન વતી કેસ લડી ચૂકેલા મુંબઈના સિનિયર સેલિબ્રિટી ઍડ્વોકેટ અમિત દેસાઈ ‘મિડ-ડે’ સાથેની ખાસ વાતચીતમાં કહે છે, ‘ના, આખેઆખા કાયદાને કે એના નામને બદલવાને બદલે માત્ર એમાં જરૂરી ફેરફાર કર્યા હોત તો પણ ચાલ્યું હોત. ભૂતકાળમાં પણ આ કાયદાઓમાં અમેન્ડમેન્ટ થતા આવ્યા છે. ભલે નામ બ્રિટિશરોએ આપ્યું હોય, પણ એમાં તો ભારતની જ વાત આવતી હતી. ઇન્ડિયન પીનલ કોડ જ કાયદાનું નામ હતું, ક્યાંય બ્રિટિશ પીનલ કોડ એવું તો નહોતું જ. ખેર, નામ સામે પણ આપણને વાંધો નથી, પરંતુ તમે જો જનરલ સ્ટડી પણ જૂના અને નવા કાયદા વચ્ચે કરો તો સમજાશે કે મોટા ભાગની કલમો સરખી છે. નંબર ઓછા કર્યાનું કહેવાય છે, પણ જો થોડા ઊંડા ઊતરશો તો દેખાશે કે જૂના ઇન્ડિયન પીનલ કોડમાં જેને ચાર જુદાં-જુદાં સેક્શન આપ્યાં હતાં એને નવા કાયદામાં એક જ સેક્શન આપીને બાકીની ત્રણ વાતોને એના સબ-સેક્શનમાં મૂકી દીધી જેથી કલમોની સંખ્યા ઘટેલી દેખાય, પણ ખરેખર ઘટી નથી. અનુક્રમણિકામાં કલમના નંબર બદલાયા છે, પણ મોટા ભાગની કલમોમાં કોઈ બીજો બદલાવ નથી. એટલે જ એવું લાગે કે નવા નામ કે નવા નંબરને બદલે જૂના જ કાયદામાં જરૂરી અમેન્ડમેન્ટ કરાયા હોત, જરૂરી વસ્તુ ઉમેરી હોત, બિનજરૂરી વસ્તુઓ કાઢી નાખી હોત તો અત્યારે જે કન્ફ્યુઝન થઈ રહ્યું છે એ ન થાત. આખી પ્રોસેસ વધુ સરળ બની ગઈ હોત.’

જોકે સાથે એમ પણ કહીશ કે હજીયે આપણે ત્યાં સાઇબર ક્રાઇમના વધી રહેલા બનાવોને ગંભીરતાથી લેવાવાની જરૂર હતી એમ જણાવીને અમિત દેસાઈ ઉમેરે છે, ‘ક્રિમિનલ લૉમાં સાઇબર ક્રાઇમનો એક જુદો જ ભાગ પાડીને એને સ્વતંત્ર રીતે કાયદાકીય રીતે પ્રસ્તુત કરવાની જરૂર હતી. બીજું, અમુક બદલાવો પ્રૅક્ટિકલ નથી લાગતા. જેમ કે ઇન્ડિય પીનલ કોડની કલમ ૩૭૭ કલમ કાઢી નાખવામાં આવી. સેમ જેન્ડર દ્વારા જો અબ્યુઝ થાય અથવા તો કોઈ અનનૅચરલ સેક્સ્યુઅલ અબ્યુઝ થાય તો એ કાયદાની ભાષામાં હવે ગુનો નથી. એટલે કે કોઈ વ્યક્તિ કોઈ પશુ સાથે અનનૅચરલ સેક્સ્યુઅલ ઍક્ટિવિટીમાં જાય કે કોઈ પુરુષ બીજા પુરુષ અથવા કોઈ સ્ત્રી બીજી સ્ત્રી સાથે સેક્સ્યુઅલ અસોલ્ટ કરે તો એ ગુનો નથી. બીજી વાત, ઑર્ગનાઇઝ્ડ ક્રાઇમ અને ટેરરિસ્ટ ઍક્ટ નવા કાયદામાં ઉમેરવામાં આવ્યા છે, પણ પહેલેથી જ દરેક રાજ્યમાં સ્ટેટ લેજિસ્લેશનમાં મૉબ-લિન્ચિંગના કાયદા છે. અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (UAPA)માં ટેરરિઝમની સજાની કલમો છે. મૉબ-લિન્ચિંગને ક્રિમનલ લૉમાં ઉમેરવાને બદલે દરેક રાજ્યને જ એ તેમના સ્ટેટ લેજિસ્લેશનમા ઉમેરવાનું કહી શકાયું હોત. બીજું, ટેરરિઝમ ઍક્ટની જે કલમો નવા કાયદામાં ઉમેરાઈ છે તો હવે કોર્ટમાં તમે UAPAની કલમોને માન્ય રાખશો કે આ નવા ક્રિમિનલ લૉને. બન્ને જગ્યાએ એને સ્થાન આપવાનો કોઈ અર્થ નથીને?’

