18 August, 2024 02:14 PM IST | Mumbai | Aashutosh Desai
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની હેડ ઑફિસ વક્ફ બોર્ડની માલિકીની કહેવાય છે.
મૂળતઃ મસ્જિદ જેવા ધર્મસ્થાન અને કબ્રસ્તાનની સારસંભાળ અને સંરક્ષણનું કામ કરનારી સંસ્થા અત્યારે ભારતમાં ૯.૪ લાખ એકર કરતાં વધુ જમીનની માલિકી ધરાવે છે. આજે જાણીએ કે સુરતના મ્યુનિસિપલ કૉર્પોરેશનની હેડ ઑફિસથી લઈને બેટદ્વારકાના બે આઇલૅન્ડ અને તાજમહલથી લઈને કાશી વિશ્વનાથના મંદિરને પણ પોતાની પ્રૉપર્ટી ગણાવતું વક્ફ બોર્ડ શું છે, એની રચના કઈ રીતે થઈ અને કઈ રીતે છૂટે હાથે એને પ્રૉપર્ટીઓ હસ્તગત કરવાનો દોર મળ્યો કે એને લગતા વિવાદમાં સુપ્રીમ કોર્ટ સુધ્ધાં હસ્તક્ષેપ ન કરી શકે
ગયા ગુરુવારે માઇનૉરિટી અફેર્સ મિનિસ્ટર કિરણ રિજિજુ દ્વારા લોકસભામાં મૂળ ૧૯૫૪માં લાગુ કરાયેલા વક્ફ બોર્ડના કાયદામાં કુલ ૪૪ સુધારાઓ સાથેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. નવા પ્રસ્તાવ મુજબ આ કાયદાને ‘યુનિફાઇડ વક્ફ મૅનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી ડેવલપમેન્ટ’ - ‘UMEED’ તરીકે ઓળખવામાં આવશે. વક્ફ બોર્ડના કાયદામાં હમણાં સુધીમાં આ ત્રીજી વારનો સુધારા-પ્રસ્તાવ હતો. ૧૯૫૪માં એ લાગુ કરાયા બાદ પહેલી વાર ૧૯૯૫માં નરસિંહ રાવની કૉન્ગ્રેસ સરકાર હતી ત્યારે, બીજી વાર ૨૦૧૩ની સાલમાં મનમોહન સિંહની કૉન્ગ્રેસ સરકાર સત્તા પર હતી ત્યારે અને હવે ત્રીજી વાર ૪૪ સુધારાઓ સાથે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર દ્વારા મૂકવામાં આવ્યો. આ બિલ હજી કાયદો નથી બની શક્યું અને કયા કારણથી એને જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટી (JPC)માં મોકલવામાં આવ્યું એ પહેલા સમજીએ.
આ વક્ફ બોર્ડ છે શું? એના વિશે એક આખો અલગ કાયદો બનાવવાની જરૂર કેમ પડી? કઈ રીતે, શા માટે એ આજે ભારતમાં સરકાર પછી સૌથી વધુ અચલ સંપત્તિ ધરાવે છે? ભારત દેશમાં આજે રેલવે અને ડિફેન્સ બાદ વક્ફ બોર્ડ સૌથી વધુ જમીનની માલિકી ધરાવે છે. વર્ષ ૨૦૨૨ના ડિસેમ્બર સુધી વક્ફ બોર્ડની અધિકૃત વેબસાઇટ પર નોંધાયા અનુસાર એની કુલ ૮,૬૫,૬૪૬ અચલ સંપત્તિ છે! ૩,૫૬,૦૪૭ એસ્ટેટ્સ અને ૧૬,૭૧૩ ચલ સંપત્તિ છે. આ બધું મળીને ભારતમાં ૯.૪ લાખ એકર કરતાં વધુ જમીન વક્ફ બોર્ડની માલિકીની છે. આ તો માત્ર ડિસેમ્બર ૨૦૨૨ સુધી નોંધાયેલી પ્રૉપર્ટીઝના આંકડા છે. આ સિવાય આજ સુધીમાં એમાં કેટલો ઉમેરો થયો છે, નહીં નોંધાયેલી અને ઝઘડા કે વિવાદમાં કેટલી પ્રૉપર્ટીઓ છે એનો હિસાબ તો જોડ્યો જ નથી. અર્થાત્, વિશ્વના કુલ ૧૯૮ દેશોમાંથી
કંઈકેટલાય દેશો એવા હશે જેમનો કુલ જમીની વિસ્તાર પણ ભારતના વક્ફ બોર્ડની જમીન કરતાં ઓછો છે.
વક્ફ છે શું?
