જવાબ શોધીએ કે શું છે મહિલા દિનઃ સાઇકોલૉજિકલ, ઇમોશનલ ઇવેન્ટ કે માર્કેટિંગ ફન્ડા?

09 March, 2025 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું આમ એક ચોક્કસ દિવસ ઊજવવાની વાત સાઇકોલૉજિલ કે ઇમોશનલ ગેમ નથી લાગતી?

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે દર વર્ષની જેમ મહિલા દિન ઊજવાયો. આપણે દિનની નહીં, આજની મહિલાઓની સીધી વાત કરીએ. મહિલાઓનો માત્ર એક જ વિશેષ દિવસ? ખુદ મહિલાઓ હજી કેમ પોતાને એક દિવસ પૂરતી અલગ ગણે છે? શું આમ એક ચોક્કસ દિવસ ઊજવવાની વાત સાઇકોલૉજિલ કે ઇમોશનલ ગેમ નથી લાગતી? સમય સાથે ધરખમ પરિવર્તનની સાક્ષી બની રહેલી મહિલાઓએ આ દિવસ વિશે નવેસરથી વિચારવાની જરૂર છે.

દીકરી એટલે સાપનો ભારો, દીકરી ને ગાય દોરે ત્યાં જાય આવી કહેવતોનો જમાનો ગયો, તે સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા સાથે પરિવારનો ખરો સહારો બની છે. સ્ત્રીને સમજવામાં પુરુષ સમાજ તો સદીઓથી માર ખાતો રહ્યો હતો, પરંતુ કમનસીબે સ્ત્રીને સમજવામાં ઘણે અંશે ચોક્કસ સ્ત્રી વર્ગ પણ પછાત રહી ગયો, જેથી કયારેક એવું પણ જોવા મળે છે કે પુરુષ વર્ગ કરતાં સ્ત્રીને અન્યાય કરવામાં એ સ્ત્રી વર્ગ જ સામેલ રહ્યો. જોકે હવે આનાં પણ વળતાં પાણી શરૂ થઈ ગયાં છે અને કુદરત-કર્મની બાજી પલટાઈ રહી છે, સહનશક્તિની સીમા આવવા લાગી છે. હવે પછી માત્ર શક્તિ રહેશે. જોકે હજી મોટાં શહેરો, નાનાં શહેરો અને ગામડાંઓની મહિલા વચ્ચેના મોટા-મોટા ફરક ઊભા છે.

સ્ત્રી એક એવું આગવું વ્યક્તિત્વ છે જેનું સ્થાન બીજું કોઈ લઈ શકતું નથી. જેમ કે માતૃત્વનો અધિકાર સૃષ્ટિએ-પ્રકૃતિએ માત્ર સ્ત્રીને આપ્યો છે. સ્ત્રીના દરેક સ્વરૂપમાં સંવેદનશીલતા છે, લાગણી-સ્નેહ છે. તે દીકરી, બહેન, પત્ની હોય કે માતા હોય, દરેક સ્વરૂપે તે ઉત્તમ સાબિત થવાની ક્ષમતા ધરાવે છે. તેની એક અપેક્ષા હોય છે, એને સમજો. તેની સાથે અન્યાય ન કરો. સમાજ તેની ઉપેક્ષા કરતો રહે તો એનું વરવું પરિણામ સમાજે જ ભોગવવાનું આવે છે. મહિલાઓની ગરિમા અને ગૌરવને સાચવી નહીં શકનાર સમાજ ક્યારેય ખરા અર્થમાં વિકાસ કરી શકતો નથી, જે આપણી નજર સામે છે.

સ્ત્રીઓ હવે માત્ર સ્વતંત્ર જ નહીં, સ્વચ્છંદ પણ બની રહી છે. પરંતુ ખરેખર તો એ તેના અતિશોષણનું પરિણામ હોઈ શકે, જેથી તેની સ્વચ્છંદતાની ટીકા કરવાને બદલે તેને સમજવાની જરૂર છે. આજનો પુરુષ પણ આ પરિવર્તન જોઈ રહ્યો છે અને એને સમજી-સ્વીકારીને એમાં સાથ પણ આપતો થયો છે. જોકે હજી લાંબી મજલ કાપવાની છે. અલબત્ત, અત્યાર સુધી જેટલો લાંબો સમય લાગ્યો છે એટલો સમય હવે નહીં લાગે એ નક્કી છે. આ બન્ને વર્ગ એકસમાન ધારા પર આવી રહ્યા છે. સ્ત્રી હોય કે પુરુષ, બન્ને આખરે તો એક માનવી જ છે, તેમને માનવી તરીકે જોવા જોઈએ. આ ધરી અને આ વિચારધારા પર બન્નેએ આવવું જોઈશે. આ સત્યને ધ્યાનમાં રાખીને પણ મહિલા દિનની ઉજવણીને નવું સર્જનાત્મક નામ આપવું જોઈએ. બાકી માત્ર દેખાવની ઉજવણી થતી રહેશે તો માર્કેટિંગના માસ્ટર્સ એનો કમર્શિયલ ઉપયોગ કરતા રહેશે.

columnists womens day jayesh chitalia gujarati mid-day