બેશક, અમિત દેસાઈ ઘણા પૉઝિટિવ બદલાવની પણ ચર્ચા કરે છે જેને આગળ જોઈશું, પણ એ પહેલાં ક્રિમિનલ લૉનો વિરોધ કરતો એક પત્ર સિનિયર ઍડ્વોકેટ વિલ્સને કેન્દ્રીય કાયદો અને ન્યાયપ્રધાનને લખ્યો છે જેમાં આપેલી વિગતો જાણવા જેવી છે. ઍડ્વોકેટ વિલ્સન લખે છે કે ભારતના દરેક રાજ્યમાં હિન્દી ઉપરાંત જુદી-જુદી ભાષા બોલાય છે, નવા કાયદામાં માત્ર અમુક શબ્દોને બાદ કરતાં ત્રણેય નવા કાયદા અંગ્રેજી ભાષામાં છે, પરંતુ કાયદાનું ટાઇટલ હિન્દીમાં છે જે કલમ ૩૪૮નું ઉલ્લંઘન છે. બદલાવ માત્ર નવી બૉટલમાં જૂનો દારૂ આપવા જેવો છે. લેટરમાં રાજ્ય સ્તરીય સરકારી અધિકારી, જજ, પોલીસ ઑથોરિટી, બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા, સ્ટેટ બાર કાઉન્સિલ, રાજ્ય સ્તરીય બાર અસોસિએશન, સિનિયર ઍડ્વોકેટ્સ, ઍડ્વોકેટ અસોસિએશન, લૉ સ્કૂલ્સના અગ્રણી વગેરેને વિશ્વાસમાં લીધા વિના આટલો મોટો નિર્ણય લેવામાં આવ્યો એ પણ અયોગ્ય નિર્ણય ઠેરવ્યો છે.

કેટલાક વકીલો દ્વારા એવો પણ દાવો થઈ રહ્યો છે કે નાગરિકોના હિતની વાતો અને કૉલોનિયલ માનસિકતામાંથી બહાર આવવાની પૂર્વભૂમિકા સાથે રજૂ કરાયેલા નવા કાયદા હકીકતમાં પોલીસને વધુ પડતો પાવર આપનારા અને નાગરિકોના મૂળભૂત કાયદાનું હનન કરનારા છે. એટલું જ નહીં, ૨૦ વર્ષ સુધી પહેલી જુલાઈ પહેલાંના કેસમાં જૂના જ કાયદા મુજબ ન્યાય અપાશે એ વાત પણ જબરું કન્ફ્યુઝન ક્રીએટ કરનારી છે.

નામ થોડું સારું હોત તો...