‘વક્ફ’ એક અરબી શબ્દ છે જે મૂળ શબ્દ વાકિફ પરથી આવ્યો. એનો અર્થ છે રોકવું. વક્ફનો ઇસ્લામિક દૃષ્ટિકોણથી અર્થ કરીએ તો એવી સંપત્તિ કે પ્રૉપર્ટી જે લોકકલ્યાણ કે પરોપકારના કામમાં લેવા માટે અલ્લાહના નામે દાન કરવામાં આવી હોય. આ રીતે વક્ફના આશયથી દાનમાં મળેલી જમીન કે પ્રૉપર્ટી પર સ્કૂલો, કૉલેજો, યુનિવર્સિટીઓ, હૉસ્પિટલો, આશ્રમ, મુસાફરો માટે ધર્મશાળા કે એવું કંઈ પણ લોકકલ્યાણ કે પરોપકારના કામમાં આવે એવું બનાવવું અથવા ઉપયોગમાં લેવું.
ઇસ્લામિક ઇતિહાસનાં થોડાં પાનાં ઉથલાવીએ તો વક્ફ માટે એક સુંદર કહાની મળે છે જે સ્વયં અલ્લાહ સાથે જોડાયેલી છે. વાત કંઈક એવી છે કે જ્યારે ખૈબરનું યુદ્ધ પૂરું થયું ત્યારે હઝરત ઉમર (જે પાછળથી ઇસ્લામમાં બીજા ખલીફા તરીકે ઓળખાયા)સાહેબને જમીનનો એક મોટો ટુકડો જીત તરીકે મળ્યો હતો. હઝરતસાહેબે એ જમીન વિશે પયગંબરસાહેબને પૂછ્યું કે આ જમીનનો તેમણે કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? ત્યારે પયગંબરસાહેબે કહ્યું કે આ જમીનને આ જ રીતે રહેવા દો, એના પર ખજૂર ઊગવા દો અને એનાથી જે કંઈ ફાયદો થાય એનો દાનમાં ઉપયોગ કરીને લોકકલ્યાણનું કાર્ય કરો.
હવે સૌથી પહેલાં તો વક્ફને જે કંઈ જમીન કે પ્રૉપર્ટી મળે એ માત્ર વક્ફ દ્વારા એટલે કે દાન દ્વારા જ મળવી જોઈએ. તો જ ટેક્નિકલી એ વક્ફ છે. બીજું, વક્ફના (દાન કે પરોપકારના) કામ માટે પોતાની જમીન કે પ્રૉપર્ટી આપનારને વાકિફ કહેવામાં આવે છે. વાસ્તવમાં ઇસ્લામ અનુસાર વાકિફ પોતે કરેલા વક્ફ માટે કહી શકે અથવા શરત મૂકી શકે છે કે તેણે આપેલી જમીન કે પ્રૉપર્ટીનો કયા પરમાર્થના કામ માટે ઉપયોગ કરવો અથવા તે પ્રૉપર્ટી કે જમીનથી થતી આવકનો ઉપયોગ ગરીબોના ઉત્થાન અને કલ્યાણ માટે જ ખર્ચ કરવામાં આવે.
વક્ફ બોર્ડની રચના
૧૯૪૭ના વર્ષમાં આપણને અંગ્રેજોથી આઝાદી મળી. દેશનું ત્રણ ભાગમાં વિભાજન થયું. ધર્મઆધારિત આ વિભાજનમાં મુસ્લિમોએ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનની માગણી કરી અને અખંડ ભારત ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયું. આ વિભાજનની એક કડવી વાસ્તવિકતા એ છે કે આ ભાગલા ધર્મના આધારે થયા હોવા છતાં ભારતે મુસ્લિમોને દેશમાં રહેવાની પરવાનગી આપી, પાકિસ્તાનમાં સ્થાયી થવાની ફરજ ન પાડી.
આ ભાગલાને કારણે ભારતીય પૉલિટિક્સને એક મુદ્દો મળી ગયો – ‘હિન્દુ-મુસ્લિમનું રાજકારણ.’ એમાં ડાબેરી, મુસ્લિમ અને મધ્યમમાર્ગી વિચારસરણીવાળા રાજકારણીઓના ડૉમિનેશનને કારણે આખા દેશમાં એવી છાપ ઊભી કરવામાં આવી કે મુસ્લિમો ગભરાયેલા છે, પીડિત છે, કચડાયેલા છે અને તેમને હંમેશાં અન્યાય થયો છે; જ્યારે વાસ્તવિકતા આથી સાવ ઊલટી જ હતી અને રહી છે.