ઍડ્વોકેટ નીતિન ઠક્કર


રાખી સાવંતથી લઈને રાધે માંના કેસ લડી ચૂકેલાં અને બે દાયકા કરતાં વધુ સમયથી ક્રિમિનલ લૉયર તરીકે પ્રૅક્ટિસ કરી રહેલાં ફાલ્ગુની બ્રહ્મભટ્ટ માને છે કે નવા કાયદા સાથે નવા પડકાર પણ આવશે, પરંતુ હવે એને સ્વીકારીને રસ્તો પણ શોધવો પડશે. તેઓ કહે છે, ‘બેશક અત્યારે સ્ટડીઝ શરૂ કરી છે. નિયમિત દરરોજ રાતે નવા કાયદા અને કલમોના નવા નંબરની સ્ટડી કરવાનું રૂટીન બનાવ્યું છે. અત્યારે એમ લાગે છે કે વર્ષોની પ્રૅક્ટિસ પછી ફરીથી ભણવાનું શરૂ કર્યું છે. ખેર એમ તો દરેક કેસ માટે પુષ્કળ સ્ટડી કરતા જ હોઈએ છીએ અને મને આ હોમવર્ક ગમી પણ રહ્યું છે.

ઍડ્વોકેટ ફાલ્ગુની બ્રહ્મભટ્ટ

બેશક, અમેન્ડમેન્ટ કર્યું હોત જૂના કાયદામાં જ તો કામ થોડું સરળ થાત. નવા કાયદા માટે આપણી પાસે સાઇટેશન કે જજમેન્ટ નથી એટલે શરૂઆતના કેસમાં તકલીફ પડવાની છે. ક્રિમિનલ કેસની કોર્ટરૂમ પ્રક્રિયામાં ડિજિટાઇઝેશન એ મને સૌથી વધુ ગમેલો બદલાવ છે. બસ, મને એક જ વાત ન ગમી. જે પ્રકારનાં નામ આ કાયદાને અપાયાં છે એ અનયુઝ્‍વલ છે. બોલચાલની ભાષામાં નવી પેઢી માટે અઘરા પડી શકે એમ છે. પહેલાંના ક્રિમિનલ લૉનાં નામ બોલચાલમાં સરળ હતાં. નામને લઈને થોડી વધુ વિચારણા કરીને સરળતમ નામ રખાયાં હોત તો વધુ ગમ્યું હોત.’