હવે ભારતમાં વક્ફ બોર્ડની સ્થાપના કઈ રીતે થઈ? બન્યું હતું કંઈક એવું કે દેશ આઝાદ થયો ત્યારે ઇસ્લામમાં માનનારાઓની કેટલીક જમીન અને ધર્મસ્થાનોની જાળવણી કરવાની જવાબદારી દેશે અને સરકારે સ્વીકારી; પણ બૅક ઑફ ધ માઇન્ડ પેલી મુસ્લિમોને ખુશ કરવાની, તેમને અન્યાય થયો હોવાનું દિમાગમાં ઠસાવવાવાળી માનસિકતાને પ્રોત્સાહન આપવાના આશય સાથે ભારતમાં ૧૯૫૪માં તત્કાલીન વડા પ્રધાન નેહરુના વડપણ હેઠળ લોકસભામાં ‘ધ સેન્ટ્રલ વક્ફ ઍક્ટ-૧૯૫૪’ તરીકે એક બિલ રજૂ કરવામાં આવ્યું. કહેવામાં આવ્યું કે સરકાર બધી જમીન કે પ્રૉપર્ટીની કાળજી નહીં લઈ શકે આથી આ કાયદા અન્વયે એક ટ્રસ્ટ બનાવવામાં આવશે જેને ‘વક્ફ બોર્ડ’ તરીકે ઓળખવામાં આવશે. ૧૯૫૪માં કાયદો બન્યા પછીના એક જ વર્ષમાં ૧૯૫૫માં આ ટ્રસ્ટ રાજ્યસ્તરે પણ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને દરેક રાજ્યમાં વક્ફ બોર્ડનું ગઠન થયું.
જે સંસ્થા મુસ્લિમ સમાજમાં દાન અને પરોપકારનું મહત્ત્વ સમજાવવા માટે બની હતી, સમાજમાંથી મળેલા દાનને લોકકલ્યાણ માટે વાપરવાની હતી એને કાયદાનું સ્વરૂપ આપીને બાંયધરી આપી દેવામાં આવી કે એ સંસ્થા જ પોતાનામાં એક કાયદો બની જાય જેથી એ સંસ્થા ભવિષ્યમાં દેશના કાયદા અને ન્યાયવ્યવસ્થા કરતાં પણ મોટી અને ઊંચી થઈ શકે. કારણ? મુસ્લિમો પીડિત, વંચિત અને ગભરાયેલા છે; તેમનું ઉત્થાન સરકારે કરવું જોઈએ. ધર્મના આધારે છૂટા પડેલા બે દેશોમાં હિન્દુ મૅજોરિટીવાળા ભારતમાં આખરે એક એવો કાયદો બન્યો જેને કારણે વક્ફ બોર્ડ નામની સંસ્થાને છૂટોદોર મળી ગયો.
મૂળતઃ માત્ર મસ્જિદ (ધર્મસ્થાન) અને કબ્રસ્તાનની સારસંભાળ અને સંરક્ષણનું કામ કરનારી સંસ્થા હવે કાયદાને કારણે એવી સંસ્થા બની ગઈ હતી જેની પાસે દેશમાં ભારત સરકાર બાદ બીજા ક્રમાંકે સૌથી વધુ સંપત્તિ હોય. એક એવી સંસ્થા બની જવાની હતી જે ભવિષ્યમાં ન માત્ર સરકારી અસ્કયામતો અને જમીન પર માલિકીહક હોવાનો દાવો કરે બલ્કે હિન્દુ ધર્મસ્થાનો પર અને બીજી સામાન્ય અસ્કયામતો અને જમીનો પર પણ હકદાવો કરવાની હતી.
સુધારાએ વધુ તાકાત બક્ષી
૧૯૯૫ની સાલમાં એમાં કેટલાક મહત્ત્વના સુધારા-વધારા કરવામાં આવ્યા. વક્ફ બોર્ડની તાકાત અને હકો બન્ને કાયદાકીય રીતે વધારી દેવામાં આવ્યાં. જેમ કે એક મુખ્ય સુધારાની વાત કરીએ તો દેશમાં કોઈ પણ પ્રૉપર્ટી જેનો ઉપયોગ મુસ્લિમો દ્વારા ધાર્મિક પ્રવૃત્તિ માટે થતો હશે એ વક્ફ બોર્ડની પ્રૉપર્ટી ગણાશે; ભલે એ પ્રૉપર્ટીમાં કોઈ ડિસ્પ્યુટ હોય, કોઈ બીજાની માલિકી હોય કે કોઈ બીજાનું ડેક્લેરેશન હોય.