સારું શું છે?
ઘણા વકીલો આ નવા કાયદાનાં બેમોઢે વખાણ કરી રહ્યા છે. મડદામાં આત્માનો સંચાર થાય અને જે ફેર પડે એવો જ ફેર ક્રિમિનલ લૉમાં આવેલા બદલાવથી પડવાનો છે એમ જણાવીને અગ્રણી વકીલ અમિત મહેતા કહે છે, ‘નવા ક્રિમિનલ લૉમાં નાના-નાના ગુનાઓ કરનાર વ્યક્તિ અને પહેલી વાર ગુનો કરનારી વ્યક્તિને સુધરવાનો ચાન્સ આપ્યો છે. જેમ કે પહેલી વાર પાકીટ માર્યું હોય, બ્રેડ કે કોઈ ખાવાની વસ્તુની ચોરી કરી હોય, સંજોગોને કારણે નાનાઅમસ્તા ગુનામાં સંડોવાયેલાઓને સજા આપવાને બદલે તેને ફરીથી પોતાની ભૂલ ઓળખીને સમાજોપયોગી કામ કરીને બહેતર બનવાની તક આ કાયદામાં છે એ ખરેખર પ્રશંસનીય છે. ઉંમર અને અવસ્થાને પ્રાધાન્ય મળ્યું છે. ૬૦ વર્ષની ઉંમરથી વધુ વયના લોકોએ પોલીસ પાસે જવાની જરૂર નથી, પણ પોલીસ તેમની મદદે ઘરે આવશે. નવા કાયદા પ્રમાણે રેપ સર્વાઇવરનું સ્ટેટમેન્ટ ઘરે જઈને લેવાશે. પહેલાં મોઢું કવર કરીને કોર્ટમાં લઈ જવા પડતા. પહેલાં તેણે એકલાએ વાત કરવી પડતી જ્યારે આખા પ્રોસિડિંગમાં ફૅમિલી મેમ્બર્સ હાજર રહી શકશે. રેપ, ચાઇલ્ડ અબ્યુઝ જેવા ગુના માટે સજા વધુ આકરી બનાવાઈ છે. છટકબારીઓ બંધ કરવાની કોશિશ થઈ છે જેથી ઝડપથી ન્યાય મળી શકે. ત્રણ વર્ષથી ઓછી સજાવાળો ગુનો હોય તો તાત્કાલિક અરેસ્ટ ન કરવાનું પ્રાવધાન ભૂલથી ગુનેગાર બનવાની દિશામાં આગળ વધનારાઓને સુધરવાનો ચાન્સ આપશે.’
બેઇલ માટેના બહુ સરસ નિયમો આ નવા કાયદામાં છે. અમિત મહેતા કહે છે, ‘જેમ કે ત્રણ વર્ષથી ઓછી સજાવાળા જે ગુનેગાર છે એ લોકો અડધી સજા ભોગવી લે એ પછી તેમને બાય ડિફૉલ્ટ બેઇલ મળશે. પહેલી વારના ગુનેગારને પણ ત્રીજા ભાગની સજા ભોગવી લીધા પછી આપોઆપ બેઇલ મળશે. હિટ ઍન્ડ રન કેસમાં ગુનેગાર જો પોલીસમાં રિપોર્ટ કર્યા વિના ઘટનાસ્થળેથી ભાગી જાય તો તેને આર્થિક ફાઇનની સાથે ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે. આનાથી એ લાભ થશે કે અકસ્માતમાં ઇન્જર્ડ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળશે અને તેના બચી જવાના ચાન્સ વધશે. નવા કાયદામાં વકીલ ટ્રાયલ દરમ્યાન કોર્ટ પાસેથી બેથી વધુ વાર તારીખો નહીં લઈ શકે. એટલે કે ‘તારીખ પે તારીખ’વાળો સિલસિલો અહીં અટકશે. ઘણી વાર વકીલો કેસને ખેંચવા માટે ટ્રાયલ કર્યા વિના વારંવાર જુદાં-જુદાં બહાનાં બતાવીને નવી તારીખ લઈ લેતા હોય છે. નવા કાયદામાં પોલીસ-કસ્ટડીની ૧૫ દિવસની સમયમર્યાદા વધારીને નાઇન્ટી ડેઝ કરી છે જેથી ઘણા રીઢા ગુનેગાર પોલીસને કો-ઑપરેટ ન કરે અને ૧૫ દિવસની પોલીસ-કસ્ટડીનો સમય કોઈ બહાનાં કાઢીને પૂરા કરી નાખે તો આ ૯૦ દિવસ પોલીસ પાસે હોય જેને કારણે તેઓ વધુ બહેતર રીતે ઇન્વેસ્ટિગેટ કરી શકે.’

ઍડ્વોકેટ અમિત મહેતા

ટેક્નૉલૉજીનો ઉપયોગ પણ આજે ટેક્નૉલૉજી ઓવરપાવર થઈ રહી છે ત્યારે નવા ક્રિમિનલ લૉમાં બધું જ ડિજિટાઇઝ કરવાની દિશામાં જે ઉમેરા થયા છે એની જેટલી પ્રશંસા થાય એટલી ઓછી છે. એ દિશામાં વધુ વાત કરતાં ઍડ્વોકેટ અમિત દેસાઈ કહે છે, ‘ગંભીર ગુના માટે કમ્પલ્સરી ફૉરેન્સિક ઇન્વેસ્ટિગેશન, સમન્સ માટે ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉપયોગ, એવિડન્સથી લઈને તમામ કાગળોનું ડિજિટાઇઝેશન કરવાની વાત ખરેખર સરાહનીય છે. આપણે ત્યાં એની જરૂર હતી જ અને એનાથી ઘણુંબધું કામ સ્પીડમાં થશે. ઇન્વેસ્ટિગેશનના વિડિયો-એવિડન્સ પણ સારો બદલાવ છે, પરંતુ ફરી એક વાર કહીશ કે આ બદલાવ માટે આખેઆખા કાયદાનાં પુસ્તકોને બદલવાની જરૂર નહોતી. માત્ર આ  ૧૫ ટકા બદલાવને એમાં ઉમેરવાની  જરૂર હતી.’

ડિજિટાઇઝેશનની જોકે અવળી અસર પણ થઈ શકે છે એ વિશે અમિત મહેતા કહે છે, ‘આપણે ત્યાં જે રીતે કોર્ટ અને પોલીસ પ્રોસિડિંગમાં ડિજિટલ ટ્રાન્સપરન્સી લાવવાનો કાયદો આવ્યો છે એમ એની સુરક્ષા માટે કડક આઇટી લૉ આવવો ખૂબ જરૂરી છે, અન્યથા ઑનલાઇન ડેટાનો દુરુપયોગ થવાની પૂરી સંભાવના છે. લોકો પોતાની પર્સનલ દુશ્મની કાઢવા માટે પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર અવેલેબલ ડેટાનો મન ફાવે એમ દુરુપયોગ કરી શકે છે. બીજું, એક્યુઝ્‍ડની ગેરહાજરીમાં પણ ૯૦ દિવસ પછી તેના નામની ટ્રાયલ થાય અને તે પોતાનો પક્ષ મૂકી જ ન શકે અને જજમેન્ટ આપી શકાય એ કાયદો મને યોગ્ય નથી લાગ્યો. જોકે હું માનું છું કે સમય પ્રમાણે એમાં અમેન્ડમેન્ટ આવશે. છ-આઠ મહિનામાં જ લોકો નવા કાયદાથી પરિચિત થઈ જશે. વિરોધનું તો એવું છે કે કોઈ પણ નવી વસ્તુ આવે ત્યારે શરૂઆતમાં એ બદલાવ માટે રિઝસ્ટન્ટ આવતું જ હોય છે. જુદા-જુદા ટૅક્સ ભરતા હતા એમાંથી એક ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) પર આવ્યા ત્યારે પણ લોકો અનકમ્ફર્ટેબલ થયા હતા, પણ હવે જુઓ તો બધું સ્મૂધ થઈ ગયું છે. એવી જ રીતે મોફામાંથી રેરા આવ્યું ત્યારે પણ ઊહાપોહ થયો હતો, પણ હવે રેરા સ્વીકારાઈ ગયું છે.’ 
ક્રિમિનલ લૉના નવા કાયદાઓ વિશે બૉમ્બે બાર અસોસિએશન દ્વારા પણ ટ્રેઇનિંગ સેશન થઈ ચૂક્યાં છે. બૉમ્બે બાર અસોસિએશનના પ્રમુખ નીતિન ઠક્કર કહે છે, ‘અમે એપ્રિલમાં કાયદાનિષ્ણાત અને સિનિયર ઍડ્વોકેટ નીતિન દેસાઈને બોલાવીને એક ઇન્ફર્મેટિવ સેમિનાર કરેલો. અત્યારે જે બદલાવ આવ્યો છે એમાં બહુ મૂંઝાવા જેવું નથી. સામાન્ય રીતે વકીલો નિયમિત સ્ટડી કરતા જ હોય છે અને દરેક કેસ મુજબ તેમણે જુદા-જુદા કાયદાનાં પુસ્તકો ઉથલાવીને કલમોનો અભ્યાસ કરવો જ પડે છે. સરકારે પૂરતો સમય આપ્યો હતો અને આવનારા એકાદ વર્ષમાં તો વકીલો નવા કાયદાનાં પુસ્તકોથી અને એની બદલાયેલી કલમોથી સુપેરે પરિચિત થઈ જશે એની મને ખાતરી છે.’