આ જ રીતે ૨૦૧૩ની સાલમાં ફરી નવા ઉમેરા લોકસભામાં પ્રસ્તુત કરવામાં આવ્યા અને વક્ફ હતું એના કરતાં પણ વધુ તાકતવર બની ગયું. ૨૦૧૩માં મુખ્ય ઉમેરો એવો થયો કે વક્ફની કોઈ પણ પ્રૉપર્ટી સેલ ડીડ, ગિફ્ટ, એક્સચેન્જ, મૉર્ગેજ કે બીજા કોઈ પણ પ્રકારે કોઈને ટ્રાન્સફર કરી શકાશે નહીં. વક્ફની પ્રૉપર્ટી પર એન્ક્રોચમેન્ટ કરનારને બે વર્ષ સુધીની જેલનું પ્રાવધાન પણ આ અમેન્ડમેન્ટમાં આવ્યું. વળી દેશમાં કોઈ પણ મિલકત જેના પર વક્ફ બોર્ડ દાવો કરે એનો સર્વે બહારની વ્યક્તિ કે સરકારી હોદ્દેદાર કરી શકે નહીં, માત્ર વક્ફ બોર્ડનો સર્વેયર જ સર્વે કરી શકે.
વક્ફની શરીફાઈના નમૂના
આ મુદ્દા વિશે કોઈ એક પુરાણ કરતાં વધુ લાંબું લખાણ લખી શકાય. અહીં વધુ નહીં તોય માત્ર બે જ નમૂનાની ચર્ચા કરીએ. પહેલી સુપ્રીમ કોર્ટ સુધી ગયેલા એક કેસની વાત છે. આજથી લગભગ બે વર્ષ પહેલાં, ઑગસ્ટ મહિનો, ૨૦૨૨નું વર્ષ. હૈદરાબાદના કેટલાક હિન્દુઓ ગણેશચતુર્થી ઉત્સવ નિમિત્તે ધાર્મિક ઉજવણી કરવા માગતા હતા. એ માટે બૅન્ગલોરના ચામરાજપેટમાં આવેલા મેદાન માટે તેમણે પરવાનગી માગી. હવે એ મેદાન ઈદગાહ મેદાન તરીકે ઓળખાય છે. વક્ફ બોર્ડની માલિકીનું એ મેદાન હતું એટલે બોર્ડે પરવાનગી આપવાની ના કહી દીધી. મામલો પોલીસ-સ્ટેશને અને ત્યાંથી હાઈ કોર્ટમાં ગયો. હિન્દુ ધાર્મિક તહેવારની ઉજવણી હોવાથી કર્ણાટક હાઈ કોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે હિન્દુઓની અરજીને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય કરો. હાઈ કોર્ટના ચુકાદા વિરુદ્ધ મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમમાં કેસ શરૂ થાય એ પહેલાં જ વક્ફ બોર્ડના વકીલ દ્વારા કોર્ટને કહેવામાં આવ્યું, ‘મેદાન વક્ફ બોર્ડની માલિકીનું છે. આ કેસ કોર્ટના કાર્યક્ષેત્રમાં આવતો જ નથી. સુપ્રીમ કોર્ટને કોઈ અધિકાર નથી કે એ આ કેસ અંગે કોઈ ચુકાદો આપે. આ મામલો વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલમાં જવો જોઈએ.’
ભારતની સર્વોચ્ચ અદાલત જે દેશની કેન્દ્ર સરકારને પણ કડક શબ્દોમાં ઠપકારે એણે કહી દેવું પડ્યું કે વક્ફ બોર્ડની માલિકીનું મેદાન હોવાથી અમે કોઈ ટિપ્પણી કરી શકીએ એમ નથી. ગણેશચતુર્થીની ઉજવણી કરવાની પરવાનગી માગતી અરજી નામંજૂર કરવામાં આવી.
બીજો મુંબઈનો કિસ્સો તો સ્વયં સરકાર સાથે બનેલો છે. માઇનૉરિટી અફેર્સ મિનિસ્ટર દ્વારા લોકસભામાં પણ કહેવાયો હતો. મુંબઈમાં બોરી મુસ્લિમોના એક ટ્રસ્ટની પ્રૉપર્ટી હતી જેનું ટાઇટલ સ્ટેટસ હાઈ કોર્ટે ૧૯૪૪માં જ ક્લિયર કરી દીધું હતું. સરકાર ત્યાં એશિયાનો સૌથી મોટો ક્લસ્ટર ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ શરૂ કરવાની હતી, પણ ન જાણે ક્યાંથી મુંબઈમાં રહેતી પણ નહીં હોય એવી એક વ્યક્તિ ગુજરાતથી આવી. તેણે વક્ફ બોર્ડમાં આ પ્રૉપર્ટી સામે વિરોધની ફરિયાદ દાખલ કરી દીધી. મજા જુઓ કે વક્ફ બોર્ડે તેની અરજી સ્વીકારતાં પ્રૉપર્ટીને નૉટિફાઈ પણ કરી દીધી અને ન માત્ર સરકારનો આખો પ્રોજેક્ટ અટકી પડ્યો બલ્કે એ પ્રૉપર્ટી પણ વક્ફ બોર્ડની હોવાનો નવો જ વિવાદ શરૂ થઈ ગયો.