હજી આપણી લીગલ સિસ્ટમમાં ભાષાની બાબતમાં બદલાવ લાવવાની તાતી જરૂર છે એમ જણાવીને દીપેશ મહેતા બહુ મહત્ત્વના બદલાવ વિશે ઉમેરે છે, ‘ઇંગ્લૅન્ડમાં હું લીગલ પ્રૅક્ટિસ કરું છું. ત્યાં એક વાર મેં એક પિટિશનમાં આપણે ત્યાં છે એવી ભાષા વાપરી તો મને કહેવામાં આવ્યું કે ભાઈ થોડુંક સરળ ભાષામાં લખોને. ત્યાંના નિયમ મુજબ જો કૉમન મૅનને ન સમજાય એવી ભાષા વારંવાર વપરાય તો વકીલને સમન મોકલવામાં આવે છે. ભારતીય ન્યાય-વ્યવસ્થામાં ભાષાની દૃષ્ટિએ હવે સરળતા લાવવાની જરૂર છે.’

તૈયારીઓ છે ફુલ જોશમાં
આ કાયદામાં ટેક્નૉલૉજિકલ બદલાવ સૌથી વધુ પ્રશંસનીય ગણાઈ રહ્યો છે જેની તૈયારીના ભાગરૂપે લોકો ઑનલાઇન પણ  ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) રજિસ્ટર્ડ કરવાથી લઈને બાકીના તમામ ડૉક્યુમેન્ટ્સ ઑનલાઇન મૂકી શકાય એ માટે પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગમાં લેવાતી અત્યારની ‘ક્રાઇમ ઍન્ડ ક્રિમિનલ ટ્રૅકિંગ નેટવર્ક ઍન્ડ સિસ્ટમ (CCTNS)’ નામની ઍપ્લિકેશનમાં ૨૩ નવા સુધારા અને ઉમેરા કરવામાં આવ્યા છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિરંતર સપોર્ટ પૂરો પાડી શકાય એ માટે કૉલ સેન્ટર્સ ઊભાં કરવામાં આવ્યાં છે અને એવી સુરક્ષિત ઍપ્લિકેશન બનાવવામાં આવી છે જ્યાં સુરક્ષિત ક્લાઉડ પર ઇન્વેસ્ટિગેશનની વિડિયોગ્રાફી અને ફૉરેન્સિક પ્રૂફ અપલોડ કરી શકાશે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્‌સ બ્યુરો દ્વારા તમામ ટેક્નૉલૉજિકલ સહાય કરવાની જવાબદારી લેવામાં આવી છે. એવી જ રીતે ઇલેક્ટ્રૉનિક રીતે ન્યાયિક સમન, પુરાવા તેમ જ કેસને લગતા તમામ દસ્તાવેજોને ડિજિટલ પ્લૅટફૉર્મ આપવાના ભાગરૂપે ઈ-સાક્ષ્ય, ન્યાય શ્રુતિ અને ઈ-સમન નામની ઍપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે. આવતી કાલે દેશના ૧૭,૫૦૦ પોલીસ-ઠાણાંઓમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, સમાજના અગ્રણીઓની હાજરીમાં આ ત્રણ નવા ક્રિમિનલ લૉ સાથે સંકળાયેલી મહત્ત્વની માહિતીઓ શૅર કરવામાં આવશે. કેટલાક અખબારી અહેવાલો કહે છે કે આ કાયદાના સંદર્ભમાં અત્યાર સુધીમાં પોલીસ અધિકારી, ફૉરેન્સિક એક્સપર્ટ, ન્યાયાલય સાથે સંકળાયેલા લોકો સહિત લગભગ ૬ લાખ લોકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે, જેઓ અન્યને પ્રશિક્ષિત કરી શકે. એ સિવાય ૪૦ લાખ કરતાં વધુ લોકોને ગ્રાઉન્ડ-લેવલ પર અત્યાર સુધીમાં આ નવા કાયદા માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

columnists gujarati mid-day ruchita shah