કાયદામાં વપરાતું એક ખૂબ જાણીતું વાક્ય છે - બર્ડન ઑફ ટ્રુથ. આજે વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે બર્ડન ઑફ ટ્રુથ ફરિયાદી પર જ આવી પડે છે. ધારો કે આવતી કાલે તમારી પ્રૉપર્ટી માટે વક્ફ બોર્ડ કહી દે કે આ પ્રૉપર્ટી બોર્ડની છે તો ક્યાં તો તમારે એ માની લેવું પડે અથવા તમારે વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલમાં એ સાબિત કરવું પડે કે આ પ્રૉપર્ટી વક્ફની નહીં પરંતુ તમારી છે. આવો જ એક બીજો કિસ્સો જેમાં એક દિવસ અચાનક વક્ફ બોર્ડે આવીને કહ્યું કે સુરત શહેરની મ્યુનિસિપલ કૉર્પોરેશન હેડ ઑફિસની જગ્યા વક્ફ બોર્ડની છે. વક્ફ બોર્ડ દ્વારકાના બે આઇલૅન્ડ પોતાની માલિકીના હોવાનો દાવો કરી રહ્યું છે. એટલું જ નહીં, એક સમયે રિલાયન્સના ચૅરમૅન મુકેશ અંબાણીના ઘરની જગ્યાનો પણ વક્ફ બોર્ડે દાવો કર્યો હતો. આ સિવાય હૈદરાબાદમાં ISB, માઇક્રોસૉફ્ટ, વિપ્રો, લૅન્કો જેવી કૉર્પોરેટ ઑફિસિસની પ્રૉપર્ટી પણ બોર્ડનું કહેવું છે કે એ બધી જ વક્ફની છે. કલકત્તામાં ટૉલીગંજ ક્લબ, રૉયલ કલકત્તા ગૉલ્ફ ક્લબ અને બૅન્ગલોરમાં ITC વિન્ડસર હોટેલ પર વક્ફ બોર્ડ પોતાની માલિકીનો દાવો કરી રહ્યું છે. આ બધાથી ઉપર ખરો તમાશો તો તામિલનાડુમાં થયો હતો જ્યારે હિન્દુ મૅજોરિટીવાળા આખા એક ગામ પર ત્યાં આવેલા મંદિર સહિત માલિકીનો દાવો કરતાં બોર્ડે કહ્યું કે આ આખું ગામ વક્ફ બોર્ડની માલિકીનું છે.
બોર્ડની આંતરિક રચના
વક્ફની પ્રૉપર્ટીના સંરક્ષણ અને રખરખાવ માટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ બનાવવામાં આવી જે કેન્દ્ર સરકારને વક્ફ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર સલાહ આપે છે. રાજ્યસ્તરે બે રીતનાં બોર્ડ બનાવવાના અધિકાર આપવામાં આવ્યા છે : સુન્ની વક્ફ બોર્ડ અને શિયા વક્ફ બોર્ડ. એની રચનામાં એક ચૅરમૅન હોય છે. રાજ્ય સરકાર દ્વારા એમાં બે સભ્યોની નિયુક્તિ કરવામાં આવે છે. સામાન્ય રીતે એક મુસ્લિમ વિધાનસભ્ય અને એક સંસદસભ્ય હોય છે. આ સિવાય બોર્ડમાં એક મુસ્લિમ ટાઉન-પ્લાનર, એક મુસ્લિમ પ્રતિનિધિ, મુસ્લિમ બુદ્ધિજીવી અને સર્વે કમિશનર (જે સંપત્તિઓનો સર્વે કરે) સામેલ હોય છે. આ રીતે તૈયાર થયેલા બોર્ડનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. આ સિવાય વક્ફની જમીન-પ્રૉપર્ટી કે ચલ સંપત્તિ વિશે કોઈ વિવાદ ઊભો થાય તો એ માટે દરેક રાજ્યમાં એક કોર્ટ બનાવવામાં આવી છે જેને વક્ફ ટ્રિબ્યુનલ કહેવામાં આવે છે. આ કોર્ટને દેશની બીજી કોર્ટ સાથે કે બીજી કોર્ટને આ કોર્ટ સાથે કોઈ લેવાદેવા નથી.
વક્ફ લૉ ૧૯૫૪ શું કહે છે?
ક્યાં અને કેવા સુધારાઓ સરકાર દ્વારા આ નવા અમેન્ડમેન્ટ બિલમાં સૂચવવામાં આવ્યા છે એ વિશે જાણતાં પહેલાં ખૂબ ટૂંકાણમાં એ જાણી લઈએ કે મૂળ વક્ફ બોર્ડ કાયદામાં મહત્ત્વના મુદ્દાઓ કયા-કયા છે? આ કાયદાની ધારા ૪૦માં કહેવાયું છે કે ધારો કે દેશમાં કોઈ જમીન કે પ્રૉપર્ટી અંગે વક્ફ બોર્ડને લાગે કે આ પ્રૉપર્ટી તેમની છે તો બોર્ડ જાતે એ વિશે જાણકારી ભેગી કરીને એના વિશે નિર્ણય કરી શકે છે. જો કોઈને વક્ફના નિર્ણય સામે વાંધો હોય તો તે વક્ફ ટ્રિબ્યુનલમાં જઈ શકે છે. ટ્રિબ્યુનલ જે નિર્ણય જાહેર કરે એની સામે જો ફરિયાદીને સંતોષ નહીં હોય તો તે કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈ શકે નહીં. ટ્રિબ્યુનલનો નિર્ણય જ આખરી નિર્ણય ગણાશે. ફરિયાદી ચાહે તો હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે, પરંતુ એની કાયદાકીય ગૂંચવણ અને કાર્યવાહી ખૂબ જટિલ છે.
હાલ બોર્ડમાં કોઈ પણ મુસ્લિમ મહિલાને સ્થાન અપાતું નથી. બોર્ડના સત્તાવાર સર્વેયર સિવાય વક્ફ બોર્ડની પ્રૉપર્ટી કે હકદાવો કરનારી નવી પ્રૉપર્ટીનો સર્વે પણ કોઈ બીજો સર્વેયર કરી શકે નહીં. બોર્ડને અપાયેલી કે બોર્ડે લઈ લીધેલી પ્રૉપર્ટી પાછી મેળવવા માટે પણ કોઈ ફરિયાદ કે દાવો થઈ શકે નહીં. શિયા અને સુન્ની વક્ફ સિવાય બોરી મુસ્લિમ કે આગાખાની મુસ્લિમ પોતાનું બોર્ડ રચી શકે નહીં કે હાલના બોર્ડમાં મેમ્બરશિપ પણ મેળવી શકે નહીં. કોઈ મૃત્યુ પામેલા મુસ્લિમને જો કોઈ વારસદાર ન હોય તો તેની તમામ પ્રૉપર્ટીની માલિકી વક્ફ બોર્ડની થઈ જાય છે. કોઈ મુસ્લિમે જો પોતાની પ્રૉપર્ટી વક્ફ બોર્ડને દાનમાં આપવી હોય તો એ માટે ઘરની સ્ત્રીને જાણ કરવાની જરૂર નથી. કોઈ પણ મુસ્લિમ પોતાની જમીન કે પ્રૉપર્ટી વક્ફ બોર્ડને મૌખિકમાં પણ દાન કરી શકે છે. એટલે કે એ માટે કોઈ લખાણ કે દસ્તાવેજ કરવાની જરૂર નથી. આવા તો અનેક મુદ્દાઓ અને જોગવાઈ છે જેમાંથી અહીં તો આપણે માત્ર મુખ્ય-મુખ્ય જોગવાઈ જ ગણાવી છે.
કેવા સુધારાઓ સૂચવવામાં આવ્યા છે?
સરકારનું કહેવું છે કે વક્ફ એક ટ્રસ્ટ છે અને એ સમાજના ઉત્થાન માટે કાર્ય કરનારી સંસ્થા છે એટલે એમાં કોઈ જટિલ વાડાબંધી ન હોવી જોઈએ. સરકાર આ માટે વક્ફ અમેન્ડમેન્ટ બિલ-૨૦૨૪ દ્વારા કુલ ૪૪ સુધારાઓ સૂચવી રહી છે. એ બધા નહીં તો પણ કેટલાક મુખ્ય સુધારાઓની જ વાત કરીએ તો સરકાર હવે સર્વે અને હકદાવાના આકલનની જવાબદારી ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને સોંપવા માગે છે. વળી હમણાં સુધી કોઈ પણ વિવાદના નિરાકરણ માટે વક્ફ ટ્રિબ્યુનલને જે સત્તાઓ આપવામાં આવી છે એ બદલીને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને આપવામાં આવશે. અર્થાત્ હવે કોઈ પણ ફરિયાદ માટે જે-તે જિલ્લાના કલેક્ટર પાસે જઈ શકાશે અને કલેક્ટર પણ એ વિશે પોતાનો નિર્ણય આપી શકશે. વળી કહેવાયું છે કે હવે કોઈ પણ મુસ્લિમ બોર્ડને પોતાની જમીન કે પ્રૉપર્ટી દાન કરી શકે એવું રહેશે નહીં. એ માટે કાયદાકીય દસ્તાવેજ અને લખાણ કરવું જરૂરી બનશે, મૌખિક દાન થઈ શકશે નહીં. વળી બોર્ડ એવા જ મુસ્લિમ પાસે દાન સ્વીકારી શકશે જે કમસે કમ છેલ્લાં પાંચ વર્ષથી ઇસ્લામ ધર્મનું પાલન કરી રહ્યો હોય.
નવો એક સુધારો એવું પણ કહે છે કે હવેથી કોઈ પણ વ્યક્તિએ વક્ફ બોર્ડને પોતાની કોઈ પણ સંપત્તિ દાન કરતાં પહેલાં ઘરની સ્ત્રીને પૂછવું પડશે, તેની પરવાનગી લેવી પડશે અને તેની મરજી નહીં હોય તો દાન થઈ શકશે નહીં. એટલું જ નહીં, વક્ફ બોર્ડમાં પણ મહિલા આરક્ષણનું પ્રાવધાન રજૂ કરાયું છે જે અનુસાર બોર્ડમાં કમસે કમ બે મહિલા સભ્યોને રાખવી ફરજિયાત રહેશે. બોર્ડની રચના અંગે વાત નીકળી જ છે તો એ પણ જણાવી દઈએ કે નવા બિલમાં બીજા મુસ્લિમોને પણ બોર્ડની મંજૂરી આપવા વિશે કહેવાયું છે. અર્થાત્ બોરી મુસ્લિમ, આગાખાની અને મુસ્લિમ OBCને પણ હવે બોર્ડમાં સ્થાન આપવું પડશે. એટલું જ નહીં, સરકારે સૂચવ્યું છે કે હવે નવા સુધારા તરીકે બોર્ડમાં કમસે કમ બે મેમ્બર નૉન-મુસ્લિમ પણ હોવા જોઈએ.
ધારા ૪૦માં મોટો સુધારો કરવા માગતી સરકારે આ બિલમાં એવું પણ સૂચવ્યું છે કે હવે બોર્ડને જો કોઈ પ્રૉપર્ટી અંગે લાગે કે જે-તે પ્રૉપર્ટી એની છે તો એટલા માત્રથી તે જે-તે પ્રૉપર્ટી પર હક-દાવો કરી શકાશે નહીં. એ માટે એનાં પૂરેપૂરાં કાગળિયાં અને સત્યતાની ચકાસણી કરવામાં આવશે. સર્વે થશે, ટાઇટલ અને ડૉક્યુમેન્ટ્સ ચકાસવામાં આવશે અને ત્યાર બાદ સાબિત થશે કે જે-તે સંપત્તિ ખરેખર વક્ફ બોર્ડની પ્રૉપર્ટી છે તો જ તે મેળવી શકશે. ટૂંકમાં કહીએ તો સરકાર ધારા ૪૦ને પૂર્ણ રીતે આ કાયદામાંથી નાબૂદ કરવા માગે છે. બીજો એક સૌથી મોટો સુધારો જે સૂચવવામાં આવ્યો છે એ ઑડિટ વિશેનો છે. આજ સુધી વક્ફને કેટલી પ્રૉપર્ટી, ક્યાંથી, કઈ રીતે મળે છે અને એનું શું થાય છે એ વિશેના કોઈ હિસાબ-કિતાબ કોઈ માગી શકતું નહોતું કે કોઈ આપતું પણ નહોતું, પરંતુ હવે સરકાર કહી રહી છે કે કેન્દ્ર સરકારને જ્યારે જરૂર લાગે ત્યારે એ વક્ફ બોર્ડનું ઑડિટ કરાવી શકશે. એટલું જ નહીં, એણે સૂચવ્યું છે કે કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા એ માટેના ઑડિટર અપૉઇન્ટ કરશે.
આશય અને JPC
નિઃસંદેહ આ સુધારા પાછળ કેન્દ્ર સરકારનો આશય મુસ્લિમોના ઉત્થાન અને એમાંય ખાસ કરીને સ્ત્રીસશક્તીકરણ અને OBC મુસ્લિમોના ઉત્થાનનો છે જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, પરંતુ આ સાથે જ કાયદાની પણ ઉપર બનતી જઈ રહેલી વક્ફ બોર્ડની તાકાતોને ડામવાનો પણ આશય સરકાર રાખી રહી છે. કોઈ પણ ધર્મ પછી એ મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, હિન્દુ હોય કે કોઈ અન્ય; રાષ્ટ્ર અને રાષ્ટ્રીય કાયદાથી ઉપર કોઈ પણ ધર્મના કોઈ પણ અનુયાયી કે સંસ્થા આવતાં નથી. ત્યારે વક્ફ બોર્ડની અસીમિત સત્તાઓને અહીં સીમિત કરવાનો આશય સરકાર રાખી રહી છે. જોકે એથીયે વધુ મહત્ત્વનું છે JPCમાં આ બિલનું જવું. આ માટે મુખ્યત્વે બે કારણો દેખાઈ રહ્યાં છે. એક તો રાજ્યસભામાં સરકાર પાસે મૅજોરિટી નથી. આથી સરકારને એવો અંદેશો હશે કે આ બિલ લોકસભામાં તો પસાર થઈ જશે, પરંતુ રાજ્યસભામાં પસાર નહીં થાય. બીજું મુખ્ય કારણ હોઈ શકે દેશમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી. આ વખતની સામાન્ય ચૂંટણીમાં સત્તાપક્ષને બહુમત જેટલી સીટ્સ તો નથી જ મળી, સાથે જ વિપક્ષને ધારણા કરતાં વધુ સીટ્સ મળી છે. આ બદલાયેલા માહોલમાં શક્ય છે કે સરકાર બળજબરીએ કાયદામાં સુધારા લાવવાનો પ્રયત્ન કરે અને પરિસ્થિતિમાંથી ફાયદો ઉઠાવવા માગતા કેટલાક લોકો એને બહાનું બનાવીને કોમી રમખાણો ફેલાવવાનું કાવતરું કરે. એવી કોઈ અપ્રિય ઘટના કે અવ્યવસ્થા દેશમાં ન સર્જાય એ માટે સરકાર પ્રયત્નો કરી રહી છે કે જેટલા વધુ મુદ્દાઓ સાથે બીજા પક્ષોને આ બિલ માટે મનાવી લેવાય એટલા મનાવી લઈએ અને જો થોડા સુધારા કાઢી નાખવા પડે તો હાલ પૂરતા એ કાઢી નાખીને પણ બિલ પસાર કરાવી લઈએ.
આજે જ્યારે સુરતના મ્યુનિસિપલ કૉર્પોરેશનની હેડ ઑફિસથી લઈને બેટદ્વારકાના બે આઇલૅન્ડ અને તાજમહલથી લઈને કાશી વિશ્વનાથ મંદિરને પણ જો વક્ફ બોર્ડની પ્રોપર્ટી ગણાવવામાં આવી રહી હોય તો કદાચ એ સમય દૂર નથી કે જ્યારે દેશના દરેક મંદિર અને દરેક જાહેર સ્થળને વક્ફ બોર્ડ ધીરે-ધીરે પોતાની માલિકીનાં ગણાવીને હક-દાવો પ્રસ્તુત કરવા માંડે.
કાયદાની બલિહારી
દરેક ભારતીયને પ્રશ્ન થવો જોઈએ કે શું વક્ફ બોર્ડ અને એ અંગેનો કાયદો સંવૈધાનિક છે? ભારતને જ્યારે આઝાદી મળી ત્યાર બાદ દેશના ધર્મના આધારે ભાગલા થયા. ભારતના સંવિધાનની રચના થઈ એમાં ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ‘આ દેશમાં ધર્મના આધારે કોઈ કાયદો, ટ્રિબ્યુનલ કે કોઈ બીજી સ્પેશ્યલ સુવિધા નહીં હશે. ભારત દેશનો કાયદો અને સંવિધાન દરેક નાગરિકને (પછી ભલે તે ગમે તે ધર્મનો હોય) એકસરખી રીતે લાગુ પડશે.’
જો દરેક નાગરિકનાં હક અને ફરજો એકસરખાં હોય, કાયદો એકસરખો લાગુ પડતો હોય તો કોઈ એક ધર્મના લોકો અને તેમના ધર્મસ્થાનના સંરક્ષણ માટે અલગ બોર્ડ, કાયદો અને અલગ ટ્રિબ્યુનલ શા માટે? મજાની વાત એ છે કે અલગ-અલગ કારણો અને ઘટના માટે આજની તારીખે વક્ફ બોર્ડ વિરુદ્ધ કોર્ટમાં કુલ ૧૨૦ કેસ નોંધાયેલા છે. એમાંથી ૨૦ ફરિયાદો તો તેમના જ ધર્મના લોકો એટલે કે મુસ્લિમો તરફથી નોંધાવાયેલી છે.